લોકો શું કહેશે?
લોકો શું કહેશે?
એક ભાઈએ પોતાના દિલનો ઊભરો ઠાલવ્યો: “હું ઇંગ્લૅંડમાં મોટો થયો. અમે ચાર ભાઈ-બહેનો હતા. મારા પપ્પા પહેલાં મિલિટરીમાં હતા. હું નાનો હતો ત્યારે મને કંઈ વાગ્યું હોય ને રડવું આવે, તો તરત જ પપ્પા દાંત કચકચાવીને કહેતા: ‘રડતો નહિ! ચૂપ . . . એકદમ ચૂપ.’ હજુ પણ મારા કાનમાં એ શબ્દોનો જાણે પડઘો પડે છે! અરે, મારી મમ્મીએ પણ અમને ખોળામાં બેસાડીને વહાલ કર્યું હોય કે પપ્પી કરી હોય, એવું કંઈ મને યાદ નથી. હું ૫૬ વર્ષનો હતો ત્યારે પપ્પા ગુજરી ગયા. અંદર ને અંદર મારું દિલ રડતું હતું, પણ આંખમાંથી એક પણ આંસુ પડ્યું નહિ.”
અમુક સમાજમાં લોકોની ખુશી અને ગમ તરત જ દેખાય આવે છે. જ્યારે કે ઉત્તર યુરોપ અને બ્રિટન જેવા દેશોમાં ખાસ કરીને પુરુષો, જાણે દિલના દરવાજાને બંધ કરીને લાગણીઓ પર તાળું મારી દે છે. પરંતુ કોઈ વહાલી વ્યક્તિ ગુજરી જાય ત્યારે, દુઃખી હૈયાને હળવું કરવા શું રડવું જોઈએ? બાઇબલ એ વિષે શું કહે છે?
સગાં-વહાલાંના મરણ વખતે અમુકે શું કર્યું?
બાઇબલ ઇઝરાયલ અને એની આજુબાજુના દેશોમાં લખાયું હતું. એ સમયે લોકો શોકની લાગણી સંતાડતા નહિ. બાઇબલમાં એવા ઘણા ઉદાહરણો છે. દાઊદ રાજાનો દાખલો લો. તેમનો પુત્ર આમ્મોન માર્યો ગયો ત્યારે દાઊદ ‘બહુ રડ્યા.’ (૨ શમૂએલ ૧૩:૨૮-૩૯) વળી, દાઊદનો બીજો એક બેવફા પુત્ર આબ્શાલોમ માર્યો ગયો ત્યારે પણ, “રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. અને તે રુદન કરતો કરતો દરવાજા ઉપર આવેલી તેની ઓરડીમાં ગયો: ‘ઓ મારા દીકરા આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા આબ્શાલોમ, તારા બદલે હું જો મરણ પામ્યો હોત તો કેવું સારું! ઓ આબ્શાલોમ, મારા દીકરા! મારા દીકરા!’” (૨ શમુએલ ૧૮:૩૩, IBSI) દરેક માબાપની જેમ દાઊદને પણ લાગ્યું હશે કે ‘હું હજી બેઠો છું, ને મારા કાળજાના ટૂકડા જેવો દીકરો કેમ ચાલ્યો ગયો!’
હવે ઈસુનો દાખલો લો. ઈસુનો વહાલો મિત્ર લાજરસ મરણ પામ્યો ત્યારે, તેમને કેવું લાગ્યું? તેમનું હૈયું ભરાઈ આવ્યું અને તે રડી પડ્યા. (યોહાન ૧૧:૩૦-૩૮) ઈસુના મરણ વખતે મરિયમને કેવું લાગ્યું? તે પણ કબર પાસે આવીને બહુ રડતી હતી. (યોહાન ૨૦:૧૧-૧૬) મોટા ભાગના લોકોને કોઈ દિલાસો નથી, એટલે તેઓના શોકનો કોઈ પાર નથી. પરંતુ, યહોવાહના ભક્તોને એટલે કે આપણને દિલાસો છે, કે ગુજરી ગયેલી વ્યક્તિ ચોક્કસ સજીવન થશે. તેમ છતાં, તેમની ખોટ સાલે છે, એટલે આપણને શોક થાય એમાં કંઈ ખોટું નથી.—૧ થેસ્સાલોનીકી ૪:૧૩, ૧૪.
