ગીતશાસ્ત્ર ૭૪:૧-૨૩
માસ્કીલ.* આસાફનું ગીત.+
૭૪ હે ભગવાન, તમે કેમ અમને કાયમ માટે તરછોડી દીધા છે?+
તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો ગુસ્સો કેમ સળગી ઊઠ્યો છે?+
૨ તમે લાંબા સમય પહેલાં પસંદ કરેલા લોકોને* યાદ કરો,+એ કુળ જેને તમે વારસા તરીકે છોડાવ્યું હતું.+
સિયોન પર્વત યાદ કરો, જ્યાં તમે રહો છો.+
૩ વર્ષોથી પડી રહેલાં ખંડેરો તરફ તમારાં પગલાં વાળો.+
વેરીઓએ પવિત્ર સ્થાનની બધી વસ્તુઓનો નાશ કર્યો છે.+
૪ શત્રુઓએ ભક્તિ-સ્થળે ધમાલ મચાવી છે.+
તેઓએ ત્યાં નિશાની તરીકે પોતાના ઝંડા લહેરાવ્યા છે.
૫ તેઓ ગીચ જંગલ પર કુહાડો મારનારા માણસો જેવા છે.
૬ તેઓ કુહાડીઓ અને લોઢાના સળિયાઓથી મંદિરના નકશીકામનો+ કચ્ચરઘાણ વાળે છે.
૭ તેઓ તમારા મંદિરને આગ ચાંપે છે.+
તેઓએ તમારા નામનો મંડપ અશુદ્ધ કરીને જમીનદોસ્ત કરી દીધો છે.
૮ તેઓ અને તેઓના વંશજો મનોમન વિચારે છે:
“આખા દેશમાં જ્યાં જ્યાં ઈશ્વરની ભક્તિ થાય છે, એ બધી જગ્યાઓ બાળીને ભસ્મ કરી નાખીએ.”
૯ અમને નથી કોઈ નિશાનીઓ દેખાતી,નથી કોઈ પ્રબોધક દેખાતો,નથી અમને કોઈને ખબર કે આવું ક્યાં સુધી ચાલશે.
૧૦ હે ભગવાન, ક્યાં સુધી વેરી મહેણાં મારતો રહેશે?+
શું દુશ્મન કાયમ તમારા નામનું અપમાન કરતો રહેશે?+
૧૧ તમે કેમ તમારો જમણો હાથ પાછો રાખો છો?+
તમારો હાથ લંબાવો* અને તેઓનો સફાયો કરી નાખો.
૧૨ પણ ઈશ્વર સદીઓથી મારા રાજા છે,પૃથ્વી પર ઉદ્ધારનાં કામો કરનાર તે જ છે.+
૧૩ તમે તમારા બળથી દરિયો વલોવી નાખો છો.+
તમે મોટાં દરિયાઈ પ્રાણીઓનાં માથાં ફોડી નાખો છો.
૧૪ તમે મોટાં દરિયાઈ પ્રાણીનાં* માથા કચડી નાખો છો,રણપ્રદેશોના રહેવાસીઓને એ ખોરાક તરીકે આપી દો છો.
૧૫ ખડકો કાપીને તમે ઝરાઓ અને ઝરણાઓ વહેતાં કરો છો.+
ખળખળ વહેતી નદીઓને તમે સૂકવી નાખો છો.+
૧૬ દિવસ તમારો છે અને રાત પણ તમારી જ છે.
રોશની* તમે બનાવી છે અને સૂરજ પણ તમે જ બનાવ્યો છે.+
૧૭ પૃથ્વીની બધી હદો તમે જ ઠરાવી છે.+
ઉનાળા અને શિયાળાની ૠતુ પણ તમે જ ઠરાવી છે.+
૧૮ હે યહોવા, દુશ્મનોનાં મહેણાં-ટોણાં યાદ રાખો.
મૂર્ખ લોકો તમારા નામનું ઘોર અપમાન કરે છે.+
૧૯ તમારા હોલાનું જીવન જંગલી જાનવરોને સોંપી દેશો નહિ.
તમારા દીન-દુખિયા લોકોને હંમેશ માટે ભૂલી જશો નહિ.
૨૦ તમે અમારી સાથે કરેલો કરાર યાદ રાખો,કેમ કે ધરતીની અંધારી જગ્યાઓ જુલમી લોકોથી ખદબદે છે.
૨૧ કચડાયેલા લોકો નિરાશ થઈને પાછા ન વળે.+
નિરાધાર અને ગરીબ તમારા નામની સ્તુતિ કરે.+
૨૨ હે ઈશ્વર, ઊઠો અને તમારો મુકદ્દમો લડો.
ભૂલશો નહિ, મૂર્ખ લોકો તમને આખો દિવસ મહેણાં મારે છે.+
૨૩ તમારા દુશ્મનો જે કહે છે એ ભૂલશો નહિ.
બંડખોરોનો ઘોંઘાટ આસમાન સુધી ચઢતો જાય છે.
ફૂટનોટ
^ મૂળ, “તમારા ટોળાને.”
^ અથવા, “તમારા ઝભ્ભામાંથી હાથ લંબાવો.”
^ હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.
^ અથવા, “જ્યોતિ.”