પ્રેરિતોનાં કાર્યો ૧૩:૧-૫૨
૧૩ હવે અંત્યોખ મંડળમાં આ પ્રબોધકો અને શિક્ષકો હતા:+ બાર્નાબાસ, સિમઓન જે નિગર કહેવાતો, કુરેનીનો લૂકિયસ, જિલ્લા અધિકારી હેરોદની સાથે ભણેલો મનાએન અને શાઉલ.
૨ તેઓ યહોવાની* ભક્તિ કરતા હતા અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર શક્તિએ કહ્યું: “બાર્નાબાસ અને શાઉલને+ જે કામ માટે મેં પસંદ કર્યા છે,+ એ માટે તેઓને અલગ રાખો.”
૩ તેઓએ ફરીથી ઉપવાસ કર્યો. તેઓએ પ્રાર્થના કરીને બાર્નાબાસ અને શાઉલ પર હાથ મૂક્યા અને તેઓને મોકલ્યા.
૪ આમ, પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે આ માણસો સલૂકિયા ગયા અને ત્યાંથી તેઓ સૈપ્રસ જવા વહાણમાં નીકળ્યા.
૫ તેઓ સલામિસ પહોંચ્યા ત્યારે, યહૂદીઓનાં સભાસ્થાનોમાં ઈશ્વરનો સંદેશો જાહેર કરવા લાગ્યા. યોહાન* પણ સેવક* તરીકે તેઓની સાથે હતો.+
૬ તેઓ આખા ટાપુ પર ફરતાં ફરતાં પાફસ સુધી પહોંચ્યા. ત્યાં તેઓ બાર-ઈસુ નામના યહૂદી માણસને મળ્યા, જે જાદુગર અને જૂઠો પ્રબોધક હતો.
૭ તે માણસ સર્ગિયુસ પાઉલ નામના રાજ્યપાલ* સાથે હતો. સર્ગિયુસ એક બુદ્ધિશાળી માણસ હતો. તેણે બાર્નાબાસ અને શાઉલને પોતાની પાસે બોલાવ્યા, કેમ કે તે ઈશ્વરનો સંદેશો સાંભળવા ઘણો આતુર હતો.
૮ પણ જાદુગર એલિમાસે* રાજ્યપાલને શ્રદ્ધામાંથી પાડી નાખવાનો પ્રયત્ન કર્યો. (એલિમાસ નામનું ભાષાંતર જાદુગર થાય છે.) તે બાર્નાબાસ અને શાઉલનો વિરોધ કરવા લાગ્યો.
૯ પછી શાઉલ જે પાઉલ પણ કહેવાતો હતો, તે પવિત્ર શક્તિથી ભરપૂર થયો. તેણે એલિમાસ સામે તાકીને જોયું
૧૦ અને કહ્યું: “ઓ શેતાનની* ઓલાદ!+ દરેક જાતના કપટ અને કાવતરાંથી ભરેલા માણસ, સત્યના દુશ્મન, તું યહોવાના* સીધા માર્ગોને વાંકા કરવાનું ક્યારે છોડીશ?
૧૧ જો! યહોવાનો* હાથ તારી વિરુદ્ધ છે, તું આંધળો થઈ જઈશ અને થોડા સમય સુધી સૂર્યનો પ્રકાશ જોઈ શકીશ નહિ.” તરત જ, તેના પર ગાઢ ધુમ્મસ અને અંધકાર છવાઈ ગયાં. તેને હાથ પકડીને દોરે એવી કોઈ વ્યક્તિને તે શોધવા લાગ્યો.
૧૨ એ બધું જોઈને રાજ્યપાલે ઈસુમાં શ્રદ્ધા મૂકી, કેમ કે યહોવાના* શિક્ષણથી તે ઘણો પ્રભાવિત થયો હતો.
