યોહાન ૯:૧-૪૧

  • જન્મથી આંધળા માણસને ઈસુ દેખતો કરે છે (૧-૧૨)

  • દેખતા થયેલા માણસને ફરોશીઓએ સવાલો કર્યા (૧૩-૩૪)

  • આંધળા ફરોશીઓ (૩૫-૪૧)

 ઈસુએ રસ્તે ચાલતાં ચાલતાં એક માણસને જોયો, જે જન્મથી આંધળો હતો. ૨  શિષ્યોએ તેમને પૂછ્યું: “ગુરુજી,*+ કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો? તેના કે તેનાં માબાપના?” ૩  ઈસુએ જવાબ આપ્યો: “આ માણસે કે તેનાં માબાપે પાપ કર્યું નથી. પણ લોકો ઈશ્વરનાં કામો જોઈ શકે એ માટે તેના કિસ્સામાં આવું થયું છે.+ ૪  જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારનાં કામો આપણે કરવા જોઈએ.+ રાત આવે છે ત્યારે કોઈ માણસ કામ કરી શકશે નહિ. ૫  હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.”+ ૬  તેમણે એ વાતો કહી પછી તે જમીન પર થૂંક્યા અને થૂંકથી માટીનો લેપ બનાવ્યો. તેમણે એ લેપ આંધળા માણસની આંખો પર લગાડ્યો.+ ૭  તેમણે તેને કહ્યું: “જા, સિલોઆમ કુંડમાં ધોઈ નાખ” (સિલોઆમનું ભાષાંતર થાય, “મોકલાયેલો”). તેણે જઈને આંખો ધોઈ અને દેખતો થઈને પાછો આવ્યો.+ ૮  તેના પડોશીઓ અને જેઓએ અગાઉ તેને ભીખ માંગતા જોયો હતો, તેઓ કહેવા લાગ્યા: “શું આ એ જ માણસ નથી જે બેસીને ભીખ માંગતો હતો?” ૯  અમુક કહેતા હતા: “આ એ જ છે.” બીજાઓ કહેતા હતા: “ના, એ તો તેના જેવો દેખાય છે.” તે માણસ કહેતો હતો: “હું એ જ છું.” ૧૦  તેઓએ તેને પૂછ્યું: “તો પછી તું કેવી રીતે દેખતો થયો?” ૧૧  તેણે જવાબ આપ્યો: “ઈસુ નામના માણસે લેપ બનાવ્યો. તેમણે એ મારી આંખો પર લગાડીને કહ્યું, ‘સિલોઆમ જા અને ધોઈ નાખ.’+ એટલે મેં જઈને આંખો ધોઈ અને હું દેખતો થયો.” ૧૨  એ સાંભળીને તેઓએ પૂછ્યું: “એ માણસ ક્યાં છે?” તેણે કહ્યું: “મને નથી ખબર.” ૧૩  જે માણસ અગાઉ આંધળો હતો, તેને તેઓ ફરોશીઓ પાસે લઈ ગયા. ૧૪  જે દિવસે ઈસુએ લેપ બનાવીને તે માણસને દેખતો કર્યો હતો,+ એ સાબ્બાથનો દિવસ+ હતો. ૧૫  હવે ફરોશીઓ પણ એ માણસને પૂછવા લાગ્યા કે તે કઈ રીતે દેખતો થયો. તેણે જણાવ્યું: “તેમણે મારી આંખો પર લેપ લગાડ્યો. મેં આંખો ધોઈ અને હું જોઈ શકું છું.” ૧૬  અમુક ફરોશીઓ કહેવા લાગ્યા: “એ માણસ ઈશ્વર પાસેથી નથી આવ્યો, કેમ કે તે સાબ્બાથ પાળતો નથી.”+ બીજાઓએ કહ્યું: “જો કોઈ માણસ પાપી હોય તો આવા ચમત્કારો કઈ રીતે કરી શકે?”+ આમ તેઓમાં અંદરોઅંદર ફૂટ પડી.+ ૧૭  અગાઉ આંધળો હતો એ માણસને તેઓએ ફરીથી પૂછ્યું: “તેણે તને દેખતો કર્યો છે, તેના વિશે તારું શું કહેવું છે?” તેણે કહ્યું: “તે તો પ્રબોધક છે!” ૧૮  પણ યહૂદીઓ હજુ માનવા તૈયાર ન હતા કે તે આંધળો હતો અને દેખતો થયો છે. એટલે તેઓએ તેનાં માબાપને બોલાવ્યાં ૧૯  અને પૂછ્યું: “શું આ તમારો દીકરો છે? શું તે જન્મથી આંધળો હતો? તો પછી હવે તે કઈ રીતે જોઈ શકે છે?” ૨૦  તેનાં માબાપે કહ્યું: “અમે જાણીએ છીએ કે આ અમારો દીકરો છે અને તે જન્મથી આંધળો હતો. ૨૧  પણ અમે એ જાણતા નથી કે તે કઈ રીતે દેખતો થયો અને તેને કોણે દેખતો કર્યો. તેને જ પૂછો. તે કંઈ નાનો નથી. તે પોતે જવાબ આપી શકે છે.” ૨૨  તેનાં માબાપે યહૂદીઓથી ડરીને એવું કહ્યું હતું.