ઉત્પત્તિ ૧૧:૧-૩૨

  • બાબિલની ઇમારત (૧-૪)

  • યહોવા ભાષા ગૂંચવી નાખે છે (૫-૯)

  • શેમથી ઇબ્રામ સુધી (૧૦-૩૨)

    • તેરાહનું કુટુંબ (૨૭)

    • ઇબ્રામ ઉર શહેર છોડે છે (૩૧)

૧૧  એ દિવસોમાં આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. લોકો એકસરખા જ શબ્દો વાપરતા હતા.* ૨  તેઓને પૂર્વ તરફ જતી વખતે શિનઆર દેશમાં+ એક મેદાની વિસ્તાર મળી આવ્યો. તેઓ ત્યાં રહેવા લાગ્યા. ૩  તેઓએ એકબીજાને કહ્યું: “ચાલો આપણે ઈંટો બનાવીએ અને એને અગ્‍નિમાં પકવીએ.” તેઓ પથ્થરને બદલે ઈંટ અને માટીના ગારાને બદલે ડામર વાપરવા લાગ્યા. ૪  તેઓએ કહ્યું: “ચાલો આપણે પોતાના માટે એક શહેર બાંધીએ. એક મોટી ઇમારત બાંધીએ, જેની ટોચ આકાશ સુધી પહોંચે. આમ આપણે જાણીતા થઈશું અને આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ નહિ જઈએ.”+ ૫  માણસો જે શહેર અને મોટી ઇમારત બાંધતા હતા, એના પર યહોવાએ ધ્યાન આપ્યું.* ૬  યહોવાએ કહ્યું: “એ લોકો એક થઈ ગયા છે અને તેઓની ભાષા પણ એક છે.+ જુઓ, તેઓ શું કરવા લાગ્યા છે! હવે તેઓ જે કંઈ ધારશે, એ પૂરું કરીને જ જંપશે. તેઓ માટે કંઈ અશક્ય નથી. ૭  ચાલો આપણે*+ તેઓની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા ન સમજે.” ૮  એટલે યહોવાએ તેઓને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.+ સમય જતાં, તેઓએ શહેર બાંધવાનું પડતું મૂક્યું. ૯  એટલે એ શહેરનું નામ બાબિલ*+ પડ્યું, કેમ કે યહોવાએ ત્યાં પૃથ્વીના બધા લોકોની ભાષા ગૂંચવી નાખી હતી અને યહોવાએ તેઓને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા. ૧૦  શેમની+ વંશાવળી આ છે: પૂરના બે વર્ષ પછી શેમને આર્પાકશાદ+ થયો. એ વખતે શેમ ૧૦૦ વર્ષનો હતો. ૧૧  આર્પાકશાદના જન્મ પછી શેમ ૫૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.+ ૧૨  આર્પાકશાદ ૩૫ વર્ષનો હતો ત્યારે તેને શેલાહ+ થયો. ૧૩  શેલાહના જન્મ પછી આર્પાકશાદ ૪૦૩ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૪  શેલાહ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને એબેર+ થયો. ૧૫  એબેરના જન્મ પછી શેલાહ ૪૦૩ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૬  એબેર ૩૪ વર્ષનો હતો ત્યારે તેને પેલેગ+ થયો. ૧૭  પેલેગના જન્મ પછી એબેર ૪૩૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૮  પેલેગ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને રેઉ+ થયો. ૧૯  રેઉના જન્મ પછી પેલેગ ૨૦૯ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૦  રેઉ ૩૨ વર્ષનો હતો ત્યારે તેને સરૂગ થયો. ૨૧  સરૂગના જન્મ પછી રેઉ ૨૦૭ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૨  સરૂગ ૩૦ વર્ષનો હતો ત્યારે તેને નાહોર થયો. ૨૩  નાહોરના જન્મ પછી સરૂગ ૨૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૪  નાહોર ૨૯ વર્ષનો હતો ત્યારે તેને તેરાહ+ થયો. ૨૫  તેરાહના જન્મ પછી નાહોર ૧૧૯ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૬  તેરાહ ૭૦ વર્ષનો થયો પછી તેને ઇબ્રામ,+ નાહોર+ અને હારાન થયા. ૨૭  તેરાહ વિશે આ અહેવાલ છે. તેરાહથી ઇબ્રામ, નાહોર અને હારાન થયા. હારાનથી લોત+ થયો. ૨૮  તેરાહ હજી જીવતો હતો ત્યારે, હારાન પોતાના વતનમાં મરણ પામ્યો, જે ખાલદીઓનું*+ ઉર+ શહેર હતું. ૨૯  ઇબ્રામે સારાય+ સાથે અને નાહોરે મિલ્કાહ+ સાથે લગ્‍ન કર્યું. મિલ્કાહ હારાનની દીકરી હતી. હારાનની બીજી દીકરીનું નામ યિસ્કાહ હતું. ૩૦  સારાય વાંઝણી હતી,+ તેને કોઈ બાળક ન હતું. ૩૧  તેરાહ પોતાનાં દીકરા ઇબ્રામ, પુત્રવધૂ સારાય અને પૌત્ર લોતને+ લઈને ખાલદીઓનું ઉર શહેર છોડીને કનાન+ દેશ જવા નીકળ્યો. સમય જતાં, તેઓ હારાન+ શહેર પહોંચ્યાં અને ત્યાં રહેવા લાગ્યાં. સારાય ઇબ્રામની પત્ની હતી અને લોત હારાનનો દીકરો હતો. ૩૨  તેરાહ ૨૦૫ વર્ષ જીવ્યો અને પછી હારાનમાં તેનું મરણ થયું.

ફૂટનોટ

અથવા, “એકસરખો શબ્દભંડોળ વાપરતા હતા.”
મૂળ, “એ જોવા યહોવા નીચે ઊતર્યા.”
મૂળ, “આપણે નીચે જઈને.”
અથવા, “બાબેલોન.” અર્થ, “ગૂંચવણ.”