મારે રડવું જોઈએ?
કોઈ મરણ પામે ત્યારે શું તમે છૂટથી લાગણી બતાવી શકો છો? કે પછી તમને થાય છે કે લોકો શું કહેશે? બાઇબલ કહે છે કે આપણે લાગણીઓ દબાવી જોઈએ નહિ. પહેલાંના ઈશ્વર ભક્તો પણ પોક મૂકીને રડ્યા હતા. તેઓ ઘરના ખૂણામાં સંતાઈ રહ્યા નહિ. તેમ જ આપણે પણ લોકોની વચ્ચે રડી પડીએ તો, શરમાઈએ નહિ. (નીતિવચનો ૧૮:૧) જોકે દરેક સમાજમાં લોકો જુદી જુદી રીતે શોક બતાવશે.
ઘણા રડે છે, એમાં શું કંઈ ખોટું છે? ના, ઈસુના મિત્ર લાજરસ ગુજરી ગયા ત્યારે, તેમનું હૃદય ‘દુઃખથી ભરાઈ ગયું અને આંખોમાં આંસુ છલકાયાં.’ (યોહાન ૧૧:૩૩, ૩૫, IBSI) તેથી રડવામાં કંઈ ખોટું નથી.
એનનો વિચાર કરો. તેની ફૂલ જેવી દીકરી રેચલ અચાનક મરણ પામી. (એના વિષે પાન ૧૨ પરનું “ફૂલ ખીલ્યા પહેલાં જ કરમાઈ જાય ત્યારે” બૉક્સ જુઓ.) એનના પતિએ કહ્યું: ‘એ વખતે અમારા બે સિવાય બધા રડતા હતા.’ એન કહે છે: ‘થોડા દિવસ પછી હું ઘરમાં એકલી પડી, ત્યારે જાણે હું ભાનમાં આવી. મારા આંસુનો બંધ તૂટી ગયો અને પૂરની જેમ વહેવા લાગ્યો. હું ખૂબ જ રડી, બસ રડતી જ રહી. પણ મને સારું લાગ્યું. આવા સમયે દુઃખી લોકોને એમ ન કહેવું જોઈએ કે “બસ, બસ, હવે શાંત થઈ જાવ.” પણ તેઓને રડી લેવા દો. એનાથી તેઓનું મન હળવું થશે.’ a
શોકમાં ‘ગાંડા’ થઈ જવું
હવે વનિટાનો વિચાર કરો. કસુવાવડમાં તેણે પાંચ-પાંચ બાળકો ગુમાવ્યાં હતાં. હવે તે ફરીથી ભારે પગે હતી. એવામાં તેને કાર ઍક્સિડન્ટ થયો, એટલે તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. તેના મન પર ચિંતાનાં વાદળો ઘેરાઈ ગયા કે મારા બાળકને કંઈ થયું તો નહિ હોય ને? થોડા દિવસ પછી તેણે અધૂરે મહિને બાળકીને જન્મ આપ્યો. આ નાનકડી વનેસાનું વજન માંડ એક કિલો હતું. વનિટા કહે છે, “મારે મન તો મોંઘેરા મહેમાન આવ્યા હતા. આખરે હું મા બની!”
