માર્ગ, સત્ય, જીવન
તમને ખુશખબર સાંભળવી ચોક્કસ ગમતી હશે. તમારા માટે અને તમારાં સગાં-વહાલાં માટે એક સરસ ખુશખબર છે.
એ ખુશખબર બાઇબલમાં છે, જે સૃષ્ટિના સર્જનહાર, યહોવા ઈશ્વરે વર્ષો પહેલાં લખાવી લીધું હતું. આ પુસ્તકમાં બાઇબલનાં ચાર પુસ્તકો વિશે જોઈશું, જેઓમાં આપણા બધા માટે સરસ ખુશખબર છે. ઈશ્વરે જેઓ દ્વારા એ પુસ્તકો લખાવ્યાં હતાં, તેઓના નામથી જ એ પુસ્તકો ઓળખાય છે—માથ્થી, માર્ક, લુક અને યોહાન.
ઘણા લોકો એ ચાર અહેવાલોને ચાર સુવાર્તાઓ કહે છે. એ ચારેય સુવાર્તાઓ કે ખુશખબર ઈસુ વિશે જણાવે છે, જેમના દ્વારા ઈશ્વર મનુષ્યોનો ઉદ્ધાર કરશે. ઈશ્વરના રાજ્યના રાજા તરીકે, ઈસુ શ્રદ્ધા રાખનારા સર્વ પર કાયમ ટકનારા આશીર્વાદો વરસાવશે.—માર્ક ૧૦:૧૭, ૩૦; ૧૩:૧૩.
કેમ ચાર ખુશખબર?
તમને થશે કે ઈસુનાં જીવન અને શિક્ષણ વિશે ઈશ્વરે કેમ ચાર અહેવાલો લખવાની પ્રેરણા આપી.
ઈસુએ જે કહ્યું અને કર્યું, એ વિશેના અલગ અલગ અહેવાલો હોવાના ઘણા ફાયદા છે. દાખલા તરીકે, વિચાર કરો કે ચાર માણસો એક જાણીતા શિક્ષકની આજુબાજુ ઊભા છે. શિક્ષકની સામે ઊભેલા માણસની કર ભરવાની કચેરી છે. જમણી બાજુ ઊભેલા માણસ વૈદ છે. ડાબી બાજુથી માછીમાર સાંભળે છે, જે શિક્ષકના જિગરી દોસ્ત છે. ચોથા માણસ પાછળ ઊભા રહીને બધું સાંભળે છે, જે બીજા બધાથી નાના છે. ચારેય માણસો પ્રમાણિક છે અને દરેકનું ધ્યાન અલગ અલગ પાસામાં લાગેલું છે. એ દરેક જો શિક્ષકની વાતો અને તેમનાં કામો વિશે લખે, તો ચારેય અહેવાલોમાં અલગ અલગ માહિતી અને બનાવો જોવા મળી શકે. તેઓના વિચારો કે હેતુ અલગ અલગ હતા, એ ધ્યાનમાં રાખીને ચારે અહેવાલો જોઈએ તો શિક્ષકે શું કહ્યું અને કર્યું એનું આખું ચિત્ર જોઈ શકીએ. એ બતાવે છે કે મહાન શિક્ષકના જીવન વિશેના ચાર અલગ અલગ અહેવાલોમાંથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે.
ફરીથી એ દાખલાનો વિચાર કરો. કર ઉઘરાવનાર માણસ યહુદી લોકોને ધ્યાનમાં રાખીને લખે છે. એટલે,
તે શિક્ષકના અમુક શિક્ષણને અને બનાવોને ભેગા કરીને એ રીતે લખે છે, જેથી તેમના વાચકોને રસ જાગે. વૈદ એવી બાબતો પર ભાર મૂકે છે, જે બીમાર અને અપંગ લોકોને સાજા કરવા વિશે હોય. તેથી, તેમણે એવી અમુક માહિતીનો સમાવેશ નથી કર્યો, જે કર ઉઘરાવનાર માણસે લખી છે. શિક્ષકની લાગણીઓ અને તેમના સ્વભાવ વિશે તેમનો જિગરી દોસ્ત ધ્યાન ખેંચે છે. યુવાન માણસ ટૂંકોટચ અહેવાલ લખે છે. તોપણ, દરેક માણસના અહેવાલો એકદમ સાચા છે. એ સારી રીતે પુરાવો આપે છે કે ઈસુના જીવનના ચાર અહેવાલો કઈ રીતે તેમનાં કાર્યો, શિક્ષણ અને સ્વભાવ વિશેની આપણી સમજણમાં વધારો કરે છે.લોકો ‘માથ્થીની સુવાર્તા’ અને ‘યોહાનની સુવાર્તા’ એવું કહે છે. એમ કહેવું ખોટું નથી, કેમ કે એ દરેકમાં ‘ઈસુ ખ્રિસ્ત વિશે ખુશખબર’ છે. (માર્ક ૧:૧) આમ જોવા જઈએ તો ઈસુ વિશે એક જ સુવાર્તા કે ખુશખબર છે, જે ચાર અહેવાલોમાં જોવા મળે છે.
