સ્કીપ ટુ કન્ટેન્ટ

લોહી વિશે મેં ઈશ્વરના વિચારો અપનાવ્યા

લોહી વિશે મેં ઈશ્વરના વિચારો અપનાવ્યા

એક ડૉક્ટર પોતાની કહાણી જણાવે છે

હું હૉસ્પિટલના લેક્ચર રૂમમાં હતો. મારા હાથમાં એક દર્દીના પોસ્ટમૉર્ટમના રિપોર્ટ હતા. એ રિપોર્ટના આધારે હું બીજા ડૉક્ટરોને એ દર્દીના મરણનું કારણ જણાવી રહ્યો હતો. તેનું મરણ કેન્સરના લીધે થયું હતું. મેં કહ્યું: “આપણે આ તારણ પર આવી શકીએ કે દર્દીને ઘણું બધું લોહી આપવાને લીધે તેના રક્તકણોનો નાશ થયો (હિમોલિસીસ) અને તેની કિડની કામ કરતી બંધ થઈ ગઈ.”

એક મોટા અને અનભુવી ડૉક્ટરે ગુસ્સામાં મોટેથી કહ્યું: “શું તું એવું કહેવા માંગે છે કે અમે ખોટું લોહી ચઢાવ્યું છે?” મેં કહ્યું: “ના, મારા કહેવાનો અર્થ એ ન હતો.” દર્દીની કિડનીના અમુક ફોટા બતાવ્યા પછી મેં કહ્યું: “આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા રક્તકણોનો નાશ થયો છે અને એના લીધે કિડની કામ કરતી બંધ થઈ ગઈ છે.” a વાતાવરણ તંગ થઈ ગયું હતું અને મારો પરસેવો છૂટવા લાગ્યો હતો. ભલે હું યુવાન ડૉક્ટર હતો અને તે અનુભવી ડૉક્ટર, પણ મને થયું કે મારે જે કહેવાનું છે એ કહી જ દઉં.

એ બનાવ બન્યો ત્યારે હું યહોવાનો સાક્ષી ન હતો. મારો જન્મ ૧૯૪૩માં સેન્ડાઈ નામના શહેરમાં થયો હતો, જે જાપાનના ઉત્તરીય ભાગમાં આવેલું છે. મારા પપ્પા ડૉક્ટર હતા, એટલે મેં પણ ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. ૧૯૭૦માં હું મેડિકલ કૉલેજના બીજા વર્ષમાં હતો ત્યારે, મેં માસુકો નામની યુવતી સાથે લગ્‍ન કર્યું.

મેં પેથોલોજી ભણવાનું શરૂ કર્યું

હું મારું ભણતર પૂરું કરી શકું એ માટે માસુકો નોકરી કરવા લાગી. ડૉક્ટરનું ભણતર બહુ જ ગજબનું હતું. માનવ શરીરને જે રીતે બનાવવામાં આવ્યું છે, એ જોઈને હું દંગ રહી ગયો. પણ મેં કદી એ વિચાર્યું ન હતું કે કોઈ સર્જનહાર છે, જેમણે બધું બનાવ્યું છે. હું વિચારતો કે તબીબી-ક્ષેત્રે જે સંશોધનો થઈ રહ્યાં છે, એનાથી મારું જીવન બદલાઈ જશે. એટલે ડૉક્ટર બન્યા પછી મેં પેથોલોજી ભણવાનું નક્કી કર્યું. એમાં બીમારીઓ વિશે, એનાં કારણો અને એની અસરો વિશે શીખવવામાં આવે છે.

કેન્સરના લીધે જેઓનું મરણ થયું છે, એવા દર્દીઓને તપાસતી વખતે મને શંકા થવા લાગી કે લોહી ચઢાવવાથી ફાયદો થાય છે કે કેમ. જે દર્દીઓના શરીરમાં કેન્સર ફેલાઈ ગયું છે, તેઓના શરીરમાં કદાચ લોહી ઓછું થઈ જાય અથવા તેઓ બહુ જ નબળાઈ અનુભવે. કેન્સરની સારવારથી એ જોખમ વધી જાય છે, એટલે ડૉક્ટરો લોહી ચઢાવવાનું કહે છે. પણ મને શંકા થવા લાગી કે લોહી ચઢાવવાથી કેન્સર વધારે ફેલાઈ શકે છે. આજે ડૉક્ટરો જાણે છે કે લોહી ચઢાવવાથી કેન્સરના દર્દીઓ નબળાઈ અનુભવે છે, કેન્સર ઊથલો મારી શકે છે અને તેઓની બચવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. b

