પાઠ ૩૯
ઇઝરાયેલનો પહેલો રાજા
યહોવાએ ઇઝરાયેલીઓને સાચો માર્ગ બતાવવા માટે ન્યાયાધીશો આપ્યા હતા. પણ હવે તેઓને એક રાજા જોઈતો હતો. તેઓએ શમુએલને કહ્યું: ‘અમારી આસપાસના બધા દેશો પાસે રાજા છે. અમને પણ એક રાજા જોઈએ છે.’ શમુએલને લોકોની આ વાત બરાબર ન લાગી. એટલે તેમણે પ્રાર્થનામાં યહોવાને એ વિશે જણાવ્યું. યહોવાએ તેમને કહ્યું: ‘લોકો તારો નહિ પણ મારો નકાર કરે છે. તું તેઓને કહેજે, તેઓને રાજા મળશે પણ તે મન ફાવે એવી માંગ કરશે.’ તોપણ લોકોએ કહ્યું: ‘અમને એનો વાંધો નથી, પણ અમને એક રાજા જોઈએ.’
યહોવાએ શમુએલને જણાવ્યું કે પહેલો રાજા શાઉલ બનશે. શાઉલ રામા ગયા ત્યારે શમુએલે તેમના માથા પર તેલ રેડીને અભિષેક કર્યો, એટલે કે તેમને રાજા તરીકે પસંદ કર્યા.
પછી શમુએલે ઇઝરાયેલીઓને ભેગા કર્યા, જેથી બતાવી શકે કે તેઓનો રાજા કોણ છે. પણ શાઉલ તો છુપાઈ ગયા હતા. તમને ખબર છે કે તે ક્યાં હતા? તે સામાનની વચ્ચે છુપાઈ ગયા હતા. લોકોએ તેમને બહુ શોધ્યા. જ્યારે શાઉલ મળ્યા ત્યારે તેમને બધાની વચ્ચે લાવવામાં આવ્યા. તે બધાથી ઊંચા હતા અને સુંદર દેખાતા હતા. શમુએલે કહ્યું: ‘જુઓ, યહોવાએ શાઉલને રાજા તરીકે પસંદ કર્યા છે.’ લોકો ખુશીથી પોકારી ઊઠ્યા: ‘જુગ જુગ જીવો રાજાજી!’
શરૂઆતમાં રાજા શાઉલ શમુએલની વાત સાંભળતા હતા અને યહોવાની આજ્ઞા પણ પાળતા હતા. પણ પછીથી તે બદલાઈ ગયા. દાખલા તરીકે, એકવાર શમુએલે રાજા શાઉલને કહ્યું હતું: ‘બલિદાન ચઢાવવા, હું આવું ત્યાં સુધી રાહ જોજે.’ પણ શમુએલને આવતા વાર લાગી. એટલે શાઉલે જાતે જ નક્કી કરી લીધું કે તે બલિદાન ચઢાવશે. જોકે, શાઉલને એમ કરવાની ના પાડી હતી. એ જોઈને શમુએલે શું કહ્યું? તેમણે શાઉલને કહ્યું: ‘તેં યહોવાની આજ્ઞા તોડીને સારું નથી કર્યું.’ શું શાઉલ પોતાની ભૂલમાંથી શીખ્યા?
એકવાર શાઉલ અમાલેકીઓ સામે લડવા ગયા હતા. એ સમયે શમુએલે રાજા શાઉલને કીધું હતું કે તે કોઈ પણ અમાલેકીને જીવતો ન રાખે. પણ શાઉલે રાજા અગાગને જીવતો રાખ્યો. યહોવાએ શમુએલને કહ્યું: ‘શાઉલે મને છોડી દીધો છે અને મારી વાત સાંભળતો નથી.’ શમુએલને બહુ દુઃખ થયું. તેમણે શાઉલને કહ્યું: ‘તેં યહોવાની આજ્ઞા
પાળવાનું છોડી દીધું છે. એટલે તે બીજા કોઈને રાજા તરીકે પસંદ કરશે.’ એમ કહીને જેવા શમુએલ જવા લાગ્યા, શાઉલ તેમને પકડવા ગયા. પણ તેમના હાથમાં શમુએલનો ઝભ્ભો આવ્યો અને એનો છેડો ફાટી ગયો. શમુએલે શાઉલને કહ્યું: ‘આ રીતે યહોવાએ તારી પાસેથી રાજ્ય છીનવી લીધું છે. યહોવાએ નક્કી કર્યું છે કે તે એવા માણસને પસંદ કરશે, જે તેમને પ્રેમ કરશે અને તેમની આજ્ઞા પાળશે.’“બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે.”—૧ શમુએલ ૧૫:૨૨