એક
ઈશ્વર વિશે શીખો
-
શું ઈશ્વર સાચે જ તમારી સંભાળ રાખે છે?
-
સાચા ઈશ્વર કોણ છે? કેવા છે? તેમનું નામ શું છે?
-
શું તમે ઈશ્વરને ઓળખી શકો?
૧, ૨. સવાલો પૂછવા કેમ સારું છે?
કુટુંબમાં નાનકડું બાળક બોલતા શીખે ત્યારથી જ સવાલોનો વરસાદ વરસાવે છે. એની મોટી મોટી ચકોર આંખો આમ-તેમ જોતી જાય અને પછી પૂછશે, ‘આ શું છે? પેલું શું છે?’ તેને બધુંય જાણવું હોય. જવાબો આપવા તમને કદાચ અઘરા લાગે, તોપણ એ સમજી શકે એટલું તમે સમજાવશો. તોય બાળક પૂછતું રહે છે. એની તરસ કદીયે છીપાતી નથી.
૨ શું ફક્ત બાળકો જ સવાલો પૂછે છે? ના. નાનપણથી બધાયને શીખવાની તરસ હોય છે. જીજ્ઞાસા હોય છે. આપણે મોટા થઈએ તેમ, જાણવા માંગીએ છીએ કે જીવનની મંઝિલ ક્યાં લઈ જાય છે, કયાં જોખમોથી દૂર રહેવું જોઈએ. એટલે જ સવાલો પૂછવા સારું છે. પણ આજે ઘણા લોકો આવા મહત્ત્વના સવાલ પૂછતા નથી. અમુક સવાલો પૂછે છે ખરા, પણ જવાબ શોધતા શોધતા હિંમત હારી જાય છે.
૩. ઘણા લોકો શા માટે મહત્ત્વના સવાલોના જવાબ શોધવાનું છોડી દે છે?
૩ આ પુસ્તકના કવર પર, ત્રીજા અને છઠ્ઠા પાન પર કે આ પ્રકરણની શરૂઆતમાં આપેલા સવાલો પર વિચાર કરો. જીવન અને ઈશ્વર વિશેના આ સવાલો ખૂબ મહત્ત્વના છે. પણ ઘણા લોકોએ એના જવાબો શોધવાનું છોડી દીધું છે. કેટલાકને લાગે કે આવા સવાલો પૂછવાથી લોકો તેઓની મજાક ઉડાવશે. ઘણા લોકો માને છે કે ‘ગુરુ વિના જ્ઞાન નહિ.’ ફક્ત ધર્મગુરુઓ જ એના જવાબ આપી શકે. તમને શું લાગે છે?
૪, ૫. આપણા મનમાં કયા મહત્ત્વના સવાલો ઊભા થઈ શકે? આપણે કેમ એના જવાબ શોધવા જોઈએ?
૪ જીવન અને ઈશ્વર વિશે તમારા મનમાં ઘણા સવાલો હશે. તમે પોતે વિચાર્યું હશે કે, ‘ઈશ્વર કેવા છે? જીવનની મંઝિલ કઈ છે? શું એ જ કે આપણે જનમીએ, મોટા થઈએ, ઘરડા થઈને ગુજરી જઈએ?’ આવા સવાલો પૂછવા સારું છે. જો તમને એના જવાબો જાણવાની તરસ હોય, તો એને મારી ન નાખો. મહાન ગુરુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈશ્વરનું જ્ઞાન માંગો. એની શોધ કરો. એ જરૂર તમને મળશે.—માથ્થી ૭:૭.
