એસ્તેર ૪:૧-૧૭
૪ મોર્દખાયને+ એ બધાની જાણ થઈ ત્યારે,+ તેણે પોતાનાં કપડાં ફાડ્યાં* અને કંતાન પહેર્યું અને પોતાના પર રાખ નાખી. તે શહેરની વચ્ચોવચ ગયો અને ખૂબ દુઃખી થઈને મોટેથી રડવા લાગ્યો.
૨ તે રાજાના મહેલના પ્રવેશદ્વાર સુધી ગયો, કેમ કે કંતાન પહેરીને અંદર જવાની કોઈને પરવાનગી ન હતી.
૩ દરેક પ્રાંતમાં+ જ્યાં જ્યાં રાજાનો હુકમ અને ફરમાન જાહેર થયાં, ત્યાં ત્યાં યહૂદીઓએ શોક પાળ્યો. તેઓએ ઉપવાસ કર્યો,+ ખૂબ રડ્યા અને ભારે વિલાપ કર્યો. ઘણા લોકો કંતાન અને રાખ પાથરીને એના પર સૂઈ ગયા.+
૪ એસ્તેરની દાસીઓએ અને તેના ખોજાઓએ આવીને તેને એ બધું જણાવ્યું. એ સાંભળીને રાણી ખૂબ દુઃખી થઈ ગઈ. તેણે મોર્દખાય માટે કપડાં મોકલ્યાં, જેથી તે કંતાન ઉતારીને કપડાં પહેરે. પણ મોર્દખાયે એ પહેરવાની ના પાડી દીધી.
૫ ત્યારે એસ્તેરે રાજાના એક ખોજા હથાકને બોલાવ્યો, જેને રાજાએ એસ્તેરની સેવા માટે ઠરાવ્યો હતો. એસ્તેરે તેને હુકમ આપ્યો કે તે મોર્દખાય પાસે જાય અને જાણી લાવે કે શું બન્યું છે.
૬ હથાક નીકળીને શહેરના ચોકમાં મોર્દખાય પાસે ગયો, જે મહેલના પ્રવેશદ્વાર આગળ હતો.
૭ મોર્દખાયે પોતાના પર જે આવી પડ્યું હતું, એ બધું જ તેને જણાવ્યું. એ પણ જણાવ્યું કે હામાને યહૂદીઓનો નાશ કરવા રાજાના ખજાનામાં રકમ+ આપવાનું વચન આપ્યું છે.+
૮ તેણે યહૂદીઓનો નાશ કરવા શુશાનમાં જાહેર થયેલા ફરમાનની નકલ પણ હથાકને આપી.+ હથાકે એ નકલ એસ્તેરને બતાવવાની હતી અને પરિસ્થિતિ સમજાવવાની હતી.+ તેણે એસ્તેરને સલાહ આપવાની હતી કે તે રાજાની હજૂરમાં રૂબરૂ જાય અને પોતાના લોકો વતી રાજા પાસે દયાની ભીખ માંગે.
૯ હથાકે પાછા આવીને એસ્તેરને એ બધું જણાવ્યું જે મોર્દખાયે તેને કહ્યું હતું.
૧૦ એસ્તેરે હથાક સાથે મોર્દખાયને+ આ સંદેશો મોકલ્યો:
૧૧ “રાજાના બધા સેવકો અને તેમના પ્રાંતોના સર્વ લોકો સારી રીતે જાણે છે કે, જો રાજાના બોલાવ્યા વગર કોઈ સ્ત્રી કે પુરુષ રાજાના અંદરના આંગણામાં જાય,+ તો તેના માટે આ એક જ નિયમ છે: તેને મારી નાખવામાં આવે; જો રાજા તેની સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે,+ તો જ તે જીવતો રહે. અને આ ૩૦ દિવસથી રાજાએ મને બોલાવી પણ નથી.”
૧૨ મોર્દખાયને એસ્તેરનો સંદેશો આપવામાં આવ્યો ત્યારે,
૧૩ તેણે એસ્તેરને જવાબ આપ્યો: “એવું ન વિચારતી કે રાજાના ઘરમાં હોવાથી તું એકલી જ બધા યહૂદીઓમાંથી બચી જઈશ.
૧૪ જો તું આ સમયે ચૂપ રહીશ, તો યહૂદીઓને મદદ અને છુટકારો તો બીજે ક્યાંકથી મળી જશે,+ પણ તારો અને તારા પિતાના કુટુંબનો* નાશ થઈ જશે. કોને ખબર, આ સમય માટે જ તને રાણી બનાવવામાં આવી હોય?”+
૧૫ એસ્તેરે મોર્દખાયને સંદેશો મોકલ્યો:
૧૬ “જાઓ, શુશાનના બધા યહૂદીઓને ભેગા કરો અને મારા માટે ઉપવાસ કરો.+ ત્રણ દિવસ સુધી રાત-દિવસ કંઈ જ ખાશો કે પીશો નહિ.+ હું પણ મારી દાસીઓ સાથે ઉપવાસ કરીશ. ત્યાર બાદ હું રાજાની હજૂરમાં જઈશ, પછી ભલે એ નિયમ વિરુદ્ધ હોય. જો મારો નાશ થાય, તો ભલે થાય.”
૧૭ પછી મોર્દખાય ત્યાંથી નીકળીને પોતાના રસ્તે ગયો અને એસ્તેરના કહ્યા પ્રમાણે બધું કર્યું.