પ્રેરિતોનાં કાર્યો ૧૬:૧-૪૦

  • પાઉલ તિમોથીને પસંદ કરે છે (૧-૫)

  • મકદોનિયાના એક માણસ વિશેનું દર્શન (૬-૧૦)

  • ફિલિપીમાં લૂદિયા શિષ્યા બને છે (૧૧-૧૫)

  • પાઉલ અને સિલાસને કેદમાં નાખવામાં આવે છે (૧૬-૨૪)

  • કેદખાનાનો ઉપરી અને તેના ઘરના સભ્યો બાપ્તિસ્મા લે છે (૨૫-૩૪)

  • અધિકારીઓ માફી માંગે એવી પાઉલની માંગણી (૩૫-૪૦)

૧૬  પાઉલ દર્બે પહોંચ્યો અને પછી લુસ્ત્રા ગયો.+ ત્યાં તિમોથી+ નામનો એક શિષ્ય હતો. તેની માતા શ્રદ્ધા રાખનારી યહૂદી સ્ત્રી હતી અને તેના પિતા ગ્રીક હતા. ૨  લુસ્ત્રા અને ઇકોનિયાના ભાઈઓમાં તિમોથીની શાખ સારી હતી. ૩  પાઉલ ચાહતો હતો કે તિમોથી તેની સાથે આવે. તેથી તેણે તિમોથીને લઈ જઈને તેની સુન્‍નત કરાવી, કેમ કે જે વિસ્તારોમાં તેઓ જવાના હતા, ત્યાંના યહૂદીઓ જાણતા હતા કે તેના પિતા ગ્રીક છે.+ ૪  તેઓ જે પણ શહેરમાં થઈને જતા, ત્યાંના ભાઈઓને યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ લીધેલા નિર્ણયો જણાવતા, જેથી તેઓ એ પ્રમાણે કરી શકે.+ ૫  આમ, મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ. ૬  તેઓએ ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં+ મુસાફરી કરી, કેમ કે પવિત્ર શક્તિએ તેઓને આસિયા પ્રાંતમાં ઈશ્વરનો સંદેશો જણાવવાની મના કરી હતી. ૭  તેઓ મુસિયા આવ્યા ત્યારે, તેઓએ બિથુનિયા+ જવાના પ્રયત્નો કર્યા, પણ ઈસુએ પવિત્ર શક્તિ દ્વારા તેઓને એમ કરતા અટકાવ્યા. ૮  એટલે તેઓ મુસિયા પસાર કરીને* ત્રોઆસ આવ્યા. ૯  રાતે પાઉલને એક દર્શન થયું. એમાં તેણે મકદોનિયાનો એક માણસ ઊભેલો જોયો. તે વિનંતી કરતો હતો: “આ પાર મકદોનિયા આવ અને અમને મદદ કર.” ૧૦  તેણે દર્શન જોયું પછી, અમે તરત મકદોનિયા જવા તૈયાર થયા. કેમ કે અમે સમજી ગયા કે તેઓને ખુશખબર જણાવવાની ઈશ્વરે અમને આજ્ઞા કરી છે. ૧૧  અમે ત્રોઆસથી દરિયાઈ સફર કરીને સીધા સમોથ્રાકી આવ્યા અને પછીના દિવસે નિયાપુલિસ પહોંચ્યા. ૧૨  ત્યાંથી અમે ફિલિપી ગયા,+ જે રોમન સત્તા નીચે છે અને મકદોનિયા જિલ્લાનું મુખ્ય શહેર છે. અમે એ શહેરમાં થોડા દિવસો રહ્યા. ૧૩  સાબ્બાથના દિવસે અમે શહેરની બહાર નદી કિનારે ગયા. અમને લાગ્યું કે ત્યાં પ્રાર્થના કરવાની જગ્યા હશે. અમે ત્યાં બેઠા અને ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓ સાથે વાત કરવા લાગ્યા. ૧૪  લૂદિયા નામની એક સ્ત્રી અમારું સાંભળી રહી હતી. તે જાંબુડિયા રંગનાં કપડાં* વેચતી હતી અને થુવાતિરા+ શહેરની રહેવાસી હતી. તે ઈશ્વરભક્ત હતી. યહોવાએ* તેનું દિલ પૂરેપૂરું ખોલ્યું, જેથી તે પાઉલની વાતો પર ધ્યાન આપી શકે અને એને સ્વીકારી શકે. ૧૫  લૂદિયા અને તેના ઘરના સભ્યોએ બાપ્તિસ્મા લીધું.