પ્રકરણ ૮
હું એક ઘેટાંપાળકને પસંદ કરીશ
ઝલક: મસીહ વિશે ચાર ભવિષ્યવાણીઓ. ઈસુ એ કઈ રીતે પૂરી કરે છે?
૧-૩. (ક) હઝકિયેલ કેમ દુઃખી દુઃખી થઈ ગયા? (ખ) યહોવાએ હઝકિયેલને શું લખવાનું કહ્યું?
હઝકિયેલ હજુ પણ બાબેલોનમાં છે. આ તેમની ગુલામીનું છઠ્ઠું વર્ષ ચાલે છે. a યહૂદા બાબેલોનથી ઘણું દૂર છે. હઝકિયેલ પોતાના વતન વિશે વિચારે છે ત્યારે, તે દુઃખી દુઃખી થઈ જાય છે. યહૂદામાં જે રાજાઓએ રાજ કર્યું, તેઓએ એની હાલત સાવ બગાડી નાખી છે. હઝકિયેલે જોયું છે કે એક રાજા આવે છે અને એક રાજા જાય છે.
૨ હઝકિયેલનો જન્મ થયો ત્યારે યોશિયા રાજા રાજ કરતા હતા. તે એક સારા રાજા હતા. યોશિયાએ યહૂદામાં શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવા કડક પગલાં લીધાં હતાં. તેમણે મૂર્તિઓના ભાંગીને ભૂકા કરી નાખ્યા હતા. હઝકિયેલે જ્યારે એ સાંભળ્યું હશે ત્યારે તેમને કેટલી ખુશી થઈ હશે! (૨ કાળ. ૩૪:૧-૮) પણ યોશિયાએ શુદ્ધ ભક્તિ માટે જે પગલાં ભર્યાં, એની અસર લાંબા સમય સુધી ન રહી. તેમના પછી જે રાજાઓ આવ્યા, એમાંથી મોટા ભાગના મૂર્તિપૂજા કરવા લાગ્યા. એ દુષ્ટ રાજાઓના રાજમાં લોકો નીચ અને અધમ કામોમાં ડૂબેલા રહેતા હતા. એટલે યહોવા સાથેના તેઓના સંબંધમાં મોટી તિરાડ પડી ગઈ હતી. પણ શું યહૂદાની હાલત આવી ને આવી જ રહેશે? ના, એવું નહિ થાય.
૩ યહોવાએ પ્રબોધક હઝકિયેલને એક ભવિષ્યવાણી લખી લેવા કહ્યું. એ ભવિષ્યવાણી મસીહ વિશે હતી. મસીહ રાજા બનશે. તે ફરીથી યહોવાની ભક્તિ શરૂ કરાવશે, જે કાયમ ટકશે. તે એક ઘેટાંપાળક તરીકે યહોવાનાં ઘેટાંની, એટલે કે તેમના લોકોની પ્રેમથી સંભાળ રાખશે. હઝકિયેલના પુસ્તકમાં મસીહ વિશે બીજી ઘણી ભવિષ્યવાણીઓ છે. એ ભવિષ્યવાણીઓ આપણને પણ અસર કરે છે. એટલે એનો ધ્યાનથી અભ્યાસ કરીએ. એ ભવિષ્યવાણીઓ ભાવિમાં આવનાર હંમેશ માટેના જીવનની છે. ચાલો હઝકિયેલના પુસ્તકમાં જણાવેલી મસીહ વિશેની ચાર ભવિષ્યવાણીઓ જોઈએ.
“કુમળી ડાળી” “દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ” બને છે
૪. (ક) હઝકિયેલ કઈ ભવિષ્યવાણી જણાવે છે? (ખ) ભવિષ્યવાણી કહેતા પહેલાં યહોવા હઝકિયેલને શું જણાવવાનું કહે છે?
૪ આશરે ઈ.સ. પૂર્વે ૬૧૨માં “યહોવાનો સંદેશો” હઝકિયેલ પાસે આવ્યો. તેમણે હઝકિયેલને ભવિષ્યવાણી કરવા જણાવ્યું. એ ભવિષ્યવાણી શાના વિશે હતી? પહેલું, મસીહનું રાજ કેવું અજોડ હશે. બીજું, કેમ મસીહના રાજ પર પૂરો ભરોસો રાખવો જોઈએ. યહોવાએ હઝકિયેલને જણાવ્યું કે ગુલામીમાં જે લોકો હતા, તેઓને એક ભવિષ્યવાણી જણાવે. પણ ભવિષ્યવાણી જણાવતા પહેલાં તેઓને એક ઉખાણું કહે. એ ઉખાણું શાના વિશે હતું? એ ઉખાણું બતાવતું હતું કે યહૂદાના રાજાઓએ યહોવા પર જરાય ભરોસો રાખ્યો ન હતો. એ ઉખાણું એમ પણ બતાવતું હતું કે મસીહના રાજની કેટલી બધી જરૂર છે, જે સચ્ચાઈથી રાજ કરશે.—હઝકિ. ૧૭:૧, ૨.
૫. ઉખાણું શું હતું?
