સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૬

ઈશ્વરને વળગી રહેતા અયૂબ

ઈશ્વરને વળગી રહેતા અયૂબ

ઈશ્વર સામે શેતાન, અયૂબની શ્રદ્ધા પર શંકા ઉઠાવે છે. પણ અયૂબ ઈશ્વરને જ વળગી રહે છે

કોઈના પર દુ:ખોનો પહાડ તૂટી પડે તો, શું તે ઈશ્વરને વળગી રહેશે? રાજામાંથી રાંક બની જાય તોપણ ઈશ્વરને ભજતો રહેશે? અયૂબ વિષે આ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ચાલો જોઈએ કે અયૂબ કોણ હતા.

અયૂબ, ઇબ્રાહિમના સગાં હતા. આજે અરેબિયા છે એ દેશમાં રહેતા હતા. એ જમાનામાં ઇઝરાયલીઓ ઇજિપ્તમાં હતા. એ સમયે સ્વર્ગમાં એક બનાવ બન્યો. બધા સ્વર્ગદૂતો યહોવાની આગળ ભેગા થયા. શેતાન પણ આવ્યો. યહોવાએ બધા આગળ અયૂબના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ધરતી પર અયૂબ જેવો બીજો કોઈ ઈશ્વરભક્ત નથી. પણ શેતાન બોલી ઊઠ્યો, ‘એ તો તેં અયૂબને આશીર્વાદ આપ્યો છે એટલે તને ભજે છે. તેના પરથી તારો હાથ ઉઠાવી લે, બધી માલ-મિલકત લઈ લે. પછી જો, તે તારી સામું પણ નહિ જુએ.’

યહોવાએ અયૂબની કસોટી કરવા શેતાનને રજા આપી. શેતાને પહેલાં તો અયૂબની માલ-મિલકત છીનવી લીધી. પછી આફત લાવીને તેમનાં દીકરા દીકરીઓને મારી નાખ્યા. છેવટે અયૂબ પર ખૂબ પીડા આપતી બીમારી લાવ્યો. અયૂબ જાણતા ન હતા કે એ બધામાં શેતાનનો હાથ છે. એ પણ સમજી ન શક્યા કે ઈશ્વર કેમ આ બધું થવા દે છે. તોય યહોવા પરથી તેમની શ્રદ્ધા ડગી નહિ.

અયૂબને ત્રણ મિત્રો મળવા આવ્યા. તેઓ નામ પૂરતા જ મિત્રો હતા. અયૂબને દિલાસો આપવાને બદલે તેઓ કહેવા લાગ્યા કે ‘તેં છૂપી રીતે પાપ કર્યું છે. એટલે ઈશ્વર તને સજા કરે છે.’ તેઓએ એમ પણ કહ્યું કે ‘આપણી ભક્તિથી ઈશ્વર ખુશ થતા નથી. પોતાના ભક્તો પર તેમને જરાય ભરોસો નથી.’ પણ અયૂબે તેઓના ખોટાં વિચારો માન્યા નહિ. તેમણે પૂરી શ્રદ્ધાથી કહ્યું કે ‘હું છેલ્લા દમ સુધી યહોવાને ભજતો રહીશ.’ અયૂબ અને આ મિત્રો વચ્ચેની વાતચીત અયૂબના પુસ્તકમાં જોવા મળે છે.

જોકે અયૂબને મન પોતે જે કરતા એ જ ખરું હતું. પણ એ તેમની ભૂલ હતી. અયૂબના બીજા એક મિત્ર અલિહૂ આ ચાર જણની ચર્ચા ધ્યાનથી સાંભળતા હતા. અયૂબ અને બીજા મિત્રોથી તે વયમાં નાના હતા. તેમણે અયૂબને સમજાવ્યું કે કોણ ખરું છે એ સાબિત કરવું જરૂરી નથી. પણ યહોવા પર શેતાને મૂકેલો આરોપ દૂર કરવા શું કરી શકાય, એનો વિચાર કરવો જોઈએ. એ પછી અલિહૂએ પેલા નામ પૂરતા ત્રણ મિત્રોને ઠપકો આપ્યો.

પછી યહોવાએ અયૂબ સાથે વાત કરી. અનેક પ્રાણીઓ અને સૃષ્ટિની રચના વિષે જણાવ્યું. એનાથી અયૂબ જોઈ શક્યા કે ઈશ્વરમાં કેટલી શક્તિ ને ડહાપણ છે. એની સરખામણીમાં માણસ કંઈ જ નથી. અયૂબે નમ્ર રીતે પોતાની ભૂલ સ્વીકારી. વિચારોમાં સુધારો કર્યો. બાઇબલ કહે છે, ‘યહોવા ઘણા દયાળુ તથા કૃપાળુ છે.’ (યાકૂબ ૫:૧૧) એટલે યહોવાએ અયૂબને સાજા કર્યા. તેમણે જે માલ-મિલકત ગુમાવી હતી એનાથી બમણું પાછું આપ્યું. દસ બાળકોનો આશીર્વાદ આપ્યો. અયૂબ આકરી કસોટીમાં પણ યહોવાને વળગી રહ્યા એનાથી શું સાબિત થયું? એ જ કે શેતાન જૂઠો છે. કસોટીમાં પણ માણસ યહોવાને વળગી રહી શકે છે.

આ માહિતી અયૂબમાંથી છે.