સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૫૬

મંડળમાં સંપ રાખીએ

મંડળમાં સંપ રાખીએ

જ્યારે આપણે મંડળનાં ભાઈ-બહેનો સાથે હોઈએ છીએ, ત્યારે આપણને રાજા દાઉદ જેવું જ લાગે છે. તેમણે લખ્યું હતું: “ભાઈઓ સંપીને રહે, એ કેવું સારું અને આનંદ આપનારું છે!” (ગીતશાસ્ત્ર ૧૩૩:૧) આપણામાં જે સંપ છે, એ કંઈ આપોઆપ નથી આવી ગયો. મંડળમાં જે સંપ અને એકતા જોવા મળે છે, એની પાછળ આપણા બધાનો હાથ છે.

૧. ઈશ્વરના લોકોમાં કઈ ખાસ વાત જોવા મળે છે?

ધારો કે તમે કોઈ બીજા દેશમાં ગયા છો અને ત્યાંની સભામાં જાઓ છો. તમને ત્યાંની ભાષા આવડતી નથી. પણ એ મંડળનાં ભાઈ-બહેનોને મળીને તમને એવું લાગે છે કે જાણે તમે તેઓને વર્ષોથી ઓળખો છો. શા માટે? કેમ કે આપણે એકબીજાને પ્રેમ બતાવવા ખૂબ મહેનત કરીએ છીએ. એટલું જ નહિ, આપણે એકસરખા સાહિત્યમાંથી બાઇબલનો અભ્યાસ કરીએ છીએ. ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, આપણે બધા લોકો ‘યહોવાના નામે પોકાર કરીએ છીએ અને એક થઈને તેમની ભક્તિ કરીએ છીએ.’સફાન્યા ૩:૯, ફૂટનોટ.

૨. મંડળમાં સંપ જાળવવા આપણે દરેક જણ શું કરી શકીએ?

બાઇબલમાં લખ્યું છે, “પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરો.” (૧ પિતર ૧:૨૨) એ સલાહ કઈ રીતે પાળી શકીએ? ભાઈ-બહેનોની ખામીઓ પર ધ્યાન આપવાને બદલે, તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. મોટા ભાગે આપણે એવા લોકો સાથે હળીએ-મળીએ છીએ, જેઓની પસંદ-નાપસંદ આપણા જેવી જ હોય છે. તેઓ સાથે સમય વિતાવવો ખોટું નથી. પણ એવાં ભાઈ-બહેનોને પણ ઓળખવાની કોશિશ કરવી જોઈએ, જેઓ આપણાથી એકદમ અલગ છે. જો કોઈ જાતિ, ભાષા કે સમાજના લોકો વિશે આપણા મનમાં ખોટા વિચારો હોય અને તેઓ સાથે હળવા-મળવાનું ગમતું ન હોય, તો આપણે શું કરી શકીએ? એવાં વિચારો અને લાગણીઓને જડમૂળથી કાઢી નાખવા સખત મહેનત કરીએ.—૧ પિતર ૨:૧૭ વાંચો. a

૩. જો કોઈ ભાઈ કે બહેન સાથે મતભેદ થાય, તો તમે શું કરશો?

ખરું કે આપણી વચ્ચે સંપ છે, પણ માણસ માત્ર ભૂલને પાત્ર. બની શકે કે કોઈક વાર આપણાં વાણી-વર્તનથી બીજાઓને દુઃખ પહોંચે અથવા તેઓના લીધે આપણને ખોટું લાગે. એટલે જ બાઇબલ જણાવે છે, ‘એકબીજાને માફ કરો.’ એ એમ પણ જણાવે છે, “જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.” (કોલોસીઓ ૩:૧૩ વાંચો.) આપણે તો કેટલીય વાર યહોવાના દિલને દુઃખ પહોંચાડ્યું છે, તોપણ તેમણે આપણને માફ કર્યા છે. એટલે તે ચાહે છે કે આપણે પણ ભાઈ-બહેનોને માફ કરીએ. જો તમારાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય, તો તેમની સાથે વાત કરવા અને સુલેહ-શાંતિ કરવા પહેલ કરો.—માથ્થી ૫:૨૩, ૨૪ વાંચો. b

વધારે જાણો

મંડળમાં શાંતિ અને એકતા જળવાઈ રહે એ માટે તમે શું કરી શકો? ચાલો જોઈએ.

સુલેહ-શાંતિ કરવા તમે શું કરશો?

૪. ભેદભાવ ન કરો, બધાને એકસરખા ગણો

આપણે બધાને પ્રેમ કરવા માંગીએ છીએ. પણ જો કોઈ ભાઈ કે બહેન આપણાથી સાવ અલગ હોય, તો તેમને પ્રેમ બતાવવો અઘરું લાગી શકે. એ સમયે આપણને શું મદદ કરી શકે? પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • યહોવા દરેક પ્રકારના લોકોને સ્વીકારે છે અને પોતાના સાક્ષી ગણે છે. જે ભાઈ-બહેનો આપણા કરતાં અલગ છે, તેઓ માટે યહોવા જેવા વિચારો કેળવવા તમે શું કરી શકો?

  • તમારા વિસ્તારમાં કેવો ભેદભાવ જોવા મળે છે? તમારે કેમ એવા વિચારોથી દૂર રહેવું જોઈએ?

