લેવીય ૧૫:૧-૩૩
-
જાતીય અંગોમાંથી વહેતા સ્રાવને લીધે અશુદ્ધ (૧-૩૩)
૧૫ વધુમાં, યહોવાએ મૂસા અને હારુનને કહ્યું:
૨ “ઇઝરાયેલીઓને કહો, ‘જો કોઈ પુરુષના જાતીય અંગમાંથી સ્રાવ વહે, તો એ સ્રાવને લીધે તે અશુદ્ધ છે.+
૩ એ સ્રાવને લીધે તે અશુદ્ધ છે, પછી ભલે તેના જાતીય અંગમાંથી સતત સ્રાવ વહેતો હોય અથવા એ સ્રાવને લીધે તેનું જાતીય અંગ બંધ થઈ ગયું હોય. સ્રાવને લીધે તે હજી અશુદ્ધ છે.
૪ “‘સ્રાવવાળો માણસ જે પથારી પર સૂએ એ અશુદ્ધ ગણાય. તે જે વસ્તુ પર બેસે એ પણ અશુદ્ધ ગણાય.
૫ જે કોઈ તેની પથારીને અડકે, તે પોતાનાં કપડાં ધૂએ, સ્નાન કરે અને સાંજ સુધી અશુદ્ધ ગણાય.+
૬ સ્રાવવાળો માણસ જે વસ્તુ પર બેઠો હોય, એના પર જે વ્યક્તિ બેસે તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૭ સ્રાવવાળા માણસને જે કોઈ અડકે, તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૮ જો સ્રાવવાળા માણસનું થૂંક કોઈ શુદ્ધ વ્યક્તિ પર પડે, તો તે વ્યક્તિ પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૯ જો સ્રાવવાળો માણસ જાનવરની પીઠે જીન પર બેસીને સવારી કરે, તો એ જીન અશુદ્ધ ગણાય.
૧૦ સ્રાવવાળો માણસ જે વસ્તુ પર બેઠો હતો, એ વસ્તુને જે વ્યક્તિ અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ એ વસ્તુ ઉઠાવે, તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૧૧ જો સ્રાવવાળો માણસ+ હાથ ધોયા વગર કોઈ વ્યક્તિને અડકે, તો તે વ્યક્તિ પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૧૨ જો સ્રાવવાળો માણસ કોઈ માટીના વાસણને અડકે, તો એ વાસણ ભાંગી નાખવું, પણ જો લાકડાના વાસણને અડકે, તો એને પાણીથી ધોઈ નાખવું.+
૧૩ “‘જ્યારે તેનો સ્રાવ બંધ થાય, ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સ્રાવ બંધ થયાના સાતમા દિવસે પોતાનાં કપડાં ધૂએ અને ઝરાના તાજા પાણીથી સ્નાન કરે. આમ, તે શુદ્ધ થશે.+
૧૪ આઠમા દિવસે, તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લે+ અને યહોવા સામે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવે અને યાજકને આપે.
૧૫ યાજક એમાંથી એકને પાપ-અર્પણ તરીકે અને બીજાને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે. સ્રાવને લીધે અશુદ્ધ થયેલા માણસ માટે યહોવા આગળ યાજક પ્રાયશ્ચિત્ત કરે.
૧૬ “‘જો કોઈ માણસને વીર્યનો સ્રાવ થાય, તો તે પાણીથી બરાબર સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.+
૧૭ જેના પર વીર્ય પડ્યું હોય એવા કોઈ પણ કપડાને અને ચામડાની વસ્તુને તે પાણીથી ધૂએ. એ બધું સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૧૮ “‘જો કોઈ માણસ પોતાની પત્ની સાથે જાતીય સંબંધ બાંધે અને તેને વીર્યનો સ્રાવ થાય, તો તેઓ બંને સ્નાન કરે અને સાંજ સુધી તેઓ અશુદ્ધ ગણાય.+
૧૯ “‘જો કોઈ સ્ત્રીને રક્તસ્રાવ થાય, તો તે માસિક સ્રાવને લીધે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+ જે કોઈ તેને અડકે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.+
૨૦ એ દિવસો દરમિયાન, તે જે પથારી પર સૂએ અને જેના પર બેસે એ બધી વસ્તુઓ અશુદ્ધ ગણાય.+
૨૧ જે કોઈ તેની પથારીને અડકે, તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૨૨ તે જે વસ્તુ પર બેઠી હોય, એને જે વ્યક્તિ અડકે, તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
૨૩ તે જે પથારી પર અથવા જે વસ્તુ પર બેઠી હોય, એને જે વ્યક્તિ અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.+
૨૪ જો તેનો પતિ તેની સાથે જાતીય સંબંધ બાંધે અને તેના માસિક સ્રાવનું લોહી તે માણસને લાગે,+ તો તે માણસ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તે માણસ જે પથારી પર સૂએ, એ પણ અશુદ્ધ ગણાય.
૨૫ “‘જો કોઈ સ્ત્રીને માસિકના દિવસો+ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય+ અથવા માસિકના દિવસો પછી પણ રક્તસ્રાવ ચાલુ રહે, તો જેટલા દિવસ તેને રક્તસ્રાવ થાય એટલા દિવસ તે અશુદ્ધ ગણાય. માસિકના દિવસોની જેમ જ તે અશુદ્ધ ગણાય.
૨૬ રક્તસ્રાવના દિવસો દરમિયાન તે જે પથારી પર સૂએ અને જે વસ્તુ પર બેસે, એ વસ્તુઓ પણ માસિક સ્રાવના દિવસોની જેમ જ અશુદ્ધ ગણાય.+
૨૭ જે કોઈ એ વસ્તુઓ અડકે, તે અશુદ્ધ ગણાય. તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.+
૨૮ “‘જ્યારે તેનો રક્તસ્રાવ બંધ થાય, ત્યારે તે પોતાના માટે સાત દિવસ ગણે અને પછી તે શુદ્ધ થશે.+
૨૯ આઠમા દિવસે, તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લે+ અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવે અને યાજકને આપે.+
૩૦ યાજક એમાંથી એકને પાપ-અર્પણ તરીકે અને બીજાને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે. સ્રાવને લીધે અશુદ્ધ થયેલી સ્ત્રી માટે યહોવા આગળ યાજક પ્રાયશ્ચિત્ત કરે.+
૩૧ “‘આમ, તમે ઇઝરાયેલીઓને શુદ્ધ રહેવા મદદ કરો, જેથી તેઓ મારો મંડપ, જે તેઓની વચ્ચે છે એને પોતાની અશુદ્ધતાથી ભ્રષ્ટ ન કરે અને માર્યા ન જાય.+
૩૨ “‘એ નિયમો આના વિશે છે: સ્રાવવાળા માણસ, વીર્યના સ્રાવથી અશુદ્ધ થયેલા માણસ,+
૩૩ માસિક સ્રાવને લીધે અશુદ્ધ થયેલી સ્ત્રી,+ શરીરમાંથી સ્રાવ વહેતો હોય એવાં સ્ત્રી-પુરુષ+ અને અશુદ્ધ પત્ની સાથે જાતીય સંબંધ બાંધનાર પતિ.’”