રૂથ ૪:૧-૨૨

  • બોઆઝ છોડાવનાર બને છે (૧-૧૨)

  • બોઆઝ અને રૂથના દીકરા ઓબેદનો જન્મ (૧૩-૧૭)

  • દાઉદની વંશાવળી (૧૮-૨૨)

 બોઆઝ શહેરના દરવાજે જઈને બેઠો.+ બોઆઝે જે છોડાવનાર વિશે વાત કરી હતી+ તે ત્યાંથી પસાર થયો. બોઆઝે તેને કહ્યું: “મિત્ર,* અહીં આવીને બેસ.” એટલે તે ત્યાં જઈને બેઠો. ૨  બોઆઝે શહેરના દસ વડીલોને+ બોલાવીને કહ્યું: “અહીં બેસો.” એટલે તેઓ પણ બેઠા. ૩  બોઆઝે પેલા છોડાવનારને+ કહ્યું: “મોઆબથી+ પાછી આવેલી નાઓમીએ આપણા ભાઈ અલીમેલેખની+ જમીન વેચવી પડે એમ છે. ૪  એટલે મને થયું કે તને આ વાત જણાવવી જોઈએ: ‘શહેરના લોકો અને વડીલોની સામે તું એ ખરીદી લે.+ જો તું એ જમીન છોડાવી શકતો હોય તો છોડાવ. પણ જો તું એમ ન કરી શકતો હોય તો મને જણાવ, કેમ કે એ છોડાવવાનો હક પહેલા તારો છે અને પછી મારો.’” પેલા માણસે જવાબ આપ્યો: “હું એ જમીન છોડાવવા તૈયાર છું.”+ ૫  એટલે બોઆઝે કહ્યું: “તું નાઓમી પાસેથી જમીન ખરીદે ત્યારે, મોઆબી રૂથ પાસેથી પણ એ ખરીદવી પડશે, જે વિધવા છે. આમ એ વારસો ગુજરી ગયેલા માણસના વંશજો પાસે જળવાઈ રહેશે.”+ ૬  એ સાંભળીને પેલા માણસે કહ્યું: “હું એ જમીન છોડાવી શકતો નથી. એમ કરવાથી હું કદાચ મારો વારસો ગુમાવી બેસું. મારો એ હક તું લઈ લે, કેમ કે હું છોડાવનાર તરીકેની જવાબદારી નિભાવી નહિ શકું.” ૭  અગાઉના સમયમાં મિલકત છોડાવવાના હક વિશે અને બીજાને એ હક આપવા વિશે ઇઝરાયેલમાં આવો રિવાજ હતો: માણસ પોતાનું એક ચંપલ કાઢીને+ સામેવાળાને આપતો. ઇઝરાયેલમાં એ કરારને આવી રીતે કાયદેસર મંજૂરી અપાતી હતી. ૮  છોડાવનારે બોઆઝને કહ્યું, “તું ખરીદી લે.” તેણે પોતાનું ચંપલ કાઢી નાખ્યું અને બોઆઝને આપ્યું. ૯  એટલે બોઆઝે વડીલોને અને સર્વ લોકોને કહ્યું: “તમે બધા સાક્ષી છો+ કે જે અલીમેલેખનું હતું અને જે કિલ્યોન તથા માહલોનનું હતું, એ બધું હું આજે નાઓમી પાસેથી ખરીદું છું. ૧૦  માહલોનની પત્ની મોઆબી રૂથને હું મારી પત્ની તરીકે સ્વીકારું છું. આમ કરવાથી ગુજરી ગયેલા માણસનો વારસો તેના વંશજો પાસે જ રહેશે.+ તેના ભાઈઓ અને શહેરના લોકોમાંથી મરનાર માણસનું નામ ભૂંસાઈ નહિ જાય. આજે તમે એના સાક્ષી છો.”+ ૧૧  શહેરના દરવાજે હતા એ લોકોએ અને વડીલોએ કહ્યું: “અમે સાક્ષી છીએ! તારા ઘરમાં આવનાર પત્નીને યહોવા આશીર્વાદ આપે. તે રાહેલ અને લેઆહ જેવી બને, જેઓમાંથી ઇઝરાયેલના વંશજો આવ્યા છે.+ તું એફ્રાથાહમાં+ આબાદ થાય અને બેથલેહેમમાં+ તારું નામ વધારે સારું થાય. ૧૨  યહોવા તને આ સ્ત્રીથી જે વંશજ આપે,+ એનાથી તારું ઘર યહૂદા અને તામારના દીકરા પેરેસના ઘર+ જેવું થાય.” ૧૩  બોઆઝે રૂથ સાથે લગ્‍ન કર્યા અને તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો. યહોવાની કૃપાથી રૂથ મા બની અને તેણે દીકરાને જન્મ આપ્યો. ૧૪  સ્ત્રીઓએ નાઓમીને કહ્યું: “યહોવાની સ્તુતિ થાઓ! તેમણે આજે તને છોડાવનાર વગર રહેવા દીધી નથી. ઇઝરાયેલમાં આ બાળકનું નામ મોટું થાઓ! ૧૫  તેણે* તને નવું જીવન આપ્યું છે. તે તારા ઘડપણનો સહારો બનશે, કેમ કે તેને જન્મ આપનાર તારી વહુ તને ખૂબ ચાહે છે.+ તારી વહુ તો સાત દીકરાઓ કરતાં પણ વધારે છે.” ૧૬  નાઓમીએ બાળક ગોદમાં લીધું. તેણે તેની સંભાળ રાખી. ૧૭  અડોશ-પડોશની સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડ્યું અને કહ્યું, “નાઓમીને દીકરો થયો છે.” ઓબેદ+ યિશાઈનો પિતા હતો અને યિશાઈ+ દાઉદનો પિતા હતો. ૧૮  પેરેસની+ વંશાવળી* આ પ્રમાણે છે: પેરેસથી હેસરોન+ થયો; ૧૯  હેસરોનથી રામ થયો; રામથી અમિનાદાબ+ થયો; ૨૦  અમિનાદાબથી+ નાહશોન થયો; નાહશોનથી સલ્મોન થયો; ૨૧  સલ્મોનથી બોઆઝ થયો; બોઆઝથી ઓબેદ થયો; ૨૨  ઓબેદથી યિશાઈ+ થયો અને યિશાઈથી દાઉદ+ થયો.

ફૂટનોટ

વ્યક્તિનું નામ જાણીજોઈને જણાવવામાં આવ્યું નથી.
એટલે કે, નાઓમીનો પૌત્ર.
મૂળ, “પેઢીઓ.”