સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૫

યહોવા ક્યારેય યૂસફને ભૂલ્યા નહિ

યહોવા ક્યારેય યૂસફને ભૂલ્યા નહિ

યૂસફ જેલમાં હતા ત્યારે ઇજિપ્તના રાજાને સપનાં આવ્યાં. એનો અર્થ કોઈ સમજાવી શકતું ન હતું. એક ચાકરે રાજાને કહ્યું: ‘યૂસફ સપનાંનો અર્થ સમજાવી શકશે.’ રાજાએ તરત તેમને બોલાવ્યા.

રાજાએ યૂસફને પૂછ્યું: ‘શું તું મારા સપનાંનો અર્થ સમજાવી શકે છે?’ યૂસફે સપનાંનો અર્થ સમજાવતા કહ્યું: ‘ઇજિપ્તમાં સાત વર્ષ પુષ્કળ અનાજ પાકશે. પણ એ પછીનાં સાત વર્ષ દુકાળ પડશે. તમારા લોકો ભૂખે ના મરે, એટલે અનાજ ભેગું કરે એવા સમજદાર માણસને પસંદ કરો.’ રાજાએ યૂસફને કહ્યું: ‘હું તને પસંદ કરું છું. ઇજિપ્તમાં મારા પછી તું જ સૌથી મોટો અધિકારી હશે.’ યૂસફ કઈ રીતે રાજાના સપનાંનો અર્થ સમજાવી શક્યા? એ તો યહોવાએ યૂસફને મદદ કરી હતી!

એ પછીનાં સાત વર્ષ યૂસફ અનાજ ભેગું કરતા રહ્યા. પછી તેમણે કહ્યું હતું તેમ, આખી પૃથ્વી પર દુકાળ પડ્યો. ચારેય બાજુથી લોકો યૂસફ પાસે અનાજ ખરીદવા આવ્યા. તેમના પિતા યાકૂબે પણ સાંભળ્યું કે ઇજિપ્તમાં અનાજ મળે છે. એટલે તેમણે પોતાના દસ દીકરાઓને અનાજ ખરીદવા મોકલ્યા.

યાકૂબના દીકરાઓ ઇજિપ્ત આવ્યા ત્યારે યૂસફ તેઓને તરત ઓળખી ગયા. પણ તેઓ યૂસફને ઓળખી શક્યા નહિ. તેઓએ યૂસફને નમન કર્યું. ઘણાં વર્ષો પહેલાં યૂસફે સપનાંમાં એવું જ જોયું હતું. યૂસફ જાણવા માંગતા હતા કે શું હજી પણ તેમના ભાઈઓના દિલમાં નફરત છે. એટલે તેઓને કહ્યું: ‘તમે જાસૂસો છો અને અમારા દેશની નબળાઈ જાણવા આવ્યા છો.’ તેઓએ કહ્યું: ‘ના! અમે કનાનથી આવ્યા છીએ અને અમે ૧૨ ભાઈઓ છીએ. અમારો એક ભાઈ હવે રહ્યો નથી અને સૌથી નાનો ભાઈ પિતા સાથે છે.’ યૂસફે કહ્યું: ‘તમારા નાના ભાઈને મારી પાસે લઈ આવો, તો જ હું તમારા પર ભરોસો કરીશ.’ એટલે તેઓ ઘરે પાછા ગયા.

યાકૂબના ઘરમાં બધું અનાજ ખતમ થઈ ગયું. એટલે તેમણે પોતાના દીકરાઓને પાછા ઇજિપ્ત મોકલ્યા. આ વખતે તેઓ પોતાના સૌથી નાના ભાઈ બિન્યામીનને પણ સાથે લઈ ગયા. યૂસફ પોતાના ભાઈઓની પરખ કરવા માંગતા હતા. એટલે તેમણે બિન્યામીનની ગૂણમાં પોતાનો ચાંદીનો પ્યાલો સંતાડ્યો. પછી તેમણે પોતાના ભાઈઓ પર આરોપ મૂક્યો કે તેઓએ ચોરી કરી છે. યૂસફના ચાકરોને એ પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી મળ્યો. એ જોઈને તેમના ભાઈઓ ચોંકી ગયા. તેઓએ યૂસફને આજીજી કરી કે બિન્યામીનને બદલે તેઓને સજા કરે.

યૂસફ સમજી ગયા કે હવે તેમના ભાઈઓ બદલાઈ ગયા છે. યૂસફ પોતાની લાગણી રોકી ન શક્યા અને તે રડી પડ્યા. તેમણે કહ્યું: ‘હું તમારો ભાઈ યૂસફ. શું મારા પિતા હજી જીવે છે?’ યૂસફને જોઈને તેમના ભાઈઓને ખૂબ નવાઈ લાગી. યૂસફે તેઓને કહ્યું: ‘તમે મારી સાથે જે કર્યું, એના લીધે દુઃખી ના થશો. તમારો જીવ બચાવવા ઈશ્વરે મને અહીં મોકલ્યો છે. હવે જલદી જાઓ અને મારા પિતાને અહીં લઈ આવો!’

એ ખુશખબર આપવા અને પિતાને ઇજિપ્ત લાવવા તેઓ ઘરે ગયા. યૂસફ અને તેમના પિતા ઘણાં વર્ષો પછી એકબીજાને મળ્યા.

“જો તમે લોકોના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.”—માથ્થી ૬:૧૫