૪
એક છોકરીએ તેના પપ્પા અને યહોવાને ખુશ કર્યા
શું ચિત્રમાં તમને એક છોકરી દેખાય છે?— તે યિફતાની દીકરી છે. બાઇબલ તેનું નામ જણાવતું નથી. પણ, એ જરૂર જણાવે છે કે તેણે તેના પપ્પા અને યહોવાને ખુશ કર્યા હતા. ચાલો, આપણે એ છોકરી અને તેના પપ્પા યિફતા વિશે વધારે જોઈએ.
યિફતા બહુ સારા માણસ હતા. પોતાની દીકરીને યહોવા વિશે શીખવવા તે ઘણો સમય આપતા. યિફતા બહુ જ બળવાન અને સારા આગેવાન હતા. એટલે, ઈસ્રાએલી લોકોએ તેમને દુશ્મનો સામે લડવા આગેવાન બનવા કહ્યું.
દુશ્મનો પર જીત મેળવવા યિફતાએ પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. તેમણે યહોવાને વચન આપ્યું: ‘હું જીતીને ઘરે પાછો આવીશ ત્યારે, મને મળવા મારા ઘરમાંથી જે કોઈ પહેલું બહાર આવશે, તેને તમારી
સેવામાં આપી દઈશ. તે આખું જીવન તમારા મંડપમાં સેવા કરશે.’ એ સમયમાં લોકો યહોવાની ભક્તિ કરવા મંડપ આગળ ભેગા થતા હતા. યિફતા જીતી ગયા! તે ઘરે પાછા આવ્યા. તમને ખબર છે યિફતાને મળવા પહેલું કોણ બહાર આવ્યું?—યિફતાની દીકરી! એકની એક દીકરી. હવે, યિફતાએ તેને યહોવાની સેવા કરવા મોકલવી પડશે. યિફતા ઘણા નિરાશ થઈ ગયા. પણ યાદ કરો, તેમણે તો યહોવાને વચન આપ્યું હતું. યિફતાની દીકરીએ તરત જ કહ્યું, ‘પપ્પા, તમે યહોવાને વચન આપ્યું છે. એ તમારે પાળવું જ પડશે.’
યિફતાની દીકરી પણ નિરાશ થઈ ગઈ. મંડપમાં સેવા કરવા ગયા પછી તે લગ્ન કરી નહિ શકે, બાળકો ઉછેરી નહિ શકે. પણ તેના માટે વધારે મહત્ત્વનું એ હતું કે યહોવાને આપેલું વચન તેના પપ્પા પાળે. તે યહોવાને ખુશ કરવા ચાહતી હતી. એટલે, પપ્પાનું ઘર છોડીને તે મંડપમાં ગઈ. આખું જીવન મંડપમાં જ રહીને તેણે યહોવાની સેવા કરી.
તેણે જે કર્યું એનાથી શું યિફતા અને યહોવા ખુશ થયા?— હા, જરૂર થયા! જો તમે મમ્મી-પપ્પા અને યહોવાનું કહેવું માનશો, તો યિફતાની દીકરીની જેમ ડાહ્યાં બાળકો બનશો. તમે પણ મમ્મી-પપ્પા અને યહોવાને ખુશ કરશો.