લેવીય ૩:૧-૧૭
૩ “‘જો કોઈ માણસ યહોવાને શાંતિ-અર્પણ*+ ચઢાવે અને જો તે પોતાનાં ઢોરઢાંકમાંથી અર્પણ આપે, તો એ ખોડખાંપણ વગરનો નર અથવા માદા હોય.
૨ તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકે. પછી એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ કાપે. હારુનના દીકરાઓ, એટલે કે યાજકો એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે.
૩ શાંતિ-અર્પણના આ ભાગો યહોવાને આગમાં અર્પણ કરવા:+ આંતરડાં પરની ચરબી,+ આંતરડાં ફરતેની બધી ચરબી,
૪ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ+ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે.
૫ હારુનના દીકરાઓ એ બધા ભાગો વેદીના સળગતાં લાકડાં પર, અગ્નિ-અર્પણ ઉપર મૂકીને ચઢાવે.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+
૬ “‘જો તે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવવા પોતાનાં ઘેટાં-બકરાંમાંથી કંઈક આપે, તો એ ખોડખાંપણ વગરનો નર અથવા માદા હોય.+
૭ જો તે અર્પણમાં ઘેટો ચઢાવે, તો એને યહોવાની આગળ લાવે.
૮ તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકે. પછી, એને મુલાકાતમંડપની આગળ કાપે. હારુનના દીકરાઓ એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે.
૯ શાંતિ-અર્પણમાં ચઢાવવાની ચરબી યહોવાને આગમાં અર્પણ કરવી.+ પ્રાણીના આ ભાગો અલગ કરવા: કરોડરજ્જુ પાસેની ચરબીથી ભરેલી પૂંછડી, આંતરડાં પરની ચરબી, આંતરડાં ફરતેની બધી ચરબી,
૧૦ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે.+
૧૧ પછી યાજક એને ખોરાક* તરીકે વેદી પર આગમાં ચઢાવે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.+
૧૨ “‘જો તે અર્પણમાં બકરી ચઢાવે, તો એને યહોવાની આગળ લાવે.
૧૩ તે બકરીના માથા પર પોતાનો હાથ મૂકે. પછી એને મુલાકાતમંડપ આગળ કાપે. હારુનના દીકરાઓ એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે.
૧૪ આ ભાગો યહોવાને આગમાં અર્પણ કરવા: આંતરડાં પરની ચરબી, આંતરડાં ફરતેની બધી ચરબી,+
૧૫ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે.
૧૬ પછી યાજક એને ખોરાક* તરીકે વેદી પર આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.+
૧૭ “‘તમે જરા પણ લોહી કે ચરબી ન ખાઓ.+ એ નિયમ હંમેશ માટે છે, જે તમારી પેઢી દર પેઢીને લાગુ પડશે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.’”
ફૂટનોટ
^ મૂળ, “શાંત.”
^ એટલે કે, શાંતિ-અર્પણમાં ઈશ્વરનો હિસ્સો.
^ એટલે કે, શાંતિ-અર્પણમાં ઈશ્વરનો હિસ્સો.