અયૂબ ૬:૧-૩૦
૬ અયૂબે જવાબમાં કહ્યું:
૨ “જો મારી વેદનાને+ તોળવામાં આવે,એને મારી આફત સાથે ત્રાજવામાં મૂકવામાં આવે,
૩ તો એ સમુદ્રની રેતી કરતાં પણ વધારે ભારે થશે.
એ કારણે, હું ધડ-માથા વગરની વાતો કરું છું.*+
૪ સર્વશક્તિમાનનાં બાણોએ મને વીંધી નાખ્યો છે,એનું ઝેર મારી રગેરગમાં ફેલાઈ ગયું છે;ઈશ્વરનો કોપ મારી સામે લડવા ઊભો થયો છે.
૫ જો જંગલી ગધેડાને+ ઘાસ મળે, તો શું એ ભૂંકશે?
જો બળદને ઘાસચારો મળે, તો શું એ બરાડા પાડશે?
૬ શું મીઠા વગરનું બેસ્વાદ ખાવાનું ખવાય?
શું ઈંડાની સફેદીમાં કોઈ સ્વાદ હોય?
૭ હું એવા ખોરાકને અડકીશ પણ નહિ.
એ તો મારા માટે બગડી ગયેલા ખોરાક જેવો છે.
૮ કાશ! મારી વિનંતી સાંભળવામાં આવે,અને ઈશ્વર મારી ઇચ્છા પૂરી કરે!
૯ કાશ! ઈશ્વર મને કચડી નાખે,પોતાનો હાથ લંબાવીને મારો નાશ કરી દે!+
૧૦ એવું થાય તો મને આ પીડામાંથી રાહત મળશે;અપાર વેદના છતાં હું ખુશી ખુશી મોતને ભેટીશ,કેમ કે મેં પવિત્ર ઈશ્વરના+ શબ્દોની અવગણના કરી નથી.
૧૧ શું મારામાં એટલી શક્તિ બચી છે કે હું રાહ જોઉં?+
જીવવા જેવું કંઈ રહ્યું જ નથી, તો જીવવાની ઇચ્છા શું કરવા રાખું?
૧૨ શું હું પથ્થરનો બનેલો છું?
શું મારું શરીર તાંબાનું બનેલું છે?
૧૩ જો મારો કોઈ સહારો જ ન હોય,તો હું કઈ રીતે પોતાને મદદ કરું?
૧૪ જે પોતાના મિત્રને વફાદાર રહેતો નથી,*+તેનામાં સર્વશક્તિમાનનો ડર કઈ રીતે હોય?+
૧૫ શિયાળામાં વહેતી નદીની જેમ મારા મિત્રો* દગાખોર બન્યા છે,+એવી નદીઓ જે આખરે સુકાઈ જાય છે.
૧૬ બરફને લીધે એ નદીઓ કાદવવાળી થઈ જાય છે,એની અંદર બરફ સંતાઈ રહે છે.
૧૭ મોસમ બદલાય ત્યારે એ પાણી વગરની થઈ જાય છે;આકરા તાપમાં એ સાવ સુકાઈ જાય છે.
૧૮ એ નદીઓનો માર્ગ ફંટાઈ જાય છે;રણમાં પહોંચીને તેઓ કોરી થઈ જાય છે.
૧૯ તેમા+ વિસ્તારનો કાફલો પાણી શોધતો શોધતો આવે છે;શેબાના*+ મુસાફરો એના પાણી માટે તરસે છે.
૨૦ એના પર ભરોસો મૂકવાથી તેઓ શરમમાં મુકાય છે,
ત્યાં આવીને તેઓ નિરાશ થાય છે.
૨૧ તમે પણ એ નદીઓ જેવા જ છો;+મારા પર આવેલી આફતો જોઈને તમે ડરી ગયા.+
૨૨ શું મેં કદી કહ્યું કે મને કંઈક આપો?
તમારી સંપત્તિમાંથી કોઈ ભેટ આપો?
૨૩ શું મેં કદી કહ્યું કે દુશ્મનના પંજામાંથી મને બચાવો?
જુલમીના હાથમાંથી મને છોડાવો?
૨૪ મને કહો, મેં શું કર્યું છે? હું ચૂપચાપ તમારું સાંભળીશ;+મને મદદ કરો, મારી ભૂલ સમજાવો.
૨૫ સાચી વાત કોઈને દુઃખ પહોંચાડતી નથી!+
પણ શું તમારા ઠપકામાં કોઈ દમ છે?+
૨૬ શું તમે મારી વાતોમાં ભૂલો કાઢો છો?
દુઃખી માણસ બહુ બોલે છે,+ પણ પવન એ વાતોને ઉડાવી દે છે.
૨૭ તમે તો અનાથ બાળક માટે ચિઠ્ઠી* નાખો એવા છો,*+અરે, તમે પોતાના મિત્રને પણ વેચી દો એવા છો!+
૨૮ હવે મારી સામે ફરીને જુઓ,હું તમારાં મોં પર જૂઠું નહિ બોલું.
૨૯ કૃપા કરીને ફરી વિચાર કરો, મારા પર ખોટો આરોપ ન મૂકો,હા, ફરી વિચાર કરો. મારી વફાદારી હજી પણ અડગ છે.
૩૦ શું મારી જીભ ખોટું બોલે છે?
શું મારી જીભ સાચું-ખોટું પારખી શકતી નથી?
ફૂટનોટ
^ અથવા, “હું જેમતેમ બોલું છું.”
^ અથવા, “અતૂટ પ્રેમ બતાવતો નથી.”
^ મૂળ, “ભાઈઓ.”
^ અથવા, “સબાઈમના.”
^ એટલે કે, અનાથ બાળક કોનો દાસ બનશે એ જોવા ચિઠ્ઠી ઉછાળે છે.