નીતિવચનો ૧૩:૧-૨૫

  • બીજાની સલાહ લેનારાઓ બુદ્ધિમાન છે (૧૦)

  • આશા પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે (૧૨)

  • વિશ્વાસુ સંદેશવાહક તાજગી લાવે છે (૧૭)

  • બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે (૨૦)

  • શિક્ષા, પ્રેમની નિશાની (૨૪)

૧૩  ડાહ્યો દીકરો પોતાના પિતાની શિસ્ત* સ્વીકારે છે,+પણ નફ્ફટ દીકરો ઠપકાને* ગણકારતો નથી.+  ૨  માણસ પોતાના શબ્દોને લીધે સારી વસ્તુઓનો આનંદ માણશે,+પણ દગાખોર તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.  ૩  જીભ પર લગામ રાખનાર પોતાના જીવનું રક્ષણ કરે છે,+પણ જે પોતાનું મોઢું બંધ કરતો નથી, તે બરબાદ થાય છે.+  ૪  ભલે આળસુ માણસ ઘણી ઇચ્છા રાખે, તે કશું મેળવતો નથી,+પણ મહેનતુ માણસની ઇચ્છાઓ પૂરી થાય છે.*+  ૫  નેક માણસ જૂઠને ધિક્કારે છે,+પણ દુષ્ટનાં કામો શરમ અને અપમાન લાવે છે.  ૬  નેકી પ્રમાણિક માણસનું રક્ષણ કરે છે,+પણ દુષ્ટતા પાપીને ખાડામાં નાખે છે.  ૭  કોઈ માણસ અમીર હોવાનો દેખાડો કરે છે, પણ તે કંગાળ હોય છે,+કોઈ ગરીબ હોવાનો દેખાડો કરે છે, પણ તે માલદાર હોય છે.  ૮  ધનવાન માણસે પોતાનો જીવ બચાવવા ધન આપવું પડે છે,+પણ ગરીબ માણસે એવી કોઈ ધમકી સાંભળવી પડતી નથી.+  ૯  નેક માણસનો પ્રકાશ ઝળહળે છે,*+પણ દુષ્ટનો દીવો હોલવાઈ જશે.+ ૧૦  અભિમાનથી ઝઘડા ઊભા થાય છે,+પણ બીજાની સલાહ લેનાર* પાસે બુદ્ધિ હોય છે.+ ૧૧  રાતોરાત* મેળવેલી દોલત ઘટી જશે,+પણ ધીરે ધીરે ભેગી કરેલી દોલત વધતી ને વધતી જશે. ૧૨  આશા* પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે,+પણ ઇચ્છા પૂરી થવી એ તો જીવનનું ઝાડ છે.+ ૧૩  જે સલાહને* ગણકારતો નથી, તેણે દંડ ભરવો પડશે,+પણ જે આજ્ઞાને માન આપે છે, તેને ઇનામ મળશે.+ ૧૪  બુદ્ધિમાને શીખવેલી વાતો જીવનનો ઝરો છે,+જે માણસને મોતના ફાંદાથી બચાવે છે. ૧૫  જેની પાસે ઊંડી સમજણ છે, તે કૃપા મેળવે છે,પણ કપટી લોકોનો જીવનમાર્ગ મુસીબતોથી ભરેલો છે. ૧૬  ચતુરનાં કામોમાં જ્ઞાન દેખાઈ આવે છે,+પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ બતાવી આપે છે.+ ૧૭  દુષ્ટ સંદેશવાહક મુસીબતમાં આવી પડે છે,+પણ વિશ્વાસુ સંદેશવાહક તાજગી લાવે છે.+ ૧૮  શિસ્ત ન માનનાર પર ગરીબી અને ફજેતી આવે છે,પણ ઠપકો સ્વીકારનારને માન-મહિમા મળે છે.+ ૧૯  ઇચ્છા પૂરી થાય ત્યારે દિલ ખુશ થઈ જાય છે,+પણ મૂર્ખને દુષ્ટતા છોડવી જરાય ગમતું નથી.+ ૨૦  બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે,+પણ મૂર્ખનો સાથી બરબાદ થશે.+ ૨૧  આફત પાપી માણસનો પીછો કરે છે,+પણ સમૃદ્ધિ નેક માણસને ઇનામ આપે છે.+ ૨૨  ભલો માણસ પોતાનાં પૌત્ર-પૌત્રીઓ માટે વારસો મૂકી જાય છે,પણ પાપીની મિલકત નેક* લોકો માટે સંઘરી રાખવામાં આવે છે.+ ૨૩  ગરીબ માણસના ખેતરમાં ઘણું અનાજ પાકે છે,પણ અન્યાયને લીધે એ* બરબાદ થઈ જાય છે. ૨૪  જે પોતાના દીકરાને શિક્ષા કરતો નથી,* તે તેને ધિક્કારે છે,+પણ જે પોતાના દીકરાને પ્રેમ કરે છે, તે તેને શિક્ષા* કરવાથી અચકાતો નથી.*+ ૨૫  સારો માણસ પેટ ભરીને ખાય છે,+પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું જ રહે છે.+

ફૂટનોટ

અથવા, “સુધારાને.”
મૂળ, “મહેનતુ માણસ તગડો થાય છે.”
મૂળ, “આનંદ કરે છે.”
અથવા, “સાથે મળીને ચર્ચા-વિચારણા કરનારા.”
અથવા, “બેઈમાનીથી.”
અથવા, “અપેક્ષા.”
અથવા, “વચનને; નિયમને.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “ગરીબ માણસ.”
અથવા, “શિસ્ત આપતો નથી.” મૂળ, “સોટી મારતો નથી.”
અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
અથવા કદાચ, “તે તેને તરત શિક્ષા કરે છે.”