યોએલ ૨:૧-૩૨

  • યહોવાનો દિવસ અને તેમની શક્તિશાળી સેના (૧-૧૧)

  • યહોવા પાસે પાછા ફરવાની વિનંતી (૧૨-૧૭)

    • ‘તમારાં દિલ ચીરી નાખો’ (૧૩)

  • પોતાના લોકોને યહોવાનો જવાબ (૧૮-૩૨)

    • ‘હું મારી પવિત્ર શક્તિ રેડીશ’ (૨૮)

    • આકાશમાં અને પૃથ્વી પર અદ્‍ભુત કામો (૩૦)

    • જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે (૩૨)

 “સિયોનમાં રણશિંગડું વગાડો!+ મારા પવિત્ર પર્વત પર યુદ્ધનું એલાન કરો. દેશના* બધા રહેવાસીઓ તમે થરથર કાંપો,કેમ કે યહોવાનો દિવસ આવી રહ્યો છે!+ હા, એ નજીક છે!  ૨  એ ઘોર અંધકારનો દિવસ છે,+એ ઘનઘોર વાદળોનો દિવસ છે,+જાણે પર્વતોએ સવારનો પ્રકાશ રોકી લીધો હોય. એક પ્રજા શક્તિશાળી છે, એના લોકો અસંખ્ય છે,+એના જેવી કોઈ થઈ નથીઅને પેઢી દર પેઢી કોઈ થશે પણ નહિ.  ૩  એની આગળ ભરખી જનાર અગ્‍નિ છેઅને પાછળ ભસ્મ કરનાર જ્વાળાઓ છે.+ એની આગળ એદન બાગ+ જેવો પ્રદેશ છેઅને પાછળ વેરાન પ્રદેશ છે,એની સામે કશું જ બચતું નથી.  ૪  એનો દેખાવ ઘોડાઓ જેવો છે. તેઓ યુદ્ધના ઘોડાઓની જેમ દોડે છે.+  ૫  પર્વતોનાં શિખરો પર તેઓ ઠેકડા મારે છે ત્યારે, રથોના ગડગડાટ જેવો અવાજ આવે છે,+સળગતા સૂકા ઘાસની જેમ તડતડ અવાજ આવે છે. એ સેના તો યુદ્ધ માટે તૈયાર ઊભેલી બળવાન પ્રજા જેવી છે.+  ૬  તેઓના લીધે લોકો થરથર કાંપશે,દરેક ચહેરો ફિક્કો પડી જશે.  ૭  તેઓ યોદ્ધાઓની જેમ ધસી આવે છે,સૈનિકોની જેમ કોટ પર ચઢી જાય છે,તેઓ હારબંધ આગેકૂચ કરે છેઅને પોતાના માર્ગથી ફંટાતા નથી.  ૮  તેઓ ધક્કામુક્કી કરતા નથી,પોતાના રસ્તે આગળ વધતા રહે છે. ભલે હથિયારના ઘાને લીધે અમુક પડી જાય,તોપણ બીજાઓ પોતાની હરોળ તોડતા નથી.  ૯  તેઓ શહેરમાં ધસી આવે છે, કોટ ઉપર દોડે છે. ઘરો પર ચઢી જાય છે અને ચોરની જેમ બારીમાંથી ઘૂસી જાય છે. ૧૦  તેઓની સામે પૃથ્વી થરથર કાંપે છે અને આકાશો ધ્રૂજે છે. સૂર્ય અને ચંદ્ર પર અંધારું છવાઈ જાય છે+અને તારાઓની ચમક ખોવાઈ જાય છે. ૧૧  યહોવા પોતાની સેના+ આગળ મોટેથી ઘોષણા કરે છે, કેમ કે તેમની સેના ખૂબ વિશાળ છે.+ ઈશ્વર પોતાનું વચન પાળે છે,* તે ખૂબ શક્તિશાળી છે. યહોવાનો દિવસ મહાન અને ખૂબ ભયાનક છે.+ એનાથી કોણ બચી શકે?”+ ૧૨  યહોવા જાહેર કરે છે: “હજી મોડું થયું નથી, પૂરા દિલથી મારી પાસે પાછા ફરો.+ ઉપવાસ કરીને,+ આંસુઓ વહાવીને અને વિલાપ કરીને પાછા ફરો. ૧૩  તમારાં વસ્ત્રો નહિ,+ પણ દિલ ચીરી નાખો,+તમારા ઈશ્વર યહોવા પાસે પાછા ફરો. તે કરુણા* અને દયા બતાવનાર, જલદી ગુસ્સે ન થનાર+ અને અતૂટ પ્રેમના* સાગર છે,+તે જે આફત લાવવાના છે, એના પર ફરી વિચાર* કરશે. ૧૪  શું ખબર, કદાચ તે મન બદલે અને પોતે જે નક્કી કર્યું છે એના પર ફરી વિચાર* કરે,+કદાચ તમને આશીર્વાદ* આપે,જેથી તમે તમારા ઈશ્વર યહોવા માટે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવી શકો! ૧૫  સિયોનમાં રણશિંગડું વગાડો! ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+ ૧૬  લોકોને એકઠા કરો, સમાજને* પવિત્ર કરો.+ વૃદ્ધોને* એકત્ર કરો, બાળકોને અને ધાવણાં બાળકોને ભેગાં કરો.