સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૫૭

યહોવાએ યર્મિયાને પ્રચાર કરવા મોકલ્યા

યહોવાએ યર્મિયાને પ્રચાર કરવા મોકલ્યા

યહોવાએ યર્મિયાને પ્રબોધક તરીકે પસંદ કર્યા, જેથી તે યહૂદાના લોકોને પ્રચાર કરે. યહોવાએ તેમને કહ્યું: ‘લોકોને જઈને જણાવ કે તેઓ ખોટાં કામો કરવાનું છોડી દે.’ પણ યર્મિયાએ કહ્યું: ‘મને લોકો સાથે વાત કરતા નથી આવડતું. હું તો હજુ નાનો છોકરો છું.’ યહોવાએ કહ્યું: ‘ડરીશ નહિ! હું તારી મદદ કરીશ. તારે શું કહેવું એ હું તને જણાવીશ.’

યહોવાએ યર્મિયાને કહ્યું કે તે વડીલોને ભેગા કરે અને તેઓ સામે માટીનો કુંજો ફોડે. પછી તેઓને કહે: ‘આવી જ રીતે યરૂશાલેમનો નાશ કરવામાં આવશે.’ યર્મિયાએ એવું કર્યું ત્યારે બધા વડીલો ગુસ્સે થઈ ગયા. પાશહૂર નામના એક યાજકે યર્મિયાને માર્યા. તેમ જ તેમને હેડમાં નાખ્યા, એટલે કે તેમના હાથ, પગ અને ડોકને લાકડાંના પાટિયામાં જકડી દીધાં. યર્મિયા આખી રાત હલી ન શક્યા. બીજા દિવસે સવારે પાશહૂરે તેમને છોડ્યા. યર્મિયાએ કહ્યું: ‘બસ! બહુ થયું. હવે હું પ્રચાર નહિ કરું.’ શું તેમણે સાચે જ પ્રચાર કરવાનું છોડી દીધું? ના! જ્યારે યર્મિયાએ એ વિશે વધારે વિચાર્યું, ત્યારે તેમણે કહ્યું: ‘યહોવાનો સંદેશો મારી અંદર આગની જેમ બળે છે. હું પ્રચાર કરવાનું બંધ કરી શકતો નથી.’ તે લોકોને આવનાર નાશ વિશે જણાવતા રહ્યા.

ઘણાં વર્ષો વીતી ગયાં. હવે યહૂદામાં એક નવો રાજા હતો. યાજકો અને જૂઠા પ્રબોધકોને યર્મિયાનો સંદેશો જરાય પસંદ ન હતો. તેઓએ અધિકારીઓને કહ્યું: ‘આ માણસને મોતની સજા થવી જોઈએ.’ યર્મિયાએ અધિકારીઓને કહ્યું: ‘જો તમે મને મારી નાખશો, તો એક નિર્દોષ માણસને મારી નાખશો. હું મારો પોતાનો નહિ, પણ યહોવાનો સંદેશો જણાવું છું.’ એ સાંભળીને અધિકારીઓએ કહ્યું: ‘આ માણસને મોતની સજા થવી ન જોઈએ.’

યર્મિયા પ્રચાર કરતા રહ્યા એટલે અધિકારીઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેઓએ રાજાને કહ્યું કે યર્મિયાને મારી નાખે. રાજાએ અધિકારીઓને કહ્યું કે તેઓ યર્મિયા સાથે જે ચાહે એ કરી શકે. તેઓ યર્મિયાને પકડીને લઈ ગયા અને એક ઊંડા કૂવામાં ફેંકી દીધા, જે કાદવથી ભરેલો હતો. યર્મિયા કાદવમાં ખૂંપવા લાગ્યા.

રાજાના એક દરબારી હતા. તેમનું નામ એબેદ-મેલેખ હતું. તેમણે રાજાને કહ્યું: ‘અધિકારીઓએ યર્મિયાને એક કૂવામાં ફેંકી દીધા છે. જો આપણે તેમને બહાર નહિ કાઢીએ, તો તે મરી જશે.’ રાજાએ એબેદ-મેલેખને હુકમ આપ્યો કે તે પોતાની સાથે ૩૦ માણસો લઈ જાય અને યર્મિયાને કૂવામાંથી બહાર કાઢે. મુશ્કેલ સંજોગોમાં પણ યર્મિયાએ પ્રચાર કરવાનું છોડ્યું નહિ. શું આપણે પણ તેમની જેમ કરી શકીએ?

“તમે મારા શિષ્યો છો એટલે બધા લોકો તમારો ધિક્કાર કરશે. પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે તેનો જ ઉદ્ધાર થશે.”—માથ્થી ૧૦:૨૨