૫ હઝકિયેલ ૧૭:૩-૧૦ વાંચો. ઉખાણું આ છે: એક “મોટો ગરુડ” આવે છે. એ દેવદારના ઝાડની સૌથી ઉપરની ડાળી તોડે છે. ગરુડ એ ડાળી લઈ જઈને “વેપારીઓના શહેરમાં” રોપે છે. પછી એ ગરુડ “દેશમાંથી અમુક બી” લે છે. એ એને રસાળ જમીનમાં રોપે છે, જ્યાં “પુષ્કળ પાણી” છે. રોપેલાં બીમાંથી અંકુર ફૂટીને “દ્રાક્ષાવેલો” ઊગી નીકળે છે અને ફેલાય છે. પછી બીજો એક “મોટો ગરુડ” આવે છે. એ દ્રાક્ષાવેલો ‘મોટી આશા રાખીને પોતાનાં મૂળ ગરુડ તરફ લંબાવે’ છે. એ દ્રાક્ષાવેલાને લાગે છે કે ગરુડ એને બીજી કોઈ જગ્યાએ લઈ જશે, જ્યાં પુષ્કળ પાણી હોય. પણ યહોવાને એ ગમ્યું નહિ. યહોવા એને બતાવે છે કે એનાં મૂળ ખેંચી કાઢવામાં આવશે અને એ ‘સાવ સુકાઈ જશે.’
૬. ઉખાણાનો શું અર્થ થાય?
૬ આ ઉખાણાનો શું અર્થ થાય? (હઝકિયેલ ૧૭:૧૧-૧૫ વાંચો.) ઈ.સ. પૂર્વે ૬૧૭માં પહેલા ‘મોટા ગરુડે,’ એટલે કે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે યરૂશાલેમને ઘેરી લીધું. તેણે “સૌથી ઉપરની ડાળી” તોડી નાખી, એટલે કે યહોયાખીન રાજાને યહૂદાની રાજગાદી પરથી ઉતારી મૂક્યો. તેને “વેપારીઓના શહેરમાં,” એટલે કે બાબેલોન લઈ જવામાં આવ્યો. નબૂખાદનેસ્સારે ‘દેશના બીમાંથી,’ એટલે કે રાજવી કુટુંબમાંથી સિદકિયાને રાજા બનાવ્યો. તેને સમ ખવડાવવામાં આવ્યા કે તે બાબેલોનને આધીન રહીને રાજ કરશે. (૨ કાળ. ૩૬:૧૩) પણ સિદકિયાએ સમ તોડી નાખ્યા. તેણે બાબેલોન સામે બળવો કર્યો. તેણે બીજા ‘મોટા ગરુડ,’ એટલે કે ઇજિપ્તના રાજા પાસે મદદ માંગી. પણ એ કંઈ કામ લાગી નહિ. તે યહોવાને બેવફા બન્યો. તેણે સમ તોડી નાખ્યા, એ યહોવાની નજરમાં ખોટું હતું. (હઝકિ. ૧૭:૧૬-૨૧) સિદકિયાને રાજગાદી પરથી ઉતારી મૂકવામાં આવ્યો. તેને કેદ કરીને બાબેલોન લઈ જવાયો અને ત્યાં જ તે મરી ગયો.—યર્મિ. ૫૨:૬-૧૧.
૭. ઉખાણા પરથી શું શીખવા મળે છે?
૭ આપણે જે ઉખાણું જોઈ ગયા, એના પરથી શું શીખવા મળે છે? એક તો એ કે યહોવાના લોકો તરીકે આપણે વચન પાળનારા બનવું જોઈએ. ઈસુએ કહ્યું હતું, “તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય.” (માથ. ૫:૩૭) કોઈ વાર અદાલતમાં કે બીજી કોઈ જગ્યાએ ઈશ્વર આગળ એવા સમ ખાવા પડે કે આપણે જે કહીશું એ સાચું જ કહીશું. આપણે એ સમ મામૂલી નહિ ગણી લઈએ. આપણે બીજું શું શીખીએ છીએ? એ જ કે મન ફાવે એના પર ભરોસો ન મૂકીએ. બાઇબલ ચેતવણી આપે છે: “શાસકોમાં ભરોસો ન રાખ, માણસોમાં પણ નહિ, કેમ કે તેઓ ઉદ્ધાર કરી શકતા નથી.”—ગીત. ૧૪૬:૩.
૮-૧૦. (ક) યહોવાએ ભાવિમાં આવનાર રાજા વિશે ભવિષ્યવાણીમાં શું જણાવ્યું? (ખ) એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે? (“મસીહ વિશે ભવિષ્યવાણી—દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ” બૉક્સ પણ જુઓ.)
૮ પણ એક રાજા એવા છે, જેમના પર આપણે પૂરો ભરોસો રાખી શકીએ છીએ. એ છે મસીહ! તે ભાવિમાં રાજા બનશે. યહોવાએ ડાળીને બીજી જગ્યાએ રોપવા વિશેનું ઉખાણું જણાવ્યું. એના પછી તેમણે મસીહ વિશેની ભવિષ્યવાણી કહી.
૯ ભવિષ્યવાણી શું જણાવે છે? (હઝકિયેલ ૧૭:૨૨-૨૪ વાંચો.) હવે મોટો ગરુડ કંઈ નહિ કરે, પણ યહોવા પોતે કંઈક કરશે. તે ‘દેવદારની ટોચ પરથી એક ડાળી તોડશે અને એ રોપશે. તે એને ઊંચા અને મોટા પર્વત પર રોપશે.’ એ ડાળી વધીને ફૂલશે-ફાલશે. એ “દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ” બનશે. એની છાયામાં “બધા પ્રકારનાં પંખીઓ” રહેશે. પછી ‘બધાં વૃક્ષો’ જાણશે કે યહોવાએ જ એ ડાળીને વધારીને મોટું ઘટાદાર વૃક્ષ બનાવ્યું છે.