આ લેખની શરૂઆતમાં મેં જે બનાવ વિશે જણાવ્યું, એ ૧૯૭૫માં બન્યો હતો. એ મોટા ડૉક્ટર લોહીને લગતી બીમારીઓના નિષ્ણાત (હિમેટોલોજીસ્ટ) હતા અને તેમના હાથ નીચે એ દર્દીની સારવાર ચાલતી હતી. એટલે મેં જ્યારે કહ્યું કે લોહી ચઢાવવાને લીધે દર્દીનું મરણ થયું છે, ત્યારે તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પણ મેં મારી વાત ચાલુ રાખી અને ધીરે ધીરે તેમનો ગુસ્સો ઠંડો પડી ગયો.

બીમારી કે મરણ નહિ હોય

આશરે એ જ અરસામાં એક વૃદ્ધ બહેન મારી પત્નીને મળ્યાં. તે યહોવાના સાક્ષી હતાં. તેમણે વાત કરતી વખતે “યહોવા” શબ્દ વાપર્યો. એટલે મારી પત્નીએ પૂછ્યું: “યહોવા એટલે શું?” એ બહેને જવાબ આપ્યો: “યહોવા સાચા ઈશ્વરનું નામ છે.” માસુકો નાનપણથી બાઇબલ વાંચતી હતી, પણ તેના બાઇબલમાં ઈશ્વરના નામની જગ્યાએ “પ્રભુ” મૂક્યું હતું. હવે તે જાણતી હતી કે ઈશ્વરનું એક નામ છે.

તરત જ મારી પત્નીએ એ વૃદ્ધ બહેન પાસેથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. હું રાતે એકાદ વાગ્યે હૉસ્પિટલેથી ઘરે પાછો આવ્યો ત્યારે, મારી પત્નીએ ઉત્સાહથી મને કહ્યું: “બાઇબલમાં લખ્યું છે કે બીમારી અને મરણ નહિ હોય.” મેં કહ્યું: “સારું કહેવાય!” પોતાની વાત આગળ વધારતા તેણે કહ્યું: “ઈશ્વરે વચન આપ્યું છે એ સમય જલદી આવવાનો છે, એટલે હું નથી ચાહતી કે તમે સમય બરબાદ કરો.” તેની વાતથી મને લાગ્યું કે તે ચાહે છે કે હું ડૉક્ટર તરીકેનું કામ છોડી દઉં. એટલે હું ખૂબ ગુસ્સે ભરાઈ ગયો અને અમારા લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ.

મારી પત્નીએ હથિયારો હેઠે ન મૂક્યાં. તે મને બાઇબલમાંથી જણાવતી રહી. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેને યોગ્ય કલમો શોધવા મદદ કરે. પછી તેણે એ કલમો મને બતાવી. સભાશિક્ષક ૨:૨૨, ૨૩ના શબ્દો મારા દિલને સ્પર્શી ગયા. ત્યાં લખ્યું છે: “પૃથ્વી પર માણસ સખત મહેનત કરે છે, પોતાનાં સપનાં પૂરાં કરવા રાત-દિવસ એક કરે છે, તેને આખરે શું મળે છે? . . . રાતે પણ તેના મનને ચેન પડતું નથી. એ પણ નકામું છે.” મારી હાલત પણ એવી જ હતી. હું રાત-દિવસ કામ કરતો હતો, પણ જરાય ખુશ ન હતો.