૧૩ હવે પાઉલ અને તેના સાથીઓ પાફસથી દરિયાઈ માર્ગે પમ્ફૂલિયાના પેર્ગા ગયા. પણ યોહાન*+ તેઓને છોડીને પાછો યરૂશાલેમ જતો રહ્યો.+
૧૪ તેઓ પેર્ગાથી નીકળ્યા અને પિસીદિયાના અંત્યોખ પહોંચ્યા. પછી સાબ્બાથના* દિવસે તેઓ સભાસ્થાનમાં જઈને બેઠા.+
૧૫ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનાં લખાણોનું વાંચન+ પૂરું થયું એ પછી સભાસ્થાનના મુખ્ય અધિકારીએ તેઓને સંદેશો મોકલ્યો: “ભાઈઓ, લોકોને ઉત્તેજન આપવા જો તમારી પાસે કોઈ વાત હોય તો જણાવો.”
૧૬ તેથી પાઉલ ઊભો થયો અને લોકોને શાંત કરવા તેણે હાથથી ઇશારો કર્યો અને કહ્યું:
“ઓ ઇઝરાયેલીઓ અને ઈશ્વરનો ડર રાખતા બીજી પ્રજાના લોકો, સાંભળો.
૧૭ આ ઇઝરાયેલી લોકોના ઈશ્વરે આપણા બાપદાદાઓને પસંદ કર્યા. તેઓ ઇજિપ્તમાં પરદેશીઓ તરીકે રહેતા હતા ત્યારે, ઈશ્વરે તેઓને મદદ કરી અને પોતાના શક્તિશાળી હાથથી તેઓને ઇજિપ્તની બહાર કાઢી લાવ્યા.+
૧૮ આશરે ૪૦ વર્ષ સુધી તેમણે વેરાન પ્રદેશમાં તેઓને સહન કર્યા.+
૧૯ કનાન દેશનાં સાત રાજ્યોનો નાશ કર્યા પછી, તેમણે એ દેશ તેઓને વારસામાં આપ્યો.+
૨૦ આ બધું આશરે ૪૫૦ વર્ષ દરમિયાન થયું.
“એ પછી તેમણે પ્રબોધક શમુએલના સમય સુધી તેઓને ન્યાયાધીશો* આપ્યા.+
૨૧ પણ પછીથી તેઓએ રાજાની માંગણી કરી+ અને ઈશ્વરે બિન્યામીન કુળના કીશના દીકરા શાઉલને તેઓ પર રાજા બનાવ્યા.+ તેમણે ૪૦ વર્ષ સુધી રાજ કર્યું.
૨૨ તેમને હટાવી દીધા પછી, ઈશ્વરે દાઉદને રાજા તરીકે પસંદ કર્યા,+ જેમના વિશે તેમણે સાક્ષી આપી અને કહ્યું: ‘યિશાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે,+ જે મારું દિલ ખુશ કરે છે.+ હું જે ચાહું છું એ સર્વ તે કરશે.’
૨૩ ઈશ્વરે પોતાના વચન પ્રમાણે દાઉદના વંશમાંથી ઇઝરાયેલીઓ માટે છોડાવનાર, એટલે કે ઈસુને મોકલ્યા.+
૨૪ તેમના આવતા પહેલાં, યોહાને ઇઝરાયેલના સર્વ લોકોને પસ્તાવાની નિશાની તરીકે બાપ્તિસ્માનો પ્રચાર કર્યો.+
૨૫ પણ પોતાનું સેવાકાર્ય પૂરું થવાનું હતું ત્યારે યોહાને કહ્યું: ‘હું કોણ છું એ વિશે તમારું શું માનવું છે? તમે જે ધારો છો એ હું નથી. પણ જુઓ! મારા પછી જે આવે છે, તેમના પગનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.’+
૨૬ “ભાઈઓ, ઇબ્રાહિમના કુટુંબના વંશજો અને ઈશ્વરનો ડર રાખનારા બીજા લોકો, સાંભળો. ઈશ્વરે ઉદ્ધારનો આ સંદેશો આપણા સુધી મોકલ્યો છે.+
૨૭ કેમ કે યરૂશાલેમના રહેવાસીઓએ અને તેઓના રાજાઓએ છોડાવનારને ઓળખ્યા નહિ, પણ તેમનો ન્યાય કરતી વખતે તેઓએ પ્રબોધકોએ જણાવેલી વાતો પૂરી કરી.+ એ વાતો દર સાબ્બાથે મોટેથી વાંચવામાં આવે છે.