બાઇબલ વિશે શીખનારા ઘણા લોકોએ માથ્થી, માર્ક, લુક અને યોહાનનાં બનાવો અને હકીકતોને ભેગાં કરીને સરખાવ્યાં છે. આશરે ઈસવીસન ૧૭૦માં, સિરિયાના લેખક ટેશિયને એમ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે એ ચાર પુસ્તકોને એકદમ સાચા અને ઈશ્વરની પ્રેરણાથી લખાયેલાં ગણ્યાં. તેમણે ઈસુનાં જીવન અને સેવાકાર્યનો ભેગો કરેલો અહેવાલ લખ્યો, જેને ડાએટેસ્સારોન કહેવાય છે.
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન પુસ્તક પણ એવું જ કરે છે, પણ એ વધારે ચોકસાઈભરેલું છે અને પૂરેપૂરી માહિતી આપે છે. એ શક્ય છે, કેમ કે હવે આપણે ઈસુ વિશે પૂરી થયેલી ઘણી ભવિષ્યવાણીઓ અને તેમનાં ઉદાહરણો સારી રીતે સમજી શકીએ છીએ. એ સમજણને લીધે, ઈસુએ જે કહ્યું અને કર્યું તેમજ જે ક્રમમાં બનાવો બન્યા, એ વધારે સ્પષ્ટ થાય છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓની શોધખોળને લીધે અમુક માહિતી અને લેખકોના વિચારો પર પ્રકાશ પડ્યો છે. જોકે, દરેક બનાવોના ક્રમ વિશે કોઈ એવો દાવો ન કરી શકે કે પોતાનું કહેવું જ સાચું છે. ઈસુ—માર્ગ, સત્ય અને જીવન પુસ્તક વાજબી અને સમજી શકાય એવી રજૂઆત કરે છે.
માર્ગ, સત્ય અને જીવન
આ પુસ્તક વાંચવાનો આનંદ માણો તેમ, તમારા માટે અને તમારાં સગાં-વહાલાં માટે ખાસ સંદેશો રહેલો છે, એ ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કરો. ઈસુ ખ્રિસ્તે પ્રેરિત થોમાને કહેલા આ શબ્દો યાદ કરો: “માર્ગ અને સત્ય અને જીવન હું છું. મારા વગર પિતા પાસે કોઈ જઈ શકતું નથી.”—યોહાન ૧૪:૬.
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન પુસ્તક તમને એ સમજવા મદદ કરશે કે સાચે જ ઈસુ “માર્ગ” છે. એકલા તેમના દ્વારા જ આપણે યહોવા ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ. એટલું જ નહિ, ઈસુ દ્વારા જ આપણે ઈશ્વર સાથે સુલેહ કરી શકીએ છીએ. (યોહાન ૧૬:૨૩; રોમનો ૫:૮) ફક્ત ઈસુ દ્વારા જ આપણે ઈશ્વર સાથે પાકો નાતો બાંધી શકીએ છીએ.
ઈસુ “સત્ય” છે. તે સત્ય બોલ્યા અને એ પ્રમાણે જીવ્યા, જાણે સત્ય તેમની રગેરગમાં હતું. ‘ઈસુના દ્વારા ઘણી ભવિષ્યવાણીઓ “હા”’ એટલે કે પૂરી થઈ છે. (૨ કોરીંથીઓ ૧:૨૦; યોહાન ૧:૧૪) ઈશ્વરનો હેતુ પૂરો કરવામાં તેમણે જે મુખ્ય ભાગ ભજવ્યો, એ સમજવા એવી ભવિષ્યવાણીઓ મદદ કરે છે.—પ્રકટીકરણ ૧૯:૧૦.
ઈસુ “જીવન” છે. તેમણે પોતાના સંપૂર્ણ જીવનનું બલિદાન આપીને, લોહી વહેવડાવીને આપણા માટે ‘ખરું જીવન’, એટલે કે ‘હંમેશ માટેનું જીવન’ મેળવવું શક્ય બનાવ્યું છે. (૧ તિમોથી ૬:૧૨, ૧૯; એફેસીઓ ૧:૭; ૧ યોહાન ૧:૭) ગુજરી ગયેલા લાખો લોકો માટે પણ તે “જીવન” સાબિત થશે. તેઓને ફરીથી જીવતા કરવામાં આવશે અને જીવનના બાગમાં હંમેશ માટેના જીવનની આશા મળશે.—યોહાન ૫:૨૮, ૨૯.
ઈશ્વરના હેતુમાં ઈસુએ કેવો ભાગ ભજવ્યો છે, એની આપણે દરેકે કદર કરવાની જરૂર છે. ઈસુ “માર્ગ અને સત્ય અને જીવન” છે, તેમના વિશે વધારે શીખવાનો તમે આનંદ માણો એવી અમારી પ્રાર્થના છે.