હઝકિયેલ ૧૦:૧-૨૨
૧૦ હું જોતો હતો એવામાં કરૂબોનાં માથાંની ઉપરના કાચના મંચ પર નીલમના પથ્થર જેવું કંઈક દેખાયું. એ રાજગાદી જેવું દેખાતું હતું.+
૨ શણનાં કપડાં પહેરેલા માણસને ઈશ્વરે* કહ્યું:+ “કરૂબોની નીચેનાં પૈડાંની વચ્ચે જા.+ કરૂબોની વચ્ચેથી ખોબો ભરીને સળગતા અંગારા લે.+ એ અંગારા શહેર પર નાખ.”+ એટલે મારા દેખતાં તે ગયો.
૩ એ માણસ અંદર ગયો ત્યારે, કરૂબો મંદિરની જમણી બાજુ ઊભા હતા અને અંદરનું આંગણું વાદળથી ભરાઈ ગયું.
૪ યહોવાનું ગૌરવ+ કરૂબો પરથી મંદિરના દરવાજાના ઉંબરા પર આવ્યું. મંદિર ધીમે ધીમે વાદળથી ભરાઈ ગયું.+ યહોવાના ગૌરવના તેજથી આંગણું ઝળહળી ઊઠ્યું.
૫ કરૂબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી સાંભળી શકાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો હતો.+
૬ શણનાં કપડાં પહેરેલા માણસને ઈશ્વરે* કહ્યું: “કરૂબોની વચ્ચે જા અને પૈડાંની વચ્ચેથી થોડી આગ લે.” એટલે તે અંદર ગયો અને એક પૈડાની પાસે ઊભો રહ્યો.
૭ કરૂબો વચ્ચેની આગ તરફ એક કરૂબે હાથ લંબાવીને થોડી આગ લીધી.+ તેણે એ આગ શણનાં કપડાં પહેરેલા માણસના+ ખોબામાં મૂકી, જે લઈને એ માણસ ગયો.
૮ કરૂબોને પાંખો નીચે માણસના હાથ જેવું કંઈક હતું.+
૯ હું જોતો હતો એવામાં મેં કરૂબોની બાજુમાં ચાર પૈડાં જોયાં. દરેક કરૂબની બાજુમાં એક પૈડું હતું. પૈડાંનો દેખાવ એવો હતો જાણે તૃણમણિ પથ્થર ચમકતો હોય.+
૧૦ એ ચારેચાર પૈડાંનો દેખાવ એકસરખો હતો. એ એવાં દેખાતાં હતાં જાણે એક પૈડામાં બીજું પૈડું હોય.*
૧૧ તેઓ આગળ વધતાં ત્યારે આમતેમ વળ્યાં વગર કોઈ પણ દિશામાં જઈ શકતાં હતાં. કરૂબનું માથું જે તરફ હોય એ તરફ તેઓ આમતેમ વળ્યાં વગર જતાં હતાં.
૧૨ કરૂબોનાં શરીર, તેઓની પીઠ, તેઓની પાંખો અને તેઓના હાથ પર બધે આંખો હતી. ચારેય કરૂબો પાસેનાં પૈડાંની બધી બાજુ આંખો જ આંખો હતી.+
૧૩ મેં એક અવાજ સાંભળ્યો, જે પૈડાંને આમ કહેતો હતો: “પૈડાઓ!”
૧૪ દરેકને* ચાર ચહેરા હતા. પહેલો ચહેરો કરૂબનો, બીજો ચહેરો માણસનો, ત્રીજો ચહેરો સિંહનો અને ચોથો ચહેરો ગરુડનો હતો.+
૧૫ આ એ જ દૂતો છે, જેઓને મેં કબાર નદી+ પાસે જોયા હતા. કરૂબો ઊંચે ચઢતા હતા.
૧૬ કરૂબો આગળ વધતા ત્યારે તેઓની સાથે સાથે પૈડાં પણ આગળ વધતાં. કરૂબો ધરતી પરથી ઊંચે ચઢવા પોતાની પાંખો ફેલાવતા ત્યારે, પૈડાં તેઓની બાજુમાંથી આમતેમ વળતાં નહિ.+
૧૭ તેઓ ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં. તેઓ ઊંચે જતા ત્યારે પૈડાં પણ તેઓની સાથે ઊંચે જતાં, કેમ કે દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી.
૧૮ યહોવાનું ગૌરવ+ મંદિરના દરવાજાના ઉંબરા પરથી ખસીને કરૂબોની ઉપર આવ્યું.+
૧૯ મેં જોયું તો કરૂબો પાંખો ફેલાવીને ધરતી પરથી ઊંચે ચઢ્યા. તેઓની સાથે સાથે પૈડાં પણ ઊંચે ચઢ્યાં. તેઓ યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજે આવીને ઊભા રહ્યા. ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ તેઓની ઉપર હતું.+
૨૦ આ એ જ દૂતો હતા, જેઓને મેં કબાર નદી+ પાસે ઇઝરાયેલના ઈશ્વરની રાજગાદી નીચે જોયા હતા. મને ખબર પડી કે તેઓ કરૂબો હતા.
૨૧ એ ચારેયને ચાર ચહેરા હતા અને ચાર પાંખો હતી. તેઓને પાંખો નીચે માણસના હાથ જેવું કંઈક હતું.+
૨૨ તેઓના ચહેરાઓનો દેખાવ મેં કબાર નદી+ પાસે જોયેલા ચહેરાઓ જેવો જ હતો. દરેક દૂત સીધો આગળ જતો.+
ફૂટનોટ
^ મૂળ, “તેમણે.”
^ મૂળ, “તેમણે.”
^ પૈડાં કદાચ એક ધરી પર કાટખૂણે લગાવેલાં હતાં.
^ એટલે કે, દરેક કરૂબ.