૨ કોરીંથીઓ ૬:૧૧-૧૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • બીજા દેશ કે જાતિના લોકોને પ્રેમ બતાવવા તમે શું કરી શકો?

૫. દિલથી માફ કરો અને સુલેહ-શાંતિ કરો

યહોવા ક્યારેય કોઈ ભૂલ કરતા નથી, તેમને કદી માફીની જરૂર પડતી નથી. તોપણ જ્યારે આપણે ભૂલો કરીએ છીએ, ત્યારે તે દિલ ખોલીને માફ કરે છે. ગીતશાસ્ત્ર ૮૬:૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • આ કલમમાં લખ્યું છે તેમ, યહોવા કઈ રીતે માફ કરે છે?

  • તમે કેમ યહોવાની જેમ બીજાઓને માફ કરવા માંગો છો?

  • બીજાઓ સાથે શાંતિ જાળવવી ક્યારે અઘરું બની શકે?

યહોવાની જેમ બીજાઓને માફ કરવા અને ભાઈ-બહેનો સાથે સંપીને રહેવા આપણે શું કરવું જોઈએ? નીતિવચનો ૧૯:૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જ્યારે કોઈ તમને ચીડવે અથવા તમારા દિલને ઠેસ પહોંચાડે, ત્યારે એ સંજોગને સારી રીતે હાથ ધરવા તમે શું કરી શકો?

જો આપણાથી બીજાઓને દુઃખ પહોંચે, તો શું કરી શકીએ? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • વીડિયોમાં જોયું તેમ, સુલેહ કરવા બહેને શું કર્યું?

૬. ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપો

જ્યારે આપણે ભાઈ-બહેનોને ઓળખવા લાગીએ છીએ, ત્યારે તેઓના સારા અને ખરાબ ગુણો આપણા ધ્યાનમાં આવે છે. પણ તેઓના સારા ગુણો પર ધ્યાન આપવા શું કરી શકીએ? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • ભાઈ-બહેનોના સારા ગુણો જોવા તમને શું મદદ કરી શકે?

યહોવા આપણા સારા ગુણો પર ધ્યાન આપે છે. ૨ કાળવૃત્તાંત ૧૬:૯ક વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • યહોવા આપણા સારા ગુણો પર ધ્યાન આપે છે. એ જાણીને તમને કેવું લાગે છે?

જો એક સુંદર હીરામાં લિસોટા પડે અને એ ઝાંખો થઈ જાય, તોપણ એ કીમતી જ રહે છે. એવી જ રીતે, બધાં જ ભાઈ-બહેનોમાં ખામીઓ હોય છે, તોપણ તેઓ યહોવાની નજરે ખૂબ કીમતી છે

અમુક લોકો કહે છે: “જ્યાં સુધી એ સામેથી માફી નહિ માંગે, ત્યાં સુધી હું તેને માફ નહિ કરું.”

  • આપણે કેમ બીજાઓને તરત માફ કરી દેવા જોઈએ?

આપણે શીખી ગયા

આપણે મંડળનાં બધાં ભાઈ-બહેનોને પ્રેમ કરવો જોઈએ અને તેઓને માફ કરવાં જોઈએ. આમ, આપણે મંડળમાં સંપ રાખવા મદદ કરીએ છીએ.

તમે શું કહેશો?

  • કોઈની સાથે ભેદભાવ ન કરવા અને બધાને એકસરખા ગણવા તમે શું કરી શકો?

  • જો કોઈ ભાઈ કે બહેન સાથે મતભેદ થાય, તો તમે શું કરશો?

  • શું તમે યહોવાની જેમ બીજાઓને માફ કરવા માંગો છો? શા માટે?

આટલું કરો

વધારે માહિતી

બીજાઓનો વાંક કાઢવાનું કઈ રીતે ટાળી શકીએ? ઈસુએ આપેલા ઉદાહરણ પર ધ્યાન આપો.

ભારોટિયો કાઢો (૭:૦૧)

શું એવું છે કે આપણી ભૂલ હોય તો જ માફી માંગવી જોઈએ? શું એવું વિચારવું યોગ્ય છે? આ લેખમાં વાંચો.

“માફી શાંતિ લાવે છે” (ચોકીબુરજ, નવેમ્બર ૧, ૨૦૦૨)

જુઓ કે અમુક ભાઈ-બહેનો કઈ રીતે ભેદભાવ ન બતાવવાનું શીખ્યાં.

બહારનો દેખાવ જોઈને અભિપ્રાય ન બાંધીએ (૫:૦૬)

જો આપણે મતભેદો થાળે નહિ પાડીએ, તો મંડળની શાંતિ જોખમમાં આવી જશે. એવું ન થાય એ માટે શું કરી શકીએ? આ લેખમાં વાંચો.

“મતભેદોને પ્રેમથી થાળે પાડીએ” (ચોકીબુરજ, મે ૨૦૧૬)

a જો આપણને કોઈ ચેપી રોગ થયો હોય, તો એનો ચેપ ભાઈ-બહેનોને ન લાગે એનું આપણે ધ્યાન રાખીએ છીએ. કેમ કે આપણે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ. એ વિશે જાણવા નોંધ ૬ જુઓ.

b વેપાર-ધંધાને લગતી તકરાર થાય કે અદાલતમાં જવું પડે એવો સંજોગ ઊભો થાય તો, શું કરી શકીએ? નોંધ ૭ જુઓ.