ઉત્પત્તિ ૪૮:૧-૨૨
૪૮ થોડા સમય પછી યૂસફને આ ખબર મળી: “તારા પિતાની તબિયત લથડી ગઈ છે.” એટલે તે પોતાના બે દીકરાઓ મનાશ્શા અને એફ્રાઈમને લઈને યાકૂબને મળવા ગયો.+
૨ યાકૂબને કહેવામાં આવ્યું: “જુઓ, તમારો દીકરો યૂસફ તમને મળવા આવ્યો છે.” ત્યારે ઇઝરાયેલ પોતાની તાકાત ભેગી કરીને પલંગ પર બેઠો થયો.
૩ યાકૂબે યૂસફને કહ્યું:
“સર્વશક્તિમાન ઈશ્વર કનાન દેશના લૂઝ શહેરમાં મારી આગળ પ્રગટ થયા હતા અને મને આશીર્વાદ આપ્યો હતો.+
૪ તેમણે મને કહ્યું હતું: ‘હું તારા વંશજની સંખ્યા ખૂબ જ વધારીશ. તારામાંથી ઘણી પ્રજાઓ* આવશે+ અને આ દેશ તારા વંશજને હું વારસા તરીકે આપીશ.’+
૫ હું તારી પાસે ઇજિપ્ત આવ્યો એ પહેલાં તને જે બે દીકરાઓ ઇજિપ્તમાં થયા, તેઓ હવે મારા દીકરાઓ છે.+ રૂબેન અને શિમયોનની જેમ એફ્રાઈમ અને મનાશ્શા મારા થશે.+
૬ પણ તેઓ પછી થનાર બાળકો તારાં ગણાશે. એ બાળકોને એફ્રાઈમ અને મનાશ્શાના વારસામાંથી ભાગ મળશે.+
૭ હું જ્યારે પાદ્દાનથી આવી રહ્યો હતો, ત્યારે મુસાફરીમાં રાહેલ મારી નજર સામે કનાન દેશમાં ગુજરી ગઈ.+ એફ્રાથ+ હજી ઘણું દૂર હતું, તેથી મેં રાહેલને એફ્રાથ, એટલે કે બેથલેહેમ+ જવાના રસ્તે દફનાવી.”
૮ ઇઝરાયેલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું: “આ કોણ છે?”
૯ યૂસફે કહ્યું: “તેઓ મારા દીકરાઓ છે. એ દીકરાઓ ઈશ્વરે મને આ દેશમાં આપ્યા છે.”+ ઇઝરાયેલે કહ્યું: “તેઓને મારી પાસે લાવ. હું તેઓને આશીર્વાદ આપવા ચાહું છું.”+
૧૦ હવે ઉંમરને લીધે ઇઝરાયેલની આંખો નબળી પડી ગઈ હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. એટલે યૂસફ પોતાના દીકરાઓને પિતાની નજીક લાવ્યો. ઇઝરાયેલે તેઓને ચુંબન કર્યું અને ભેટ્યો.
૧૧ ઇઝરાયેલે યૂસફને કહ્યું: “મેં વિચાર્યું પણ ન હતું કે હું તારું મોં ફરી જોઈ શકીશ.+ પણ ઈશ્વરે મને તારો વંશજ પણ દેખાડ્યો છે!”
૧૨ પછી યૂસફે તેનાં બે બાળકોને ઇઝરાયેલ પાસેથી* લીધા અને તેણે જમીન સુધી માથું ટેકવીને પિતાને નમન કર્યું.
૧૩ યૂસફ પોતાના બંને દીકરાઓને ફરી ઇઝરાયેલની નજીક લાવ્યો. તેણે એફ્રાઈમને+ પોતાને જમણે હાથે રાખ્યો, જેથી તે ઇઝરાયેલની ડાબી બાજુ રહે. તેણે મનાશ્શાને+ પોતાને ડાબે હાથે રાખ્યો, જેથી તે ઇઝરાયેલની જમણી બાજુ રહે.
૧૪ પણ ઇઝરાયેલે પોતાનો જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો અને ડાબો હાથ મનાશ્શાના માથે મૂક્યો. હવે મનાશ્શા તો પ્રથમ જન્મેલો હતો+ અને એફ્રાઈમ નાનો હતો. તેમ છતાં, ઇઝરાયેલે જાણીજોઈને એમ કર્યું.
૧૫ પછી તેણે યૂસફને આશીર્વાદ આપતા કહ્યું:+
“જે સાચા ઈશ્વરની આગળ મારા દાદા ઇબ્રાહિમ અને મારા પિતા ઇસહાક ચાલ્યા,+જે સાચા ઈશ્વરે ઘેટાંપાળકની જેમ મને આખી જિંદગી સાચવ્યો,+
૧૬ જે ઈશ્વરે દૂત મોકલીને મને આફતોમાંથી વારંવાર બચાવ્યો,+ તે ઈશ્વર આ છોકરાઓને આશીર્વાદ આપે.+
તેઓ મારા નામે અને મારા દાદા ઇબ્રાહિમ અને મારા પિતા ઇસહાકને નામે ઓળખાય.પૃથ્વી પર તેઓના વંશજ વધતા ને વધતા જાય.”+
૧૭ જ્યારે યૂસફે જોયું કે, તેના પિતાએ જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે, ત્યારે તેને એ ન ગમ્યું. તેણે પિતાનો હાથ એફ્રાઈમના માથેથી હટાવીને મનાશ્શાના માથે મૂકવાની કોશિશ કરી.
૧૮ યૂસફે પિતાને કહ્યું: “ના પિતાજી, પ્રથમ જન્મેલો દીકરો આ છે.+ આના માથે તમારો જમણો હાથ મૂકો.”
૧૯ પણ તેના પિતાએ નકાર કરતા કહ્યું: “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા બનશે અને તે મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તેના કરતાં વધારે મહાન થશે.+ ઘણી પ્રજાઓ જેટલી તેના વંશજની સંખ્યા થશે.”+
૨૦ એ દિવસે ઇઝરાયેલે તેઓને આશીર્વાદ આપ્યો:+
“ઇઝરાયેલીઓ તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપતા કહેશે,‘ઈશ્વર તને એફ્રાઈમ અને મનાશ્શા જેવો કરે.’”
આમ તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો.
૨૧ પછી ઇઝરાયેલે યૂસફને કહ્યું: “જો, હવે હું બહુ જીવવાનો નથી.+ પણ ઈશ્વર ચોક્કસ તમારી સાથે રહેશે અને તમને તમારા બાપદાદાઓના દેશમાં પાછા લઈ જશે.+
૨૨ તારા ભાઈઓ કરતાં હું તને જમીનનો એક ભાગ* વધારે આપું છું. એ જમીન મેં અમોરીઓ પાસેથી મારી તલવાર અને બાણને જોરે જીતી હતી.”