પ્રેરિતોનાં કાર્યો ૪:૧-૩૭
૪ પિતર અને યોહાન લોકો સાથે વાત કરતા હતા ત્યારે, યાજકો,* મંદિરના રક્ષકોનો અધિકારી અને સાદુકીઓ*+ તેઓની પાસે આવ્યા.
૨ તેઓ ખૂબ ગુસ્સે ભરાયા હતા, કેમ કે પ્રેરિતો લોકોને શીખવતા હતા અને જાહેર કરતા હતા કે ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા છે.+
૩ તેઓએ પિતર અને યોહાનને પકડ્યા અને સાંજ પડી ગઈ હોવાથી બીજા દિવસ સુધી કેદમાં રાખ્યા.+
૪ પણ જે લોકોએ તેઓનો સંદેશો સાંભળ્યો હતો, તેઓમાંથી ઘણાએ શ્રદ્ધા મૂકી અને તેઓમાં પુરુષોની સંખ્યા આશરે ૫,૦૦૦ થઈ.+
૫ બીજા દિવસે યહૂદીઓના અધિકારીઓ, વડીલો અને શાસ્ત્રીઓ* યરૂશાલેમમાં ભેગા મળ્યા.
૬ મુખ્ય યાજક* અન્નાસ,+ કાયાફાસ,+ યોહાન, એલેકઝાંડર અને મુખ્ય યાજકનાં બધાં સગાં પણ તેઓ સાથે હતાં.
૭ તેઓએ પિતર અને યોહાનને બધાની વચ્ચે ઊભા રાખ્યા અને પૂછ્યું: “તમને આવું કરવાની શક્તિ કોણે આપી? તમે કોના નામમાં આ કર્યું?”
૮ ત્યારે પિતરે પવિત્ર શક્તિથી ભરપૂર થઈને+ તેઓને કહ્યું:
“લોકોના અધિકારીઓ અને વડીલો,
૯ આ લંગડા માણસ માટે અમે જે સારું કામ કર્યું છે,+ શું તમારે એના વિશે જાણવું છે? તે કઈ રીતે સાજો થયો, શું એ જાણવું છે?
૧૦ તમે અને ઇઝરાયેલના બધા લોકો જાણી લો કે નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામમાં+ આ માણસ સાજો થઈને તમારી આગળ ઊભો છે. એ જ ઈસુ ખ્રિસ્ત, જેમને તમે વધસ્તંભે જડીને મારી નાખ્યા,+ પણ ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા.+
૧૧ ઈસુ એ ‘પથ્થર છે જેને બાંધકામ કરનારાઓએ નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.’+
૧૨ તેમના વગર બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે પૃથ્વી પર માણસોમાં એવું કોઈ નામ આપવામાં આવ્યું નથી,+ જેના દ્વારા આપણે બચી શકીએ.”+
૧૩ હવે તેઓએ પિતર અને યોહાનને હિંમતથી* બોલતા જોયા અને તેઓને ખબર પડી કે તેઓ અભણ* અને સામાન્ય માણસો છે.+ એટલે તેઓને નવાઈ લાગી. તેઓને ખ્યાલ આવ્યો કે એ માણસો ઈસુ સાથે હતા.+
૧૪ સાજો થયેલો માણસ ત્યાં પિતર અને યોહાનની સાથે ઊભો હતો.+ એટલે તેને જોઈને તેઓ કંઈ બોલી શક્યા નહિ.+
૧૫ તેઓએ ત્રણેય માણસોને યહૂદી ન્યાયસભાની* બહાર જવાની આજ્ઞા કરી. પછી તેઓ એકબીજા સાથે મસલત કરવા લાગ્યા
૧૬ અને કહેવા લાગ્યા: “આ માણસોનું આપણે શું કરીએ?+ કેમ કે તેઓએ ખરેખર એક અજાયબ કામ કર્યું છે. યરૂશાલેમના બધા રહેવાસીઓએ એ જોયું છે+ અને આપણે એ નકારી શકતા નથી.
૧૭ આ વાત લોકોમાં વધારે ફેલાય નહિ, એટલે ચાલો આપણે તેઓને ધમકાવીએ અને જણાવીએ કે કોઈને પણ આ નામ* વિશે કંઈ કહે નહિ.”+
૧૮ તેઓએ પિતર અને યોહાનને બોલાવ્યા અને હુકમ કર્યો કે ઈસુના નામમાં કંઈ પણ કહેવું નહિ અથવા કંઈ પણ શીખવવું નહિ.
૧૯ પણ પિતરે અને યોહાને તેઓને કહ્યું: “તમે જ નક્કી કરો, શું ઈશ્વરની નજરમાં એ ખરું કહેવાશે કે અમે ઈશ્વરને બદલે તમારી વાત સાંભળીએ.
