પુનર્નિયમ ૨૮:૧-૬૮

  • આજ્ઞા પાળવાથી મળતા આશીર્વાદો (૧-૧૪)

  • આજ્ઞા ન માનવાને લીધે મળતા શ્રાપ (૧૫-૬૮)

૨૮  “જો તમે તમારા ઈશ્વર યહોવાનું સાંભળશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું એને ધ્યાનથી પાળશો, તો તમારા ઈશ્વર યહોવા પૃથ્વીની બીજી બધી પ્રજાઓ કરતાં તમને ઊંચું સ્થાન આપશે.+ ૨  જો તમે તમારા ઈશ્વર યહોવાનું સાંભળશો, તો આ બધા આશીર્વાદો પુષ્કળ પ્રમાણમાં તમારા પર ઊતરી આવશે:+ ૩  “તમે શહેરમાં હો કે સીમમાં, તમારા પર આશીર્વાદ આવશે.+ ૪  “તમારાં બાળકો,*+ તમારી જમીનની પેદાશ અને તમારાં ઢોરઢાંક તેમજ ઘેટાં-બકરાંનાં બચ્ચાં પર આશીર્વાદ આવશે.+ ૫  “તમારી ટોપલી+ અને લોટ બાંધવાના વાસણ+ પર આશીર્વાદ આવશે. ૬  “તમે જ્યાં પણ જશો અને જે કંઈ કરશો, એ સર્વ પર આશીર્વાદ આવશે. ૭  “તમારી સામે ચઢી આવનાર દુશ્મનોને યહોવા હરાવી દેશે.+ તેઓ એક દિશાએથી આવીને તમારા પર હુમલો કરશે, પણ તમારી સામેથી સાત દિશાઓમાં નાસી છૂટશે.+ ૮  યહોવાના હુકમથી તમારા કોઠારો અને તમારાં સર્વ કામો પર આશીર્વાદ આવશે.+ જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને આપે છે, એમાં તે તમને આશીર્વાદ આપશે. ૯  જો તમે તમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળતા રહેશો અને તેમના માર્ગોમાં ચાલતા રહેશો, તો યહોવા તમને તેમના પવિત્ર લોકો બનાવશે,+ જેમ તેમણે તમારી આગળ સમ ખાધા હતા.+ ૧૦  પૃથ્વીના સર્વ લોકો જોશે કે તમે યહોવાના નામથી ઓળખાઓ છો+ અને તેઓ તમારાથી બીશે.+ ૧૧  “યહોવાએ તમને જે દેશ આપવાના તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા,+ એમાં યહોવા તમને ઘણાં બાળકો, પુષ્કળ ઢોરઢાંક અને જમીનની મબલક પેદાશ આપશે.+ ૧૨  યહોવા આકાશના અખૂટ ભંડારો ખોલી દેશે અને તમારા દેશમાં ૠતુ પ્રમાણે વરસાદ વરસાવશે.+ તે તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે. તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમારે કોઈની પાસેથી ઉછીનું લેવું નહિ પડે.+ ૧૩  યહોવા તમને બીજી પ્રજાઓથી આગળ રાખશે, પાછળ નહિ.* તમારો હાથ હંમેશાં તેઓની ઉપર રહેશે,+ નીચે નહિ. શરત એટલી જ કે તમારા ઈશ્વર યહોવાની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, એ તમે કાયમ પાળો અને અમલમાં મૂકો. ૧૪  જે બધી આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, એનાથી ડાબે કે જમણે ફંટાઈ ન જતા+ અને બીજા દેવોને પગે પડીને તેઓની સેવા ન કરતા.