પરંતુ આ ખુશી લાંબી ટકી નહિ, કેમ કે ચાર દિવસમાં તો વનેસા ગુજરી ગઈ. વનિટા કહે છે: ‘મારે કોઈને મળવું ન હતું. મારું જીવન ખાલી ખાલી થઈ ગયું. જાણે કોઈએ મારી ગોદમાંથી વનેસાને ઝૂંટવી લીધી. વનેસા માટે તૈયાર કરેલો રૂમ જાણે મને ખાવા દોડતો હતો. તેના નાનાં નાનાં કપડાં, રમકડાં, બધા જાણે કે વનેસાની રાહ જોતા હતા. આ જોઈને મારા
હૃદયના ધબકારા જાણે બંધ થઈ જતા હતા. બસ, વનેસા જ મારું બધું હતી.’શું વનિટા ગાંડી થઈ ગઈ હતી? કદાચ આપણે તેની લાગણી સમજી શકીશું નહિ. બાળક નાનું હતું તો શું થઈ ગયું, માબાપને તો એની સાથે જાણે વર્ષોનો સંબંધ હોય છે. અરે, બાળક જન્મ્યું પણ ન હોય ત્યારથી, માબાપ તેને ખૂબ ચાહતા હોય છે. પરંતુ, બાળક માના પેટમાં મોટું થાય છે, એટલે ખાસ કરીને માને એની વધારે અસર થાય છે. બાળકને કંઈ થઈ જાય ત્યારે, જો કોઈ મા વનિટાની જેમ વર્તે, તો કંઈ નવાઈ નથી.
ગુસ્સે થવું, દોષ આપવો
એક છ વર્ષનો છોકરો હૃદયની બીમારીના કારણે મરણ પામ્યો. તેની માને કેવું લાગ્યું? તે કહે છે: “મારું મગજ બહેર મારી ગયું. હું એ માની શકતી જ ન હતી. પહેલા તો હું પોતાને જ દોષ આપતી રહી. પછી મારા પતિ અને ડૉક્ટર પર મેં ગુસ્સો ઠાલવ્યો, કે તેઓએ મારા દીકરાને કેમ મરવા દીધો. તેઓએ કેમ કંઈ કર્યું નહિ!”
શોકમાં હોય એવી વ્યક્તિ વારંવાર ગુસ્સે પણ થઈ જાય. કદાચ તે ડૉક્ટર કે નર્સ પર તપી ઊઠે કે તેઓએ કેમ ધ્યાન નહિ રાખ્યું. કે પછી સગાં-વહાલાં પર ઊકળી ઊઠે: ‘આમ કેમ કર્યું, તેમ કેમ કહ્યું?’ અરે, કેટલાક તો મરનાર પર પણ ગુસ્સે થાય છે. સ્ટેલાની વાત સાંભળો: “મને મારા પતિ પર ખૂબ ગુસ્સો આવ્યો. તે ઘણા જ બીમાર હતા, પણ ડૉક્ટરનું માને તો ને? જો તેમણે માન્યું હોત, તો આજે જીવતા હોત.” વળી, ઘણા મરનાર પર એટલે ચિડાય છે, કેમ કે તેની જવાબદારી હવે પોતાના પર આવી પડી હોય છે.
કેટલાક પોતાને દોષ દે છે કે “જો હું તેને જલદી ડૉક્ટર પાસે લઈ ગયો હોત, તો આવું ન થાત. કે પછી હું બીજા ડૉક્ટર પાસે લઈ ગયો હોત તો સારું થાત. જો મેં તેનું વધુ ધ્યાન રાખ્યું હોત, તો આજે આ દિવસ ન જોવો પડત.”
કેટલાક લોકો દુઃખમાં ડૂબી જાય છે. તેઓને એવી વાતો યાદ આવે છે, જ્યારે તેઓ રિસાઈ
ગયા હતા. તેઓને દુઃખ લાગે છે કે ‘હું શું કામ એમ બોલ્યો. એટલી નાની વાતમાં ઝઘડવાની શું જરૂર હતી.’ આમ, તેઓનું દિલ બહુ જ ડંખે છે.માબાપ બાળક ગુમાવે છે ત્યારે તો તેઓના દુઃખનો કોઈ પાર રહેતો નથી. તેઓને લાગે છે કે તેઓની આંખનો તારો સદા માટે ખોવાઈ ગયો છે. ખાસ કરીને માના જીવનમાં એ ખોટ કદી પુરાતી નથી.
