પ્રકરણ ૮૧
ઈસુ અને પિતા કઈ રીતે એક છે?
-
“હું અને પિતા એક છીએ”
-
ઈશ્વર હોવાના આરોપને ઈસુએ ખોટો સાબિત કર્યો
ઈસુ સમર્પણના તહેવાર (અથવા, હનુક્કાહ) માટે યરૂશાલેમ આવ્યા હતા. મંદિરને ફરીથી સમર્પણ કરવામાં આવ્યું, એની યાદમાં આ તહેવાર ઉજવાતો હતો. સોએક વર્ષો પહેલાં, સિરિયાના રાજા અંત્યોખસ ચોથા એપીફેન્સે ઈશ્વરના મંદિરમાં મહાન વેદી પર બીજી વેદી બાંધી હતી. પછીથી, યહુદી યાજકના પુત્રોએ યરૂશાલેમ પાછું મેળવ્યું અને મંદિર ફરીથી યહોવાને સમર્પિત કર્યું. ત્યારથી, કિસ્લેવ ૨૫ના રોજ દર વર્ષે આ ઉજવણી થાય છે. એ મહિનો નવેમ્બરના છેલ્લા ભાગમાં અને ડિસેમ્બરના શરૂઆતના ભાગમાં આવે છે.
એ શિયાળાની ૠતુ હતી. ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ચાલી રહ્યા હતા. ત્યાં યહુદીઓ તેમને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યા: “તું ક્યાં સુધી અમને અંધારામાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય, તો અમને સાફ-સાફ કહી દે.” (યોહાન ૧૦:૨૨-૨૪) ઈસુએ શું જવાબ આપ્યો? તેમણે કહ્યું: “મેં તમને જણાવ્યું અને છતાં તમે મારું માનતા નથી.” ઈસુએ તેઓને સીધેસીધું ન જણાવ્યું કે પોતે ખ્રિસ્ત છે, જેમ તેમણે કૂવા પાસે સમરૂની સ્ત્રીને જણાવ્યું હતું. (યોહાન ૪:૨૫, ૨૬) પણ, તેમણે પોતાની સાચી ઓળખ જાહેર કરતા કહ્યું: “ઈબ્રાહીમનો જન્મ થયો એ પહેલાંથી હું છું.”—યોહાન ૮:૫૮.
ખ્રિસ્ત કેવાં કામો કરશે, એ વિશે ભવિષ્યવાણી થઈ હતી. ઈસુ ચાહતા હતા કે લોકો એ ભવિષ્યવાણી સાથે તેમનાં કામોને સરખાવે અને પોતે એ નિર્ણય પર આવે કે ઈસુ એ ખ્રિસ્ત છે. એટલે જ, તેમણે બીજા પ્રસંગોએ શિષ્યોને કહ્યું હતું કે પોતે મસીહ છે, એ વિશે કોઈને જણાવે નહિ. પણ, ગુસ્સે થયેલા યહુદીઓને તેમણે હવે સીધેસીધું કહ્યું: “મારા પિતાના નામે હું જે કામો કરું છું, એ કામો મારા વિશે સાક્ષી પૂરે છે. પરંતુ, તમે માનતા નથી.”—યોહાન ૧૦:૨૫, ૨૬.
તેઓ શા માટે માનતા ન હતા કે, ઈસુ એ જ ખ્રિસ્ત છે? તેમણે કહ્યું: “તમે માનતા નથી, કારણ કે તમે મારાં ઘેટાં નથી. મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે અને હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ પાછળ ચાલે છે. હું તેઓને હંમેશ માટેનું જીવન આપું છું. તેઓનો કદી નાશ થશે નહિ અને તેઓને મારા હાથમાંથી કોઈ છીનવી લેશે નહિ. મારા પિતાએ મને જે ઘેટાં આપ્યાં છે એ બીજી બધી વસ્તુઓ કરતાં વધારે કીમતી છે.” પછી, પિતા સાથે પોતાનો સંબંધ કેટલો પાકો છે, એ જણાવતા ઈસુએ તેઓને કહ્યું: “હું અને પિતા એક છીએ.” (યોહાન ૧૦:૨૬-૩૦) ઈસુ અહીં પૃથ્વી પર હતા અને તેમના પિતા સ્વર્ગમાં હતા. એટલે, તે એમ કહેતા ન હતા કે, તે અને તેમના પિતા એક જ વ્યક્તિ છે. પણ, તે કહેવા માંગતા હતા કે તેઓ એકતામાં છે, તેઓના વિચારો એકસરખા છે.
