૯૪
શિષ્યોને પવિત્ર શક્તિ મળી
ઈસુ સ્વર્ગમાં ગયા એના ૧૦ દિવસ પછી શિષ્યોને પવિત્ર શક્તિ મળી. સાલ ૩૩ના પચાસમા દિવસનો તહેવાર હતો. એ તહેવાર ઊજવવા ઘણી જગ્યાએથી લોકો યરૂશાલેમ આવ્યા હતા. આશરે ૧૨૦ શિષ્યો એક ઘરના ઉપરના માળે ભેગા થયા હતા. અચાનક એવી ઘટના બની, જેનાથી લોકો ચોંકી ગયા. દરેક શિષ્યના માથા પર આગની જ્વાળા જેવું કંઈક દેખાવા લાગ્યું અને બધા અલગ અલગ ભાષા બોલવા લાગ્યા. જોરથી ફૂંકાતા પવન જેવા અવાજને લીધે આખું ઘર ગાજી ઊઠ્યું.
બીજા દેશોમાંથી આવેલા લોકોએ એ અવાજ સાંભળ્યો ત્યારે, તેઓ દોડીને એ ઘર પાસે ગયા. તેઓ જાણવા માંગતા હતા કે શું થયું છે. શિષ્યો લોકો સાથે તેઓની ભાષામાં વાત કરતા હતા, એ જોઈને તેઓને ખૂબ નવાઈ લાગી. તેઓએ કહ્યું: ‘આ તો ગાલીલના લોકો છે. તો પછી તેઓ આપણી ભાષા કઈ રીતે બોલી શકે છે?’
પછી પિતર અને બીજા પ્રેરિતો ટોળા આગળ ઊભા થયા. પિતરે લોકોને જણાવ્યું કે કઈ રીતે ઈસુને મારી નાખવામાં આવ્યા અને કઈ રીતે યહોવાએ તેમને જીવતા કર્યાં. પિતરે કહ્યું:
‘હવે ઈસુ સ્વર્ગમાં ઈશ્વરના જમણા હાથે છે. ઈસુએ વચન આપ્યું હતું તેમ, તેમણે પવિત્ર શક્તિ મોકલી છે. એટલે આજે તમે આ ચમત્કારો સાંભળ્યા અને જોયા છે.’પિતરે જણાવેલી વાતોની લોકો પર ઊંડી અસર થઈ. તેઓએ પૂછ્યું: ‘હવે અમારે શું કરવું જોઈએ?’ પિતરે કહ્યું: ‘પસ્તાવો કરો અને ઈસુના નામે બાપ્તિસ્મા લો. તમને પણ પવિત્ર શક્તિની ભેટ મળશે.’ એ દિવસે આશરે ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું. એ પછીથી યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઝડપથી વધવા લાગી. પવિત્ર શક્તિની મદદથી પ્રેરિતોએ ઘણાં મંડળો શરૂ કર્યાં, જેથી ઈસુએ આપેલી આજ્ઞા પ્રમાણે શિષ્યોને બધું શીખવી શકે.
“જો તમે પોતાના મોઢે જાહેરમાં પ્રગટ કરો કે ઈસુ તમારા માલિક છે અને પોતાના હૃદયમાં શ્રદ્ધા રાખો કે ઈશ્વરે તેમને મરણમાંથી ઉઠાડ્યા છે, તો તમારો ઉદ્ધાર થશે.”—રોમનો ૧૦:૯