૨૮ ભલે તેમને મારી નાખવાનું તેઓને કોઈ કારણ મળ્યું નહિ,+ છતાં તેઓએ પિલાત પાસે તેમને મારી નાખવાની માંગણી કરી.+
૨૯ જ્યારે તેઓએ તેમના વિશે લખેલી સર્વ વાતો પૂરી કરી, ત્યારે તેઓએ તેમને વધસ્તંભ* પરથી નીચે ઉતાર્યા અને કબરમાં મૂક્યા.+
૩૦ પણ ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા.+
૩૧ જેઓ તેમની સાથે ગાલીલથી યરૂશાલેમ ગયા હતા, તેઓને ઘણા દિવસો સુધી તે દેખાયા. તેઓ હવે લોકો આગળ તેમના સાક્ષીઓ છે.+
૩૨ “તેથી જે વચન આપણા બાપદાદાઓને આપવામાં આવ્યું હતું, એની ખુશખબર અમે તમને જણાવીએ છીએ.
૩૩ ઈસુને જીવતા કરીને+ ઈશ્વરે બાપદાદાઓનાં બાળકો માટે, એટલે કે આપણા માટે એ વચન પૂરેપૂરું પાળ્યું છે, જેમ બીજા ગીતમાં* લખેલું છે: ‘તું મારો દીકરો છે અને આજથી હું તારો પિતા છું.’+
૩૪ ઈશ્વરે તેમને મરણમાંથી એવા શરીરમાં જીવતા કર્યા, જેને ફરી કદી કોહવાણ લાગશે નહિ. એ હકીકત વિશે તેમણે આમ જણાવ્યું હતું: ‘મને દાઉદ પર અતૂટ પ્રેમ હોવાથી, મેં તેને જે વચનો આપ્યાં હતાં, એ પ્રમાણે હું તમને આશીર્વાદો આપીશ. એ વચનો ભરોસાપાત્ર* છે.’+
૩૫ બીજા એક ગીતમાં પણ લખેલું છે: ‘તમે તમારા વફાદાર સેવકના શરીરને કોહવાણ લાગવા નહિ દો.’+
૩૬ દાઉદે જીવનભર ઈશ્વરની સેવા કરી* અને તે મરણની ઊંઘમાં સૂઈ ગયા. તેમને બાપદાદાઓ સાથે દફનાવવામાં આવ્યા અને તેમના શરીરને કોહવાણ લાગ્યું.+
૩૭ પણ ઈશ્વરે જેમને જીવતા કર્યા, તેમના શરીરને કોહવાણ લાગ્યું નહિ.+
૩૮ “તેથી ભાઈઓ, હું જાહેર કરું છું કે તેમના દ્વારા ઈશ્વર તમારાં પાપો માફ કરશે.+
૩૯ તમે જાણો છો કે મૂસાના નિયમશાસ્ત્રથી* તમે સર્વ વાતોમાં નિર્દોષ ઠરી શકતા નથી,+ પણ શ્રદ્ધા મૂકનાર દરેક માણસને ઈસુ દ્વારા સર્વ વાતોમાં નિર્દોષ ઠરાવવામાં આવે છે.+
૪૦ તેથી સાવચેત રહો કે પ્રબોધકોનાં લખાણોમાં જણાવેલું તમારા પર આવી ન પડે:
૪૧ ‘ઓ ધિક્કાર કરનારાઓ, જુઓ, આશ્ચર્ય પામો અને નાશ પામો, કેમ કે તમારા દિવસોમાં હું એવું કામ કરું છું, જેના વિશે જો તમને વિગતવાર કહેવામાં આવે, તોપણ તમે કદી નહિ માનો.’”+
૪૨ જ્યારે પાઉલ અને બાર્નાબાસ બહાર નીકળતા હતા, ત્યારે લોકોએ તેઓને આજીજી કરી કે એ વાતો વિશે આવનાર સાબ્બાથે પણ જણાવે.
