સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૪૮

વિધવાનો દીકરો જીવતો થયો

વિધવાનો દીકરો જીવતો થયો

દુકાળના સમયમાં યહોવાએ એલિયાને કહ્યું: ‘તું સારફત શહેર જા. ત્યાં એક વિધવા તને ખાવાનું આપશે.’ એલિયા સારફત શહેરના દરવાજે પહોંચ્યા ત્યારે, તેમણે એક ગરીબ વિધવાને લાકડાં વીણતાં જોયાં. એલિયાએ તેમની પાસે પાણી માંગ્યું. તે પાણી લેવા જતાં હતાં ત્યારે, એલિયાએ કહ્યું: ‘મારા માટે ટુકડો રોટલી પણ લઈ આવજે.’ પણ વિધવાએ કહ્યું: ‘તમને આપવા મારી પાસે એકેય રોટલી નથી. બસ થોડોક જ લોટ અને તેલ છે. એમાંથી મારું અને મારાં દીકરાનું પણ પેટ નહિ ભરાય.’ એલિયાએ તેમને કહ્યું: ‘યહોવાએ વચન આપ્યું છે કે જો તું મારા માટે રોટલી બનાવીશ, તો વરસાદ નહિ પડે ત્યાં સુધી તારો લોટ અને તેલ ખલાસ થશે નહિ.’

એ વિધવા ઘરે ગયાં. તેમણે યહોવાના પ્રબોધક માટે રોટલી બનાવી. યહોવાએ વચન આપ્યું હતું એવું જ થયું. દુકાળ પૂરો થયો ત્યાં સુધી એ વિધવા અને તેમનાં દીકરા માટે ખોરાક ખૂટ્યો નહિ. અરે, બરણીમાં લોટ અને તેલ પણ ખલાસ થયાં નહિ.

એ પછી એક દુઃખદ ઘટના બની. વિધવાનો દીકરો ખૂબ બીમાર થયો અને મરી ગયો. વિધવાએ એલિયા પાસે મદદ માંગી. એલિયા છોકરાને ઊંચકીને ઉપરના ઓરડામાં લઈ ગયા. તેને પલંગ પર સુવડાવ્યો અને પ્રાર્થના કરી: ‘હે યહોવા, આ છોકરાને જીવતો કરો.’ જો યહોવા તેને જીવતો કરે તો એ ખૂબ નવાઈની વાત હતી. તમને ખબર છે કેમ? બની શકે કે એ સમય સુધી કોઈને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા ન હતા. એટલું જ નહિ, એ વિધવા અને તેનો દીકરો ઇઝરાયેલી પણ ન હતાં.

તોપણ યહોવાએ તેને જીવતો કર્યો. એલિયાએ વિધવાને કહ્યું: ‘જો, તારો દીકરો જીવતો થઈ ગયો છે.’ દીકરાને જોઈને તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેમણે એલિયાને કહ્યું: ‘સાચે જ, તમે ઈશ્વરભક્ત છો. એ હું એટલા માટે કહી શકું છું, કેમ કે યહોવા તમને જે જણાવે છે એ જ તમે કહો છો.’

“કાગડાઓનો વિચાર કરો: તેઓ બી વાવતા નથી અને લણતા નથી. તેઓ પાસે વખાર કે કોઠાર હોતા નથી. છતાં ઈશ્વર તેઓને ખાવાનું આપે છે. શું પક્ષીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?”—લૂક ૧૨:૨૪