ગલાતીઓને પત્ર ૪:૧-૩૧
૪ વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી તેનામાં અને દાસમાં કોઈ ફરક નથી, પછી ભલેને તે બાળક બધી વસ્તુઓનો માલિક કેમ ન હોય.
૨ પણ તેના પિતાએ અગાઉથી નક્કી કરેલો દિવસ ન આવે ત્યાં સુધી, તે દેખરેખ રાખનારાઓને અને કારભારીઓને આધીન રહે છે.
૩ એવી જ રીતે, આપણે પણ બાળકો હતા ત્યારે દુનિયાના રીતરિવાજોના ગુલામ હતા.+
૪ પણ નક્કી કરેલો સમય પૂરો થયો ત્યારે, ઈશ્વરે પોતાના દીકરાને મોકલ્યા, જેમનો જન્મ સ્ત્રીથી થયો હતો+ અને જે નિયમશાસ્ત્રને આધીન હતા.+
૫ ઈશ્વરે એવું કર્યું, જેથી નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને ખરીદીને છોડાવી શકે+ અને આપણને દીકરાઓ તરીકે દત્તક લઈ શકે.+
૬ હવે તમે ઈશ્વરના દીકરાઓ છો. એટલે ઈશ્વરે તેમના દીકરાને આપેલી પવિત્ર શક્તિ+ તમારાં હૃદયોમાં આપી છે.+ એ શક્તિ પોકારે છે: “અબ્બા,* પિતા!”+
૭ હવેથી તમે ગુલામ નથી, પણ ઈશ્વરના દીકરા છો. જો તમે દીકરા છો, તો ઈશ્વરે તમને વારસ પણ બનાવ્યા છે.+
૮ જ્યારે તમે ઈશ્વરને જાણતા ન હતા, ત્યારે તમે જૂઠા દેવોના ગુલામ હતા.
૯ પણ હવે તમે ઈશ્વરને ઓળખતા થયા છો, ખરું જોતાં ઈશ્વર તમને ઓળખતા થયા છે. તો પછી તમે કેમ દુનિયાના મામૂલી અને નકામા* રીતરિવાજો તરફ પાછા ફરી રહ્યા છો?+ હવે કેમ ફરીથી એના દાસ બનવા માંગો છો?+
૧૦ તમે દિવસો, મહિનાઓ, ઋતુઓ* અને વર્ષો પાળવામાં બહુ ધ્યાન રાખો છો.+
૧૧ મને ચિંતા થાય છે કે મેં તમારા માટે કરેલી મહેનત નકામી તો નહિ જાય ને!
૧૨ ભાઈઓ, હું પહેલાં તમારા જેવો જ હતો, પણ મેં જીવનમાં ઘણા ફેરફાર કર્યા છે. હવે હું તમને વિનંતી કરું છું કે તમે મારા જેવા બનો.+ તમે મારી સાથે ખરાબ રીતે વર્ત્યા નથી.
૧૩ પણ તમે જાણો છો કે તમને ખુશખબર જણાવવાની પહેલી તક મને મારી બીમારીને લીધે મળી હતી.
૧૪ મારી બીમારીને લીધે તમને ઘણી તકલીફ પડી, છતાં તમે મારો તિરસ્કાર કર્યો નહિ કે મારી સાથે નફરતથી વર્ત્યા નહિ.* પણ હું જાણે ઈશ્વરનો દૂત હોઉં કે ખ્રિસ્ત ઈસુ હોઉં એમ તમે મારો આવકાર કર્યો.
૧૫ તમારી એ ખુશી ક્યાં ગઈ? મને પૂરી ખાતરી છે કે જો શક્ય હોત, તો તમે પોતાની આંખો કાઢીને મને આપી દીધી હોત.+
૧૬ તો શું સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થઈ ગયો છું?
૧૭ અમુક લોકો તમારું દિલ જીતી લેવા પૂરા જોશથી પ્રયત્ન કરે છે. પણ તેઓનો ઇરાદો સારો નથી. તેઓ તમને મારાથી દૂર લઈ જવા માંગે છે, જેથી તમે તેઓની પાછળ પાછળ જાઓ.