૫ જો તમે આ મહત્ત્વના સવાલોના જવાબ ‘શોધતા રહેશો,’ તો એ ચોક્કસ તમને મળશે. (નીતિવચનો ૨:૧-૫) એના જવાબો બાઇબલમાં છે! એ સમજવા સહેલા છે. એ જવાબો જાણીને તમને મનની શાંતિ મળશે. ખુશી મળશે. એ સોનેરી ભવિષ્યની ઝલક આપે છે. અરે, એનાથી તમે આજે પણ સુખી થશો. તો ચાલો એક સવાલ પર વિચાર કરીએ, જેના જવાબ માટે ઘણા લોકો વર્ષોથી તરસી રહ્યા છે. શું ઈશ્વર સાચે જ આપણી સંભાળ રાખે છે?
શું ઈશ્વર સાચે જ આપણી સંભાળ રાખે છે?
૬. દુનિયાની હાલત જોઈને ઘણા લોકોને કેવું લાગે છે?
૬ ઘણા લોકોને થાય છે કે ‘જો ઈશ્વરને આપણી કંઈ પડી હોય, તો દુનિયા કેમ આવી છે?’ તમને પણ થતું હશે, ‘લોકો કેમ એકબીજાનું ખૂન કરે છે? નફરતની આગ કેમ ભડકે છે? કેમ આપણે દુઃખો અને બીમારીની ચક્કીમાં પિસાઈએ છીએ?’ સગાં-વહાલાંનું મરણ થાય ત્યારે આપણે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ. ઘણા પોકારી ઊઠે છે, ‘હે ભગવાન, તું આવાં દુઃખો કેમ આવવા દે છે?’
૭. (ક) આજે ધર્મગુરુઓ શું શીખવે છે? (ખ) આપણાં દુઃખો વિશે બાઇબલ શું જણાવે છે?
૭ દાઝ્યા પર ડામ દઈને ઘણા ગુરુઓ શીખવે છે કે બધાં દુઃખો પાછળ ઈશ્વરનો હાથ છે. જ્યારે કોઈ ઍક્સિડન્ટ કે કરુણ ઘટના બને છે ત્યારે તેઓ કહેશે, ‘જેવી ઈશ્વરની મરજી!’ આમ તેઓ ઈશ્વરનો વાંક કાઢે છે. પણ બાઇબલ શું શીખવે છે? બાઇબલ આમ જણાવે છે: કોઈ પર દુઃખ પડ્યું હોય તો તેણે એમ ન કહેવું કે, એ તો ઈશ્વરની મરજી. ઈશ્વર કોઈને દુઃખ દેતો નથી અને તે કોઈને પરીક્ષણમાં પણ નાખતો નથી. (યાકૂબ ૧:૧૩) એ ખરું છે કે આજે ઈશ્વર દુઃખોને ચાલવા દે છે, પણ એનો અર્થ એ નથી કે આપણાં દુઃખો માટે તે જવાબદાર છે. આપણાં દુઃખો માટે, કોઈ કાળે ઈશ્વરને દોષ આપી શકાય નહિ.—અયૂબ ૩૪:૧૦-૧૨.
૮, ૯. દુનિયાની તકલીફો માટે આપણે ઈશ્વરનો વાંક કેમ ન કાઢી શકીએ? ઉદાહરણ આપો.
૮ એક છોકરાનો વિચાર કરો. ખાનદાન કુટુંબમાં તે મોટો થયો. માબાપને જીવની જેમ વહાલો. પણ ખરાબ દોસ્તોને લીધે બગડી ગયો. માબાપનું જરાય સાંભળે નહિ. પિતા તેને ઘણી વિનંતી કરે છે, તોપણ તે સુધરતો નથી. ઘરેથી નાસી છૂટીને ખોટે રવાડે ચઢ્યો. મુસીબતમાં ફસાયો. એમાં વાંક કોનો? પિતાનો? ના, જરાય નહિ. (લૂક ૧૫:૧૧-૧૩) એ જ રીતે, માણસ ઈશ્વરને માર્ગે ચાલવાને બદલે મન ફાવે એમ કરે છે. ઈશ્વર ભલે અરજ કરે, તોપણ તેઓ સુધરતા નથી. એટલે માણસો જે ‘વાવે છે એવું લણે છે.’ એમાં ઉપરવાળાનો શું વાંક?