જુલાઈ ૧૯૭૫ની આ વાત છે. એ રવિવારની સવાર હતી. મારી પત્ની યહોવાના સાક્ષીઓના પ્રાર્થનાઘરમાં જવા નીકળી. મેં પણ અચાનક જ ત્યાં જવાનું નક્કી કર્યું. મને ત્યાં જોઈને મારી પત્નીને બહુ નવાઈ લાગી. સાક્ષીઓએ ખૂબ જ પ્રેમથી મારો આવકાર કર્યો. પછી હું દર રવિવારે સભામાં જવા લાગ્યો. એકાદ મહિના પછી એક ભાઈએ મને બાઇબલમાંથી શીખવવાનું શરૂ કર્યું. મારી પત્ની પહેલી વાર યહોવાના સાક્ષીઓને મળી હતી, એના ત્રણ જ મહિના પછી તેણે બાપ્તિસ્મા લીધું.

લોહી વિશે મેં ઈશ્વરના વિચારો અપનાવ્યા

હું જલદી જ બાઇબલમાંથી શીખ્યો કે ઈશ્વરભક્તોએ ‘લોહીથી દૂર રહેવું જોઈએ.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૮, ૨૯; ઉત્પત્તિ ૯:૪) મને પહેલેથી જ લાગતું હતું કે લોહી ચઢાવવાથી દર્દીને બહુ ફાયદો નથી થતો, એટલે લોહી વિશે ઈશ્વરના વિચારો અપનાવવા મારા માટે સહેલું હતું. મને થયું, ‘જો સર્જનહાર હોય અને તે આવું કહેતા હોય, તો એ સાચું જ હોવું જોઈએ.’

હું એ પણ શીખ્યો કે આદમ પાસેથી વારસામાં મળેલા પાપને લીધે આપણે બીમાર પડીએ છીએ અને મરી જઈએ છીએ. (રોમનો ૫:૧૨) એ સમયે હું ધમની પર સંશોધન કરતો હતો. ઘરડાં થઈએ છીએ તેમ આપણી ધમની કઠણ અને સાંકડી થતી જાય છે અને એના લીધે હૃદયની, કિડનીની અને મગજની બીમારીઓ થઈ શકે છે. મારા માટે એ સાફ હતું કે એ આદમ પાસેથી મળેલા પાપને લીધે થાય છે. એ સમયથી તબીબી-ક્ષેત્રમાંથી મારો રસ ઊડી ગયો. કેમ કે હું શીખ્યો કે ફક્ત યહોવા ઈશ્વર જ બીમારી અને મરણને દૂર કરી શકે છે.

બાઇબલ અભ્યાસ શરૂ કર્યાને સાત મહિના પછી, એટલે કે માર્ચ ૧૯૭૬માં મેં યુનિવર્સિટીમાં ભણવાનું છોડી દીધું. મને ડર હતો કે મને ફરી ડૉક્ટર તરીકે નોકરી નહિ મળે. પણ મને બીજી એક હૉસ્પિટલમાં નોકરી મળી ગઈ. મે ૧૯૭૬માં મેં બાપ્તિસ્મા લીધું. હું ચાહતો હતો કે યહોવાની સેવામાં મારા જીવનનો સૌથી સારો ઉપયોગ થાય. એટલે જુલાઈ ૧૯૭૭માં મેં પાયોનિયરીંગ શરૂ કર્યું.

મેં બીજાઓને લોહી વિશે ઈશ્વરના વિચારો જણાવ્યા

નવેમ્બર ૧૯૭૯માં હું અને માસુકો બીજા મંડળમાં સેવા આપવા ગયાં, જ્યાં પ્રચારકોની વધારે જરૂર હતી. ત્યાં મને એક હૉસ્પિટલમાં નોકરી મળી અને એ પણ થોડા કલાકો માટે. નોકરીના પહેલા દિવસે અમુક ડૉક્ટરો મને ઘેરી વળ્યા. તેઓ મને વારંવાર પૂછતા હતા: “તું તો યહોવાનો સાક્ષી છે ને! જો કોઈ દર્દીને લોહી ચઢાવવાની જરૂર પડી, તો તું શું કરીશ?”

