સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હસ્તમૈથુન છોડવા હું શું કરું?

હસ્તમૈથુન છોડવા હું શું કરું?

પાઠ ૨૫

હસ્તમૈથુન છોડવા હું શું કરું?

“હું આઠ વર્ષનો હતો ત્યારે હસ્તમૈથુન કરવા લાગ્યો. પછી મને જાણવા મળ્યું કે ઈશ્વર એને ધિક્કારે છે. હું જ્યારે પણ હસ્તમૈથુન કરી બેસતો, ત્યારે નિરાશ થઈ જતો. મને થતું, ‘ઈશ્વર મારા જેવી વ્યક્તિને કઈ રીતે પ્રેમ કરી શકે?’”—લુઈસ.

જ્યારે તમે યુવાવસ્થાના ઉંબરે ડગ માંડો છો, ત્યારે જાતીય ઇચ્છાઓ વધારે પ્રબળ હોય છે. પરિણામે, તમને કદાચ હસ્તમૈથુનની a આદત લાગી શકે. અમુક લોકો કહેશે, “એ કોઈ મોટી વાત નથી. એનાથી કોઈને દુઃખ નથી પહોંચતું.” પણ એ આદતથી દૂર રહેવું સારું છે. પ્રેરિત પાઉલે લખ્યું: ‘તમારા શરીરનાં અંગોને મારી નાખો, જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: બેકાબૂ જાતીય વાસના.’ (કોલોસીઓ ૩:૫) હસ્તમૈથુન જાતીય વાસનાની આગ હોલવતું નથી, પણ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. એ ઉપરાંત, આનો વિચાર કરો:

● હસ્તમૈથુન વ્યક્તિને સ્વાર્થી બનાવી દે છે. જેમ કે, હસ્તમૈથુન કરનાર વ્યક્તિ ફક્ત પોતાને જ આનંદ આપવામાં મશગૂલ હોય છે.

● હસ્તમૈથુન કરનાર વ્યક્તિ કદાચ વિરુદ્ધ જાતિની વ્યક્તિને જરાય માન ન આપે અને તેને પોતાની વાસના સંતોષવાનું રમકડું જ ગણે.

● હસ્તમૈથુનને લીધે કદાચ પતિ-પત્નીના જાતીય સંબંધોમાં મુશ્કેલી ઊભી થઈ શકે.

હસ્તમૈથુન કરવાને બદલે એ ઇચ્છાને કાબૂમાં રાખતા શીખો. (૧ થેસ્સાલોનિકીઓ ૪:૪, ૫) એ માટે બાઇબલ સલાહ આપે છે કે એવા સંજોગોને ટાળીએ, જે જાતીય ઇચ્છા ભડકાવતા હોય. (નીતિવચનો ૫:૮, ૯) પણ જો તમને હસ્તમૈથુનની આદત પડી ગઈ હોય, તો શું? કદાચ તમે ઘણી વાર પ્રયત્ન કર્યા હોય, પણ દર વખતે તમે નિષ્ફળ થયા હો. એમ થાય ત્યારે લાગી શકી કે તમે પોતાને બદલી નહિ શકો અને ઈશ્વરની આજ્ઞા નહિ પાળી શકો. પેડ્રો નામના છોકરાને એવું જ લાગતું હતું. તે કહે છે: “જ્યારે પણ હું ફરી હસ્તમૈથુન કરી બેસતો, ત્યારે નિરાશ થઈ જતો. મને લાગતું કે ઈશ્વર મને ક્યારેય માફ નહિ કરે. પ્રાર્થના કરવી મને ખૂબ અઘરું લાગતું.”

જો તમને પણ એવું લાગતું હોય, તો નિરાશ ન થાઓ. ઘણા યુવાનો અને પુખ્ત ઉંમરના લોકો એ આદત છોડી શક્યા છે. તમે પણ એ છોડી શકો છો!

પોતાને દોષ ન આપવા શું કરી શકો?

જેઓને હસ્તમૈથુનની આદત પડી ગઈ છે, તેઓ ઘણી વાર પોતાને દોષ આપે છે. એમાં કોઈ શંકા નથી કે જ્યારે તમે “ઈશ્વરને પસંદ પડે એ રીતે દુઃખી” થાઓ છો, ત્યારે એ આદત સામે લડવા તમને હિંમત મળે છે. (૨ કોરીંથીઓ ૭:૧૧) પણ જો તમે પોતાને વધારે પડતા દોષિત ગણશો, તો એટલા નિરાશ થઈ જશો કે હિંમત હારી જશો.—નીતિવચનો ૨૪:૧૦.