૪૩ સભાસ્થાનમાંથી છૂટા પડ્યા પછી, યહૂદીઓ અને યહૂદી થયેલા ઘણા ઈશ્વરભક્તો પાઉલ અને બાર્નાબાસની પાછળ ગયા. તેઓએ એ લોકો સાથે વાત કરતી વખતે અરજ કરી કે તેઓ ઈશ્વરની અપાર કૃપાને લાયક બની રહે.+
૪૪ એ પછીના સાબ્બાથે યહોવાનો* સંદેશો સાંભળવા લગભગ આખું શહેર ભેગું થયું.
૪૫ યહૂદીઓએ ટોળાઓ જોયાં ત્યારે, તેઓ ઈર્ષાથી સળગી ઊઠ્યા. તેઓએ પાઉલની વાતોનો વિરોધ કર્યો અને તેની નિંદા કરવા લાગ્યા.+
૪૬ ત્યારે પાઉલ અને બાર્નાબાસે હિંમતથી તેઓને કહ્યું: “ઈશ્વરનો સંદેશો તમને પહેલા જણાવવામાં આવે એ જરૂરી હતું.+ પણ તમે એનો સ્વીકાર કરતા નથી અને પોતાને હંમેશ માટેના જીવનને લાયક ગણતા નથી. એટલે જુઓ, અમે બીજી પ્રજાઓ તરફ ફરીએ છીએ.+
૪૭ કેમ કે યહોવાએ* અમને આમ કહીને આજ્ઞા કરી છે: ‘મેં તો તને બીજી પ્રજાઓ માટે પ્રકાશ ઠરાવ્યો છે, જેથી ઉદ્ધારનો સંદેશો તું પૃથ્વીના છેડા સુધી જાહેર કરે.’”+
૪૮ બીજી પ્રજાના લોકોએ એ સાંભળ્યું ત્યારે, તેઓ આનંદ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે યહોવાનો* સંદેશો કેટલો અદ્ભુત છે! જેઓનું દિલ સારું હતું તેઓએ શ્રદ્ધા મૂકી, જેથી હંમેશ માટેનું જીવન મેળવી શકે.
૪૯ એટલું જ નહિ, યહોવાનો* સંદેશો આખા દેશમાં ફેલાતો ગયો.
૫૦ પણ યહૂદીઓએ ઈશ્વરનો ડર રાખનારી મોભાદાર સ્ત્રીઓને અને શહેરના મુખ્ય માણસોને ભડકાવ્યાં. તેઓએ પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી+ અને તેઓને પોતાના શહેરમાંથી* બહાર કાઢી મૂક્યા.
૫૧ એટલે, પાઉલ અને બાર્નાબાસે તેઓની વિરુદ્ધ પોતાના પગની ધૂળ ખંખેરી નાખી* અને ઇકોનિયા જતા રહ્યા.+
૫૨ શિષ્યોનાં મન પવિત્ર શક્તિ અને આનંદથી ઊભરાતાં રહ્યાં.+
ફૂટનોટ
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ માર્ક પણ કહેવાતો.
^ અથવા, “સહાયક.”
^ શબ્દસૂચિમાં “પ્રદેશનો રોમન રાજ્યપાલ” જુઓ.
^ અહીં પ્રેકા ૧૩:૬માં જણાવેલા બાર-ઈસુની વાત થઈ રહી છે.
^ શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ માર્ક પણ કહેવાતો.
^ અથવા, “જોડાની દોરી છોડવાને.”
^ અથવા, “ઝાડ.”
^ અહીં ગીતશાસ્ત્રના બીજા અધ્યાયની વાત થાય છે.
^ અથવા, “વિશ્વાસપાત્ર; ખાતરીપૂર્વક.”
^ અથવા, “ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કર્યું.”
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ અથવા, “હદમાંથી.”
^ એ જવાબદારી પૂરી થવાને બતાવે છે.