+ ૧૫  “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+ ૧૬  “તમે શહેરમાં હો કે સીમમાં, તમારા પર શ્રાપ આવશે.+ ૧૭  “તમારી ટોપલી+ અને લોટ બાંધવાના વાસણ+ પર શ્રાપ આવશે. ૧૮  “તમારાં બાળકો,+ તમારી જમીનની પેદાશ અને તમારાં ઢોરઢાંક તેમજ ઘેટાં-બકરાંનાં+ બચ્ચાં પર શ્રાપ આવશે. ૧૯  “તમે જ્યાં પણ જશો અને જે કંઈ કરશો, એ સર્વ પર શ્રાપ આવશે. ૨૦  “જો તમે ખરાબ કામો કરતા રહેશો અને ઈશ્વરને* છોડી દેશો, તો તમે જે કંઈ કામ હાથમાં લેશો એમાં યહોવા તમારા પર શ્રાપ મોકલશે, ગૂંચવણ પેદા કરશે, એને નિષ્ફળ બનાવશે અને જોતજોતામાં તમારો નાશ થઈ જશે.+ ૨૧  જે દેશનો વારસો લેવા તમે જઈ રહ્યા છો, એમાંથી તમારો પૂરેપૂરો વિનાશ ન થાય ત્યાં સુધી, યહોવા તમારા પર એવી બીમારીઓ લાવશે, જે તમારો પીછો નહિ છોડે.+ ૨૨  યહોવા તમારા પર ક્ષયરોગ,* ધગધગતો તાવ,+ સોજા, બળતરા અને તલવાર+ લાવશે. તે ગરમ લૂ અને ફૂગથી+ તમારી પેદાશનો નાશ કરશે. તમારો નાશ ન થાય ત્યાં સુધી એ આફતો તમારો પીછો નહિ છોડે. ૨૩  તમારી ઉપર આકાશ તાંબા જેવું અને નીચે પૃથ્વી લોઢા જેવી થઈ જશે.+ ૨૪  યહોવા તમારા દેશ પર આકાશમાંથી ધૂળ અને રેતીનો વરસાદ વરસાવશે અને આખરે તમારો સંહાર થઈ જશે. ૨૫  યહોવા એવું કંઈક કરશે કે તમે દુશ્મનો સામે હારી જશો.+ તમે એક દિશાએથી તેઓ પર હુમલો કરશો, પણ તમે તેઓ સામેથી સાત દિશાઓમાં નાસી છૂટશો. તમારી દશા જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો થરથર કાંપશે.+ ૨૬  તમારી લાશો આકાશનાં પક્ષીઓનો અને પૃથ્વીનાં પ્રાણીઓનો ખોરાક બનશે અને તેઓને ડરાવીને ભગાડી મૂકનાર કોઈ નહિ હોય.+ ૨૭  “યહોવા તમારા પર ગૂમડાંની એવી બીમારી લાવશે, જે ઇજિપ્તમાં સામાન્ય છે. તે તમારા પર મસા, ખરજવું અને ફોલ્લીઓની બીમારી લાવશે, જેમાંથી તમે સાજા નહિ થાઓ. ૨૮  યહોવા તમને ગાંડા બનાવી દેશે, આંધળા કરી દેશે+ અને મૂંઝવણમાં નાખી દેશે.* ૨૯  જેમ આંધળો માણસ કાયમ અંધકારમાં ફાંફાં મારે છે, તેમ તમે ધોળે દહાડે ફાંફાં મારશો.+ તમે કોઈ પણ કામમાં સફળ નહિ થાઓ. તમે ડગલે ને પગલે છેતરાશો અને લૂંટાશો, પણ તમને બચાવનાર કોઈ નહિ હોય.+ ૩૦  તમે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરશો, પણ બીજો કોઈ માણસ એના પર બળાત્કાર કરશે. તમે ઘર બાંધશો, પણ તમને એમાં રહેવા નહિ મળે.+ તમે દ્રાક્ષાવાડી રોપશો, પણ તમને એનું ફળ ખાવા નહિ મળે.