૨૦ અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”+
૨૧ તેઓએ પિતર અને યોહાનને ફરીથી ધમકાવ્યા અને છોડી મૂક્યા, કેમ કે તેઓને સજા કરવાનું કોઈ કારણ મળ્યું નહિ. લોકોનો ડર હોવાથી તેઓએ એમ કર્યું,+ કેમ કે જે બન્યું એનાથી બધા લોકો ઈશ્વરને મહિમા આપતા હતા.
૨૨ ચમત્કારથી સાજા થયેલા માણસની ઉંમર ૪૦ વર્ષ કરતાં વધારે હતી.
૨૩ પિતર અને યોહાનને છોડી મૂકવામાં આવ્યા પછી, તેઓ પોતાના લોકો પાસે ગયા. તેઓએ લોકોને મુખ્ય યાજકો અને વડીલોએ કહેલી વાતો જણાવી.
૨૪ એ સાંભળીને તેઓએ સાથે મળીને મોટા અવાજે ઈશ્વરને પોકાર કર્યો:
“હે વિશ્વના માલિક,* તમે જ આકાશ, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું જ બનાવ્યું છે.+
૨૫ તમે પવિત્ર શક્તિથી તમારા સેવક, અમારા પૂર્વજ દાઉદ દ્વારા કહ્યું હતું:+ ‘દેશો કેમ ખળભળી ઊઠ્યા છે અને લોકો કેમ નકામી વાતો પર વિચાર કરે છે?
૨૬ યહોવા* અને તેમના અભિષિક્ત* વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ ઊભા થયા છે અને અધિકારીઓ એક થઈને કાવતરું ઘડે છે.’+
૨૭ અને એવું જ થયું, કેમ કે રાજા હેરોદ* અને પોંતિયુસ પિલાત+ બીજી પ્રજાના લોકો અને ઇઝરાયેલીઓ સાથે મળીને આ શહેરમાં તમારા પવિત્ર સેવક ઈસુ વિરુદ્ધ ઊભા થયા, જેમનો તમે અભિષેક કર્યો હતો.+
૨૮ તેઓ ઈસુ વિરુદ્ધ ભેગા થયા, જેથી તમારી શક્તિ અને તમારા ઇરાદાથી જે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું, એ પ્રમાણે તેઓ કરે.+
૨૯ હે યહોવા,* તેઓની ધમકીઓ પર ધ્યાન આપો અને તમારા સેવકોને તમારો સંદેશો પૂરી હિંમતથી બોલવા મદદ કરો.
૩૦ તમારી શક્તિથી લોકોને સાજા કરતા રહો અને તમારા પવિત્ર સેવક ઈસુના નામમાં+ ચમત્કારો અને અદ્ભુત કામો કરાવતા રહો.”+
૩૧ તેઓ કાલાવાલા* કરી રહ્યા ત્યારે, તેઓ જ્યાં ભેગા મળ્યા હતા એ જગ્યા હાલી અને ત્યાં હાજર રહેલા બધા જ પવિત્ર શક્તિથી ભરપૂર થયા+ અને ઈશ્વરનો સંદેશો હિંમતથી બોલવા લાગ્યા.+
૩૨ શ્રદ્ધા બતાવનારા બધા એકદિલના અને એકમનના* થયા. તેઓમાંથી કોઈ પણ પોતાની ચીજવસ્તુઓને પોતાની ન કહેતું, કેમ કે તેઓ બધું એકબીજા સાથે વહેંચતા હતા.+
૩૩ આપણા માલિક ઈસુ જીવતા થયા એ વિશે પ્રેરિતો પૂરા જોશથી સાક્ષી આપતા રહ્યા.+ તેઓ બધા પર ભરપૂર પ્રમાણમાં ઈશ્વરની અપાર કૃપા* હતી.
૩૪ હકીકતમાં, તેઓમાંથી કોઈને પણ કંઈ અછત ન હતી,+ કેમ કે જેઓ પાસે ખેતરો અને ઘરો હતાં, તેઓ એ વેચી નાખતા અને મળેલા પૈસા લાવીને
૩૫ પ્રેરિતોના પગ આગળ મૂકતા.+ પછી એ પૈસા જરૂરિયાત પ્રમાણે દરેકને વહેંચી આપવામાં આવતા.+
૩૬ યૂસફ નામે એક લેવી હતો અને તે સૈપ્રસનો વતની હતો. પ્રેરિતો તેને બાર્નાબાસ+ પણ કહેતા (જેનો અર્થ થાય, “દિલાસાનો દીકરો”).
૩૭ તેણે પોતાની જમીન વેચી દીધી અને એ પૈસા લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યા.+
ફૂટનોટ
^ શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.
^ અથવા, “નિડરતાથી.”
^ અથવા, “ઓછું ભણેલા.” એટલે કે, રાબ્બીઓની શાળામાં ભણ્યા ન હતા.
^ અહીં ઈસુના નામની વાત થઈ રહી છે.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ અથવા, “ખંતથી પ્રાર્થના.”
^ શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.