જીવન સાથી ગુજરી જાય ત્યારે
હવે પતિ-પત્નીનો વિચાર કરો. તેઓ એક્બીજાને જીવની જેમ ચાહતા હોય છે. જે કંઈ કરે તે સાથે કરે. સાથે ફરવા જાય, સાથે જમે, સાથે હસે, સાથે રડે. પણ જ્યારે મોતનું તોફાન એ જોડું તોડી નાખે છે, ત્યારે આખું જીવન બદલાઈ જાય છે.
યુનિસનો વિચાર કરો. તેના પતિને હાર્ટ ઍટેક આવ્યો. યુનિસે જોયું કે ડૉક્ટરો તેમનો
જીવ બચાવવા બધું જ કરતા હતા. પણ આખરે તેમને બચાવી ન શક્યા. થોડા સમય પછી યુનિસ કહે છે: ‘થોડા દિવસો તો જાણે હું પાગલ થઈ ગઈ. હું ગુમ-સૂમ બનીને બેસી રહેતી. ન ખાવાનું ગમતું, ન પીવાનું. મને કંઈ ચેન પડતું નહિ. મને પોતાના પર બહુ જ ગુસ્સો આવતો હતો. જાણે મારા પતિની કાર પહાડ પરથી ખાઈમાં પડી રહી હતી, પણ હું કંઈ જ કરી ન શકી.’‘હું ખૂબ રડી હતી. મને દિલાસો આપવા લોકોએ ઘણા કાર્ડસ્ મોકલ્યા. એક એક કાર્ડ વાંચીને હું રડી. પણ એનાથી મને આશ્વાસન મળ્યું. જોકે જ્યારે લોકો મને પૂછતા કે “હવે કેમ છો?” ત્યારે મારો ઘા ફરી તાજો થઈ જતો.’
યુનિસ કઈ રીતે આ બધું સહન કરી શકી? તે કહે છે: ‘મારે જીવનની સફર તો પૂરી કરવી જ પડશે, એટલે હું તેમની યાદમાં દિવસો વિતાવું છું.’
‘પોતાને જે ઠીક લાગે તે કરો’
આ વિષય પર એક પુસ્તક કહે છે: ‘સમાજના હાથમાં કઠપૂતળી ન બનો. તેઓ તમને કહેશે કે આમ કરો, તેમ ન કરો. આવી રીતે શોક પાળો, તેવી રીતે ન પાળો. પરંતુ, તમે પોતાને જે ઠીક લાગે તે કરો, તમે પોતાની રીતે જીવો. બીજાનું સાંભળવા જશો તો તમારું જ દુઃખ વધશે, ઘટશે નહિ.’
જોકે, અમે એમ નથી કહેતા કે તમારે શું કરવું જોઈએ અને શું નહિ. દરેક લોકો અલગ અલગ રીતે શોક પાળે છે. પરંતુ, વ્યક્તિ શોકમાં જ જીવ્યા કરે એ સારું નથી. એટલે મન હળવું કરવા તેણે પોતાના મિત્રોની મદદ લેવી જોઈએ. બાઇબલ કહે છે: “મિત્ર સદા મિત્ર જ રહે છે, તે આફત-સમયનો બંધુ છે.”—સુભાષિતો ૧૭:૧૭, સંપૂર્ણ બાઇબલ.
કોઈ ગુજરી જાય ત્યારે આપણને દુઃખ તો થવાનું જ છે. એટલે જો આપણે રડીએ કે શોક પાળીએ એમાં કંઈ જ ખોટું નથી. પરંતુ, ‘આપણે કઈ રીતે એ દુઃખ સહન કરી શકીએ? જો ગુસ્સો આવે અથવા એવું લાગે કે “એ તો મારી જ ભૂલ હતી” તો શું? શાનાથી આપણું દુઃખ હળવું કરી શકાય?’ આવો, હવે આપણે આ પ્રશ્નો વિચારીએ.
