યર્મિયા ૩૬:૧-૩૨
૩૬ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:
૨ “એક વીંટો* લે અને ઇઝરાયેલ, યહૂદા અને બધી પ્રજાઓ+ વિરુદ્ધ મેં તને જે જે કહ્યું છે, એ બધું એમાં લખ.+ યોશિયાના દિવસોથી લઈને આજ સુધી મેં તને જે જણાવ્યું છે,+ એ બધું એમાં લખ.
૩ યહૂદાના લોકો પર જે આફત લાવવાનું મેં નક્કી કર્યું છે, એ વિશે તેઓ સાંભળે અને કદાચ પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે. જો તેઓ એમ કરશે, તો હું તેઓનાં અપરાધ અને પાપ માફ કરીશ.”+
૪ પછી યર્મિયાએ નેરીયાના દીકરા બારૂખને બોલાવ્યો.+ યહોવાએ જે કંઈ કહ્યું હતું એ યર્મિયા બોલ્યો અને બારૂખે વીંટામાં લખ્યું.+
૫ યર્મિયાએ બારૂખને આજ્ઞા આપી: “હું કેદમાં* છું અને યહોવાના મંદિરમાં જઈ શકતો નથી.
૬ એટલે તું ત્યાં જા અને યહોવાના જે શબ્દો મેં તને વીંટામાં લખાવ્યા છે એ મોટેથી વાંચ. ઉપવાસના દિવસે તું યહોવાના મંદિરમાં લોકોને એ વાંચી સંભળાવ, જેથી પોતપોતાનાં શહેરોથી આવેલા યહૂદાના બધા લોકો એ સાંભળી શકે.
૭ કદાચ તેઓ યહોવા પાસે દયાની ભીખ માંગે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે, કેમ કે યહોવા આ લોકો પર ખૂબ ગુસ્સે થયા છે અને રોષે ભરાયા છે.”
૮ યર્મિયા પ્રબોધકે જે કંઈ કહ્યું હતું એ બધું નેરીયાના દીકરા બારૂખે કર્યું. તેણે યહોવાના મંદિરમાં જઈને વીંટામાં* લખેલા યહોવાના શબ્દો લોકો આગળ મોટેથી વાંચી સંભળાવ્યા.+
૯ હવે યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનનું+ પાંચમું વર્ષ ચાલતું હતું. એના નવમા મહિનામાં યરૂશાલેમના લોકોએ અને યહૂદાનાં શહેરોથી યરૂશાલેમ આવેલા લોકોએ યહોવા આગળ ઉપવાસ કરવાનું જાહેર કર્યું.+
૧૦ બારૂખે વીંટામાં લખેલા યર્મિયાના શબ્દો યહોવાના મંદિરમાં બધા લોકો આગળ વાંચી સંભળાવ્યા. તેણે એ શબ્દો શાસ્ત્રી* શાફાનના+ દીકરા ગમાર્યાના+ ઓરડામાં* વાંચી સંભળાવ્યા. એ ઓરડો ઉપરના આંગણામાં હતો અને યહોવાના મંદિરના નવા દરવાજાની નજીક હતો.+
૧૧ જ્યારે શાફાનના દીકરા ગમાર્યાના દીકરા મીખાયાએ વીંટામાં* લખેલા યહોવાના શબ્દો સાંભળ્યા,
૧૨ ત્યારે તે રાજાના મહેલમાં મંત્રીના* ઓરડામાં ગયો. ત્યાં અલિશામા+ મંત્રી, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો+ દીકરો એલ્નાથાન,+ શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા અને બીજા બધા અધિકારીઓ બેઠા હતા.
૧૩ જ્યારે બારૂખ લોકોને વીંટામાંથી* વાંચી સંભળાવતો હતો, ત્યારે મીખાયાએ જે કંઈ સાંભળ્યું એ બધું તેણે અધિકારીઓને જણાવ્યું.
૧૪ પછી બધા અધિકારીઓએ યેહૂદીને બારૂખ પાસે મોકલ્યો. યેહૂદી તો કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાનો દીકરો હતો. તેઓએ યેહૂદી દ્વારા બારૂખને આ સંદેશો મોકલ્યો: “તું અહીં આવ અને તારી જોડે એ વીંટો પણ લેતો આવ, જેમાંથી તું લોકોને વાંચી સંભળાવતો હતો.” એટલે નેરીયાનો દીકરો બારૂખ એ વીંટો લઈને તેઓની પાસે ગયો.
૧૫ તેઓએ કહ્યું: “અહીં બેસ. અમને એમાંથી વાંચી સંભળાવ.” બારૂખે તેઓને વાંચી સંભળાવ્યું.
૧૬ એ બધું સાંભળીને તેઓ ડરી ગયા. તેઓએ એકબીજા સામે જોયું અને બારૂખને કહ્યું: “અમારે આ બધું રાજાને કહેવું જ પડશે.”
૧૭ તેઓએ બારૂખને પૂછ્યું: “આ સંદેશો તને ક્યાંથી મળ્યો? શું આ બધું તને યર્મિયાએ લખાવ્યું છે?”
૧૮ બારૂખે તેઓને કહ્યું: “યર્મિયાએ એ શબ્દો કહ્યા અને મેં શાહીથી વીંટામાં* લખ્યા.”
