પ્રેરિતોનાં કાર્યો ૨૧:૧-૪૦
૨૧ અમે તેઓથી ભારે હૈયે છૂટા પડ્યા અને વહાણમાં બેઠા. અમે સીધા કોસ નામના શહેર પહોંચ્યા, બીજા દિવસે રોદસ ગયા અને ત્યાંથી પાતરા ગયા.
૨ જ્યારે અમને ફિનીકિયા થઈને જતું વહાણ મળ્યું, ત્યારે અમે એમાં ચઢ્યા અને વહાણ આગળ વધ્યું.
૩ અમને સૈપ્રસ ટાપુ દેખાયો, જે અમારી ડાબી બાજુ હતો. એને પાછળ છોડીને અમે સિરિયા તરફ વહાણ હંકારી ગયા. અમે તૂરમાં ઊતર્યા, જ્યાં વહાણમાંથી માલ-સામાન ઉતારવાનો હતો.
૪ ત્યાં અમે શિષ્યોને શોધી કાઢ્યા અને તેઓની સાથે સાત દિવસ રહ્યા. પણ તેઓ પવિત્ર શક્તિની પ્રેરણાથી વારંવાર પાઉલને જણાવતા હતા કે તે યરૂશાલેમમાં પગ ન મૂકે.+
૫ જ્યારે અમારી મુલાકાત પૂરી થઈ, ત્યારે અમે નીકળીને અમારા રસ્તે આગળ વધ્યા. પણ સ્ત્રીઓ અને બાળકો સાથે તેઓ બધા અમને છેક શહેરની બહાર સુધી મૂકવા આવ્યા. પછી અમે દરિયા કિનારે ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી.
૬ અમે એકબીજાને આવજો કહીને વહાણમાં ચઢ્યા અને તેઓ પોતપોતાનાં ઘરે ગયા.
૭ અમે તૂરથી શરૂ કરેલી મુસાફરી પૂરી કરીને ટાલેમાઈસ આવ્યા. ત્યાં ભાઈઓને મળ્યા અને એક દિવસ રહ્યા.
૮ બીજા દિવસે અમે નીકળીને કાઈસારીઆ આવ્યા. અમે પ્રચારક ફિલિપના ઘરે ગયા, જે સાત માણસોમાંનો એક હતો.*+ અમે તેની સાથે રોકાયા.
૯ આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, જેઓ ભવિષ્યવાણી કરતી હતી.+
૧૦ અમે ત્યાં ઘણા દિવસ રોકાયા. પછી યહૂદિયાથી આગાબાસ+ નામનો પ્રબોધક આવ્યો.
૧૧ તે અમારી પાસે આવ્યો અને પાઉલનો કમરપટ્ટો લઈને તેણે પોતાના હાથ-પગ બાંધ્યા. તેણે કહ્યું: “પવિત્ર શક્તિ કહે છે, ‘આ પટ્ટો જે માણસનો છે, તેને યરૂશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધશે+ અને બીજી પ્રજાના હાથમાં સોંપી દેશે.’”+
૧૨ અમે આ સાંભળ્યું ત્યારે, અમે અને ત્યાં હાજર લોકો પાઉલને આજીજી કરવા લાગ્યા કે તે યરૂશાલેમ ન જાય.
૧૩ ત્યારે પાઉલે કહ્યું: “આ શું કરો છો? તમે રડીને મારો નિર્ણય કેમ ડગમગાવો છો? હું તો ફક્ત બંધાવા જ નહિ, પણ આપણા માલિક ઈસુના નામને લીધે યરૂશાલેમમાં મરવા પણ તૈયાર છું.”+
૧૪ જ્યારે તે માન્યો નહિ, ત્યારે અમે આમ કહીને ચૂપ થઈ ગયા:* “યહોવાની* ઇચ્છા પ્રમાણે થાઓ.”
૧૫ એ બનાવના થોડા દિવસો પછી અમે મુસાફરીની તૈયારી કરી અને યરૂશાલેમ જવા નીકળ્યા.
