સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૬૩

દીવાલ પર લખેલા શબ્દો

દીવાલ પર લખેલા શબ્દો

અમુક વર્ષો પછી, બેલ્શાસ્સાર બાબેલોનનો રાજા બન્યો. એક રાતે તેણે દેશના સૌથી ખાસ લોકોને જમવા બોલાવ્યા. ત્યાં એક હજાર મહેમાન આવ્યા હતા. તેણે પોતાના સેવકોને હુકમ આપ્યો કે સોનાના પ્યાલા લઈ આવે, જે નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરમાંથી લાવ્યા હતા. બેલ્શાસ્સાર અને તેના મહેમાનો એ પ્યાલામાં દારૂ પીવા લાગ્યા અને તેઓ પોતાના દેવોનો જયજયકાર કરવા લાગ્યા. તેઓ જમતા હતા ત્યાં, અચાનક એક હાથ દેખાયો. એ હાથ દીવાલ પર કંઈક લખવા લાગ્યો, પણ એ શબ્દો કોઈ સમજી શક્યું નહિ.

બેલ્શાસ્સાર ખૂબ ડરી ગયો. તેણે જાદુગરોને બોલાવ્યા અને તેઓને વચન આપ્યું: ‘જો કોઈ મને આ શબ્દોનો અર્થ જણાવશે, તો હું તેને બાબેલોનનો ત્રીજો ખાસ માણસ બનાવીશ. તેઓએ પ્રયત્નો કર્યા પણ કોઈ એનો અર્થ જણાવી શક્યું નહિ.’ પછી રાણીએ આવીને બેલ્શાસ્સારને કહ્યું: ‘દાનિયેલ નામનો એક માણસ છે, જે નબૂખાદનેસ્સારને આવી વાતોનો અર્થ જણાવતો હતો. તે તને પણ આ શબ્દોનો અર્થ જણાવી શકે છે.’

પછી દાનિયેલ રાજા પાસે આવ્યા. બેલ્શાસ્સારે તેમને કહ્યું: ‘જો તું મને એ શબ્દો વાંચીને એનો અર્થ જણાવીશ, તો હું તને સોનાનો હાર આપીશ અને બાબેલોનનો ત્રીજો ખાસ માણસ બનાવીશ.’ દાનિયેલે કહ્યું: ‘મને તમારી ભેટ નથી જોઈતી, પણ હું તમને એ શબ્દોનો અર્થ જણાવીશ. તમારા પિતા નબૂખાદનેસ્સાર ઘમંડી હતા અને યહોવાએ તેમને નીચા કર્યા હતા. તમારા પિતા સાથે શું થયું એ બધું તમે જાણતા હતા, તોપણ તમે યહોવાના મંદિરના સોનાના પ્યાલામાં દારૂ પીને તેમનું અપમાન કર્યું. એટલા માટે યહોવાએ આ શબ્દો લખ્યા છે: મેને, મેને, તકેલ અને પાર્સિન. એનો અર્થ છે કે માદીઓ અને ઈરાનીઓ બાબેલોનને જીતી લેશે અને તમે રાજા નહિ રહો.’

બાબેલોન વિશે લોકોને લાગતું હતું કે એને કોઈ જીતી નહિ શકે. એ શહેરની ચારે બાજુ ઊંડી નદી વહેતી હતી અને મોટી મોટી દીવાલો હતી. પણ મહેમાનો ભેગા થયા હતા એ રાતે, માદીઓ અને ઈરાનીઓએ શહેર પર હુમલો કરી દીધો. ઈરાનના રાજા કોરેશે નદીનું વહેણ બદલી નાખ્યું. એટલે તેમના સૈનિકો નદી પાર કરીને શહેરના દરવાજા સુધી પહોંચી ગયા. ત્યાં પહોંચીને તેઓએ જોયું કે દરવાજા ખુલ્લા જ છે. સૈનિકો શહેરની અંદર ઘૂસી ગયા અને કબજો કરી લીધો. તેઓએ રાજાને મારી નાખ્યા. પછી કોરેશ રાજા બની ગયા.

એક વર્ષની અંદર કોરેશ રાજાએ જાહેર કર્યું: ‘યહોવાએ મને જણાવ્યું છે કે હું યરૂશાલેમનું મંદિર ફરી બાંધું. તેમના લોકોમાંથી જેઓ એ કામમાં મદદ કરવા માંગતા હોય, તેઓ યરૂશાલેમ જઈ શકે છે.’ યહોવાએ વચન આપ્યું હતું કે યરૂશાલેમના નાશના ૭૦ વર્ષ પછી, તેમના લોકો પોતાના વતન પાછા જઈ શકશે અને એવું જ બન્યું. લોકો પાછા યરૂશાલેમ જઈ શક્યા. નબૂખાદનેસ્સાર મંદિરમાંથી સોના-ચાંદીનાં જે વાસણો લાવ્યા હતા, એ પણ કોરેશે પાછા મોકલ્યા. તમે જોયું, યહોવાએ કોરેશ દ્વારા કઈ રીતે પોતાના લોકોને મદદ કરી?

“પડ્યું રે પડ્યું! મહાન બાબેલોન પડ્યું! એ દુષ્ટ દૂતોનું રહેઠાણ બન્યું છે.”—પ્રકટીકરણ ૧૮:૨