સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૧

દસમી આફત

દસમી આફત

મૂસાએ રાજાને વચન આપ્યું કે તે ફરી ક્યારેય તેની સામે નહિ આવે. પણ ત્યાંથી જતાં પહેલાં મૂસાએ તેને કહ્યું: ‘આજે અડધી રાતે ઇજિપ્તના દરેક કુટુંબનો પહેલો જન્મેલો દીકરો મરી જશે. પછી ભલે એ રાજાનો હોય કે ચાકરનો.’

યહોવાએ ઇઝરાયેલીઓને ખાસ ભોજન તૈયાર કરવાનું જણાવ્યું. તેમણે કહ્યું: ‘એક વર્ષનું નર ઘેટું કે બકરીનું બચ્ચું કાપો અને એનું લોહી દરવાજાના ચોકઠાં પર લગાડો. એનું માંસ શેકો અને આથા વગરની રોટલી સાથે ખાઓ. તમે કપડાં અને ચંપલ પહેરીને નીકળવા તૈયાર રહેજો. આજે રાતે હું તમને ગુલામીમાંથી છોડાવીશ.’ જરા વિચારો, એ સાંભળીને ઇઝરાયેલીઓ કેટલા ખુશ થયા હશે!

અડધી રાતે યહોવાનો એક દૂત ઇજિપ્તના દરેક ઘરેથી પસાર થયો. જે ઘરના ચોકઠાં પર લોહી લગાવ્યું ન હતું, એનો પહેલો જન્મેલો દીકરો મરી ગયો. પણ જે ઘરે લોહી લગાવ્યું હતું ત્યાં દૂતે કંઈ ન કર્યું, એટલે કે ઇઝરાયેલીઓનું એક પણ બાળક મરી ગયું નહિ. પણ ઇજિપ્તના દરેક કુટુંબમાં પહેલા જન્મેલા દીકરાનું મરણ થયું, પછી ભલે એ અમીર હોય કે ગરીબ.

અરે, રાજાનો દીકરો પણ મરી ગયો! આખરે રાજાએ પોતાની જીદ છોડી. તેણે તરત મૂસા અને હારુનને બોલાવીને કહ્યું: ‘જાઓ, અહીંથી જતા રહો! જઈને તમારા ઈશ્વરની ભક્તિ કરો. તમારા જાનવરો પણ લઈ જાઓ.’

એ પૂનમની રાત હતી અને આખો ચાંદ દેખાતો હતો. એના અજવાળામાં ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા. તેઓ પોતપોતાના કુટુંબ અને કુળ પ્રમાણે સમૂહ બનાવીને નીકળ્યા. એમાં છ લાખ ઇઝરાયેલી પુરુષો હતા. તેઓ સિવાય ઘણી બધી સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. ઇઝરાયેલીઓ સાથે બીજા લોકો પણ હતા, જેઓ યહોવાની ભક્તિ કરવા માંગતા હતા. આખરે, ઇઝરાયેલીઓ ગુલામીમાંથી આઝાદ થયા.

યહોવાએ ઇઝરાયેલીઓને કઈ રીતે બચાવ્યા, એ યાદ કરવા તેઓ વર્ષમાં એકવાર ખાસ ભોજન લેતા. એ પાસ્ખાનું ભોજન કહેવાતું હતું.

“તને હમણાં સુધી જીવતો રાખવાનું કારણ એ છે કે, તું મારું સામર્થ્ય જુએ અને મારું નામ આખી પૃથ્વી પર જાહેર થાય.”—રોમનો ૯:૧૭