+ પછી તેણે અમને અરજ કરી: “જો તમે મને યહોવાની* વફાદાર સેવિકા ગણતા હો, તો આવો અને મારા ઘરે રહો.” તે અમને આગ્રહ કરીને તેના ઘરે લઈ ગઈ. ૧૬  એક દિવસે અમે પ્રાર્થના કરવાની જગ્યાએ જતા હતા. રસ્તામાં અમને એક દાસી મળી. તે દુષ્ટ દૂતના કાબૂમાં હતી,+ એટલે ભવિષ્ય ભાખી* શકતી હતી. એના લીધે તેના માલિકોને ઘણી કમાણી થતી હતી. ૧૭  તે પાઉલ અને અમારી પાછળ પાછળ આવતી અને બૂમો પાડીને કહેતી: “આ માણસો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે+ અને તમને ઉદ્ધારના માર્ગ વિશે જણાવે છે.” ૧૮  તે ઘણા દિવસો સુધી એમ કરતી રહી. છેવટે પાઉલ એનાથી કંટાળ્યો અને તેણે ફરીને દુષ્ટ દૂતને કહ્યું: “ઈસુ ખ્રિસ્તના નામમાં હું તને હુકમ કરું છું કે તેને છોડીને જતો રહે.” એ જ ઘડીએ તે દુષ્ટ દૂત જતો રહ્યો.+ ૧૯  એ છોકરીના માલિકોએ જોયું કે કમાવાનો રસ્તો બંધ થઈ ગયો છે.+ એટલે તેઓ પાઉલ અને સિલાસને પકડીને અધિકારીઓ પાસે બજારમાં ઘસડી ગયા.+ ૨૦  તેઓને શહેરના ઉચ્ચ અધિકારીઓ* પાસે લઈ જઈને માલિકોએ કહ્યું: “આ માણસોએ આપણા શહેરમાં ઘણી ધાંધલ મચાવી છે.+ તેઓ યહૂદીઓ છે ૨૧  અને એવા રીતરિવાજો શીખવે છે, જે માનવાની કે પાળવાની આપણને નિયમ પ્રમાણે છૂટ નથી, કેમ કે આપણે રોમનો છીએ.” ૨૨  લોકોનાં ટોળાં એક થઈને તેઓની વિરુદ્ધ ભેગાં થયાં. શહેરના ઉચ્ચ અધિકારીઓએ તેઓનાં કપડાં ફાડી નંખાવ્યાં અને તેઓને સોટીથી ફટકારવાની આજ્ઞા કરી.+ ૨૩  તેઓએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી તેઓને કેદખાનામાં નાખ્યા અને કેદખાનાના ઉપરીને હુકમ કર્યો કે તે તેઓ પર સખત પહેરો રાખે.+ ૨૪  તેને આવો હુકમ મળ્યો હોવાથી, તેણે તેઓને અંદરની કોટડીમાં પૂરી દીધા અને તેઓના પગ હેડમાં* જકડી દીધા. ૨૫  લગભગ અડધી રાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરવા ગીત ગાતા હતા.+ કેદીઓ તેઓને સાંભળી રહ્યા હતા. ૨૬  અચાનક એવો મોટો ધરતીકંપ થયો કે કેદખાનાના પાયા હલી ગયા. બધાં બારણાં તરત જ ખૂલી ગયાં અને દરેકનાં બંધનો ખૂલી ગયાં.