૯ તો સવાલ એ થાય છે કે ઈશ્વરે આજ સુધી કેમ કંઈ કર્યું નથી? ઈશ્વર તો વિશ્વના માલિક છે. સૌથી બુદ્ધિશાળી છે. આપણને જવાબ આપવાની તેમને કોઈ જરૂર નથી. તેમ છતાં, તે આપણને બેહદ ચાહતા હોવાથી જવાબ આપે છે. એ વિશે આપણે અગિયારમા પ્રકરણમાં જોઈશું. પણ એક વાત તો ચોક્કસ છે કે તમારાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર નથી. તે તો તમને લાખો નિરાશામાં આશા આપે છે!—યશાયા ૩૩:૨.
૧૦. આપણને કેમ પૂરી શ્રદ્ધા છે કે ઈશ્વર દુનિયાની બધી જ ખરાબી દૂર કરશે?
૧૦ ઈશ્વર જે ધારે એ કરી શકે છે. તેમની શક્તિનો કોઈ પાર નથી. તે બધી બૂરાઈ દૂર કરી શકે છે અને જરૂર કરશે જ. ઈશ્વર તો પવિત્ર છે, પરમ પવિત્ર છે! (યશાયા ૬:૩) ઈશ્વર પર આપણે પૂરી શ્રદ્ધા મૂકી શકીએ. આપણે કદી માણસો પર એટલો ભરોસો મૂકી શકતા નથી. માણસોની નીતિ ક્યારે બગડે, એ કહેવાય નહિ. અરે, ઇમાનદાર નેતાઓ પણ જે નુકસાન થયું હોય, એ સુધારી શકતા નથી. પણ ઈશ્વર દુનિયામાંથી હરેક દુઃખ ને તકલીફો સદાને માટે મિટાવી દેશે!—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.
અન્યાય જોઈને ઈશ્વરને કેવું લાગે છે?
૧૧. (ક) દુનિયામાં અન્યાય જોઈને ઈશ્વરને કેવું લાગે છે? (ખ) તમને દુઃખો સહન કરતા જોઈને ઈશ્વરને કેવું લાગે છે?
૧૧ એક જમાનામાં દુનિયા પાપથી ભરાઈ ગઈ હતી. જ્યાં જુઓ ત્યાં દુષ્ટતા ને અત્યાચાર. એ જોઈને ઈશ્વરનું ‘અંતર ભારે દુઃખી થયું.’ (ઉત્પત્તિ ૬:૫, ૬) આજે પણ આપણે પાર વગરનાં દુઃખો ને અન્યાય સહીએ છીએ. એ જોઈને ઈશ્વરને કેવું લાગે છે? ઈશ્વર ચોક્કસ બહુ જ દુઃખી થાય છે, કેમ કે બાઇબલ જણાવે છે કે તે સર્વ જાતનાં ભૂંડાં કામો અને અન્યાયને ધિક્કારે છે. ઈશ્વર તો “ન્યાયપ્રિય છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮; માલાખી ૩:૬) તે ‘આપણી સંભાળ રાખે છે.’ (૧ પિતર ૫:૭) આપણું ભલું જ ચાહે છે. એટલે આજે પણ આપણા પર દુઃખ પડે તો ઈશ્વરને બહુ દુઃખ થાય છે.
૧૨, ૧૩. (ક) દુનિયામાં અન્યાય જોઈને આપણને કેવું લાગે છે? શા માટે? (ખ) શું બતાવે છે કે ઈશ્વર બધી તકલીફોને કાયમ માટે દૂર કરશે?
૧૨ શું ઈશ્વર સાચે જ આપણાં દુઃખો જોઈને દુઃખી થાય છે? હા જરૂર. જરા વિચારો, કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય થાય તો શું તમને દુઃખ થતું નથી? આપણને તો ઈશ્વરે બનાવ્યા છે. આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬) જો આપણને અન્યાય જોઈને દુઃખ થાય, તો ઈશ્વરને કેટલું દુઃખ થતું હશે!