+ વરરાજા અને નવવધૂ, અંદરની ઓરડીમાંથી બહાર આવો. ૧૭  પરસાળ અને વેદીની વચ્ચે રહીને+યહોવાની સેવા કરતા યાજકો વિલાપ કરો અને કહો: ‘હે યહોવા, તમારા લોકો પર દયા કરો;બીજી પ્રજાઓને તેઓ પર રાજ કરવા ન દો,તેઓને તમારા લોકોની* મજાક ઉડાવવા ન દો. લોકો કેમ એવું કહી જાય, “ક્યાં છે તેઓનો ઈશ્વર?”’+ ૧૮  પછી યહોવા પૂરા ઉત્સાહથી પોતાના દેશનું રક્ષણ કરશે,પોતાના લોકો પર કરુણા બતાવશે.+ ૧૯  યહોવા પોતાના લોકોને કહેશે: ‘હું તમને અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલ આપું છું,તમે ધરાશો અને તૃપ્ત થશો.+ હું તમને ક્યારેય બીજી પ્રજાઓમાં બદનામ થવા નહિ દઉં.+ ૨૦  ઉત્તરથી ચઢી આવનાર સેનાને હું હાંકી કાઢીશ;એને સૂકા અને વેરાન પ્રદેશમાં આમતેમ વિખેરી નાખીશ,એના આગલા ભાગને પૂર્વ સમુદ્રમાં*અને પાછલા ભાગને પશ્ચિમ સમુદ્રમાં* ફેંકી દઈશ. એની ગંધ ઉપર ચઢશે,એની દુર્ગંધ ઉપર ચઢતી રહેશે;+કેમ કે ઈશ્વર મહાન કામો કરશે.’ ૨૧  હે દેશ, ગભરાઈશ નહિ. તું આનંદ અને ઉલ્લાસ કર, કેમ કે યહોવા મહાન કામો કરશે. ૨૨  હે વનચર પશુઓ, ડરશો નહિ,ઉજ્જડ ધરતી લીલીછમ થઈ જશે,+વૃક્ષો પર ફળ આવશે,+અંજીરી અને દ્રાક્ષાવેલા ફળોથી લચી પડશે.+ ૨૩  હે સિયોનના દીકરાઓ, હરખાઓ અને તમારા ઈશ્વર યહોવાને લીધે આનંદ કરો,+કેમ કે તે તમને પૂરતા પ્રમાણમાં પાનખરનો વરસાદ* આપશે,તે તમારા પર ધોધમાર વરસાદ વરસાવશે,પહેલાંની જેમ તમને પાનખરનો વરસાદ અને વસંતનો વરસાદ* આપશે.+ ૨૪  ખળીઓ* અનાજથી ઊભરાઈ જશે,કુંડો નવા દ્રાક્ષદારૂ અને તેલથી છલકાઈ જશે.+ ૨૫  મેં મોકલેલી મહાન સેનાએ,ઝુંડમાં રહેતાં તીડોએ, પાંખ વગરનાં તીડોએ, ખૂંખાર તીડોએ અને ભરખી જનાર તીડોએઆ વર્ષો દરમિયાન જે નુકસાન કર્યું છે,+ એની હું ભરપાઈ કરી આપીશ. ૨૬  તમે ધરાઈને ખાશો અને તૃપ્ત થશો,+તમે તમારા ઈશ્વર યહોવાના નામની સ્તુતિ કરશો,+કેમ કે તેમણે તમારા માટે અદ્‍ભુત કામો કર્યાં છે. મારા લોકોએ ફરી ક્યારેય શરમાવું નહિ પડે.+ ૨૭  તમારે સ્વીકારવું પડશે કે હું ઇઝરાયેલમાં છું,+હું યહોવા તમારો ઈશ્વર છું+ અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી! મારા લોકોએ ફરી ક્યારેય શરમાવું નહિ પડે. ૨૮  પછી હું મારી પવિત્ર શક્તિ દરેક પ્રકારના લોકો પર રેડીશ,+તમારાં દીકરા-દીકરીઓ ભવિષ્યવાણી કરશે,તમારા વૃદ્ધો સપનાં જોશે,તમારા જુવાનોને દર્શનો થશે.+ ૨૯  એ દિવસોમાં હું મારી પવિત્ર શક્તિમારાં દાસ-દાસીઓ પર પણ રેડીશ. ૩૦  હું આકાશમાં અને પૃથ્વી પર અદ્‍ભુત કામો* બતાવીશ,લોહી, આગ, ધુમાડાના ગોટેગોટા હશે.+ ૩૧  યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે એ પહેલાં+સૂર્ય પર અંધારું છવાઈ જશે અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે.+ ૩૨  જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે,+યહોવાએ કહ્યું છે તેમ બચી ગયેલા લોકો સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં હશે,+હા, એ લોકો જેઓને યહોવા બોલાવે છે.”

ફૂટનોટ

અથવા, “પૃથ્વીના.”
અથવા કદાચ, “જે માણસ ઈશ્વરનું વચન પાળે છે.”
અથવા, “કૃપા.”
અથવા, “પસ્તાવો.”
અથવા, “પસ્તાવો.”
એટલે કે, “ઊપજ.”
મૂળ, “ઉપવાસને પવિત્ર ઠરાવો.”
અથવા, “વડીલોને.”
મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.
મૂળ, “વારસાની.”
એટલે કે, મૃત સરોવર.
એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.
અથવા, “નિશાનીઓ.”