યશાયા ૬૦:૧-૨૨

  • સિયોન પર યહોવાનું ગૌરવ ઝળહળે છે (૧-૨૨)

    • કબૂતરખાનામાં જતાં કબૂતરોની જેમ ()

    • તાંબાને બદલે સોનું (૧૭)

    • થોડામાંથી હજાર બનશે (૨૨)

૬૦  “હે સ્ત્રી,*+ તારા પર રોશની ઝગમગી ઊઠી છે. ઊભી થા અને પ્રકાશ ફેલાવ! યહોવાના ગૌરવનું તેજ તારા પર ઝળહળે છે.+  ૨  જો, આખી ધરતી પર અંધારું છવાઈ જશેઅને બધી પ્રજાઓને ઘોર અંધકાર ઢાંકી દેશે. પણ તારા પર યહોવાનો પ્રકાશ ફેલાશેઅને તારા પર તેમનું ગૌરવ દેખાશે.  ૩  પ્રજાઓ તારા પ્રકાશ પાસે+અને રાજાઓ+ તારા ગૌરવના તેજ* પાસે આવશે.+  ૪  નજર ઊંચી કરીને તારી ચારે બાજુ જો. તેઓ બધા ભેગા થઈને તારી પાસે આવે છે. દૂર દૂરથી તારા દીકરાઓ આવે છે,+તારી દીકરીઓને કેડે બેસાડીને લાવવામાં આવે છે.+  ૫  એ જોઈને તારી આંખોમાં ચમક આવી જશે.+ તારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે અને આનંદથી ભરપૂર થશે. દરિયાનો ખજાનો તારી પાસે લાવવામાં આવશે. પ્રજાઓની માલ-મિલકત તારા હાથમાં સોંપાશે.+  ૬  તારો દેશ ઊંટોનાં ટોળાંથી ઊભરાશે. ત્યાં મિદ્યાનનાં અને એફાહનાં ઊંટો આવશે.+ શેબાથી બધા લોકો આવશે. તેઓ પોતાની સાથે સોનું અને લોબાન* લાવશે. તેઓ યહોવાની સ્તુતિ કરશે.+  ૭  કેદારનાં+ ઘેટાં-બકરાં તારી પાસે ભેગાં કરાશે,નબાયોથના+ નર ઘેટાઓ તારી સેવા કરશે. તેઓ મારી વેદીએ આવશે અને હું તેઓનો સ્વીકાર કરીશ.+ હું મારા ભવ્ય મંદિરની શોભા વધારીશ.+  ૮  વાદળની જેમ ઊડીને કોણ આવે છે? પોતાના કબૂતરખાનામાં જતાં કબૂતરોની જેમ કોણ આવે છે?  ૯  ટાપુઓ મારા પર આશા રાખશે.+ તાર્શીશનાં વહાણો સૌથી આગળ આવે છે,તેઓ તારા દીકરાઓને દૂર દૂરથી લાવે છે,+સાથે સાથે સોનું-ચાંદી પણ લાવે છે. તેઓ યહોવા તારા ઈશ્વર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરના નામને લીધે આવે છે. તે તને ગૌરવ આપશે.+ ૧૦  પરદેશીઓ તારી દીવાલો બાંધશેઅને તેઓના રાજાઓ તારી સેવા કરશે.+ મારા રોષને લીધે મેં તને સજા ફટકારી હતી,પણ મારી કૃપાને લીધે હું તારા પર દયા રાખીશ.+ ૧૧  તારા દરવાજાઓ કાયમ ખુલ્લા રાખવામાં આવશે.+ રાત-દિવસ દરવાજાઓ બંધ કરવામાં આવશે નહિ. રાજાઓ આગેવાની લઈનેપ્રજાઓની માલ-મિલકત તારી પાસે લાવશે.+ ૧૨  જે પ્રજા અને જે રાજ્ય તારી સેવા નહિ કરે, એનો વિનાશ થશે. હા, એ પ્રજાઓનો સંહાર કરવામાં આવશે.+ ૧૩  ગંધતરુના* ઝાડ, ભદ્રાક્ષના ઝાડ અને સરુના ઝાડ સાથે+તને લબાનોનનું ગૌરવ સોંપવામાં આવશે,+જેથી મારી પવિત્ર જગ્યા સુંદર બનાવવામાં આવે. હું મારા પગના આસનને મહિમાથી ભરી દઈશ.+ ૧૪  જુલમ કરનારાઓના દીકરાઓ આવીને તારી આગળ નમશે. તારું અપમાન કરનારાઓ તારા પગે પડીને નમન કરશે. તેઓએ માનવું પડશે કે તું યહોવાની નગરી,ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની સિયોન નગરી છે.+ ૧૫  તું છોડી દેવાયેલી અને ધિક્કાર પામેલી હતી, તારામાંથી કોઈ પસાર થતું ન હતું.+ પણ તને કાયમ માન મળે એવી હું બનાવીશ. તારે લીધે પેઢી દર પેઢી આનંદ મનાવવામાં આવશે.+ ૧૬  જેમ મા પોતાના બાળકને ધવડાવી તેનું પાલન-પોષણ કરે,+તેમ પ્રજાઓ અને રાજાઓ તને જોઈતું બધું પૂરું પાડશે.+ એનાથી તને ચોક્કસ જાણ થશે કે હું યહોવા તારો તારણહાર છું. હું તારો છોડાવનાર, યાકૂબનો શક્તિશાળી ઈશ્વર છું.+ ૧૭  હું તાંબાને બદલે સોનુંઅને લોઢાને બદલે ચાંદી લાવીશ,લાકડાને બદલે તાંબુંઅને પથ્થરને બદલે લોઢું લાવીશ. હું શાંતિને તારા પર આગેવાન બનાવીશઅને સચ્ચાઈને તારા પર ઉપરી ઠરાવીશ.+ ૧૮  હવેથી તારા દેશમાં હિંસાની,અથવા તારી સરહદોમાં બરબાદી અને વિનાશની વાતો સંભળાશે નહિ.+ તું તારી દીવાલોનું નામ ઉદ્ધાર+ અને તારા દરવાજાઓનું નામ સ્તુતિ રાખીશ. ૧૯  હવેથી દિવસે સૂરજ તને પ્રકાશ નહિ આપે,અથવા રાતે ચંદ્ર તને રોશની નહિ આપે. પણ યહોવા સદાને માટે તારો પ્રકાશ બનશે+અને તારા ઈશ્વર તારી શોભા થશે.+ ૨૦  હવેથી તારો સૂરજ આથમશે નહિ,અથવા તારો ચંદ્ર ઝાંખો પડશે નહિ. પણ યહોવા સદાને માટે તારો પ્રકાશ બનશે+અને તારા શોકના દિવસો પૂરા થશે.+ ૨૧  તારા બધા લોકો નેક હશે. તેઓ કાયમ માટે ધરતીનો વારસો મેળવશે. તેઓ મારા રોપેલા છોડના અંકુર છે,તેઓ મારા હાથની કરામત છે,+ જેનાથી મને ગૌરવ મળશે.+ ૨૨  થોડામાંથી હજાર બનશેઅને નાનકડું ટોળું બળવાન પ્રજા બનશે. હું યહોવા યોગ્ય સમયે એ ઝડપથી કરીશ.”

ફૂટનોટ

અથવા, “યરૂશાલેમ; સિયોન.”
અથવા, “પ્રભાતના અજવાળા.”
દેવદારની જાતનું એક ઝાડ.