૧૦ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે? યહોવા ‘દેવદાર,’ એટલે કે દાઉદના રાજવી કુટુંબમાંથી પોતાના દીકરા ઈસુને પસંદ કરે છે. તેમને “ઊંચા અને મોટા પર્વત,” એટલે કે સ્વર્ગના સિયોન પર્વત પર રાજા બનાવે છે. (ગીત. ૨:૬; યર્મિ. ૨૩:૫; પ્રકટી. ૧૪:૧) ઈસુના દુશ્મનો તેમને મામૂલી અને ‘નાનામાં નાના માણસ’ ગણતા હતા. પણ યહોવાએ ‘તેમના પૂર્વજ દાઉદની રાજગાદી’ પર તેમને બેસાડ્યા. એમ કરીને તેમને માન-સન્માન આપ્યું. (દાનિ. ૪:૧૭; લૂક ૧:૩૨, ૩૩) આ રીતે મસીહને દેવદારના મોટા ઘટાદાર વૃક્ષ જેવા બનાવવામાં આવ્યા છે. બહુ જલદી જ રાજા ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી આખી પૃથ્વી પર રાજ કરશે. તેમના રાજમાં બધા લોકોને પુષ્કળ આશીર્વાદ મળશે. ઈસુ જ એક એવા રાજા છે, જેમના પર આપણે પૂરો ભરોસો કરી શકીએ છીએ. તેમના રાજમાં બધા લોકો તેમનું કહેવું માનશે. લોકો “સહીસલામત રહેશે અને આફતના ડર વગર નિરાંતે જીવશે.”—નીતિ. ૧:૩૩.
૧૧. ‘કુમળી ડાળી દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ’ બને છે, એ વિશેની ભવિષ્યવાણીમાંથી આપણે શું શીખી શકીએ?
૧૧ ભવિષ્યવાણીમાંથી શું શીખી શકીએ? “કુમળી ડાળી” કઈ રીતે “દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ” બને છે, એ વિશે જોરદાર ભવિષ્યવાણી જોઈ ગયા. એ આપણને આ મહત્ત્વના સવાલનો જવાબ આપે છે: આપણે કોના પર ભરોસો મૂકીશું? કોઈ સરકાર કે એના લશ્કરમાં ભરોસો મૂકવો નકામું છે. તો પછી સાચી સલામતી મેળવવા શું કરીશું? આપણે મસીહ, એટલે કે ઈસુ ખ્રિસ્ત પર પૂરો ભરોસો રાખીશું. એમાં જ આપણું ભલું છે. સ્વર્ગમાંથી રાજ કરતી મસીહની સરકાર એ જ આપણી એકમાત્ર આશા છે.—પ્રકટી. ૧૧:૧૫.
‘જેમની પાસે કાયદેસરનો હક છે’
૧૨. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે દાઉદ સાથેના કરારને તે ભૂલ્યા નથી?
૧૨ યહોવાએ હઝકિયેલને બે ગરુડના ઉખાણા વિશે સમજણ આપી. એનાથી હઝકિયેલને સમજાયું કે દાઉદના રાજવી કુટુંબના બંડખોર સિદકિયાને રાજગાદી પરથી ઉતારી મૂકવામાં આવશે. તેને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવામાં આવશે. હઝકિયેલે કદાચ વિચાર્યું હશે કે ‘યહોવાએ દાઉદ સાથે કરેલા કરારનું શું? યહોવાએ તો વચન આપ્યું હતું કે દાઉદના કુટુંબમાંથી આવનાર રાજા કાયમ રાજ કરશે. એ વચન વિશે શું?’ (૨ શમુ. ૭:૧૨, ૧૬) જો હઝકિયેલને આવા સવાલો થયા હોય, તો તેમણે એના જવાબો માટે બહુ રાહ ન જોવી પડી. ગુલામીના સાતમા વર્ષે, એટલે કે આશરે ઈ.સ. પૂર્વે ૬૧૧માં હઝકિયેલ પાસે ‘યહોવાનો સંદેશો આવ્યો.’ એ સમયે હજુ તો સિદકિયાનું રાજ ચાલતું હતું. (હઝકિ. ૨૦:૨) યહોવાએ હઝકિયેલને મસીહ વિશે બીજી એક ભવિષ્યવાણી જણાવી. એમાં તેમણે સાફ સાફ જણાવ્યું કે દાઉદ સાથે કરેલા કરારને તે જરાય ભૂલ્યા નથી. એ ભવિષ્યવાણીથી જાણવા મળ્યું કે મસીહ તો દાઉદના વંશજ છે. એટલે તેમને રાજ કરવાનો કાયદેસરનો હક હશે.
૧૩, ૧૪. (ક) હઝકિયેલ ૨૧:૨૫-૨૭માંની ભવિષ્યવાણી વિશે જણાવો. (ખ) આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે?
