ન્યાયાધીશો ૪:૧-૨૪
૪ એહૂદના મરણ પછી, ઇઝરાયેલીઓ ફરીથી યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરવા લાગ્યા.+
૨ યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરતા કનાની રાજા યાબીનના હાથમાં સોંપી દીધા.+ તેના સેનાપતિનું નામ સીસરા હતું, જે હરોશેથ-હગોઈમમાં રહેતો હતો.+
૩ યાબીન* પાસે યુદ્ધ માટે લોઢાના ૯૦૦ રથો હતા, જેનાં પૈડાંમાં તલવારો લાગેલી હતી.+ તે ઇઝરાયેલીઓ પર ૨૦ વર્ષથી ભારે જુલમ ગુજારતો હતો.+ એટલે ઇઝરાયેલીઓ મદદ માટે યહોવાને કાલાવાલા કરવા લાગ્યા.+
૪ એ સમયે લાપીદોથની પત્ની દબોરાહ ઇઝરાયેલનો ન્યાય કરતી હતી. તે પ્રબોધિકા પણ હતી.+
૫ એફ્રાઈમના પહાડી વિસ્તારમાં રામા+ અને બેથેલ+ વચ્ચે આવેલા ખજૂરીના ઝાડ નીચે દબોરાહ બેસતી. એ ઝાડને ઇઝરાયેલીઓ દબોરાહની ખજૂરી કહેતા અને ત્યાં લોકો તેની પાસે ન્યાય માંગવા આવતા.
૬ દબોરાહે કેદેશ-નફતાલીમાંથી+ અબીનોઆમના દીકરા બારાકને+ બોલાવ્યો અને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ આ આજ્ઞા આપી છે: ‘તારી સાથે નફતાલી અને ઝબુલોન કુળના ૧૦,૦૦૦ માણસો લે* અને તાબોર પર્વત પર જા.
૭ હું યાબીનના સેનાપતિ સીસરાને તેના યુદ્ધના રથો અને તેના લશ્કર સાથે કીશોનના ઝરણા+ પાસે લઈ આવીશ. સીસરાને હું તારા હાથમાં સોંપી દઈશ.’”+
૮ એ સાંભળીને બારાકે દબોરાહને કહ્યું: “તું મારી સાથે આવે તો જ હું જઈશ, પણ જો તું ન આવે તો હું નહિ જાઉં.”
૯ દબોરાહે કહ્યું: “હું ચોક્કસ તારી સાથે આવીશ. પણ જીતનો યશ તને નહિ મળે, કેમ કે યહોવા એક સ્ત્રીના હાથમાં સીસરાને સોંપી દેશે.”+ દબોરાહ ઊઠીને બારાક સાથે કેદેશ ગઈ.+
૧૦ બારાકે ઝબુલોન અને નફતાલીના લોકોને+ કેદેશ આવવાનો હુકમ કર્યો અને ૧૦,૦૦૦ માણસો તેની સાથે ગયા. દબોરાહ પણ તેની સાથે ગઈ.
૧૧ કેનીઓથી, એટલે કે મૂસાના સસરા+ હોબાબના વંશજોથી હેબેર કેની+ અલગ થઈ ગયો હતો. તેણે કેદેશના સાઅનાન્નીમમાં આવેલા મોટા ઝાડ પાસે પોતાનો તંબુ નાખ્યો હતો.
૧૨ સીસરાને ખબર મળી કે અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે.+
૧૩ સીસરાએ તરત જ યુદ્ધ માટે લોઢાના ૯૦૦ રથો ભેગા કર્યા, જેનાં પૈડાંમાં તલવારો લાગેલી હતી. તેની સાથે તેનું આખું લશ્કર હરોશેથ-હગોઈમથી કીશોનના ઝરણા પાસે જવા નીકળી પડ્યું.+
૧૪ દબોરાહે બારાકને કહ્યું: “જલદી કર. યહોવા આજે સીસરાને તારા હાથમાં સોંપી દેશે. યહોવા ચોક્કસ તારી આગળ લડવા જાય છે.” એ સાંભળીને બારાક પોતાના ૧૦,૦૦૦ માણસો સાથે તાબોર પર્વત પરથી ઊતરી આવ્યો.
૧૫ યહોવાએ બારાક સામે સીસરા, તેના રથસવારો અને તેના લશ્કરને ગૂંચવણમાં નાખી દીધા.+ આખરે સીસરા પોતાના રથમાંથી કૂદીને ભાગ્યો.
૧૬ બારાકે છેક હરોશેથ-હગોઈમ સુધી રથો અને લશ્કરનો પીછો કર્યો. સીસરાના આખા લશ્કરનો તલવારથી નાશ થયો. તેઓમાંથી એક પણ બચી ગયો નહિ.+
૧૭ પણ સીસરા દોડતો દોડતો હેબેર+ કેનીની પત્ની યાએલના+ તંબુ તરફ નાસી ગયો. હાસોરના રાજા યાબીન+ અને હેબેર કેનીનાં કુટુંબો વચ્ચે સારા સંબંધો હતા.
૧૮ એટલામાં યાએલ સીસરાને મળવા બહાર આવી અને બોલી: “આવો મારા માલિક, અંદર આવો. ગભરાશો નહિ.” તે તેના તંબુમાં ગયો અને યાએલે તેને ધાબળો ઓઢાડી દીધો.
૧૯ સીસરાએ તેને કહ્યું: “મને બહુ તરસ લાગી છે, થોડું પાણી આપ.” યાએલે મશક ખોલી અને તેને દૂધ આપ્યું.+ યાએલે ફરીથી સીસરાને ધાબળો ઓઢાડી દીધો.
૨૦ સીસરાએ તેને જણાવ્યું: “તંબુના દરવાજે ઊભી રહે. જો કોઈ આવીને પૂછે કે ‘કોઈ માણસ અહીં આવ્યો છે?’ તો ના પાડજે.”
૨૧ સીસરા થાકેલો હોવાથી ઘસઘસાટ ઊંઘી ગયો. પછી હેબેરની પત્ની યાએલ હથોડો અને તંબુનો ખીલો લઈને ચૂપચાપ સીસરા પાસે આવી. તેણે ખીલો સીસરાના માથામાં* ઠોકી બેસાડ્યો, જે આરપાર નીકળીને જમીનમાં ઘૂસી ગયો. સીસરા ત્યાં ને ત્યાં જ મરણ પામ્યો.+
૨૨ બારાક સીસરાને શોધતો શોધતો આવ્યો ત્યારે, યાએલ તેને મળવા બહાર આવી અને કહ્યું: “આવો, તમે શોધો છો એ માણસ બતાવું.” બારાક તેની સાથે અંદર ગયો અને જોયું તો સીસરા મરેલો પડ્યો હતો. તંબુનો ખીલો તેના માથાની આરપાર નીકળી ગયો હતો.
૨૩ ઈશ્વરે એ દિવસે ઇઝરાયેલીઓને કનાનના રાજા યાબીન પર જીત અપાવી.+
૨૪ કનાનના રાજા યાબીન વિરુદ્ધ ઇઝરાયેલીઓ વધારે ને વધારે બળવાન થતા ગયા અને આખરે તેને મારી નાખ્યો.+