+ યહૂદીઓએ અગાઉથી નક્કી કર્યું હતું કે જે કોઈ ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારે, તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.*+ ૨૩  એટલે તેનાં માબાપે કહ્યું હતું: “તે કંઈ નાનો નથી. તેને જ પૂછો.” ૨૪  તેથી અગાઉ આંધળો હતો એ માણસને તેઓએ બીજી વાર બોલાવ્યો. તેઓએ કહ્યું: “ઈશ્વર આગળ સાચું બોલ. અમે જાણીએ છીએ કે પેલો માણસ પાપી છે.” ૨૫  તેણે જવાબ આપ્યો: “તે પાપી છે કે નહિ, એ હું નથી જાણતો. હું તો એટલું જાણું છું કે હું આંધળો હતો, પણ હવે જોઈ શકું છું.” ૨૬  તેઓએ પૂછ્યું: “તેણે તને શું કર્યું? તને કઈ રીતે દેખતો કર્યો?” ૨૭  તેણે જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું તો ખરું, છતાં તમે સાંભળ્યું નહિ. તમે કેમ ફરીથી સાંભળવા માંગો છો? શું તમે પણ તેમના શિષ્યો બનવા ચાહો છો?” ૨૮  એ સાંભળીને તેઓએ તેનું અપમાન કર્યું: “તું પેલા માણસનો શિષ્ય છે, અમે તો મૂસાના શિષ્યો છીએ. ૨૯  અમને ખબર છે કે ઈશ્વરે મૂસા સાથે વાત કરી હતી. પણ પેલો માણસ ક્યાંથી આવ્યો છે, એની અમને ખબર નથી.” ૩૦  તેણે કહ્યું: “આ તો ખરેખર નવાઈની વાત કહેવાય! તેમણે મને દેખતો કર્યો તોપણ તમે જાણતા નથી કે તે ક્યાંથી આવ્યા છે. ૩૧  આપણે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી.+ પણ જો કોઈ ઈશ્વરનો ડર* રાખે અને તેમની ઇચ્છા પૂરી કરે, તો ઈશ્વર તેનું સાંભળે છે.+ ૩૨  એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે જન્મથી આંધળા માણસને કોઈએ દેખતો કર્યો હોય. ૩૩  જો તે ઈશ્વર પાસેથી આવ્યા ન હોત, તો કંઈ જ કરી શક્યા ન હોત.”+ ૩૪  તેઓએ તેને કહ્યું: “તું તો જન્મથી જ પાપી છે અને પાછો અમને શીખવે છે?” તેઓએ તેને બહાર કાઢી મૂક્યો!+ ૩૫  ઈસુએ સાંભળ્યું કે તેઓએ તેને કાઢી મૂક્યો છે. એટલે ઈસુ તેને મળ્યા અને પૂછ્યું: “શું માણસના દીકરા પર તું શ્રદ્ધા મૂકે છે?” ૩૬  એ માણસે પૂછ્યું: “સાહેબ, તે કોણ છે? મને કહો, જેથી હું તેમના પર શ્રદ્ધા મૂકું.” ૩૭  ઈસુએ કહ્યું: “તેં તેને જોયો છે અને હમણાં તારી સાથે વાત કરનાર તે જ છે.” ૩૮  તેણે કહ્યું: “માલિક, હું તમારામાં શ્રદ્ધા મૂકું છું.” તે તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. ૩૯  ઈસુએ કહ્યું: “હું આ દુનિયામાં આવ્યો છું, જેથી લોકોનો ન્યાય થાય. જેઓ આંધળા છે તેઓ જોઈ શકે+ અને જેઓ જુએ છે તેઓ આંધળા થાય.”+ ૪૦  તેમની પાસે ઊભેલા ફરોશીઓએ આ સાંભળ્યું. એટલે તેઓએ પૂછ્યું: “શું તું એમ કહેવા માંગે છે કે અમે પણ આંધળા છીએ?” ૪૧  ઈસુએ તેઓને કહ્યું: “તમે આંધળા હોત તો, તમારામાં કોઈ પાપ ન હોત. પણ હવે તમે કહો છો કે ‘અમે જોઈએ છીએ.’ એટલે તમારું પાપ તમારે માથે કાયમ રહે છે.”+

ફૂટનોટ

હિબ્રૂ, રાબ્બી.
સભાસ્થાનમાંથી કાઢી મૂકવાનો અર્થ થતો, યહૂદી સમાજમાંથી નાત બહાર કરવું.