૧૩ ભવિષ્યવાણી શું જણાવે છે? (હઝકિયેલ ૨૧:૨૫-૨૭ વાંચો.) યહોવા હઝકિયેલ દ્વારા “ઇઝરાયેલના મુખી” સિદકિયા સાથે સીધેસીધી વાત કરે છે. હવે તેને સજા આપવાનો સમય આવી ગયો છે. યહોવા દુષ્ટ રાજા સિદકિયાને જણાવે છે કે તેની “પાઘડી” અને તેનો “મુગટ” ઉતારી લેવામાં આવશે. એ તેના રાજ કરવાના હકને બતાવે છે. જે ઊંચો છે તેને ‘નીચો’ કરવામાં આવશે, જે નીચો છે તેને ‘ઊંચો’ કરવામાં આવશે. પણ જેને ઊંચો કરવામાં આવશે, તેની સત્તા થોડો સમય જ ચાલશે. ‘જેમની પાસે કાયદેસરનો હક છે, તે આવે’ ત્યાં સુધી તેની સત્તા ચાલશે. પછી જેમને કાયદેસરનો હક છે, તેમને યહોવા રાજસત્તા સોંપી દેશે.
૧૪ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે? અગાઉ યહૂદાનું રાજ ‘ઊંચું’ હતું, પણ એને નીચું કરવામાં આવ્યું. કઈ રીતે? ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો ત્યારે એ રાજનો અંત આવ્યો. બાબેલોનના લોકોએ શહેરને ભોંયભેગું કરી દીધું. તેઓએ સિદકિયાને રાજગાદી પરથી ઉતારી મૂક્યો અને તેને ગુલામ બનાવીને લઈ ગયા. એ પછી યરૂશાલેમમાં દાઉદના રાજવી કુટુંબમાંથી કોઈને રાજા બનાવવામાં ન આવ્યા. બીજી પ્રજાઓની સત્તાઓ ‘નીચી’ હતી, પણ એને ઊંચી કરવામાં આવી. એટલે આખી પૃથ્વી પર તેઓનું રાજ ચાલવા લાગ્યું. પણ એવું થોડા જ સમય સુધી ચાલ્યું. “બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો” ૧૯૧૪માં પૂરા થયા. એ સમયે યહોવાએ ઈસુ ખ્રિસ્તને રાજા બનાવ્યા. (લૂક ૨૧:૨૪) ઈસુ તો દાઉદના વંશજ હતા. એટલે ઈશ્વરના રાજ્યના રાજા બનવાનો તેમને “કાયદેસરનો હક” હતો. b (ઉત. ૪૯:૧૦) યહોવાએ વચન આપ્યું હતું કે દાઉદના વંશમાંથી આવનાર રાજાનું રાજ કાયમ ટકશે. તેમણે પોતાનું એ વચન પૂરું કર્યું.—લૂક ૧:૩૨, ૩૩.
૧૫. આપણા રાજા ઈસુ ખ્રિસ્ત પર કેમ પૂરો ભરોસો કરી શકીએ છીએ?
૧૫ ભવિષ્યવાણીમાંથી શું શીખી શકીએ? એ જ કે આપણા રાજા, એટલે કે ઈસુ ખ્રિસ્ત પર આપણે પૂરો ભરોસો કરી શકીએ છીએ. શા માટે? એનું કારણ એ છે કે દુનિયાના નેતાઓ તો માણસો દ્વારા ચૂંટાઈ આવે છે અથવા તો તેઓ સરકારને ઊથલાવીને પોતે ખુરશી પર બેસી જાય છે. જ્યારે કે ઈસુને તો ખુદ યહોવાએ પસંદ કર્યા છે. યહોવાએ ‘તેમને રાજ્ય આપ્યું છે.’ ઈસુને એનો કાયદેસરનો હક છે. (દાનિ. ૭:૧૩, ૧૪) યહોવાએ પોતે જે રાજાને પસંદ કર્યા છે, તેમના કરતાં વધારે ભરોસાને લાયક બીજું કોણ હોય શકે!
‘મારો સેવક દાઉદ તેઓનો ઘેટાંપાળક બનશે’
૧૬. (ક) યહોવા પોતાના લોકોની કેટલી ચિંતા કરે છે? (ખ) હઝકિયેલના દિવસોમાં ‘ઇઝરાયેલના ઘેટાંપાળકોએ’ યહોવાના લોકો સાથે કેવું વર્તન કર્યું?
૧૬ યહોવા સૌથી મહાન ઘેટાંપાળક છે. તે પોતાનાં ઘેટાં, એટલે કે પૃથ્વી પરના ભક્તોને બહુ પ્રેમ કરે છે. તેમને તેઓની ખૂબ ચિંતા છે. (ગીત. ૧૦૦:૩) યહોવાએ પોતાના ભક્તોની સંભાળ રાખવા માટે અમુક માણસોને ઘેટાંપાળક તરીકે પસંદ કર્યા છે. તેઓને એ જવાબદારી સોંપી છે. યહોવા તેઓને ધ્યાનથી જુએ છે કે તેઓ તેમના લોકો સાથે કેવી રીતે વર્તે છે. જરા વિચારો, હઝકિયેલના સમયમાં ‘ઇઝરાયેલના ઘેટાંપાળકોનાં’ કામ જોઈને યહોવાને કેવું લાગ્યું હશે. એ બેશરમ આગેવાનો યહોવાના લોકો પર “બળજબરી અને જુલમથી” સત્તા ચલાવતા હતા. એટલે યહોવાના લોકોએ ઘણી દુઃખ-તકલીફો સહેવી પડી. અમુકે તો શુદ્ધ ભક્તિ પણ છોડી દીધી.—હઝકિ. ૩૪:૧-૬.
૧૭. યહોવાએ પોતાના લોકોને કઈ રીતે છોડાવ્યા?