+ ૨૭  કેદખાનાનો ઉપરી જાગી ગયો અને તેણે જોયું કે બધાં બારણાં ખુલ્લાં છે. કેદીઓ ભાગી ગયા છે+ એમ ધારીને તે પોતાની તલવાર કાઢીને આપઘાત કરવા જતો હતો. ૨૮  એટલામાં પાઉલે મોટેથી બૂમ પાડી: “ના, ના, એવું ના કરીશ. અમે બધા અહીંયા જ છીએ!” ૨૯  એટલે ઉપરીએ દીવા મંગાવ્યા અને તે અંદર દોડી ગયો. તે ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ અને સિલાસને પગે પડ્યો. ૩૦  તે તેઓને બહાર લાવ્યો અને પૂછ્યું: “સાહેબ, ઉદ્ધાર મેળવવા મારે શું કરવું જોઈએ?” ૩૧  તેઓએ કહ્યું: “માલિક ઈસુમાં શ્રદ્ધા મૂક અને તું તથા તારા ઘરના સભ્યો ઉદ્ધાર મેળવશો.”+ ૩૨  પછી પાઉલ અને સિલાસે તેને અને તેના ઘરના બધા સભ્યોને યહોવાનો* સંદેશો જણાવ્યો. ૩૩  રાતે એ જ ઘડીએ કેદખાનાનો ઉપરી તેઓને લઈ ગયો અને તેઓના જખમ ધોયા. પછી મોડું કર્યા વગર તેણે અને તેના ઘરના બધા સભ્યોએ બાપ્તિસ્મા લીધું.+ ૩૪  તે તેઓને પોતાના ઘરમાં લઈ આવ્યો અને તેઓની આગળ મેજ પર ભોજન પીરસ્યું. તેણે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી હોવાથી પોતાના ઘરના બધા સભ્યો સાથે મળીને તેણે ઘણો આનંદ કર્યો. ૩૫  દિવસ થયો ત્યારે શહેરના ઉચ્ચ અધિકારીઓએ સિપાઈઓ દ્વારા સંદેશો મોકલ્યો: “પેલા માણસોને છોડી દો.” ૩૬  કેદખાનાના ઉપરીએ પાઉલને તેઓનો સંદેશો જણાવ્યો: “શહેરના ઉચ્ચ અધિકારીઓએ તમને બંનેને છોડી મૂકવા માણસો મોકલ્યા છે. તમે બહાર આવો! જાઓ, તમે આઝાદ છો.” ૩૭  પણ પાઉલે તેઓને કહ્યું: “અમે રોમનો છીએ,+ છતાં કોઈ મુકદ્દમો ચલાવ્યા વગર* તેઓએ અમને જાહેરમાં ફટકા માર્યા અને કેદખાનામાં નાખ્યા. હવે શું તેઓ અમને છૂપી રીતે મોકલી દેવા માંગે છે? ના, અમે નહિ જઈએ! તેઓ પોતે અહીં આવે અને અમને બહાર લઈ જાય.” ૩૮  સિપાઈઓએ આ વાત શહેરના ઉચ્ચ અધિકારીઓને જણાવી. જ્યારે તેઓએ સાંભળ્યું કે આ માણસો રોમનો છે,+ ત્યારે તેઓ ગભરાઈ ગયા. ૩૯  તેઓએ આવીને પાઉલ અને સિલાસની આગળ કાલાવાલા કર્યા. પછી તેઓને બહાર લાવીને શહેર છોડીને જતા રહેવા વિનંતી કરી. ૪૦  પણ તેઓ કેદખાનામાંથી નીકળીને લૂદિયાના ઘરે ગયા. ત્યાં તેઓએ ભાઈઓને મળીને ઉત્તેજન આપ્યું+ અને પછી વિદાય લીધી.

ફૂટનોટ

અથવા, “મુસિયા થઈને.”
અથવા, “જાંબુડિયો રંગ.”
અથવા, “જોષ જોઈ.”
અથવા, “શહેરના ન્યાયાધીશો.” રોમન સામ્રાજ્યમાં ઊંચું પદ ધરાવતા અધિકારીઓ. શબ્દસૂચિ જુઓ.
અથવા, “અમને ગુનેગાર ઠરાવ્યા વગર.”