[ફુટનોટ]
a દાખલા તરીકે, નાઇજીરિયાના અમુક લોકો પુનર્જન્મમાં માને છે. કોઈ બાળક મરણ પામે ત્યારે, લોકો એની માતાને બહુ શોક કરવા દેતા નથી. તેઓ માને છે કે “ભલે ઘડામાંથી પાણી ઢળી ગયું, પણ હજુ ઘડો તો છે ને.” એટલે તેઓનું કહેવું છે કે ‘ભલે બાળક ગયું, પણ મા તો હજી જીવે છે ને? બીજાં બાળકો થશે. કોને ખબર, મરેલું બાળક જ તેના ઘરે ફરીથી જન્મ લેશે.’ પરંતુ, બાઇબલ આમ શીખવતું નથી.—સભાશિક્ષક ૯:૫, ૧૦; હઝકીએલ ૧૮:૪, ૨૦.
આ પ્રશ્નો વિચારો
કઈ કઈ રીતે લોકો શોક પાળે છે?
શોક પાળવાનાં અમુક ઉદાહરણો બાઇબલમાંથી આપો.
કોઈ મરણ પામે ત્યારે અમુકે કેવી રીતે શોક પાળ્યો છે? તમે એવા સંજોગોમાં શું કર્યું હતું?
કોઈનું જીવન સાથી ગુજરી જાય તો, તેને કેવું લાગે છે?
શોક પાળવાથી શું થઈ શકે? શું એ ખોટું છે?
શોક પાળવાની કઈ કઈ રીતો છે? (પાન ૯ પરનું બૉક્સ જુઓ.)
ફૂલ જેવું બાળક ખીલ્યા પહેલાં જ કરમાઈ જાય ત્યારે, માબાપની કેવી હાલત થાય છે? (પાન ૧૨ પરનું બૉક્સ જુઓ.)
કસુવાવડ કે મરેલા બાળકના જન્મથી મા પર શું વીતે છે? (પાન ૧૦ પરનું બૉક્સ જુઓ.)
[પાન ૯ પર બોક્સ]
શોક પાળવાની રીતો
દરેક સમાજમાં લોકો જુદી જુદી રીતે શોક પાળે છે. શોક પાળવાનું કોઈ ટાઈમ ટેબલ નથી.
અમુકને તરત જ થતી અસર: ભાન ભૂલી જવું, માનવા તૈયાર ન થાય, બેહોશ થઈ જવું, સૂનમૂન થઈ જવું, ગુસ્સે થવું કે પોતાનો વાંક કાઢવો.
ઊંડા શોકમાં ડૂબી જાય ત્યારે: અમુકને કંઈ યાદ ન રહે, ઊંઘ ઊડી જાય, થાક લાગે, ચેન ન પડે કે મૂડ બદલાઈ જાય છે. અમુક રડ્યા કરે, કોઈ બહુ ખાય તો બીજા છોડી દે. તબિયત સારી ન રહે, મરનારનો અવાજ સાંભળ્યા કરે કે પાસે છે એવું લાગે. બાળકના મરણ વખતે પતિ-પત્ની એકબીજા પર ચિડાયા કરે.
થોડા સમય પછી: શોકની સાથે સાથે ખુશીના પ્રસંગો યાદ આવે.
[પાન ૧૦ પર ચિત્ર/બોક્સ]
કસુવાવડ કે મરેલા બાળકનો જન્મ
મોનાબહેનને બીજાં બાળકો પણ હતાં. તે ફરીથી મા બનવાની હતી એટલે બહુ જ ખુશ હતી. અરે, તે હમણાંથી જ બાળક સાથે ‘વાત કરતા અને એના સપના જોતા હતા.’