૧૭ યહોવાએ શું કર્યું? યહોવાએ ઇઝરાયેલના ક્રૂર આગેવાનોને કહ્યું: ‘હું હિસાબ માંગીશ.’ પછી યહોવાએ વચન આપ્યું: ‘હું મારાં ઘેટાંને બચાવી લઈશ.’ (હઝકિ. ૩૪:૧૦) યહોવાની દરેક વાત સોએ સો ટકા સાચી પડે છે. (યહો. ૨૧:૪૫) ઈ.સ. પૂર્વે ૬૦૭માં યહોવાએ પોતાના લોકોને એ સ્વાર્થી ઘેટાંપાળકોના પંજામાંથી છોડાવ્યા. કઈ રીતે? યહોવાએ બાબેલોનના લોકોને મોકલ્યા અને એ આગેવાનોને તેઓની રાજગાદી પરથી ઉતારી મૂક્યા. એના ૭૦ વર્ષ પછી યહોવાએ પોતાના ઘેટાં જેવા લોકોને બાબેલોનમાંથી છોડાવ્યા. યહોવા તેઓને પોતાના વતનમાં પાછા લઈ આવ્યા, જેથી તેઓ શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરી શકે. પણ યહોવાના લોકોનાં માથે હજુ પણ ખતરો હતો, કેમ કે તેઓ પર દુનિયાના લોકોની સત્તા ચાલવાની હતી. “બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો” ઘણી સદીઓ સુધી ચાલવાના હતા.—લૂક ૨૧:૨૪.
૧૮, ૧૯. ઈ.સ. પૂર્વે ૬૦૬માં હઝકિયેલે કઈ ભવિષ્યવાણી કરી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૮ ઈ.સ. પૂર્વે ૬૦૬માં યરૂશાલેમના નાશને આશરે એક વર્ષ થયું હતું. બાબેલોનની ગુલામીમાંથી ઇઝરાયેલીઓને છોડાવવામાં આવ્યા, એના વર્ષો પહેલાંની એ વાત છે. એ સમયે યહોવાએ હઝકિયેલને એક ભવિષ્યવાણી કરવા જણાવ્યું. એ ભવિષ્યવાણી હતી કે ઈશ્વરના રાજ્યના રાજા, એટલે કે મસીહ એક ઘેટાંપાળક તરીકે યહોવાના લોકોની સંભાળ રાખશે. આ ભવિષ્યવાણીથી ખબર પડે છે કે સૌથી મહાન ઘેટાંપાળક યહોવા પોતાના લોકોની કેટલી સંભાળ રાખે છે. તે ચાહે છે કે હંમેશાં તેઓનું ભલું થાય.
૧૯ ભવિષ્યવાણી શું જણાવે છે? (હઝકિયેલ ૩૪:૨૨-૨૪ વાંચો.) યહોવા કહે છે: “હું મારા સેવક દાઉદને તેઓનો ઘેટાંપાળક બનાવીશ.” ધ્યાન આપો કે કલમમાં “ઘેટાંપાળક” અને “સેવક” જેવા શબ્દો વાપર્યા છે. અહીં ઘેટાંપાળકો અને સેવકો એમ નથી કીધું. એનાથી ખબર પડે છે કે મસીહ દાઉદના એકલા જ વારસ હશે. તે હંમેશાં રાજ કરશે. પહેલાંની જેમ દાઉદના કુટુંબમાંથી એક પછી એક રાજા રાજ નહિ કરે. ઘેટાંપાળક અને રાજા તરીકે મસીહ યહોવાના લોકોનું પાલન-પોષણ કરશે. તે ‘તેઓના આગેવાન’ બનશે. યહોવા પોતાના લોકો સાથે “શાંતિનો કરાર” કરશે. તે તેઓ પર “પુષ્કળ આશીર્વાદોનો વરસાદ” વરસાવશે. તેમના રાજમાં લોકો એકદમ સલામત હશે. તેઓ સુખચેનથી જીવશે. એ સમયે મબલક પાકથી ખેતરો લહેરાઈ ઊઠશે. માણસો એકબીજા સાથે શાંતિથી રહેશે. અરે, માણસો અને પ્રાણીઓ પણ એકબીજા સાથે શાંતિથી રહેશે. તેઓ એકબીજાથી ડરશે નહિ.—હઝકિ. ૩૪:૨૫-૨૮.
૨૦, ૨૧. (ક) યહોવાના ‘સેવક દાઉદ’ વિશેની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે? (ખ) ‘શાંતિના કરાર’ વિશેની ભવિષ્યવાણી નવી દુનિયામાં કઈ રીતે પૂરી થશે?