+ ૩૧  તમારી આંખો સામે તમારો બળદ કાપવામાં આવશે, પણ તમને એનું માંસ ખાવા નહિ મળે. તમારી નજર સામે તમારો ગધેડો ચોરાઈ જશે, પણ એ તમને પાછો નહિ મળે. તમારું ઘેટું તમારા દુશ્મનો છીનવી જશે, પણ તમને મદદ કરનાર કોઈ નહિ હોય. ૩૨  તમારી નજર સામે જ બીજા લોકો તમારાં દીકરા-દીકરીઓને લઈ જશે.+ તેઓ માટે તમે આખી જિંદગી તરસતા રહેશો, પણ કંઈ જ કરી નહિ શકો. ૩૩  અજાણી પ્રજાઓ આવીને તમારી જમીનની ઊપજ અને તમારી મહેનતનું ફળ ખાઈ જશે.+ તમે હંમેશાં છેતરાતા અને કચડાતા રહેશો. ૩૪  તમારી આંખો જે દૃશ્યો જોશે એનાથી તમે ગાંડા થઈ જશો. ૩૫  “યહોવા તમારાં ઘૂંટણો અને પગોને પીડાદાયક ગૂમડાંથી ભરી દેશે. એ ગૂમડાં પગની પાનીથી લઈને માથાના તાલકા સુધી ફેલાઈ જશે અને એનો કોઈ ઇલાજ નહિ હોય. ૩૬  યહોવા તમને અને તમે પસંદ કરેલા રાજાને એ દેશમાં નસાડી મૂકશે, જેને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ત્યાં તમે બીજા દેવોની, લાકડા અને પથ્થરોના દેવોની સેવા કરશો.+ ૩૭  યહોવા તમને જે પ્રજાઓમાં ભગાડી મૂકશે, તેઓ તમારી હાલત જોઈને હચમચી ઊઠશે. તેઓ તમને ધિક્કારશે* અને તમારી મજાક ઉડાવશે.+ ૩૮  “તમે પુષ્કળ બી વાવશો, પણ બહુ થોડું લણશો,+ કેમ કે તમારી ઊપજ તીડો ખાઈ જશે. ૩૯  તમે દ્રાક્ષાવાડીઓ રોપશો અને એની સંભાળ લેશો, પણ તમે એની દ્રાક્ષો ખાઈ નહિ શકો કે એનો દ્રાક્ષદારૂ પી નહિ શકો,+ કેમ કે એને જીવાત ખાઈ જશે. ૪૦  તમારા વિસ્તારોમાં જૈતૂનનાં વૃક્ષો હશે, પણ તમે એનું તેલ શરીરે ચોળી નહિ શકો, કેમ કે તમારાં જૈતૂનનાં ફળો ખરી પડશે. ૪૧  તમને દીકરા-દીકરીઓ થશે, પણ તેઓ તમારા નહિ રહે, કેમ કે તેઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવશે.+ ૪૨  જીવડાઓનાં ટોળેટોળાં તમારાં વૃક્ષો અને જમીનની ઊપજ ખાઈ જશે. ૪૩  તમારી વચ્ચે રહેતા પરદેશીની વધારે ને વધારે ચઢતી થશે, પણ તમારી વધારે ને વધારે પડતી થશે. ૪૪  તે તમને ઉછીનું આપશે, પણ તમે તેને ઉછીનું આપી નહિ શકો.+ તે તમારી આગળ રહેશે અને તમે તેની પાછળ રહેશો.*+ ૪૫  “જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમણે આપેલી આજ્ઞાઓ અને નિયમો નહિ પાળો,+ તો એ બધા શ્રાપ+ તમારા પર આવી પડશે અને તમારો નાશ નહિ થાય+ ત્યાં સુધી એ તમારો પીછો નહિ છોડે. ૪૬  એ શ્રાપ તમારા પર અને તમારા વંશજ પર આવી પડશે અને એ કાયમ માટે નિશાની અને ચેતવણી તરીકે રહેશે,+ ૪૭  કેમ કે જ્યારે તમારી પાસે બધું ભરપૂર પ્રમાણમાં હતું, ત્યારે તમે તમારા ઈશ્વર યહોવાની સેવા ખુશીથી અને હૃદયના ઉમળકાથી કરી નહિ.