યર્મિયા ૧૦:૧-૨૫

  • બીજી પ્રજાઓના દેવો અને જીવતા ઈશ્વર વચ્ચેનો ફરક (૧-૧૬)

  • આવનાર વિનાશ અને ગુલામી (૧૭, ૧૮)

  • યર્મિયાનો વિલાપ (૧૯-૨૨)

  • પ્રબોધકની પ્રાર્થના (૨૩-૨૫)

    • માણસ પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી (૨૩)

૧૦  હે ઇઝરાયેલીઓ, યહોવાએ તમારી વિરુદ્ધ જે કહ્યું છે એ સાંભળો. ૨  યહોવા કહે છે: “બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ.+ એ પ્રજાઓ આકાશની નિશાનીઓથી ગભરાય છે,પણ તમે એ નિશાનીઓથી ગભરાશો નહિ.+  ૩  લોકોના રીતરિવાજો નકામા* છે. કારીગર જંગલમાંથી ઝાડ કાપી લાવે છેઅને પોતાના સાધનથી* એની મૂર્તિ બનાવે છે.+  ૪  તેઓ સોના-ચાંદીથી એને શણગારે છે.+ એ ગબડી ન જાય માટે એને હથોડીથી ખીલા ઠોકીને બેસાડે છે.+  ૫  કાકડીના ખેતરના ચાડિયાની જેમ એ મૂર્તિઓ બોલી શકતી નથી.+ તેઓને ઊંચકીને લઈ જવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી.+ તેઓથી ડરશો નહિ, કેમ કે તેઓ કંઈ નુકસાન કરી શકતી નથીઅને કંઈ સારું પણ કરી શકતી નથી.”+  ૬  હે યહોવા, તમારા જેવું બીજું કોઈ નથી.+ તમે મહાન છો. તમારું નામ મહાન અને શક્તિશાળી છે.  ૭  હે પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ ડરે?+ તમારો ડર રાખવો યોગ્ય છે,કેમ કે પ્રજાઓના જ્ઞાની માણસોમાં અને તેઓનાં રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.+  ૮  તેઓ બધા મૂર્ખ અને અક્કલ વગરના છે.+ લાકડાની મૂર્તિ* પાસેથી મળતી સલાહ છેતરામણી* છે.+  ૯  તાર્શીશથી+ ચાંદીનાં પતરાં અને ઉફાઝથી સોનું લાવવામાં આવે છે. કારીગર અને સોની એનાથી લાકડું મઢે છે. તેઓ મૂર્તિઓને ભૂરી દોરી અને જાંબુડિયા રંગના ઊનનાં કપડાં પહેરાવે છે. તેઓ કુશળ કારીગરના હાથની રચના છે. ૧૦  પણ યહોવા સાચે જ ઈશ્વર છે. તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+ તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+ કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ. ૧૧  * તું તેઓને કહેજે: “જે દેવોએ આકાશો અને પૃથ્વી બનાવ્યાં નથી,એ દેવોનો પૃથ્વી પરથી અને આકાશો નીચેથી નાશ થઈ જશે.”+ ૧૨  તેમણે પોતાની શક્તિથી પૃથ્વી બનાવી,તેમણે પોતાના ડહાપણથી પડતર જમીન તૈયાર* કરી,+અને પોતાની સમજણથી આકાશો ફેલાવ્યાં.+ ૧૩  તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+ તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+ તે વરસાદમાં વીજળી ચમકાવે છે.* તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+ ૧૪  દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી. કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે. એ મૂર્તિઓ નિર્જીવ છે.*+ ૧૫  તેઓ નકામી* છે, મજાકને જ લાયક છે.+ ન્યાયના દિવસે તેઓનો નાશ થઈ જશે. ૧૬  યાકૂબના ઈશ્વર* એ મૂર્તિઓ જેવા નથી,તે બધી વસ્તુઓના સર્જનહાર છે,ઇઝરાયેલ તેમના વારસાની લાકડી છે.+ તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.+ ૧૭  હે સ્ત્રી,* દુશ્મનોએ તને ઘેરી લીધી છે. તારાં બિસ્તરાં-પોટલાં ઉપાડ. ૧૮  કેમ કે યહોવા કહે છે: “આ સમયે હું દેશના રહેવાસીઓને હાંકી કાઢું છું,+ હું તેઓને મુસીબતો સહેવા મજબૂર કરીશ.” ૧૯  મારા ઘાને* લીધે મને અફસોસ!+ મારો જખમ રુઝાય એવો નથી. મેં કહ્યું: “આ મારી બીમારી છે, આ મારે સહેવી જ પડશે! ૨૦  મારા તંબુઓનો નાશ થયો છે, એનાં દોરડાં તૂટી ગયાં છે.+ મારા દીકરાઓએ મને ત્યજી દીધી છે, એકેય દીકરો રહ્યો નથી.+ તંબુ ઊભો કરનાર કે તંબુ તાણનાર કોઈ રહ્યો નથી. ૨૧  ઘેટાંપાળકોએ મૂર્ખાઈ કરી છે,+ તેઓએ યહોવાની સલાહ લીધી નથી.+ એટલે તેઓ સમજણથી વર્ત્યા નથી,તેઓનાં ટોળાં આમતેમ વિખેરાઈ ગયાં છે.”+ ૨૨  સાંભળો! ખબર મળી છે! દુશ્મન આવી રહ્યો છે! ઉત્તર દેશથી તેનો શોરબકોર સંભળાય છે.+ તે યહૂદાનાં શહેરોને ઉજ્જડ કરવા અને એને શિયાળોની બખોલ બનાવવા આવી રહ્યો છે.+ ૨૩  હે યહોવા, હું સારી રીતે જાણું છું કે માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી. તે પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી.*+ ૨૪  હે યહોવા, મારો ન્યાય કરો અને મને સુધારો,પણ ગુસ્સે ભરાઈને ન્યાય ન કરો,+ નહિતર મારો નાશ થઈ જશે.+ ૨૫  તમારો ક્રોધ એ પ્રજાઓ પર રેડી દો, જે તમને જાણતી નથી,+એ કુટુંબો પર રેડી દો, જે તમારા નામે પોકાર કરતાં નથી. તેઓ યાકૂબને ભરખી ગયાં છે.+ હા, તેનો નાશ થઈ જાય એ હદે તેને ભરખી ગયાં છે+અને તેનું વતન ઉજ્જડ કરી નાખ્યું છે.+

ફૂટનોટ

અથવા, “છેતરામણા.”
અથવા, “ધારિયાથી.”
અથવા, “ઝાડ.”
અથવા, “નકામી.”
મૂળ લખાણમાં આ કલમ અરામિક ભાષામાં છે.
અથવા, “સ્થિર.”
અથવા કદાચ, “તે વરસાદ માટે દ્વાર બનાવે છે.”
અથવા, “વરાળને.”
અથવા, “એ મૂર્તિઓમાં શ્વાસ નથી.”
અથવા, “છેતરામણી.”
મૂળ, “યાકૂબનો હિસ્સો.”
એ યરૂશાલેમ નગરીને બતાવે છે.
અથવા, “તૂટેલા હાડકાને.”
અથવા, “તેને એક પગલું ભરવાનો પણ અધિકાર નથી.”