૨૦ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે? યહોવા આ ભવિષ્યવાણીમાં રાજાને ‘મારો સેવક દાઉદ’ કહે છે. એ તો યહોવાએ પસંદ કરેલા ઈસુ છે. તે દાઉદના વંશજ છે. તેમને રાજ કરવાનો કાયદેસરનો હક છે. (ગીત. ૮૯:૩૫, ૩૬) ઈસુ ધરતી પર આવ્યા ત્યારે તેમણે સાબિત કરી આપ્યું કે તે “ઉત્તમ ઘેટાંપાળક” છે. અરે, તેમણે તો પોતાનાં “ઘેટાંને માટે” જીવ પણ આપી દીધો! (યોહા. ૧૦:૧૪, ૧૫) અત્યારે ઈસુ સ્વર્ગમાં છે અને ત્યાંથી પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે. (હિબ્રૂ. ૧૩:૨૦) યહોવાએ ૧૯૧૪માં ઈસુને રાજા બનાવ્યા. યહોવાએ તેમને જવાબદારી સોંપી કે ધરતી પરના પોતાના લોકોનું ધ્યાન રાખે, તેઓનું પાલન-પોષણ કરે. ૧૯૧૯માં રાજા ઈસુએ “વિશ્વાસુ અને સમજુ ચાકર” પસંદ કર્યો. તેમણે એ ચાકરને પોતાના “ઘરના સેવકોની” સંભાળ રાખવાની જવાબદારી સોંપી. ઘરના સેવકો, એટલે કે યહોવાના બધા વફાદાર સેવકો, પછી ભલે તેઓની આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર. (માથ. ૨૪:૪૫-૪૭) વિશ્વાસુ ચાકર ઈસુ ખ્રિસ્તના કહેવા પ્રમાણે જ કરે છે. તે યહોવાના લોકોનું પાલન-પોષણ કરે છે. એના લીધે જ અત્યારે પણ ઈશ્વરભક્તો યહોવા સાથે ગાઢ સંબંધ બાંધી શકે છે. અરે, તેઓ તો એકબીજા સાથે હળી-મળીને રહે છે! આ રીતે તેઓ યહોવાના સંગઠનમાં દિવસે ને દિવસે વધતી જતી સલામતી અનુભવે છે.
૨૧ હઝકિયેલે ‘શાંતિના કરાર’ અને પુષ્કળ આશીર્વાદો વિશે ભવિષ્યવાણી કરી હતી. નવી દુનિયામાં કઈ રીતે એ ભવિષ્યવાણી પ્રમાણે થશે? પૃથ્વી પર યહોવાની ભક્તિ કરનારા લોકો ‘શાંતિના કરારને’ લીધે આશીર્વાદ, આશીર્વાદ ને આશીર્વાદનો આનંદ માણશે. આખી પૃથ્વી સરસ મજાના બાગ જેવી બની જશે. યહોવાને પૂરાં દિલથી ભજનારા લોકોને યુદ્ધનો જરાય ખતરો નહિ હોય. તેઓને ન તો ગુનાનો, ન તો દુકાળનો, ન તો બીમારીનો, ન તો જંગલી જાનવરોનો ખતરો હશે. (યશા. ૧૧:૬-૯; ૩૫:૫, ૬; ૬૫:૨૧-૨૩) યહોવાના લોકો નવી દુનિયામાં યુગોના યુગો જીવશે. એમાં “તેઓ સલામત રહેશે અને તેઓને કોઈ ડરાવશે નહિ.” તમે એ નવી દુનિયા વિશે ફક્ત વિચારીને જ ઝૂમી ઊઠતા હશો, ખરું ને!—હઝકિ. ૩૪:૨૮.
૨૨. (ક) ઈસુ યહોવાના લોકોની કઈ રીતે સંભાળ રાખે છે? (ખ) વડીલોએ પણ યહોવાના લોકોની કઈ રીતે સંભાળ રાખવી જોઈએ?
૨૨ ભવિષ્યવાણીમાંથી શું શીખી શકીએ? ઈસુ પણ પોતાના પિતાની જેમ યહોવાના લોકોની ખૂબ જ સંભાળ રાખે છે. ઈસુ ઘેટાંપાળક અને રાજા છે. તે ધ્યાન રાખે છે કે યહોવાના લોકોને બાઇબલનું ભરપૂર શિક્ષણ મળતું રહે. તે એ પણ ધ્યાન રાખે છે કે તેઓ યહોવાના સંગઠનમાં શાંતિ અને સલામતીમાં રહે. આપણી આટલી બધી સંભાળ રાખતા હોય એવા રાજા કોને ન ગમે! ઈસુના હાથ નીચે જવાબદાર ભાઈઓ કામ કરે છે. તેઓએ પણ ઈસુની જેમ યહોવાના લોકોની સંભાળ રાખવી જોઈએ. એ વડીલોએ “ખુશીથી” અને “ઉત્સાહથી” યહોવાના લોકોની દેખરેખ રાખવી જોઈએ. તેઓએ યહોવાના લોકો માટે સારો દાખલો બેસાડવો જોઈએ. (૧ પિત. ૫:૨, ૩) વડીલોએ યહોવાના કોઈ પણ ભક્ત સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. યાદ કરો કે હઝકિયેલના સમયમાં જે આગેવાનોએ ઈશ્વરભક્તો સાથે ખરાબ વર્તન કર્યું હતું, તેઓને યહોવાએ કહ્યું: ‘હું હિસાબ માંગીશ.’ (હઝકિ. ૩૪:૧૦) સૌથી મહાન ઘેટાંપાળક યહોવા અને તેમના દીકરા ઈસુ બરાબર નજર રાખે છે કે ઈશ્વરભક્તો સાથે કેવું વર્તન કરવામાં આવે છે.
“મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો આગેવાન બનશે”
૨૩. (ક) ઇઝરાયેલી લોકો એકતામાં રહેશે એ વિશે યહોવાએ કયું વચન આપ્યું? (ખ) યહોવાએ એ વચન કઈ રીતે પૂરું કર્યું?