મેં પૂરા આદર સાથે જણાવ્યું કે લોહી વિશે ઈશ્વરના જે વિચારો છે એ પ્રમાણે જ હું કરીશ. મેં સમજાવ્યું કે જરૂરી નથી કે લોહી આપીને જ દર્દીની સારવાર કરી શકાય છે, તેને મદદ કરવા હું સારવારની બીજી રીતો અપનાવીશ. દર્દીનો જીવ બચાવવા હું મારાથી બનતું બધું કરીશ. એક કલાકની ચર્ચા પછી બધા ડૉક્ટરોના ઉપરીએ કહ્યું: “હું તારી વાત સમજું છું. પણ જો કોઈ દર્દીનું બહુ જ લોહી વહી ગયું હશે, તો અમે એ સંભાળી લઈશું.” એ ઉપરી સાથે કોઈનું બહુ બનતું ન હતું, પણ એ ચર્ચા પછી અમે સારા દોસ્તો બન્યા. તે હંમેશાં મારી માન્યતાઓને માન આપતા.

અઘરું હોવા છતાં લોહી વિશે ઈશ્વરના વિચારોને માન આપ્યું

એ સમયે યહોવાના સાક્ષીઓ જાપાનમાં મુખ્યમથક અથવા બેથેલ બાંધી રહ્યા હતા. હું અને મારી પત્ની અઠવાડિયામાં એક વાર ત્યાં જતાં અને સ્વયંસેવકોની તબિયતનું ધ્યાન રાખતાં. થોડા મહિના પછી અમને એ બેથેલમાં સેવા આપવા બોલાવ્યાં. આમ, માર્ચ ૧૯૮૧માં અમે એ બિલ્ડિંગમાં રહેવા ગયાં, જ્યાં ૫૦૦ કરતાં વધારે સ્વયંસેવકો રહેતા હતા. સવારે હું બાંધકામની જગ્યાએ સંડાસ-બાથરૂમ સાફ કરતો અને બપોરે ડૉક્ટર તરીકે કામ કરતો.

હું ઘણા દર્દીઓની સંભાળ રાખતો અને એમાંનાં એક ઇલ્મા ઇઝલોબ હતાં. તે ૧૯૪૯માં ઑસ્ટ્રેલિયાથી જાપાન આવ્યાં હતાં અને મિશનરી તરીકે સેવા આપતાં હતાં. તેમને બ્લડ કેન્સર હતું. ડૉક્ટરોએ કહ્યું કે તેમની પાસે હવે બહુ સમય નથી, જો તેમણે થોડું લાંબું જીવવું હોય, તો લોહી લેવું પડશે. પણ ઇલ્માબહેને ના પાડી દીધી. તે પોતાના મરણ સુધી બેથેલમાં રહેવા માંગતાં હતાં. આજે તો એવી ઘણી દવાઓ પ્રાપ્ય છે, જે શરીરમાં રક્તકણો બનાવવા મદદ કરે છે. પણ એ સમયે આજના જેવી દવાઓ ન હતી. એટલે ઘણી વાર તેમનું હીમોગ્લોબિન ૩ કે ૪ થઈ જતું (સામાન્ય રીતે ૧૨થી ૧૫ હોવું જોઈએ). પણ તેમની સારવાર કરવા મેં બનતું બધું કર્યું. ઇલ્માબહેને જીવનના છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખી. જાન્યુઆરી ૧૯૮૮માં, એટલે કે સાતેક વર્ષ પછી તેમની આંખો મિચાઈ ગઈ.

વર્ષો દરમિયાન જાપાન બેથેલમાં કામ કરતા ઘણાં ભાઈ-બહેનોને ઑપરેશનની જરૂર પડી છે. નજીકની હૉસ્પિટલોના ડૉક્ટરોએ લોહી વગર ઑપરેશન કરી આપ્યાં, એ માટે અમે તેઓનો આભાર માનીએ છીએ. તેઓ ઘણી વાર મને ઑપરેશન રૂમમાં બોલાવતા. અમુક વાર હું તેઓને ઑપરેશનમાં પણ મદદ કરતો. હું એ ડૉક્ટરોની ખૂબ કદર કરું છું, જેઓ યહોવાના સાક્ષીઓની લોહી વિશેની માન્યતાને માન આપે છે. તેઓ સાથે કામ કરતી વખતે તેઓને મારી માન્યતા વિશે જણાવવાની ઘણી તકો મળી છે. એક ડૉક્ટર તો હમણાં બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બન્યા છે.

