હબાક્કૂક ૨:૧-૨૦

  • “હું જોઈશ કે તે મારી પાસે શું બોલાવવા માંગે છે” ()

  • પ્રબોધકને યહોવાનો જવાબ (૨-​૨૦)

    • ‘દર્શન પૂરું થાય એની આતુરતાથી રાહ જો’ ()

    • ન્યાયી માણસ પોતાના વિશ્વાસથી જીવશે ()

    • ખાલદીઓને પાંચ વખત અફસોસ (૬-૨૦)

      • પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે (૧૪)

 હું મારી ચોકીએ ઊભો રહીશ,+અને કિલ્લા* પર પહેરો ભરીશ. હું જોઈશ કે તે* મારી પાસે શું બોલાવવા માંગે છે,એ પણ જોઈશ કે તે મને ઠપકો આપે ત્યારે હું શું કહીશ.  ૨  પછી યહોવાએ મને કહ્યું: “આ દર્શન લખી લે અને પથ્થરની પાટીઓ* પર સાફ સાફ કોતરી લે,+જેથી મોટેથી વાંચીને સંભળાવનાર એને સહેલાઈથી* વાંચી શકે.+  ૩  કેમ કે આ દર્શન નક્કી કરેલા સમય માટે છે,એ પૂરું થવા ખૂબ આતુર છે, એ ખોટું પડશે નહિ. જો એવું લાગે કે એ મોડું કરી રહ્યું છે,* તોપણ એની આતુરતાથી રાહ જો!*+ એ ચોક્કસ સાચું પડશે,એ મોડું પડશે નહિ!  ૪  ઘમંડથી ફુલાઈ ગયેલા માણસને જો,તેનું દિલ નેક નથી. પણ ન્યાયી* માણસ પોતાના વિશ્વાસથી* જીવશે.+  ૫  સાચે જ, દ્રાક્ષદારૂ દગો દેનાર છે,એના નશાને લીધે અહંકારી માણસ પોતાના ધ્યેય સુધી પહોંચશે નહિ. તે માણસ પોતાની ભૂખ કબર* જેટલી વધારે છે,તે મોત જેવો છે, તે કદી ધરાતો નથી. તે સર્વ દેશો અને પ્રજાના લોકોનેપોતાના માટે ભેગા કરતો રહે છે.+  ૬  શું એ બધા લોકો તેના વિશે કહેવતોમાં વાત નહિ કરે, કટાક્ષમાં નહિ બોલે અને ઉખાણાં નહિ પૂછે?+ તેઓ કહેશે: ‘ક્યાં સુધી એ માણસ પારકાઓની વસ્તુઓનો સંગ્રહ કરતો રહેશે? અફસોસ છે તેને, કેમ કે તે પોતાનું જ દેવું વધારી રહ્યો છે.  ૭  શું તારા લેણદારો અચાનક ઊભા નહિ થાય? હા, તેઓ ઊઠશે અને તને ઢંઢોળી નાખશે,તેઓ તને લૂંટી લેશે.+  ૮  તેં માણસોનું લોહી વહેવડાવ્યું છે,તેં શહેરો અને એના રહેવાસીઓ પર અત્યાચાર કર્યો છે,+તેં આખી ધરતી પર આતંક ફેલાવ્યો છે,તેં ઘણી પ્રજાઓને લૂંટી લીધી છે,એટલે એના બચી ગયેલા લોકો તને લૂંટી લેશે.+  ૯  અફસોસ છે એ માણસને જે કપટથી પોતાનું ઘર ભરે છે. આફત તેના સુધી પહોંચે નહિ માટે,તે પોતાનો માળો ઊંચાઈ પર બાંધે છે! ૧૦  તારા કાવાદાવાને લીધે તારા ઘર પર કલંક લાગ્યું છે,ઘણા લોકોનું ખૂન કરીને તેં પોતાની વિરુદ્ધ પાપ કર્યું છે.+ ૧૧  તારી વિરુદ્ધ દીવાલનો પથ્થર પોકારી ઊઠશે,અને છતનો મોભ* એનો જવાબ આપશે. ૧૨  અફસોસ છે એ માણસને જે લોહીની નદીઓ વહેવડાવીને શહેર બાંધે છે,અને અન્યાયથી નગરનો પાયો નાખે છે! ૧૩  જુઓ! લોકો જેના માટે તનતોડ મહેનત કરે છે, એને અગ્‍નિ ભરખી જશે,પ્રજાઓની બધી મહેનત ધૂળમાં મળી જશે.+ શું એ બધું સૈન્યોના ઈશ્વર યહોવાની* આજ્ઞાથી જ નથી થતું? ૧૪  કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે,તેમ પૃથ્વી યહોવાના મહિમાના જ્ઞાનથી ભરપૂર થશે.+ ૧૫  અફસોસ છે એ માણસને જે પોતાના મિત્રોને દારૂ પિવડાવે છે,એમાં ગુસ્સો અને ક્રોધ ઉમેરીને તેઓને નશામાં ચકચૂર કરે છે,જેથી તેઓની નગ્‍નતા જોઈ શકે. ૧૬  તારા પર માનને બદલે અપમાન વરસશે. તું પણ પી અને સુન્‍નત* વગરની તારી હાલત ઉઘાડી પાડ.* હવે યહોવાના જમણા હાથે તારે પ્યાલો પીવો પડશે,+બદનામી તારા ગૌરવને ઢાંકી દેશે. ૧૭  જે રીતે તેં લબાનોનને બરબાદ કર્યું છે, એ રીતે તું પણ બરબાદ થશે,જે રીતે તેં ખૂંખાર જાનવરોનો સંહાર કર્યો છે, એ રીતે તારો પણ સંહાર થશે. કેમ કે તેં માણસોનું લોહી વહેવડાવ્યું છે,તેં શહેરો અને એના રહેવાસીઓ પર અત્યાચાર કર્યો છે,+તેં આખી ધરતી પર આતંક ફેલાવ્યો છે. ૧૮  કોતરેલી મૂર્તિ શું કામની? એ તો માણસોના હાથની રચના છે. જૂઠો શિક્ષક અને ધાતુની મૂર્તિ* શું કામનાં? તોપણ એના બનાવનાર એમાં ભરોસો મૂકે છેઅને નકામી તથા મૂંગી મૂર્તિઓ બનાવતા રહે છે.+ ૧૯  અફસોસ છે એ માણસને જે લાકડાના ટુકડાને કહે છે, “જાગ!” મૂંગા પથ્થરને કહે છે, “ઊભો થા! અમને શીખવ!” જુઓ! એ મૂર્તિ સોના-ચાંદીથી મઢેલી છે,+પણ એ શ્વાસ લેતી નથી.+ ૨૦  પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+ હે પૃથ્વી, તું તેમની આગળ ચૂપ રહે!’”+

ફૂટનોટ

કદાચ એ ઈશ્વરને બતાવે છે.
અથવા, “રક્ષણ આપતી દીવાલો કે ઢોળાવ.”
અથવા, “લાકડાની પાટીઓ.”
અથવા, “કડકડાટ.”
મૂળ, “જો એને મોડું થાય.”
અથવા, “એની આશા રાખ!”
અથવા કદાચ, “શ્રદ્ધાથી; માન્યતાથી.”
અથવા, “ભારોટિયો.”
અથવા કદાચ, “અને લથડિયાં ખા.”
અથવા, “ઢાળેલી મૂર્તિ.”