તો પછી હસ્તમૈથુન કેટલું ગંભીર છે? હસ્તમૈથુન ખરાબ આદત છે. તે તમને “અનેક પ્રકારની ઇચ્છાઓ અને વાસનાના ગુલામ” બનાવી શકે છે અને મનમાં ખોટા વિચારો જગાડી શકે છે. (તિતસ ૩:૩) જોકે, હસ્તમૈથુન વ્યભિચાર જેટલું મોટું પાપ નથી. (યહૂદા ૭) જો હસ્તમૈથુનની આદત હોય, તો એવું ન વિચારો કે યહોવા તમને કદી માફ નહિ કરે. તમારે શું કરતા રહેવાની જરૂર છે? એ ઇચ્છાને કાબૂમાં રાખો અને એની સામે લડતા રહો.

બની શકે કે લાખ પ્રયત્ન કર્યા પછી પણ તમે હસ્તમૈથુન કરી બેસો અને એના લીધે નિરાશ થઈ જાઓ. જો તમે ફરી હસ્તમૈથુન કરી બેસો, તો એનો અર્થ એ નથી કે તમે ખરાબ વ્યક્તિ છો. એટલે હિંમત ન હારો. પણ વિચારો કે તમે શાના લીધે હસ્તમૈથુન કરી બેઠા અને કઈ રીતે એ સંજોગ ટાળી શકો.

વિચારો કે યહોવા કેટલા પ્રેમાળ છે અને કેટલી દયા બતાવે છે. ગીતશાસ્ત્રના એક લેખક દાઉદે અમુક ખરાબ કામ કર્યાં હતાં. પણ તેમણે કહ્યું: “જેમ પિતા પોતાના દીકરાઓને દયા બતાવે, તેમ યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે. તે આપણી રચના સારી રીતે જાણે છે, તે યાદ રાખે છે કે આપણે તો ધૂળ છીએ.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪) યહોવા જાણે છે કે પાપની અસરને લીધે આપણે ભૂલો કરી બેસીએ છીએ અને તે આપણને “માફ કરવા તૈયાર” છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫) જોકે, તે એ પણ ચાહે છે કે તેમની આજ્ઞાઓ પાળવા આપણે બનતો પ્રયત્ન કરીએ. તમારી ખોટી આદત છોડવા તમે શું કરી શકો?

તમે કેવું મનોરંજન જુઓ છો, એનો વિચાર કરો. શું તમે એવી ફિલ્મો કે ટી.વી. કાર્યક્રમો કે એવી વેબ સાઇટ જુઓ છે, જે તમારી જાતીય ઇચ્છાઓ ભડકાવે? એક લેખકે ઈશ્વરને પ્રાર્થનામાં કહ્યું: “નકામી ચીજો પરથી મારી નજર ફેરવો.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭.

તમારું ધ્યાન બીજે વાળો. વિલિયમ નામના એક ભાઈ સલાહ આપે છે: “સૂતા પહેલાં બાઇબલમાંથી કંઈક વાંચો. તમારા મનમાં છેલ્લો વિચાર ભગવાનનો હોય એ જરૂરી છે.”—ફિલિપીઓ ૪:૮.

કોઈને તમારી મુશ્કેલી જણાવો. કદાચ બીજાઓને તમારી મુશ્કેલી જણાવતા તમને શરમ લાગી શકે. પણ એમ કરવાથી તમને એ આદત છોડવા મદદ મળશે. ડેવિડ નામના એક યુવાને એવું જ કર્યું હતું. તે કહે છે: “મેં પપ્પાને મારી આદત વિશે જણાવ્યું. તેમના શબ્દો હું કદી નહિ ભૂલું. તેમણે મને ખાતરી કરાવતા કહ્યું: ‘મને તારા પર ખૂબ જ ગર્વ છે.’ કેમ કે તે જાણતા હતા કે એ વિશે વાત કરવા ઘણી હિંમત જોઈએ. મને એવા જ શબ્દોની જરૂર હતી. એનાથી મને એ આદત છોડવા હિંમત મળી.