૧૮ પણ સારા ઇરાદાથી કોઈ તમને જીતી લેવા પ્રયત્ન કરે તો એ સારું છે. હું તમારી સાથે હોઉં ત્યારે જ નહિ, પણ હર વખત એમ થાય.
૧૯ મારાં વહાલાં બાળકો,+ તમારા લીધે મને ફરી એક વાર પ્રસૂતિની પીડા જેવી પીડા થાય છે. તમે જ્યાં સુધી ખ્રિસ્ત જેવા ગુણો નહિ બતાવો, ત્યાં સુધી મને એ પીડા થતી રહેશે.
૨૦ આ ઘડીએ હું તમારી સાથે હોત તો કેવું સારું! તો હું તમારી સાથે પ્રેમથી વાત કરી શક્યો હોત, કેમ કે મને સમજાતું નથી કે તમને શું થઈ ગયું છે.
૨૧ હે લોકો, તમે નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલવા માંગો છો. તો શું તમે જાણતા નથી કે નિયમશાસ્ત્ર શું કહે છે?
૨૨ દાખલા તરીકે, એમ લખેલું છે કે ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસીથી+ અને બીજો આઝાદ સ્ત્રીથી.*+
૨૩ દાસીથી જન્મેલો દીકરો હકીકતમાં કુદરતી રીતે થયો હતો+ અને આઝાદ સ્ત્રીથી જન્મેલો દીકરો વચન દ્વારા થયો હતો.+
૨૪ આ બનાવોમાં એક અર્થ છુપાયેલો છે. આ સ્ત્રીઓ બે કરારને* રજૂ કરે છે. એક કરાર સિનાઈ પર્વત+ પર કરવામાં આવ્યો હતો, જે ગુલામી માટે બાળકો પેદા કરે છે. એ કરાર હાગાર જેવો છે.
૨૫ હાગારનો અર્થ સિનાઈ પર્વત+ થાય, જે અરબસ્તાનમાં છે. હાગાર હાલના યરૂશાલેમને રજૂ કરે છે, કેમ કે એ પોતાનાં બાળકો સાથે ગુલામીમાં છે.
૨૬ પણ ઉપરનું યરૂશાલેમ આઝાદ છે અને એ આપણી માતા છે.
૨૭ કેમ કે લખેલું છે: “હે વાંઝણી સ્ત્રી, તું બાળકને જન્મ આપી શકતી નથી, એટલે તું આનંદ કર. હે સ્ત્રી, તેં કદી બાળકને જન્મ આપવાની પીડા સહી નથી, એટલે તું ખુશીથી પોકાર કર, કેમ કે જેનો પતિ છે એ સ્ત્રીનાં બાળકો કરતાં, જે છોડી દેવાયેલી છે એનાં બાળકો ઘણાં છે.”+
૨૮ હવે ભાઈઓ, તમે ઇસહાકની જેમ વચન પ્રમાણે થયેલાં બાળકો છો.+
૨૯ જેમ કુદરતી રીતે જન્મેલો દીકરો, પવિત્ર શક્તિથી જન્મેલા દીકરાની સતાવણી કરવા લાગ્યો,+ એવું હમણાં પણ થઈ રહ્યું છે.+
૩૦ પણ શાસ્ત્ર શું કહે છે? “આ દાસીને અને તેના દીકરાને અહીંથી કાઢી મૂકો, કેમ કે એ દાસીનો દીકરો આઝાદ સ્ત્રીના દીકરા સાથે કદી વારસદાર નહિ થાય.”+
૩૧ તેથી ભાઈઓ, આપણે દાસીનાં નહિ, આઝાદ સ્ત્રીનાં બાળકો છીએ.
ફૂટનોટ
^ હિબ્રૂ અથવા અરામિક શબ્દ, જેનો અર્થ થાય, “ઓ પિતા!”
^ મૂળ, “નબળા અને ગરીબ.”
^ એટલે કે, તહેવારો માટે અલગ કરેલા સમયો.
^ અથવા, “મારા પર થૂંક્યા નહિ.”
^ દાસી ન હોય એવી સ્ત્રી.