૧૬ કાઈસારીઆથી કેટલાક શિષ્યો પણ અમારી સાથે આવ્યા. તેઓ અમને સૈપ્રસના મનાસોનના ઘરે લઈ ગયા, જે શરૂઆતના શિષ્યોમાંથી એક હતો. અમે તેના ઘરે મહેમાન તરીકે રોકાવાના હતા.
૧૭ અમે યરૂશાલેમ પહોંચ્યા ત્યારે, ભાઈઓએ ખુશીથી અમારો આવકાર કર્યો.
૧૮ બીજા દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને+ મળવા ગયો. બધા વડીલો ત્યાં હાજર હતા.
૧૯ તેણે તેઓને સલામ કહી અને પોતાના સેવાકાર્ય દ્વારા ઈશ્વરે બીજી પ્રજામાં જે બધાં કામ કરાવ્યાં હતાં, એ વિશે તે વિગતવાર જણાવવા લાગ્યો.
૨૦ આ સાંભળ્યા પછી તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. તેઓએ પાઉલને કહ્યું: “જો ભાઈ, યહૂદીઓમાંથી હજારો લોકો શિષ્યો બન્યા છે અને તેઓ બધા ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર પાળે છે.+
૨૧ પણ તેઓએ તારા વિશે અફવાઓ સાંભળી છે કે તું બીજી પ્રજાઓમાં રહેતા બધા યહૂદીઓને મૂસાના નિયમો ત્યજી દેવાનું* શીખવે છે. એટલું જ નહિ, તું તેઓને જણાવે છે કે તેઓ પોતાનાં બાળકોની સુન્નત ન કરાવે અને રીતરિવાજો ન પાળે.+
૨૨ તો હવે શું કરવું જોઈએ? તેઓને ખબર પડવાની જ છે કે તું આવ્યો છે.
૨૩ એટલે અમે કહીએ એવું કર. અમારી સાથે એવા ચાર માણસો છે, જેઓએ માનતા લીધી છે.
૨૪ એ માણસોને તારી સાથે લઈ જા અને તેઓ સાથે તું પણ નિયમ પ્રમાણે પોતાને શુદ્ધ કર. તું તેઓનો ખર્ચો ઉઠાવજે, જેથી તેઓ પોતાનું માથું મૂંડાવે. પછી બધા લોકોને ખબર પડશે કે તું નિયમશાસ્ત્ર પાળે છે અને એ પ્રમાણે ચાલે છે.+ તેઓને ખ્યાલ આવશે કે તારા વિશે સાંભળેલી અફવાઓ ખોટી છે.
૨૫ બીજી પ્રજાઓમાંથી આવેલા શ્રદ્ધા મૂકનારાઓને તો અમે લખીને અમારો આ નિર્ણય જણાવ્યો છે: મૂર્તિઓને ચઢાવેલા અર્પણથી,+ લોહીથી,+ ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી*+ અને વ્યભિચારથી*+ દૂર રહો.”
૨૬ ત્યારે બીજા દિવસે પાઉલે એ માણસોને સાથે લીધા અને નિયમ પ્રમાણે તેઓ સાથે પોતાને શુદ્ધ કર્યો.+ પછી તે મંદિરમાં એ જણાવવા ગયો કે નિયમ પ્રમાણે શુદ્ધ થવાના દિવસો ક્યારે પૂરા થશે, જેથી એ દિવસે યાજક તેઓમાંના દરેક માટે અર્પણ ચઢાવી શકે.
૨૭ હવે સાત દિવસો પૂરા થવાની તૈયારીમાં હતા ત્યારે, આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોયો અને તેઓએ આખા ટોળાને ઉશ્કેર્યું. તેઓએ તેને પકડ્યો
૨૮ અને પોકારી ઊઠ્યા: “ઇઝરાયેલના માણસો, મદદ કરો! આ માણસ બધી જગ્યાએ જઈને દરેકને આપણા લોકો વિરુદ્ધ, આપણા નિયમશાસ્ત્ર વિરુદ્ધ અને આ જગ્યા વિરુદ્ધ શીખવે છે. એટલું ઓછું હોય તેમ, તે ગ્રીક લોકોને મંદિરમાં લાવ્યો છે અને પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”+
૨૯ તેઓએ એવું કહ્યું, કેમ કે તેઓએ ત્રોફિમસ+ નામના એક એફેસી માણસને પાઉલ સાથે શહેરમાં જોયો હતો અને તેઓએ ધારી લીધું કે પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે.