ઈસુની વાત સાંભળીને યહુદીઓનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો, તેઓએ તેમને મારી નાખવા ફરીથી પથ્થર ઉપાડ્યા. ઈસુ એનાથી ડર્યા નહિ. તેમણે કહ્યું: “મારા પિતા તરફથી મેં તમારી આગળ ઘણાં સારાં કામો કરી બતાવ્યાં છે. એમાંનાં કયાં કામ માટે તમે મને પથ્થર મારો છો?” તેઓએ જવાબ આપ્યો: “તારા કોઈ સારા કામ માટે નહિ, પણ તેં ઈશ્વરની નિંદા કરી એ માટે પથ્થર મારીએ છીએ; કેમ કે તું . . . પોતાને ઈશ્વર માને છે.” (યોહાન ૧૦:૩૧-૩૩) ઈસુએ ક્યારેય ઈશ્વર હોવાનો દાવો કર્યો ન હતો, તો પછી તેમના પર આવો આરોપ કેમ લાગ્યો?
ઈસુએ જણાવ્યું હતું કે, પોતાની પાસે અદ્ભુત કામો કરવાની શક્તિ છે. યહુદીઓ માનતા હતા કે આવી શક્તિ ફક્ત ઈશ્વર પાસે જ હોય. દાખલા તરીકે, “ઘેટાં” વિશે ઈસુએ કહ્યું હતું: “હું તેઓને હંમેશ માટેનું જીવન આપું છું.” એવું તો કોઈ માણસ કરી ન શકે. (યોહાન ૧૦:૨૮) ઈસુએ જાહેરમાં કબૂલ કર્યું હતું કે, તેમને પિતા તરફથી એ અધિકાર મળ્યો છે. પણ, યહુદીઓ એ વાતને નજરઅંદાજ કરતા હતા.
તેઓના ખોટા આરોપોને વખોડતા ઈસુએ કહ્યું: “શું તમારા નિયમશાસ્ત્રમાં [ગીતશાસ્ત્ર ૮૨:૬માં] આમ લખેલું નથી, ‘મેં કહ્યું: “તમે ઈશ્વર છો”’? જો ઈશ્વર એ લોકોને ‘ઈશ્વર’ કહેતા હોય, જેઓને શાસ્ત્રવચન દોષિત ઠરાવે છે . . . તો પછી, હું તો એ છું જેને ઈશ્વરે પવિત્ર કર્યો છે અને દુનિયામાં મોકલ્યો છે; જ્યારે મેં કહ્યું, ‘હું ઈશ્વરનો દીકરો છું’ ત્યારે તમે મને કેમ કહો છો કે, ‘તું ઈશ્વરની નિંદા કરે છે’?”—યોહાન ૧૦:૩૪-૩૬.
શાસ્ત્રવચનો અન્યાયી ન્યાયાધીશોને પણ “ઈશ્વર” કહે છે. તો પછી, “હું ઈશ્વરનો દીકરો છું” એમ કહેવા બદલ યહુદીઓ કઈ રીતે ઈસુનો વાંક કાઢી શકે? પછી, ઈસુએ એવું કંઈક કહ્યું, જેનાથી તેઓને ખાતરી થવી જોઈતી હતી: “જો હું મારા પિતાનાં કામો કરતો ન હોઉં, તો તમે મારું માનતા નહિ. પણ, જો હું એ કામો કરતો હોઉં, તો ભલે તમે મારું ન માનો, એ યોહાન ૧૦:૩૭, ૩૮.
કામોને તો માનો; એ માટે કે તમે જાણો અને સારી રીતે સમજો કે પિતા મારી સાથે એકતામાં છે અને હું પિતાની સાથે એકતામાં છું.”—એટલે, યહુદીઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે ફરીથી છટકી ગયા. તે યરૂશાલેમથી નીકળી ગયા અને યરદન નદી પાર કરીને એ વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં ચારેક વર્ષ પહેલાં યોહાને બાપ્તિસ્મા આપવાનું શરૂ કર્યું હતું. એ વિસ્તાર ગાલીલ સરોવરના દક્ષિણ કિનારાથી બહુ દૂર ન હતો.
ઈસુ પાસે ટોળું આવ્યું અને કહ્યું: “યોહાને એક પણ ચમત્કાર કર્યો ન હતો, પણ યોહાને આ માણસ વિશે જે કંઈ કહ્યું હતું એ બધું સાચું છે.” (યોહાન ૧૦:૪૧) આમ, ઘણા યહુદીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી.