ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૨૪
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૧૩૯ હે યહોવા, તમે મારી પરખ કરી છે, તમે મને જાણો છો.+
૨ મારું ઊઠવું-બેસવું તમે જાણો છો.+
તમે દૂરથી જ મારા વિચારો જાણી લો છો.+
૩ મારું ચાલવું અને સૂઈ જવું તમે જુઓ છો.
મારા બધા માર્ગોથી તમે જાણકાર છો.+
૪ હે યહોવા, મારા મોંમાંથી કોઈ શબ્દ નીકળેએ પહેલાં જ તમે એ જાણી લો છો.+
૫ તમે મને ચારે બાજુથી રક્ષણ આપો છો,તમારો હાથ મારા પર છે.
૬ એ બધું જાણવું મારી સમજની બહાર છે,એ એટલું અદ્ભુત છે કે હું એને સમજી શકતો નથી.+
૭ હું તમારી પવિત્ર શક્તિથી ક્યાં સંતાઈ શકું?
હું તમારી આગળથી નાસીને જાઉં તો ક્યાં જાઉં?+
૮ જો હું સ્વર્ગમાં ચઢી જાઉં, તો તમે ત્યાં મને જોશો.
જો હું કબરમાં* ઊતરી જાઉં, તો ત્યાં પણ મને શોધી કાઢશો.+
૯ જો હું પરોઢની પાંખો પર સવાર થઈને* ઊડી જાઉં,દૂર સમુદ્રને પેલે પાર વસી જાઉં,
૧૦ તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે,તમારો જમણો હાથ મને પકડી રાખશે.+
૧૧ જો હું કહું કે, “અંધકાર મને જરૂર સંતાડી રાખશે!”
તો રાત મારી આસપાસ અજવાળારૂપ થશે.
૧૨ અંધકાર તમારે મન અંધકાર નથી,અંધકાર તો તમારા માટે પ્રકાશ જેવો છે.+
રાત પણ દિવસના અજવાળા જેવી છે.+
૧૩ તમે મારાં અંગો* ઘડ્યાં,મારી માના ગર્ભમાં મને સાચવી રાખ્યો.*+
૧૪ મને એવી અદ્ભુત રીતે રચ્યો છે કે હું દંગ રહી જાઉં છું અને તમારી સ્તુતિ કરું છું.+
તમારાં કામો કેવાં જોરદાર છે,+એ હું સારી રીતે જાણું છું.
૧૫ જ્યારે ગુપ્તમાં મને રચવામાં આવ્યો, ત્યારે તમે જોતા હતા.
જ્યારે મારો વિકાસ થતો હતો,*ત્યારે મારાં હાડકાં તમારાથી છૂપાં ન હતાં.+
૧૬ તમારી આંખોએ મને ગર્ભમાં* પણ જોયો હતો.
મારાં બધાં અંગો બન્યાં એ પહેલાં,તમારા પુસ્તકમાં લખાયું હતું કેએ કયા દિવસે આકાર લેશે.
૧૭ એટલે જ તમારા વિચારો મારા માટે ખૂબ મૂલ્યવાન છે!+
હે ઈશ્વર, તમારા વિચારો અગણિત છે!+
૧૮ હું એને ગણવા જાઉં તો, એ સમુદ્ર કાંઠાની રેતી કરતાંય વધારે થાય.+
હું જાગું ત્યારે પણ એ ગણતો જ હોઉં છું.*+
૧૯ હે ભગવાન, કાશ તમે દુષ્ટોને મારી નાખો!+
પછી તો હિંસક* લોકો મારાથી દૂર ચાલ્યા જશે.
૨૦ તેઓ ખોટા ઇરાદાથી તમારી વિરુદ્ધ વાતો કરે છે.
તેઓ તમારા દુશ્મનો છે, જેઓ તમારા નામનો ખોટો ઉપયોગ કરે છે.+
૨૧ હે યહોવા, તમને નફરત કરનારાઓને શું હું નફરત કરતો નથી?+
તમારી સામે બળવો કરનારાઓને શું હું ધિક્કારતો નથી?+
૨૨ તેઓ માટે મારા દિલમાં ફક્ત નફરત ભરી છે.+
તેઓ મારા કટ્ટર દુશ્મનો બની ગયા છે.
૨૩ હે ભગવાન, મારી પરખ કરો અને મારા દિલને જાણો.+
મને તપાસી જુઓ અને મારા મનની ચિંતાઓ જાણો.+
૨૪ જુઓ કે મારામાં અવળે રસ્તે લઈ જતી કોઈ ખરાબી તો નથી ને!+
મને સનાતન માર્ગે દોરી જાઓ.+
ફૂટનોટ
^ અથવા, “પરોઢના પ્રકાશની ઝડપે.”
^ મૂળ, “મૂત્રપિંડો.”
^ અથવા કદાચ, “મને ગૂંથ્યો.”
^ મૂળ, “પૃથ્વીના ઊંડાણમાં હું ગૂંથાતો હતો.”
^ અથવા, “મારો ભ્રૂણ.”
^ મૂળ, “તમારી સાથે જ હોઉં છું.”
^ અથવા, “ખૂની.”