પછી તે કહે છે: ‘રેચલ-એન પેટમાં હલનચલન કરતી ત્યારે મારું હૈયું ઝૂમી ઊઠતું. તેણે પહેલી વાર નાના નાના પગોથી લાત મારી હતી, એ મને હજુ પણ યાદ છે. અરે, ઘણી વાર તો હું પેટ પર પુસ્તક રાખીને વાંચતી ત્યારે, તે લાતો મારીને એને પાડી નાખતી. મને આખી રાત જગાડતી! મને હંમેશાં ખબર રહેતી કે તેને કેમ છે.
‘એક દિવસ મને કંઈ અલગ જ લાગ્યું. ડૉક્ટરે કહ્યું કે ચિંતા કરવા જેવું કંઈ નથી. તોપણ મને લાગતું હતું કે રેચલ છેલ્લા શ્વાસ લઈ રહી છે. પછી . . . પછી તેણે અચાનક પલટી મારી. બીજે દિવસે ડૉક્ટરે કહ્યું કે તે મારો સાથ છોડી ગઈ હતી.’
દુનિયામાં મોનાબહેન જેવી લાખો દુઃખી મા છે. કસુવાવડનું દુઃખ (અંગ્રેજી) પુસ્તક જણાવે છે કે એકલા અમેરિકામાં જ દર વર્ષે લગભગ દસ લાખ સ્ત્રીઓ કસુવાવડની વેદના સહે છે.
તેમ જ ઘણી સ્ત્રીઓને મરેલું બાળક જન્મે છે. આવી માનું દુઃખ કોણ સમજી શકે? તે જિંદગીભર એને ભૂલી શકતી નથી. દાખલા તરીકે, વરોનિકાની કરુણ કહાની સાંભળો. તેને ઘણી વાર કસુવાવડ થઈ ગઈ. એક વખતે તો બાળક નવમા મહિના સુધી જીવતું હતું. પરંતુ, છેલ્લાં બે અઠવાડિયાં તે ન હાલ્યું ન ચાલ્યું. જન્મ વખતે તેનું વજન ૬ કિલો હતું, પણ તે મરેલું હતું. વરોનિકા કહે છે: ‘મરેલા બાળકને જન્મ આપવો, ઝેરનો કટોરો પીવા જેવું છે.’
દુઃખની વાત એ છે કે ઘણી વાર એક સ્ત્રી, બીજી સ્ત્રીનું દુઃખ સમજી શકતી નથી. એક સ્ત્રીએ કસુવાવડ થયા પછી કહ્યું: ‘હવે મારી આંખો ખુલી કે મારી સખીઓ પર શું વીત્યું હશે. પહેલાં હું તેઓનું દુઃખ-દર્દ સમજી શકતી ન હતી. પણ હવે હું બીજાઓ પાસેથી હમદર્દી ચાહું છું. એ ખરેખર મારું દિલ ચીરી નાખે છે.’
બીજી એક મુશ્કેલી એ થઈ શકે કે માને જેટલું દુઃખ થાય છે, એટલું જ પિતાને ન પણ થાય. એક પત્ની કહે છે: ‘હું મારા પતિથી ખૂબ જ નારાજ હતી. તે જાણે દાઝેલા પર ડામ આપતા હતા. તેમને મન તો જાણે કંઈ થયું જ ન હતું. તે મને દિલાસો આપવા માંગતા હતા, પણ તે મારું દુઃખ સમજી શકતા ન હતા.’
જોકે એવું નથી કે પિતાને બાળક માટે કોઈ લાગણી જ હોતી નથી. પરંતુ, બાળક માના પેટમાં હોવાથી, બાળક સાથે તેનું બંધન વધારે હોય છે. જો પતિ પોતાની લાગણી છુપાવે, તો પત્નીને લાગશે કે તેમને કંઈ દુઃખ થતું જ નથી. એટલે પતિઓ, તમારી લાગણી છુપાવતા નહિ, દિલ ખોલીને વાત કરો. આવા સમયે તમને એકબીજાના સાથની બહુ જ જરૂર છે.