“પપ્પાએ મને અમુક કલમો બતાવી અને એ સમજવા મદદ કરી કે હું ખરાબ વ્યક્તિ નથી. પછી પપ્પાએ બીજી અમુક કલમો બતાવી, જેનાથી હું જોઈ શક્યો કે હસ્તમૈથુન કેટલું ગંભીર છે. તેમણે કહ્યું: ‘તું બનતી કોશિશ કર, આપણે આ વિશે ફરી વાત કરીશું.’ તેમણે એમ પણ કહ્યું: ‘જો તું ફરી હસ્તમૈથુન કરી બેસે, તો નિરાશ ન થઈ જતો. વધારે મહેનત કર અને લાંબો સમય એ ઇચ્છા પર કાબૂ રાખવા કોશિશ કર.’” એનાથી ડેવિડને કેવી રીતે મદદ મળી? તે કહે છે: “કોઈને મારી મુશ્કેલી વિશે ખબર હતી અને તે મને મદદ કરતા હતા, એ વાતથી મને સૌથી વધારે ફાયદો થયો.”

[ફૂટનોટ]

a વ્યક્તિ પોતાનાં જાતીય અંગોને પંપાળીને જાતીય ચરમસુખ મેળવે એને હસ્તમૈથુન કહેવાય છે. પણ હસ્તમૈથુનમાં અને વ્યક્તિ આપોઆપ જાતીય ઉત્તેજના અનુભવે એ બંનેમાં ફરક છે. દાખલા તરીકે, એક છોકરો કદાચ જાતીય ઉત્તેજના સાથે ઊઠે અથવા રાત્રે તેને વીર્યનો સ્રાવ થઈ જાય. એવી જ રીતે, અમુક છોકરીઓ કદાચ અજાણતાં જાતીય ઉત્તેજના અનુભવે, ખાસ કરીને માસિક સ્રાવ પહેલાં કે એના પછી.

મુખ્ય કલમ

“યુવાનીમાં જાગતી ઇચ્છાઓથી નાસી જજે, પણ જેઓ શુદ્ધ હૃદયથી ઈશ્વરને પોકારે છે, તેઓની સાથે સત્ય, શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ મેળવવા ખૂબ પ્રયત્ન કરજે.”—૨ તિમોથી ૨:૨૨.

સૂચન

જાતીય ઇચ્છા પ્રબળ બને એ પહેલાં પ્રાર્થના કરો. એ ઇચ્છા પર કાબૂ રાખવા યહોવા ઈશ્વર પાસે તાકાત માંગો, જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.”—૨ કોરીંથીઓ ૪:૭.

શું તમે જાણો છો . . .?

કમજોર વ્યક્તિ જાતીય ઇચ્છાઓ સામે હારી જાય છે, પણ દૃઢ મનોબળવાળી વ્યક્તિ એ ઇચ્છાઓને કાબૂમાં રાખે છે, એકાંતમાં પણ એમ કરે છે.

મારે શું કરવું જોઈએ?

શુદ્ધ વાતો પર મન લગાડવા હું આવું કરીશ: ․․․․․

જાતીય ઇચ્છાઓ સામે હારી જવાને બદલે હું આવું કરીશ: ․․․․․

હસ્તમૈથુન વિશે મારે મમ્મી-પપ્પાને કયા સવાલો પૂછવાના છે? ․․․․․

આનો વિચાર કરો:

● યહોવા “માફ કરવા તૈયાર” છે, એ યાદ રાખવું કેમ જરૂરી છે?—ગીતશાસ્ત્ર ૮૬:૫.

● ઈશ્વરે આપણને જાતીય ઇચ્છાઓ સાથે બનાવ્યા છે. પણ તે ચાહે છે કે આપણે પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખીએ. તો પછી, ઈશ્વરને તમારામાં કયો ભરોસો છે?

[પાન ૧૮૨ પર બ્લર્બ]

“એ આદત છોડ્યા પછી હું સાફ દિલથી યહોવાની ભક્તિ કરી શકું છું અને હું કોઈ પણ ભોગે એ ગુમાવવા નથી માંગતી.”—સારાહ

[પાન ૧૮૦ પર ચિત્ર]

જો તમે દોડતાં દોડતાં પડી જાઓ, તો એનો અર્થ એ નથી કે તમારે પહેલેથી શરૂ કરવું પડશે. જો તમે ફરી હસ્તમૈથુન કરી બેસો, તો એનો અર્થ એ નથી કે તમે એ આદત છોડી નહિ શકો