+ ૪૮  યહોવા તમારી વિરુદ્ધ તમારા દુશ્મનોને મોકલશે.+ તમે ભૂખ્યા,+ તરસ્યા, નગ્‍ન અને તંગીમાં તેઓની ચાકરી કરશો. તમારો વિનાશ નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તમારી ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકશે. ૪૯  “યહોવા દૂર દૂરથી, પૃથ્વીના છેડાથી તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરશે,+ જેની ભાષા તમે જાણતા નથી.+ ગરુડની જેમ એ તમારા પર ઓચિંતી તરાપ મારશે.+ ૫૦  એ પ્રજા દેખાવમાં ભયંકર હશે. એ વૃદ્ધોનો આદર નહિ કરે અને બાળકો પર દયા નહિ બતાવે.+ ૫૧  તમારો નાશ નહિ થાય ત્યાં સુધી એ પ્રજા તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારી જમીનની ઊપજ ખાઈ જશે. એ તમારા માટે અનાજ, નવો દ્રાક્ષદારૂ, તેલ, ઢોરઢાંક કે ઘેટું-બકરું, કશું જ રહેવા નહિ દે અને તમારો સંહાર કરી દેશે.+ ૫૨  એ આખા દેશ ફરતે ઘેરો ઘાલશે અને તમને તમારાં જ શહેરોમાં ગુલામ બનાવી દેશે. જે ઊંચા અને મજબૂત કોટ પર તમે ભરોસો રાખો છો, એ તૂટી નહિ જાય ત્યાં સુધી તે ઘેરો ઘાલશે. હા, યહોવા તમારા ઈશ્વરે આપેલા દેશમાં એ તમારાં બધાં શહેરો ફરતે ઘેરો ઘાલશે.+ ૫૩  એ ઘેરો એવો સખત હશે અને દુશ્મનો તમને એવા સકંજામાં લેશે કે તમારે પોતાનાં જ બાળકોનું* માંસ ખાવું પડશે.+ હા, યહોવા તમારા ઈશ્વરે તમને જે દીકરા-દીકરીઓ આપ્યાં છે, તેઓનું માંસ તમારે ખાવું પડશે. ૫૪  “અરે, તમારામાંનો સૌથી નરમ દિલનો અને લાગણીશીલ* માણસ પણ પોતાના ભાઈ પર કે વહાલી પત્ની પર કે પોતાના બાકી રહેલા દીકરાઓ પર દયા નહિ બતાવે. ૫૫  તે એકલો જ પોતાના દીકરાઓનું માંસ ખાઈ જશે અને એમાંથી કોઈને કશું નહિ આપે, કેમ કે ઘેરો એટલો સખત હશે અને દુશ્મનો તમારાં શહેરોને એવા સકંજામાં લેશે કે તેની પાસે ખાવા માટે બીજું કંઈ નહિ હોય.+ ૫૬  તમારામાંની સૌથી નરમ દિલની અને લાગણીશીલ* સ્ત્રી, જે એટલી કોમળ છે કે પોતાનો પગ સુદ્ધાં જમીન પર મૂકવાનો વિચાર કરતી નથી,+ તે પોતાના વહાલા પતિ પર કે પોતાના દીકરા પર કે પોતાની દીકરી પર દયા નહિ બતાવે. ૫૭  અરે, પોતાના નવજાત બાળક પર કે પ્રસૂતિ વખતે ગર્ભમાંથી જે કંઈ નીકળે એના પર પણ દયા નહિ રાખે. તે છૂપી રીતે એ બધું ખાઈ જશે, કેમ કે ઘેરો ખૂબ સખત હશે અને દુશ્મનોએ તમારાં શહેરોને ભારે સકંજામાં લીધાં હશે. ૫૮  “જો તમે આ પુસ્તકમાં+ લખેલા બધા