પાઠ ૬૮
એલિસાબેતને બાળક થયું
યરૂશાલેમની દીવાલો ફરી બનાવી, એ વાતને ૪૦૦થી વધારે વર્ષ વીતી ગયાં હતાં. યરૂશાલેમ નજીક ઝખાર્યા નામના યાજક અને તેમની પત્ની એલિસાબેત રહેતાં હતાં. તેઓનાં લગ્નને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં, પણ તેઓને કોઈ બાળક ન હતું. એક દિવસ જ્યારે ઝખાર્યા મંદિરમાં પવિત્ર ધૂપ ચઢાવી રહ્યા હતા, ત્યારે તેમને ગાબ્રિયેલ નામના એક દૂત દેખાયા. ઝખાર્યા બહુ ગભરાઈ ગયા, પણ ગાબ્રિયેલે તેમને કહ્યું: ‘ગભરાઈશ નહિ! હું યહોવા તરફથી એક ખુશખબર લાવ્યો છું. તારી પત્ની એલિસાબેત એક દીકરાને જન્મ આપશે અને તેનું નામ યોહાન હશે. યહોવાએ યોહાનને એક ખાસ કામ માટે પસંદ કર્યો છે.’ ઝખાર્યાએ કહ્યું: ‘હું તમારી વાત પર કઈ રીતે ભરોસો કરું? હું અને મારી પત્ની તો બહુ ઘરડા છીએ. અમને કઈ રીતે બાળક થઈ શકે?’ ગાબ્રિયેલે કહ્યું: ‘તને ખબર આપવા ઈશ્વરે મને મોકલ્યો છે. પણ તેં મારી વાત પર ભરોસો કર્યો નથી, એટલે બાળક જન્મે ત્યાં સુધી તું બોલી નહિ શકે.’
ઝખાર્યાને મંદિરમાં ઘણી વાર લાગી રહી હતી. લોકો બહાર તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે તે બહાર આવ્યા ત્યારે, લોકો જાણવા માંગતા હતા કે અંદર શું થયું. પણ ઝખાર્યા કંઈ બોલી શક્યા નહિ. તેમણે પોતાના હાથોથી ઇશારા કર્યા. એટલે લોકો સમજી ગયા કે ઝખાર્યાને ઈશ્વર તરફથી કોઈ સંદેશો મળ્યો છે.
દૂતે કહ્યું હતું તેમ થોડા સમય પછી એલિસાબેત ગર્ભવતી થયાં. તેમણે એક દીકરાને જન્મ આપ્યો. એલિસાબેતનાં સગાં-વહાલાં અને દોસ્તો બાળકને જોવા આવ્યા. તેઓ તેમની ખુશીમાં ખુશ થયા. એલિસાબેતે કહ્યું: ‘આ બાળકનું નામ યોહાન હશે!’ પણ તેઓએ કહ્યું: ‘તારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી. તેના પિતાના નામ પરથી તેનું નામ ઝખાર્યા રાખ.’ પણ ઝખાર્યાએ લખીને જણાવ્યું: ‘તેનું નામ યોહાન છે.’ એ જ ઘડીએ ઝખાર્યા ફરીથી બોલવા લાગ્યા. બાળકના જન્મની ખબર આખા યહૂદામાં ફેલાઈ ગઈ. લોકો વિચારવા લાગ્યા: ‘આ બાળક મોટું થઈને શું બનશે?’
પછી ઝખાર્યા પવિત્ર શક્તિથી ભરપૂર થયા. તેમણે આ ભવિષ્યવાણી કરી: ‘યહોવાની સ્તુતિ થાઓ. તેમણે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે
આપણને બચાવવા એક મસીહ મોકલશે. યોહાન એક પ્રબોધક બનશે અને મસીહ માટે રસ્તો તૈયાર કરશે.’મરિયમ એલિસાબેતના સગામાં હતાં. તેમની સાથે પણ કંઈક ખાસ બન્યું હતું. ચાલો, એ વિશે હવે પછીના પાઠમાં જોઈએ.
“માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે.”—માથ્થી ૧૯:૨૬