ઉત્પત્તિ ૪૦:૧-૨૩
૪૦ થોડા સમય પછી, ઇજિપ્તના રાજા વિરુદ્ધ તેના બે અધિકારીઓએ અપરાધ કર્યો. એક હતો દ્રાક્ષદારૂ પીરસનાર*+ અને બીજો મુખ્ય ભઠિયારો.*
૨ રાજાનો ગુસ્સો દ્રાક્ષદારૂ પીરસનાર પર અને મુખ્ય ભઠિયારા પર ભભૂકી ઊઠ્યો.+
૩ તેણે તેઓને એ કેદખાનામાં નાખી દીધા, જે અંગરક્ષકોના ઉપરીના તાબામાં હતું.+ એ કેદખાનામાં યૂસફ પણ હતો.+
૪ પછી અંગરક્ષકોના ઉપરીએ યૂસફને હુકમ આપ્યો કે તે પેલા બે ચાકરો સાથે રહીને તેઓની સેવા કરે.+ એ બે ચાકરો અમુક સમય* કેદખાનામાં રહ્યા.
૫ દ્રાક્ષદારૂ પીરસનાર અને ભઠિયારો કેદખાનામાં હતા ત્યારે, તેઓને રાતે સપનું આવ્યું. બંનેનાં સપનાં જુદાં હતાં અને એના અર્થ પણ જુદા હતા.
૬ સવારે યૂસફ તેઓ પાસે આવ્યો ત્યારે, તેઓ બંને ઉદાસ દેખાતા હતા.
૭ યૂસફે તેઓને પૂછ્યું: “તમારાં મોં કેમ ઊતરી ગયાં છે?”
૮ તેઓએ તેને કહ્યું: “અમને બંનેને સપનું આવ્યું છે, પણ એનો અર્થ જણાવનાર અહીં કોઈ નથી.” યૂસફે કહ્યું: “સપનાનો અર્થ જણાવવો એ તો ઈશ્વરનું કામ છે.+ કૃપા કરીને મને તમારાં સપનાં જણાવો.”
૯ તેથી દ્રાક્ષદારૂ પીરસનારે યૂસફને પોતાનું સપનું જણાવતા કહ્યું: “મેં સપનામાં એક દ્રાક્ષાવેલો જોયો.
૧૦ એને ત્રણ ડાળીઓ હતી અને એમાં કળીઓ આવી. પછી ફૂલો ખીલ્યાં અને પાકી દ્રાક્ષનાં ઝૂમખાં લાગ્યાં.
૧૧ રાજાનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષની લૂમ લઈને એમાં નિચોવી. પછી એ પ્યાલો મેં રાજાના હાથમાં આપ્યો.”
૧૨ યૂસફે તેને કહ્યું: “તમારા સપનાનો અર્થ આ છે: ત્રણ ડાળી ત્રણ દિવસ છે.
૧૩ ત્રણ દિવસ પછી, રાજા તમને અહીંથી બહાર કાઢશે* અને તમને તમારી પદવી પાછી આપશે.+ તમે ફરી રાજાને દ્રાક્ષદારૂ પીરસનાર અધિકારી બનશો અને તેમના હાથમાં પ્યાલો આપશો.+
૧૪ પણ તમારું ભલું થાય ત્યારે મને ભૂલી ન જતા. મારા પર દયા કરજો* અને રાજાને મારા વિશે જણાવજો, જેથી તે મને અહીંથી બહાર કાઢે.
૧૫ મને તો હિબ્રૂઓના દેશમાંથી અહીં જબરજસ્તી ઉપાડી લાવવામાં આવ્યો હતો.+ અને અહીં મેં એવું કંઈ કર્યું નથી, જેના લીધે મને કેદખાનામાં* નાખવામાં આવે.”+
૧૬ મુખ્ય ભઠિયારાએ જ્યારે જોયું કે યૂસફે સપનાનો સારો અર્થ જણાવ્યો છે, ત્યારે તેણે કહ્યું: “મને પણ સપનું આવ્યું હતું. મેં જોયું કે, મારા માથા પર ત્રણ ટોપલીઓ હતી અને એમાં સફેદ રોટલીઓ હતી.
૧૭ સૌથી ઉપરની ટોપલીમાં ભઠ્ઠીમાં બનાવેલી દરેક પ્રકારની વાનગીઓ હતી. એ બધું રાજા માટે હતું, પણ પક્ષીઓ એમાંથી ખાઈ રહ્યાં હતાં.”
૧૮ યૂસફે તેને કહ્યું: “તમારા સપનાનો અર્થ આ છે: ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.
૧૯ ત્રણ દિવસ પછી, રાજા તમારું માથું કાપી નાખશે* અને તમને થાંભલા* પર લટકાવશે અને પક્ષીઓ તમારું માંસ ખાશે.”+
૨૦ ત્રીજા દિવસે રાજાનો જન્મદિવસ હતો.+ તેણે પોતાના બધા અધિકારીઓને મિજબાની આપી. તેણે હુકમ આપ્યો કે દ્રાક્ષદારૂ પીરસનારને અને મુખ્ય ભઠિયારાને કેદખાનામાંથી બહાર કાઢવામાં આવે* અને તેઓને અધિકારીઓ સામે લાવવામાં આવે.
૨૧ રાજાએ દ્રાક્ષદારૂ પીરસનારને તેની પદવી પાછી આપી અને તેણે રાજાને દ્રાક્ષદારૂ પીરસવાનું કામ ફરી શરૂ કર્યું.
૨૨ પણ રાજાએ મુખ્ય ભઠિયારાને થાંભલા પર લટકાવી દીધો. યૂસફે એ બંનેનાં સપનાંનો જેવો અર્થ જણાવ્યો હતો, એવું જ બન્યું.+
૨૩ પણ દ્રાક્ષદારૂ પીરસનાર અધિકારીએ યૂસફને યાદ રાખ્યો નહિ. તે તેને સાવ ભૂલી ગયો.+
ફૂટનોટ
^ એટલે કે, દ્રાક્ષદારૂ પીરસનાર મુખ્ય અધિકારી.
^ તે ચાકર ભઠ્ઠીમાં રોટલી, પાંઉ, કેક વગેરે બનાવતો.
^ મૂળ, “દિવસો.”
^ મૂળ, “તમારું માથું ઊંચું કરશે.”
^ અથવા, “અતૂટ પ્રેમ બતાવજો.”
^ મૂળ, “ટાંકામાં; ખાડામાં.”
^ મૂળ, “તમારું માથું તમારા પરથી ઊંચકી લેશે.”
^ મૂળ, “માથું ઊંચું કરવામાં આવે.”