૧૯ અધિકારીઓએ બારૂખને કહ્યું: “તું અને યર્મિયા જઈને સંતાઈ જાઓ. કોઈને કહેતા નહિ કે તમે ક્યાં સંતાયા છો.”+
૨૦ એ અધિકારીઓએ વીંટાને અલિશામા મંત્રીના ઓરડામાં મૂક્યો અને તેઓ રાજા પાસે આંગણામાં ગયા. તેઓએ જે કંઈ સાંભળ્યું હતું, એ બધું રાજાને જણાવ્યું.
૨૧ રાજાએ એ વીંટો લાવવા યેહૂદીને+ મોકલ્યો. તે અલિશામા મંત્રીના ઓરડામાંથી એ વીંટો લઈ આવ્યો. તેણે રાજા અને રાજા પાસે ઊભેલા અધિકારીઓ આગળ એ વીંટામાંથી વાંચ્યું.
૨૨ એ નવમો મહિનો* હતો અને રાજા શિયાળા માટેના ઘરમાં બેઠો હતો. તેની આગળ સગડી સળગતી હતી.
૨૩ યેહૂદી ત્રણ કે ચાર પાનાં* વાંચતો પછી મંત્રીની છરીથી રાજા એટલો ભાગ કાપી નાખતો. પછી એને સગડીમાં નાખી દેતો. આમ આખો વીંટો સગડીમાં બાળી નાખવામાં આવ્યો.
૨૪ વીંટાના શબ્દો સાંભળીને રાજાને કે તેના સેવકોને ડર લાગ્યો નહિ કે તેઓએ પોતાનાં કપડાં ફાડ્યાં* નહિ.
૨૫ એલ્નાથાન,+ દલાયા+ અને ગમાર્યાએ+ રાજાને વીંટો ન બાળવા વિનંતી કરી, પણ તેણે તેઓનું સાંભળ્યું નહિ.
૨૬ એટલું જ નહિ, રાજાએ બારૂખ મદદનીશને* અને યર્મિયા પ્રબોધકને પકડી લાવવા રાજાના દીકરા* યરાહમએલને, આઝ્રીએલના દીકરા સરાયાને અને આબ્દએલના દીકરા શેલેમ્યાને હુકમ આપ્યો. પણ યહોવાએ એ બંનેને સંતાડી રાખ્યા.+
૨૭ યર્મિયાના લખાવ્યા પ્રમાણે બારૂખે જે વીંટો લખ્યો હતો,+ એ વીંટો રાજાએ બાળી નાખ્યો પછી, યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:
૨૮ “તું બીજો એક વીંટો લે. પહેલા વીંટામાં જે લખ્યું હતું અને જેને યહૂદાના રાજા યહોયાકીમે બાળી નાખ્યો હતો,+ એ વીંટાના શબ્દો આ વીંટામાં ફરી લખ.
૨૯ તું યહૂદાના રાજા યહોયાકીમને કહેજે, ‘યહોવા કહે છે: “તેં આ વીંટો બાળી નાખ્યો અને કહ્યું, ‘તેં કેમ આ વીંટામાં આવું લખ્યું કે બાબેલોનનો રાજા આવીને દેશનો નાશ કરશે, માણસો અને પ્રાણીઓનો સંહાર કરીને એને ઉજ્જડ કરશે?’+
૩૦ એટલે યહૂદાના રાજા યહોયાકીમ વિરુદ્ધ યહોવા કહે છે, ‘તેના વંશમાંથી કોઈ માણસ દાઉદની રાજગાદી પર બેસશે નહિ.+ તેની લાશ દિવસે ગરમીમાં અને રાતે ઠંડીમાં* બહાર પડી રહેશે.+
૩૧ હું તેની પાસેથી, તેના વંશજો પાસેથી અને તેના સેવકો પાસેથી તેઓની ભૂલોનો હિસાબ માંગીશ. હું તેઓ પર, યરૂશાલેમના રહેવાસીઓ પર અને યહૂદાના બધા માણસો પર એ આફતો લાવીશ, જેના વિશે મેં તેઓને ચેતવણી આપી હતી,+ પણ તેઓએ સાંભળી નહિ.’”’”+
૩૨ પછી યર્મિયાએ બીજો એક વીંટો લીધો અને નેરીયાના દીકરા બારૂખ મદદનીશને એ આપ્યો.+ બારૂખે યર્મિયાએ કહેલા બધા શબ્દો એમાં લખ્યા. યહૂદાના રાજા યહોયાકીમે બાળી નાખેલા વીંટામાં* જે શબ્દો હતા એ એમાં લખ્યા.+ એ વીંટામાં એના જેવી બીજી વાતો પણ ઉમેરવામાં આવી.
ફૂટનોટ
^ અથવા, “નજરકેદ”
^ અથવા, “પુસ્તકમાં.”
^ અથવા, “લખાણની નકલ ઉતારનાર.”
^ અથવા, “ભોજનખંડમાં.”
^ અથવા, “પુસ્તકમાં.”
^ અથવા, “પુસ્તકમાંથી.”
^ અથવા, “પુસ્તકમાં.”
^ મધ્ય નવેમ્બરથી લઈને મધ્ય ડિસેમ્બર સુધીનો સમયગાળો. વધારે માહિતી ખ-૧૫ જુઓ.
^ અથવા, “વીંટાના લખાણનો ઊભો ભાગ; કૉલમ.”
^ શબ્દસૂચિમાં “શોક” જુઓ.
^ કદાચ રાજવી પરિવારનો એક સભ્ય.
^ અથવા, “મંત્રીને.”
^ અથવા, “બરફમાં.”
^ અથવા, “પુસ્તકમાં.”