૧૩ જો તમારી પાસે દુનિયાનાં સર્વ દુઃખો અને અન્યાય દૂર કરવાની શક્તિ હોય તો, શું તમે બેસી રહેશો? જરાય નહિ! લાચાર લોકો માટેના પ્રેમને લીધે તમે બનતું બધું કરશો. ઈશ્વરે આપણામાં એ ગુણો મૂક્યા છે. તો પછી ખાતરી રાખો, ઈશ્વર સર્વ દુઃખ અને અન્યાય જરૂર દૂર કરશે, કેમ કે બાઇબલ કહે છે કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) આ પુસ્તકનાં ચોથા અને પાંચમા પાન પર તમે જોઈ શકશો કે ઈશ્વરે કેવાં કેવાં વચનો આપ્યાં છે. એ કોઈ કલ્પના કે સપનું નથી. ઈશ્વર એને જરૂર પૂરાં કરશે. ઈશ્વર વિશે વધુ શીખો ને તેમનાં વચનો પર ભરોસો મૂકો.
ઈશ્વર ચાહે છે કે તમે તેમને સારી રીતે ઓળખો
૧૪. સાચા ઈશ્વરનું નામ શું છે અને આપણે કેમ તેમને નામથી બોલાવવા જોઈએ?
૧૪ તમે કોઈ વ્યક્તિને પહેલી વાર મળો ત્યારે શું કહેશો? કદાચ તમારું નામ જણાવશો, ખરું ને? જો દરેકને નામ હોય, તો સાચા ઈશ્વરનું નામ શું છે? ઘણા કહેશે કે ભગવાન, ખુદા કે પ્રભુ. પણ આ ઈશ્વરનાં નામો નથી. એ ફક્ત તેમના ખિતાબો કે ટાઈટલ છે, જેમ કે ‘રાજા’ અથવા ‘વડાપ્રધાન.’ બાઇબલ શીખવે છે કે ઈશ્વરના એવા ઘણા ખિતાબો છે. પણ નામ એક જ છે, ‘યહોવા.’ ગીતશાસ્ત્ર ૮૩:૧૮ કહે છે, ‘જેમનું નામ યહોવા છે તે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છે.’ જો તમારા બાઇબલમાં ‘યહોવા’ નામ ન જોવા મળે, તો એનું કારણ પાન ૧૯૫-૧૯૭ પર જાણવા મળશે. હકીકતમાં ઈશ્વરનું નામ બાઇબલનાં મૂળ લખાણોમાં હજારો વખત જોવા મળે છે. આમ, બાઇબલ દ્વારા યહોવા પોતાની ઓળખાણ આપે છે. તે ચાહે છે કે આપણે તેમનું નામ લઈને પ્રાર્થના કરીએ.
૧૫. ‘યહોવા’ નામનો શું અર્થ થાય છે?
૧૫ ખુદ ઈશ્વરે પોતાને ‘યહોવા’ નામ આપ્યું છે. એ નામનો અર્થ થાય, તે જે ધારે એ ચોક્કસ કરી શકે છે. જે વચન આપે, એ પૂરું કરીને જ રહે છે. a એટલે એ નામ ફક્ત સાચા ઈશ્વરને જ શોભે, બીજા કોઈ દેવ-દેવીને નહિ. શા માટે? ચાલો જોઈએ.
૧૬, ૧૭. બાઇબલ આપણને યહોવા વિશે શું શીખવે છે?