૨૩ યહોવા ચાહે છે કે પોતાના ભક્તો એક થઈને ભક્તિ કરે. તેમણે ભવિષ્યવાણી કરી કે શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે. એમાં યહોવાએ વચન આપ્યું કે તે પોતાના લોકોને એકતામાં લાવશે. એ સમયે ઇઝરાયેલીઓ બે રાજ્યમાં વહેંચાયેલા હતા. બે કુળનું યહૂદાનું રાજ્ય અને દસ કુળનું ઇઝરાયેલનું રાજ્ય. યહોવાએ વચન આપ્યું કે એ બંનેમાંથી તે અમુક લોકોને ભેગા કરીને ફરીથી “એક પ્રજા” બનાવશે. એ લોકો યહોવાના હાથમાં જાણે બે “લાકડીઓ” નહિ, પણ “એક થશે.” (હઝકિ. ૩૭:૧૫-૨૩) એ ભવિષ્યવાણીમાં જે કીધું એ ક્યારે થયું? ઈ.સ. પૂર્વે ૫૩૭માં યહોવાએ ઇઝરાયેલી લોકોને વચનના દેશમાં એક પ્રજા તરીકે ભેગા કર્યા ત્યારે થયું. c પણ એ તો ફક્ત એક ઝલક હતી. શાની ઝલક? એવા સમયની ઝલક જ્યારે યહોવા આખી દુનિયામાં પોતાના ભક્તોને એક કરશે. તેઓની એકતા થોડા સમય માટે નહિ, પણ કાયમ માટે ટકશે. યહોવાએ ઇઝરાયેલી લોકોમાં એકતા લાવવાનું વચન આપ્યા પછી, હઝકિયેલને બીજી એક ભવિષ્યવાણી કહી. એ ભવિષ્યવાણી શાના વિશે હતી? એ ભવિષ્યવાણી બતાવતી હતી કે કઈ રીતે ભાવિમાં ઈશ્વરના રાજ્યના રાજા આખી ધરતી પર સાચા ઈશ્વરભક્તોને એકતાના બંધનમાં લાવશે. તેઓ સદાને માટે હળી-મળીને રહેશે.
૨૪. (ક) યહોવા મસીહ વિશે શું કહે છે? (ખ) આ રાજાનું રાજ કેવું હશે?
૨૪ ભવિષ્યવાણી શું જણાવે છે? (હઝકિયેલ ૩૭:૨૪-૨૮ વાંચો.) યહોવા ફરી એક વાર મસીહને “મારો સેવક દાઉદ,” “ઘેટાંપાળક” અને “આગેવાન” કહે છે. તે કહે છે કે મસીહ એક “રાજા” બનશે. (હઝકિ. ૩૭:૨૨) આ રાજાનું રાજ કેવું હશે? તેમનું રાજ હંમેશાં ટકી રહે એવું હશે. ભવિષ્યવાણી જણાવે છે કે તેમનું રાજ “સદાને માટે” અને ‘કાયમ’ રહેશે. એનાથી ખબર પડે છે કે તેમના રાજમાં જે આશીર્વાદો મળશે, એનો ક્યારેય અંત નહિ આવે. d તેમના રાજમાં બધા લોકો સંપીને રહેશે. તેઓના “એક જ રાજા” હશે. એટલે બધા લોકો એકસરખા “કાયદા-કાનૂન” પાળશે. તેઓને ‘જે દેશ આપવામાં આવશે, એમાં તેઓ’ હળી-મળીને રહેશે. આ રાજા પોતાની પ્રજાને યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવા મદદ કરશે. એ પ્રજા સાથે યહોવા “શાંતિનો કરાર” કરશે. યહોવા તેઓના ઈશ્વર થશે અને તેઓ યહોવાના લોકો થશે. યહોવાનું મંદિર “તેઓ વચ્ચે હંમેશ માટે રહેશે.”
૨૫. મસીહ વિશેની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે?
૨૫ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે? ૧૯૧૯માં વફાદાર અભિષિક્તોને “એક જ ઘેટાંપાળક” એટલે કે રાજા અને મસીહ એકતામાં લાવ્યા. પછી તેઓ સાથે “એક મોટું ટોળું” જોડાયું. એ ટોળું “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી” આવેલા લોકોનું છે. (પ્રકટી. ૭:૯) તેઓ ભેગા થઈને “એક ટોળું” બન્યા. તેઓના “એક ઘેટાંપાળક” છે. (યોહા. ૧૦:૧૬) તેઓ બધા યહોવાના કાયદા-કાનૂન એટલે કે સિદ્ધાંતો પાળે છે, પછી ભલે તેઓની આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર રહેવાની હોય. એના લીધે તેઓ આખી દુનિયામાં હળી-મળીને રહે છે. તેઓનો યહોવા સાથેનો સંબંધ અને એકબીજા સાથેનો સંબંધ ગાઢ બને છે. યહોવાના આશીર્વાદથી તેઓ વચ્ચે શાંતિ છે. તેઓ વચ્ચે જાણે યહોવાનું મંદિર છે, જે શુદ્ધ ભક્તિને રજૂ કરે છે. યહોવા તેઓના ઈશ્વર છે. તેઓને ગર્વ છે કે પોતે યહોવાની ભક્તિ કરે છે. તેઓ હંમેશાં માટે, હા કાયમ માટે તેમની ભક્તિ કરતા રહેશે.
૨૬. આપણી વચ્ચેનો સંપ ન તૂટે, એ માટે શું કરવું જોઈએ?
