સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧

ઈશ્વરની મદદથી લગ્નજીવન સુખી બનાવો

ઈશ્વરની મદદથી લગ્નજીવન સુખી બનાવો

‘જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં તેમણે તેઓને શરૂઆતથી નરનારી ઉત્પન્ન કર્યાં.’—માથ્થી ૧૯:૪

દુનિયામાં સૌપ્રથમ લગ્નની ગોઠવણ કરનાર યહોવા * ઈશ્વર હતા. બાઇબલ જણાવે છે કે તેમણે પહેલી સ્ત્રી બનાવી અને ‘માણસની પાસે લાવ્યા.’ આદમ એટલો ખુશ થઈ ગયો કે તેણે આમ કહ્યું: “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે.” (ઉત્પત્તિ ૨:૨૨, ૨૩) યહોવા આજે પણ ચાહે છે કે યુગલો ખુશ રહે.

ઘણાને લાગે છે કે લગ્ન કર્યા પછી સુખ જ સુખ હશે. પણ હકીકત અલગ હોય છે. પતિ-પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોય તોપણ, અમુક મુશ્કેલીઓ આવી શકે છે. (૧ કોરીંથી ૭:૨૮) આ પુસ્તિકામાં અમુક બાઇબલ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એને જીવનમાં લાગુ પાડવાથી લગ્નજીવન સુખી બની શકે છે.—ગીતશાસ્ત્ર ૧૯:૮-૧૧.

૧ યહોવાએ સોંપેલી જવાબદારી નિભાવો

બાઇબલ શું કહે છે? પતિ કુટુંબના વડા છે.—એફેસી ૫:૨૩.

પતિઓ, યહોવા ચાહે છે કે તમે તમારી પત્નીની દિલથી કાળજી રાખો. (૧ પીતર ૩:૭) ઈશ્વરે પત્નીને તમારી સહાયકારી બનાવી છે. તે ચાહે છે કે તમે તેની સાથે પ્રેમ અને માનથી વર્તો. (ઉત્પત્તિ ૨:૧૮) તમારી પત્નીને એ હદે પ્રેમ કરો કે પત્નીની ખુશીમાં જ તમારી ખુશી હોય.—એફેસી ૫:૨૫-૨૯.

પત્નીઓ, યહોવા ચાહે છે કે તમે તમારા પતિને ઊંડું માન આપો. તેમ જ, તેમને પોતાની જવાબદારી નિભાવવામાં મદદ કરો. (૧ કોરીંથી ૧૧:૩; એફેસી ૫:૩૩) તેમના નિર્ણયોને પૂરા દિલથી સાથ-સહકાર આપો. (કોલોસી ૩:૧૮) એમ કરશો તો, તમારા પતિ અને યહોવાની નજરમાં તમે માન પામશો.—૧ પીતર ૩:૧-૬.

તમે શું કરી શકો?

  • લગ્નસાથીને પૂછો કે સારા પતિ કે પત્ની બનવા તમે બીજું શું કરી શકો. તેમનું ધ્યાનથી સાંભળો અને જરૂરી સુધારા કરો

  • ધીરજ રાખો. એકબીજાને કઈ રીતે ખુશ રાખવા, એ શીખવામાં તમને બંનેને સમય લાગી શકે છે

૨ લગ્નસાથીની લાગણીઓ સમજો

બાઇબલ શું કહે છે? લગ્નસાથીની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખો. (ફિલિપી ૨:૩, ૪) તમારાં વાણી-વર્તનથી બતાવો કે જીવનસાથી તમારા માટે ખૂબ મહત્ત્વના છે. યાદ રાખો, યહોવા ચાહે છે કે તેમના ભક્તો ‘સર્વ સાથે માયાળુપણે’ વર્તે. (૨ તીમોથી ૨:૨૪) ‘વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે.’ તેથી, સમજી-વિચારીને બોલો. (નીતિવચનો ૧૨:૧૮) યહોવાની પવિત્ર શક્તિ તમને પ્રેમ અને મીઠાશથી વાત કરવા મદદ કરશે.—ગલાતી ૫:૨૨, ૨૩; કોલોસી ૪:૬.

તમે શું કરી શકો?

  • મહત્ત્વની બાબતો વિશે ચર્ચા કરતી વખતે શાંત રહેવા અને ખુલ્લું મન રાખવા પ્રાર્થનામાં મદદ માંગો

  • તમે શું કહેશો અને કઈ રીતે કહેશો, એનો પહેલેથી વિચાર કરો

૩ એક થઈને વિચારો

બાઇબલ શું કહે છે? લગ્ન કર્યા પછી તમે બંને “એક દેહ” બનો છો. (માથ્થી ૧૯:૫) પરંતુ, તમે બે અલગ અલગ વ્યક્તિઓ છો. તેથી, તમારા વિચારો કદાચ એકબીજાથી જુદા હશે. એટલે, વિચારો અને લાગણીઓમાં કઈ રીતે એક થવું, એ તમારે શીખવાની જરૂર છે. (ફિલિપી ૨:૨) નિર્ણયો લેવામાં એક મનના હોવું ખૂબ મહત્ત્વનું છે. બાઇબલ કહે છે: ‘સલાહ લેવાથી દરેક યોજના સફળ થાય છે.’ (નીતિવચનો ૨૦:૧૮) સાથે મળીને મહત્ત્વના નિર્ણયો લેવા બાઇબલનું માર્ગદર્શન સ્વીકારો.—નીતિવચનો ૮:૩૨, ૩૩.

તમે શું કરી શકો?

  • લગ્નસાથીને ફક્ત તમારા વિચારો કે માહિતી જ નહિ, તમારી લાગણીઓ પણ જણાવો

  • કંઈ પણ નક્કી કરતા પહેલાં લગ્નસાથી જોડે ચર્ચા કરો

^ ફકરો. 4 બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.