૧૬ ગીતશાસ્ત્ર ૮૩:૧૮માં આપણે વાંચ્યું કે યહોવા ‘એક માત્ર સર્વોચ્ચ ઈશ્વર’ છે. એ જ રીતે, પ્રકટીકરણ ૧૫:૩ કહે છે: “હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદ્ભુત છે. હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.” આમ, આખા વિશ્વમાં યહોવા જેવું શક્તિશાળી કોઈ નથી. યહોવા ‘યુગોના રાજા’ છે. એટલે યહોવાની કોઈ શરૂઆત કે અંત નથી. એટલે જ ગીતશાસ્ત્ર ૯૦:૨ કહે છે કે તે સનાતન ઈશ્વર છે. આ જાણીને તમને કેવું લાગે છે?
૧૭ સંદર્શન (પ્રકટીકરણ) ૪:૧૧ કહે છે: ‘અમારા પ્રભુ અને ઈશ્વર, ગૌરવ, માન અને શક્તિ પામવા તમે જ યોગ્ય છો. કારણ, તમે સૌના સર્જનહાર છો અને તમારી ઇચ્છાથી જ તેઓ જીવન પામ્યાં.’ આકાશમાં ચમકતા તારા, લીલાંછમ ઝાડ-પાન, ખાટાં-મીઠાં ફળો, રંગબેરંગી માછલીઓ, આ બધું જ યહોવાના હાથની કમાલ છે! અરે, યહોવાએ સ્વર્ગમાં અબજો સ્વર્ગદૂતો પણ બનાવ્યા છે.
શું તમે યહોવા સાથે ચાલી શકો?
૧૮. વિશ્વના માલિકની સાથે ચાલવાની વાત આવે ત્યારે અમુક શું કહેશે, પણ બાઇબલ શું જણાવે છે?
૧૮ શું આપણા જેવા મામૂલી ઇન્સાન વિશ્વના માલિક, યહોવાની સાથે ચાલી શકીએ? ઘણા કહેશે, ‘ના રે ના. એ આપણું કામ નહિ.’ પણ બાઇબલ જણાવે છે કે “ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રેષિતોનાં કાર્યો ૧૭:૨૭) બાઇબલ અરજ પણ કરે છે, કે ‘ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે.’—યાકૂબ ૪:૮.
૧૯. (ક) આપણે કઈ રીતે યહોવાની પાસે આવી શકીએ? તેનાથી કેવા આશીર્વાદો મળશે? (ખ) યહોવા વિશે તમને શું વધારે ગમે છે?
૧૯ આપણે કઈ રીતે યહોવાની પાસે આવી શકીએ? કઈ રીતે તેમની સાથે ચાલી શકીએ? સૌ પ્રથમ તો તમે હમણાં કરો છો તેમ, તેમના વિશે શીખતા રહો. તમે જોઈ શકશો કે યહોવા જેવું કોઈ નથી. તે ‘પ્રેમ છે.’ (૧ યોહાન ૪:૧૬) કૃપા અને દયાના સાગર. ગુસ્સો કરવામાં ધીમા. રગેરગમાં કરુણા અને સચ્ચાઈ વહે. (નિર્ગમન ૩૪:૬) તે બધાનું ભલું જ કરે છે. ખુલ્લા દિલથી આપણને માફી આપે છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫) તે ધીરજવાળા છે. (૨ પિતર ૩:૯) વિશ્વાસુ છે. (પુનર્નિયમ ૭:૯) તમે બાઇબલ વાંચશો તેમ, જોઈ શકશો કે યહોવાના આવા તો ઘણા સુંદર ગુણો છે. મહાન ગુરુ ઈસુ વિશે પણ શીખો. તેમને યહોવાએ પૃથ્વી પર મોકલ્યા હતા. (યોહાન ૧૭:૩) બાઇબલ જણાવે છે કે જો તમે યહોવા અને ઈસુ વિશે શીખો, એ પ્રમાણે જીવો તો તમને ચોક્કસ અમર જીવન મળશે!
૨૦-૨૨. (ક) ભલે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી, પણ કઈ રીતે તેમની સાથે ચાલી શકીએ? (ખ) તમે જે શીખો છો એ બીજાને ન ગમે તો શું કરશો?