૩૦ આખા શહેરમાં ધમાલ મચી ગઈ. લોકો ભેગા થઈને મંદિર તરફ દોડી ગયા. તેઓએ પાઉલને પકડ્યો અને તેને મંદિરની બહાર ઘસડી ગયા. તરત જ મંદિરનાં બારણાં બંધ કરી દેવામાં આવ્યાં.
૩૧ તેઓ તેને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા, એવામાં લશ્કરી ટુકડીના સેનાપતિને* સંદેશો મળ્યો કે આખા યરૂશાલેમમાં ધમાલ મચી ગઈ છે.
૩૨ તરત જ, તે સૈનિકો અને લશ્કરી અધિકારીઓ સાથે ત્યાં દોડી ગયો. લોકોએ જ્યારે લશ્કરી ટુકડીના સેનાપતિ અને સૈનિકોને જોયા, ત્યારે તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.
૩૩ સેનાપતિ નજીક આવ્યો અને તેણે પાઉલને પકડ્યો. તેણે તેને બે સાંકળથી બાંધવાનો હુકમ કર્યો.+ તે કોણ છે અને તેણે શું કર્યું છે, એ વિશે તેણે પૂછપરછ કરી.
૩૪ પણ ટોળામાંથી કેટલાક એક વાતની બૂમો પાડતા હતા, તો કેટલાક બીજી વાતની. આ બધી ગરબડને લીધે તેને સરખી રીતે કંઈ જાણવા મળ્યું નહિ. એટલે તેણે પાઉલને સૈનિકોના રહેઠાણે લઈ જવાનો હુકમ કર્યો.
૩૫ પણ પાઉલ પગથિયાં પાસે પહોંચ્યો ત્યારે, ટોળું તેને મારવા ધમપછાડા કરતું હતું, એટલે સૈનિકોએ તેને ઊંચકી લેવો પડ્યો.
૩૬ લોકોનું ટોળું પાછળ પાછળ આવતું હતું અને બૂમો પાડતું હતું: “તેને મારી નાખો!”
૩૭ પાઉલને સૈનિકોના રહેઠાણ તરફ લઈ જવામાં આવતો હતો, એવામાં તેણે સેનાપતિને કહ્યું: “તમારી રજા હોય તો મારે કંઈક કહેવું છે.” તેણે કહ્યું: “હેં! તું ગ્રીક બોલી શકે છે?
૩૮ શું તું ઇજિપ્તનો પેલો માણસ નથી, જેણે થોડા સમય પહેલાં બળવાની આગ ભડકાવી હતી અને ૪,૦૦૦ ખૂનીઓને* ઉજ્જડ પ્રદેશમાં લઈ ગયો હતો?”
૩૯ પાઉલે કહ્યું: “ના, હું તો કિલીકિયાના જાણીતા શહેર તાર્સસનો નાગરિક છું.+ હું એક યહૂદી છું.+ હું તમને અરજ કરું છું કે મને લોકો આગળ બોલવા દો.”
૪૦ તેણે મંજૂરી આપી એ પછી, પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને શાંત રહેવા હાથથી ઇશારો કર્યો. એકદમ શાંતિ છવાઈ ગઈ ત્યારે, તેણે તેઓ આગળ હિબ્રૂ ભાષામાં બોલવાનું શરૂ કર્યું:+
ફૂટનોટ
^ પ્રેરિતોએ ફિલિપને યરૂશાલેમમાં પસંદ કર્યો હતો. પ્રેકા ૬:૩ જુઓ.
^ અથવા, “વાંધો ઉઠાવવાનું બંધ કર્યું.”
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ મૂળ, “વિરુદ્ધ બળવો કરવાનું.” શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.
^ અથવા, “લોહી વહેવડાવ્યા વગર મારી નાખેલાં પ્રાણીઓથી.”
^ એના હાથ નીચે ૧,૦૦૦ સૈનિકો હતા.
^ અથવા, “કટારધારી માણસોને.”