નિયમો કાળજીપૂર્વક નહિ પાળો અને તમારા ઈશ્વર યહોવાના+ મહિમાવંત અને અદ્‍ભુત* નામથી નહિ ડરો,+ ૫૯  તો યહોવા તમારા પર અને તમારા વંશજો પર ભયાનક અને હઠીલા રોગો તેમજ પીડા આપનાર બીમારીઓ લાવશે,+ જેને તમારે વર્ષો સુધી સહન કરવાં પડશે. ૬૦  તે તમારા પર ઇજિપ્તની એ બીમારીઓ લાવશે, જેનાથી તમે ડરતા હતા અને એ બીમારીઓ તમારો પીછો નહિ છોડે. ૬૧  એટલું જ નહિ, નિયમના આ પુસ્તકમાં જે બીમારી અથવા રોગનાં નામ લખવામાં આવ્યાં નથી, તેઓને પણ યહોવા તમારા પર લાવશે અને છેવટે તમારો નાશ થઈ જશે. ૬૨  ભલે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી અગણિત છે,+ પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું કહેવું નહિ સાંભળો, તો તમારી સંખ્યા સાવ ઘટી જશે.+ ૬૩  “એક સમયે તમારું ભલું કરવામાં અને તમારી આબાદી વધારવામાં યહોવાને ખુશી થતી હતી. હવે એટલી જ ખુશી યહોવાને તમારો નાશ કરવામાં અને તમારો સંહાર કરવામાં થશે. તમે જે દેશને કબજે કરવાના છો, એમાંથી તમને તગેડી મૂકવામાં આવશે. ૬૪  “યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી બધી પ્રજાઓમાં વિખેરી નાખશે.+ ત્યાં તમારે લાકડા અને પથ્થરોના દેવોની સેવા કરવી પડશે, જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ૬૫  એ પ્રજાઓમાં તમને શાંતિ નહિ મળે,+ તમારા પગના તળિયાને આરામ નહિ મળે. એને બદલે, યહોવા એવું કરશે કે તમારું હૃદય ચિંતાઓમાં ડૂબી જશે,+ રાહ જોઈ જોઈને તમારી આંખોનું તેજ ઘટી જશે અને તમે નિરાશામાં ગરક થઈ જશો.+ ૬૬  તમારો જીવ હંમેશાં અધ્ધર રહેશે. રાત-દિવસ તમે ભયમાં જીવશો અને સતત મોતના પડછાયા નીચે જીવશો. ૬૭  તમારા હૃદયમાં એવો ડર બેસી જશે અને તમારી આંખો એવાં દૃશ્યો જોશે કે રોજ સવારે તમે કહેશો, ‘સાંજ ક્યારે પડશે!’ અને સાંજે તમે કહેશો, ‘સવાર ક્યારે પડશે!’ ૬૮  યહોવા તમને વહાણોમાં ઇજિપ્ત પાછા લઈ જશે, જે વિશે મેં તમને કહ્યું હતું, ‘તમે એ માર્ગ ફરી જોશો નહિ.’ ઇજિપ્તમાં તમે દુશ્મનોને ત્યાં ગુલામ તરીકે વેચાઈ જવા ચાહશો, પણ તમને ખરીદનાર કોઈ નહિ હોય.”

ફૂટનોટ

મૂળ, “પેટનું ફળ.”
મૂળ, “માથું બનાવશે, પૂંછડી નહિ.”
મૂળ, “મને.”
અથવા, “ટીબીનો રોગ.”
અથવા, “મનમાં ગભરામણ પેદા કરશે.”
મૂળ, “તમે કહેવતરૂપ બનશો.”
મૂળ, “તે માથું બનશે અને તમે પૂંછડી.”
મૂળ, “પેટના ફળનું.”
અથવા, “એશઆરામમાં જીવતો.”
અથવા, “એશઆરામમાં જીવતી.”
અથવા, “ભય અને માન જગાડે એવા.”