૨૬ ભવિષ્યવાણીમાંથી શું શીખી શકીએ? આજે યહોવાના લોકો આખી દુનિયામાં અલગ અલગ જગ્યાએ રહે છે. તોપણ આપણી વચ્ચે અજોડ સંપ છે. આપણે એક થઈને યહોવાની ભક્તિ કરીએ છીએ. એ કેટલો મોટો આશીર્વાદ છે! પણ એ આશીર્વાદની સાથે સાથે જવાબદારી પણ આવે છે. આપણે ધ્યાન રાખીએ કે કદી પણ આપણા સંપની એ માળા તૂટી ન જાય. એટલે આપણાં વાણી-વર્તન કેવાં રાખવાં જોઈએ? આપણે યહોવાના શિક્ષણમાં એકમનના અને એકવિચારના થઈને જીવીએ. (૧ કોરીં. ૧:૧૦) એ માટે યહોવા જે શીખવે છે, એ આપણે બધા પૂરાં દિલથી શીખતા રહીએ. બાઇબલના સિદ્ધાંતો આપણે બધા પાળતા રહીએ. યહોવાના રાજ્ય વિશે લોકોને જણાવવા અને શીખવવા આપણે બધા તન-મન રેડી દઈએ. પણ આપણા સંપની ચાવી તો એ છે કે આપણે એકબીજાને દિલોજાનથી ચાહીએ છીએ. આપણે એકબીજાને હમદર્દી બતાવીએ છીએ, કરુણા બતાવીએ છીએ અને દિલથી માફ કરીએ છીએ. આવી જુદી જુદી રીતે પ્રેમ બતાવીને આપણે જાણે સંપની માળામાં અનેક મોતી પરોવીએ છીએ. બાઇબલ કહે છે કે “પ્રેમ એકતાનું સંપૂર્ણ બંધન છે.”—કોલો. ૩:૧૨-૧૪; ૧ કોરીં. ૧૩:૪-૭.
૨૭. (ક) મસીહ વિશેની ભવિષ્યવાણીઓ જાણીને તમને કેવું લાગે છે? (ખ) હવે પછીનાં પ્રકરણોમાં આપણે શું શીખીશું?
૨૭ હઝકિયેલના પુસ્તકમાં મસીહ વિશે અનેક ભવિષ્યવાણીઓ આપવામાં આવી છે. એ માટે આપણે યહોવાનો કેટલો આભાર માનીએ છીએ! જેમ જેમ એ ભવિષ્યવાણીઓ વિશે વાંચીએ અને એનો વિચાર કરીએ, તેમ તેમ આપણે શું શીખીએ છીએ? આપણા રાજા ઈસુ ખ્રિસ્ત છે. તેમને રાજ કરવાનો કાયદેસરનો હક છે. આપણે તેમના પર પૂરો ભરોસો રાખીએ. તે આપણને કેટલો બધો પ્રેમ કરે છે! તે ઘેટાંપાળકની જેમ પ્રેમથી આપણી સંભાળ રાખે છે. આપણી વચ્ચેની એકતાનું બંધન ક્યારેય ન તૂટે, એ માટે તે મદદ કરે છે. આવા રાજાની પ્રજા બનવાનો આપણને કેટલો સરસ લહાવો મળ્યો છે! હઝકિયેલના પુસ્તકનો મુખ્ય વિષય એ છે કે યહોવાની શુદ્ધ ભક્તિ ફરી શરૂ થાય. યાદ રાખીએ કે મસીહ વિશેની ભવિષ્યવાણીઓ એનો જ એક ભાગ છે. ઈસુ દ્વારા યહોવા પોતાના લોકોને ભેગા કરશે અને પોતાની ભક્તિ ફરી શરૂ કરશે. (હઝકિ. ૨૦:૪૧) હવે પછીનાં પ્રકરણોમાં વધારે જોઈશું કે યહોવાની ભક્તિ કઈ રીતે ફરી શરૂ થશે. આપણે શીખીશું કે એ જોરદાર વિષય પર હઝકિયેલનું પુસ્તક બીજું શું જણાવે છે.
a ઈ.સ. પૂર્વે ૬૧૭માં અમુક યહૂદીઓને પહેલી વાર ગુલામ બનાવીને બાબેલોન લઈ જવામાં આવ્યા. એ ગુલામીનું પહેલું વર્ષ હતું. એટલે છઠ્ઠું વર્ષ ઈ.સ. પૂર્વે ૬૧૨માં શરૂ થયું.
b ખુશખબરનાં પુસ્તકો સાફ સાફ જણાવે છે કે ઈસુ દાઉદના વંશમાંથી આવ્યા હતા.—માથ. ૧:૧-૧૬; લૂક ૩:૨૩-૩૧.
c આ પુસ્તકનું ૧૨મું પ્રકરણ બતાવશે કે હઝકિયેલે બે લાકડીઓ વિશે કઈ ભવિષ્યવાણીઓ કરી હતી અને કઈ રીતે એમ જ થયું.
d જે હિબ્રૂ શબ્દનું ભાષાંતર “સદાને માટે” અને ‘કાયમ’ થયું છે, એના વિશે એક પુસ્તક આમ જણાવે છે: ‘આ શબ્દનો અર્થ ફક્ત હંમેશાં ટકવું જ થતો નથી. પણ એનો અર્થ ટકી રહેવું, સ્થિર રહેવું અને કદી ન બદલાવું પણ થાય છે.’