૨૦ ખરું કે આપણે યહોવાને જોઈ શકતા નથી. (યોહાન ૧:૧૮; ૪:૨૪; b ૧ તિમોથી ૧:૧૭) પણ બાઇબલ વાંચીને જાણે યહોવાના દર્શન થાય છે. એક કવિએ બાઇબલમાં કહ્યું, કે આપણે જાણે તેમની સુંદરતાના દર્શન કરી શકીશું. (ગીતશાસ્ત્ર ૨૭:૪; રોમન ૧:૨૦) બાઇબલમાંથી યહોવા વિશે શીખતા જશો તેમ, તમે જાણે તેમની સાથે સાથે ચાલી શકશો!
૨૧ યહોવાએ આપણને જીવન આપ્યું છે. તે જાણે આપણા પિતા છે! (માથ્થી ૬:૯) તે આપણું ભલું જ ચાહે છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) બાઇબલ શીખવે છે કે આપણે ઈશ્વરના મિત્ર બની શકીએ. (યાકૂબ ૨:૨૩) જરા કલ્પના કરો, તમે, હા તમે વિશ્વના માલિકની સાથે ચાલી શકો. મિત્ર જેવો પાકો નાતો બાંધી શકો છો!
૨૨ બાઇબલમાંથી તમે શીખો, એ કદાચ બધાને નહિ ગમે. તમારા મિત્રો કે સગાં-વહાલાં કહે પણ ખરા, કે ‘બાઇબલને બાજુ પર મૂકો.’ તેઓને ચિંતા થાય કે તમે ધર્મ બદલી નાખશો. કુટુંબનું નાક કપાશે, સમાજ શું કહેશે? પણ હિંમત રાખો! તમે ઈશ્વરનો ડર રાખશો કે ઇન્સાનનો? યહોવાને કદીયે છોડશો નહિ. તે પણ કદીયે તમારો સાથ નહિ છોડે!
૨૩, ૨૪. (ક) તમે બાઇબલમાંથી શીખો તેમ, શા માટે સવાલો પૂછવા જોઈએ? (ખ) હવે પછીના પ્રકરણમાં શું શીખીશું?
૨૩ બાઇબલમાંથી અમુક બાબતો સમજવી અઘરી લાગે તો શું? ઈસુએ કહ્યું કે બાળકો જેવાં નમ્ર બનવું સારું છે. (માથ્થી ૧૮:૨-૪) જેમ બાળક પૂછતું રહે છે, તેમ સવાલો પૂછતા રહો. હિંમત ન હારો. તમને ચોક્કસ જવાબ મળશે. બાઇબલ એવા લોકોના વખાણ કરે છે, જેઓને ઈશ્વર વિશે શીખવાની ખૂબ હોંશ હતી. સત્ય જાણવા માટે તેઓ ધ્યાનથી શાસ્ત્ર તપાસતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) યહોવા ચાહે છે કે તમે પણ બાઇબલમાંથી સનાતન સત્ય શીખતા રહો.
૨૪ ફક્ત બાઇબલ જ યહોવાની ઓળખ આપે છે. એ બીજાં બધાં ધાર્મિક પુસ્તકોથી અલગ છે. કઈ રીતે? એ જાણવા માટે હવે પછીનું પ્રકરણ વાંચો.
a ઈશ્વરના નામનો અર્થ અને એના ઉચ્ચાર વિશે વધારે જાણવા પાન ૧૯૫-૧૯૭ જુઓ.
b યોહાન ૪:૨૪ કહે છે કે “ઈશ્વર આત્માસ્વરૂપ છે.” એટલે કે તે આપણી જેમ હાડ-માંસના બનેલા નથી. આપણે તેમને જોઈ શકતા નથી. તે કોઈના હૃદયમાં નહિ, પણ સ્વર્ગમાં રહે છે.