૭
શું તમને કદી એકલું એકલું લાગે છે? ડર લાગે છે?
ચિત્રમાં આ નાનો છોકરો જુઓ. તેને એકલું એકલું લાગે છે. તે ડરી ગયો છે, ખરું ને? તમને કદી એવું લાગ્યું છે?— આપણને બધાને કોઈ વાર એવું લાગે છે. બાઇબલમાં યહોવાના મિત્રો વિશે લખવામાં આવ્યું છે. તેઓને પણ એકલું એકલું લાગ્યું હતું, ડર લાગ્યો હતો. એલીયા એમાંના એક હતા. ચાલો, તેમના વિશે શીખીએ.
ઈસુના જન્મના ઘણાં વર્ષો પહેલાં, એલીયા ઈસ્રાએલમાં રહેતા હતા. એ સમયે આહાબ ઈસ્રાએલનો રાજા હતો. તે સાચા ઈશ્વર યહોવાને ભજતો ન હતો. આહાબ રાજા અને તેની પત્ની ઇઝેબેલ, જૂઠા ઈશ્વર બઆલને ભજતા હતા. મોટા ભાગના ઈસ્રાએલી લોકો પણ બઆલને ભજવા લાગ્યા. ઇઝેબેલ રાણી બહુ જ ખરાબ હતી. યહોવાને ભજનારા બધા લોકોને તે મારી નાખવા ચાહતી હતી. તે એલીયાને પણ મારી નાખવા ચાહતી હતી! તમને ખબર છે એલીયાએ શું કર્યું?—
એલીયા દૂર રણમાં ભાગી ગયા. એક ગુફામાં તે સંતાઈ ગયા. એલીયાએ એવું કેમ કર્યું?— હા, તે ડરી ગયા હતા. એલીયાએ ડરવાની કોઈ જરૂર ન હતી. કેમ? કેમ કે તે જાણતા હતા કે યહોવા તેમને મદદ કરી શકે છે. એ પહેલાં પણ યહોવાએ એલીયાને પોતાની શક્તિ બતાવી હતી. એક વાર યહોવાએ આકાશમાંથી આગ મોકલીને એલીયાની પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો. એટલે, યહોવા હમણાં પણ એલીયાને મદદ કરી શકે છે!
એલીયા ગુફામાં હતા ત્યારે યહોવાએ તેમને પૂછ્યું: ‘તું અહીં શું કરે છે?’ એલીયાએ કહ્યું: ‘હું એકલો જ તમારી ભક્તિ કરું છું. લોકો મને મારી નાખવા ચાહે છે. મને ડર લાગે છે.’ એલીયાને એવું લાગ્યું કે યહોવાના બીજા ભક્તોને લોકોએ મારી નાખ્યા છે. યહોવાએ એલીયાને કહ્યું: ‘ના, એવું નથી. હજી સાત હજાર લોકો મારી ભક્તિ કરે છે. ડરીશ નહિ. તારે હજી ઘણું કામ કરવાનું છે!’ શું એલીયા એ સાંભળીને ખુશ થયા?—
એલીયા પાસેથી તમને શું શીખવા મળે છે?— તમે સાવ એકલા છો એવું વિચારશો નહિ, ડરશો પણ નહિ. તમારા પણ એવા મિત્રો છે, જેઓ યહોવાને અને તમને ખૂબ ચાહે છે. યહોવા પાસે ખૂબ જ શક્તિ છે. તે હંમેશાં તમને મદદ કરશે! યહોવા હંમેશાં તમને સાથ આપશે, એ જાણીને તમને કેવું લાગે છે?—