યહોવાના સાક્ષીઓના લીધે ડૉક્ટરો શીખ્યા કે લોહી વગર કઈ રીતે ઑપરેશન કરવું. એનાથી બીજા દર્દીઓને પણ ફાયદો થાય છે. જોઈ શકાય છે કે જે દર્દીઓ લોહી નથી લેતા, તેઓ ઑપરેશન પછી જલદી સાજા થાય છે.

હું વિશ્વના સૌથી સારા ડૉક્ટર પાસેથી શીખી રહ્યો છું

હું સારવારની નવી નવી રીતો વિશે શીખતો રહું છું. સાથે સાથે હું સૌથી સારા ડૉક્ટર, યહોવા પાસેથી પણ શીખી રહ્યો છું. યહોવા ફક્ત વ્યક્તિનો દેખાવ જ નહિ, તેની લાગણીઓ અને ભાવનાઓ પણ જુએ છે. (૧ શમુએલ ૧૬:૭) ડૉક્ટર તરીકે હું પણ દર્દીની બીમારીઓ પર જ નહિ, તેની લાગણીઓ અને ભાવનાઓ પર પણ ધ્યાન આપું છું. એનાથી હું તેની સારી સારવાર કરી શકું છું.

હું આજે પણ બેથેલમાં સેવા આપું છું. યહોવા વિશે અને લોહી માટે તેમણે જે નિયમ આપ્યો છે એ વિશે બીજાઓને જણાવતા મને બહુ જ ખુશી થાય છે. મારી પ્રાર્થના છે કે સૌથી સારા ડૉક્ટર યહોવા ઈશ્વર બહુ જલદી બધી બીમારીઓ અને મરણને દૂર કરી દે.—યાસુશી આઇઝાવાનો અનુભવ.

[ફૂટનોટ]

a એક નિષ્ણાત કહે છે કે જો કોઈ દર્દીએ અગાઉ લોહી લીધું હોય, અંગ પ્રત્યાર્પણ (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરાવ્યું હોય અથવા દર્દી પહેલાં ગર્ભવતી હોય અને હવે જો તેને ફરી લોહી આપવામાં આવે તો ગંભીર આડઅસર થઈ શકે છે, જેના લીધે તેના રક્તકણોનો નાશ થઈ શકે છે. એવા કિસ્સાઓમાં, લોહી આપતા પહેલાં જે ટેસ્ટ કરવામાં આવે છે, એનાથી જાણી નથી શકાતું કે સમય જતાં કોઈ મુશ્કેલી ઊભી થશે કે નહિ. લોહી વિશેનું એક પુસ્તક કહે છે કે જે લોહી દર્દીને ચઢાવવામાં આવે છે, એ દર્દીના લોહી સાથે મળતું ન હોય, તો રક્તકણોનો નાશ થઈ શકે છે, પછી ભલેને એ થોડી માત્રામાં આપ્યું હોય. કિડની કામ કરતી બંધ થઈ જાય પછી તે લોહી શુદ્ધ કરતી નથી અને આખરે દર્દીનું મરણ થાય છે.

b કેન્સરની સારવાર વિશે ઑગસ્ટ ૧૯૮૮ના એક મૅગેઝિનમાં લખ્યું હતું કે, જે દર્દીઓ ઑપરેશન દરમિયાન લોહી લે છે તેઓની સરખામણીમાં જે દર્દીઓ લોહી નથી લેતા, તેઓ જલદી સાજા થાય છે.

[પાન ૧૪ પર બ્લર્બ]

“મેં સમજાવ્યું કે જરૂરી નથી કે લોહી આપીને જ દર્દીની સારવાર કરી શકાય છે, તેને મદદ કરવા હું સારવારની બીજી રીતો અપનાવીશ. દર્દીનો જીવ બચાવવા હું મારાથી બનતું બધું કરીશ”

[પાન ૧૫ પર બ્લર્બ]

‘લોહી વગરની સારવારથી બીજા દર્દીઓને પણ ફાયદો થાય છે’

[પાન ૧૫ પર ચિત્રો

ઉપરનું ચિત્ર: બાઇબલમાંથી પ્રવચન આપે છે

જમણી બાજુનું ચિત્ર: આજે મારી પત્ની માસુકો સાથે