યશાયા ૫૦:૧-૧૧
૫૦ યહોવા આમ કહે છે:
“મેં તમારી માને મોકલી આપી ત્યારે શું છૂટાછેડા લખી આપ્યા હતા?+
શું મારો કોઈ લેણદાર છે, જેને ત્યાં મેં તમને વેચી દીધા હોય?
ના, તમે તો તમારી ભૂલોને લીધે+ વેચાઈ ગયા હતા.
તમારા ગુનાઓને લીધે તમારી મા ત્યજી દેવાઈ હતી.+
૨ તો પછી, હું આવ્યો ત્યારે કેમ અહીં કોઈ ન હતું?
મેં પોકાર કર્યો ત્યારે કેમ કોઈએ જવાબ ન આપ્યો?+
શું તમને છોડાવવા માટે મારો હાથ ટૂંકો છે?
શું તમને બચાવવા માટે મારી પાસે તાકાત નથી?+
અરે, મારી ધમકીથી હું દરિયો સૂકવી નાખું છું+
અને નદીઓને રણ બનાવી દઉં છું.+
પાણી વગર માછલીઓ મરી જાય છેઅને ગંધાઈ ઊઠે છે.
૩ હું આકાશને અંધકાર પહેરાવું છું+અને એને કંતાન ઓઢાડું છું.”
૪ વિશ્વના માલિક યહોવા મને શીખવે છે કે મારે કઈ રીતે વાત કરવી.*+
એટલે થાકેલા લોકોને હું દિલાસો* આપી શકું છું.+
તે દરરોજ સવારે મને ઉઠાડે છે.
તે મારા કાન તેજ કરે છે, જેથી હું ધ્યાનથી* સાંભળી શકું.+
૫ વિશ્વના માલિક યહોવાએ મારા કાન ખોલ્યા છે.
હું બંડખોર બન્યો નહિ.+
હું વિરુદ્ધ દિશામાં ગયો નહિ.+
૬ મને મારનારાઓ સામે મેં પીઠ ધરીઅને મારી દાઢીના વાળ ખેંચનારાઓ સામે ગાલ ધર્યા.
મેં મારું અપમાન કરનારાઓથી અને મારા પર થૂંકનારાઓથી મોં સંતાડ્યું નહિ.+
૭ પણ વિશ્વના માલિક યહોવા મને મદદ કરશે.+
એટલે કોઈ અપમાન મને નડશે નહિ.
મેં મક્કમ રહેવાનું નક્કી કર્યું છે.*+
મને ખબર છે કે મારે નીચું જોવું નહિ પડે.
૮ મને નેક જાહેર કરનાર મારી પાસે છે.
મારા પર કોણ આરોપ મૂકી શકે?+
અમે સામસામે ઊભા રહીએ.
કોણ મારી સામે દાવો માંડે છે?
તે મારી પાસે આવે.
૯ જુઓ, વિશ્વના માલિક યહોવા મને મદદ કરશે!
કોણ મને ગુનેગાર ઠરાવશે?
જુઓ, તેઓ કપડાંની જેમ ઘસાઈ જશે.
જીવડાં તેઓને ખાઈ જશે.
૧૦ તમારામાંથી કોણ યહોવાની બીક રાખે છે?
કોણ તેમના સેવકની વાત માને છે?+
કોણ પ્રકાશ વગર ઘોર અંધકારમાં ચાલે છે?
તે યહોવાના નામમાં ભરોસો મૂકે અને ઈશ્વરનો સાથ લે.*
૧૧ “પણ તમે બધા આગ સળગાવો છો,તણખા ઉડાવો છો,તમારી આગની રોશનીમાં ચાલો છો,તમે સળગાવેલી આગના તણખામાં ચાલો છો.
મારા હાથે તો તમને આ જ મળશે:
સખત વેદનામાં પડ્યાં પડ્યાં તમે રિબાયા કરશો.
ફૂટનોટ
^ અથવા, “મને ભણેલા-ગણેલાની જીભ આપે છે.”
^ મૂળ, “ભણેલાની જેમ.”
^ અથવા, “ઉત્તેજન.”
^ મૂળ, “મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કઠણ કર્યું છે.”
^ અથવા, “ઈશ્વર પર આધાર રાખે.”