[પાન ૧૨ પર બોક્સ]
ફૂલ ખીલ્યા પહેલાં જ કરમાઈ જાય ત્યારે
કોઈ બાળક ઊંઘમાં જ મરણ પામે, એને સિડ્સ (SIDS) કહેવાય છે. બાળકનું અચાનક મરણ થાય તો, કોઈ પણ કુટુંબ પર દુઃખના ડુંગર તૂટી પડશે. કયાં માબાપ સહી શકે કે પોતાનું ફૂલ જેવું બાળક ખીલ્યા પહેલાં જ કરમાઈ જાય? ખરેખર, માના જીવનમાં ખુશીનો સૂરજ લાવનાર બાળકનું મોત, માનું જીવન અંધેર બનાવી દે છે.
આવું બને ત્યારે, અમુક માબાપ પોતાને જ માથે દોષનો ટોપલો ચઢાવી લે છે. તેઓને એવું લાગે છે કે, ‘જો મેં વધારે ધ્યાન રાખ્યું હોત તો . . .’ b અરે, કેટલીક વાર તો પતિ પત્નીનો વાંક કાઢે છે: ‘હું નોકરીએ ગયો ત્યારે તો તે કેવો હસતો રમતો હતો. એવું તો કંઈ બને કે સૂતા સૂતા જ છોકરું મરી જાય? તું ક્યાં હતી?’ પતિ-પત્નીએ આવી શંકા કરવાને બદલે, ખુલ્લા મને વાત કરી લેવી જોઈએ. નહિ તો ઊધઈની માફક શંકા લગ્ન જીવનને કોરી ખાય શકે છે.
કોઈના પણ જીવનમાં આવું બને તો જીવન કડવું ઝેર બની શકે. બાઇબલ જણાવે છે: “વળી પાછું મેં પૃથ્વી પર જોયું કે હંમેશાં ઝડપી માણસ જ દોડમાં કે શક્તિશાળી માણસ યુદ્ધમાં જીતે એવું નથી; ઘણી વાર જ્ઞાની ગરીબો હોય છે, અને શાણા હંમેશાં પ્રખ્યાત નથી હોતા.” હા, આપણા પર કોઈ પણ સમયે આફત આવી શકે છે.—ઉપદેશક ૯:૧૧, IBSI.
કોઈ કુટુંબ આ રીતે બાળક ગુમાવી બેસે ત્યારે, સગાં-વહાલાં શું કરી શકે? એક દુઃખી મા કહે છે: “મારી એક સખીએ આવીને મારા ઘરમાં સાફ-સૂફી કરી. બીજી સખીઓએ અમારા માટે ખાવાનું રાંધ્યું. અમુકે આવીને કંઈ બોલ-બોલ ન કર્યું, પણ બસ મને ભેટી પડી! એનાથી મને ઘણી મદદ મળી. તેઓએ આવીને મને પૂછ પૂછ ન કર્યું કે કઈ રીતે મારું બાળક ગુજરી ગયું. તેઓ જાણતી હતી કે મારા બાળકને બચાવવા મેં કંઈ પણ કર્યું હોત!”
[ફુટનોટ]
b એકથી છ મહિનાના તંદુરસ્ત બાળકનું અચાનક મરણ થઈ શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે બાળકને ચત્તા સુવાડવું કે પડખે સુવાડવું. પરંતુ તેને ઊંધું સુવાડવું નહિ. જોકે આવી સાવચેતી રાખવા છતાં, અમુક બાળકોનાં અચાનક મરણ થયાં છે.
[પાન ૮ પર ચિત્ર]
કોઈ સગું-વહાલું મરણ પામે ત્યારે રડવામાં કંઈ ખોટું નથી
[પાન ૧૧ પર ચિત્ર]
બાળકનું મરણ માબાપની ખુશીઓ ઝૂંટવી લે છે, પણ હમદર્દી બતાવવાથી ઘણી મદદ મળી શકે