સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૪૦

ઈસુ માફી આપવાનું શીખવે છે

ઈસુ માફી આપવાનું શીખવે છે

લુક ૭:૩૬-૫૦

  • ઈસુના પગ પર પાપી સ્ત્રી તેલ લગાવે છે

  • દેવાદારના ઉદાહરણથી ઈસુ માફી આપવાનું શીખવે છે

ઈસુનાં શિક્ષણ અને કામોની લોકો પર કેવી અસર પડી? એનો આધાર લોકોના દિલ પર હતો. ગાલીલના એક ઘરમાં એનો દાખલો જોવા મળ્યો. સિમોન નામના ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા, જેથી તે આવા ચમત્કારો કરનારને સારી રીતે ઓળખી શકે. ઈસુએ ત્યાં હાજર રહેલાઓને પ્રચાર કરવા માટેની આ તક જોઈને આમંત્રણ સ્વીકાર્યું હશે. તેમણે આવા બીજા પ્રસંગોએ પણ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે જમવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું.

જોકે, મહેમાનોને જેવો આવકાર મળવો જોઈએ, એવો ઈસુને મળ્યો નહિ. પેલેસ્તાઈનના ધૂળિયા રસ્તાઓ પર, ચંપલ પહેરવાથી પગ તપીને ધૂળથી ગંદા થઈ જતા. એટલે, મહેમાનોના પગ ઠંડા પાણીથી ધોવાનો રિવાજ હતો. ઈસુ માટે એમ કરવામાં આવ્યું ન હતું. તેમ જ, રિવાજ પ્રમાણે તેમને આવકાર માટે ચુંબન પણ આપવામાં આવ્યું ન હતું. પ્રેમ અને મહેમાનગતિ બતાવવા મહેમાનના માથા પર તેલ લગાડવાનો રિવાજ પણ હતો. ઈસુ માટે એ પણ કરવામાં ન આવ્યું. તો પછી, શું ઈસુને મહેમાન તરીકે ત્યાં કોઈ આવકાર મળ્યો કહેવાય?

મહેમાનો મેજની આસપાસ ગોઠવાયા અને ભોજનની શરૂઆત થઈ. તેઓ જમતા હતા એવામાં એક સ્ત્રી ચૂપચાપ ભોજનખંડમાં આવી, જેને આમંત્રણ ન હતું. તે સ્ત્રી “એ શહેરમાં પાપી તરીકે જાણીતી” હતી. (લુક ૭:૩૭) બધા જ મનુષ્યો પાપી છે, પણ આ સ્ત્રી કદાચ વેશ્યા હોવાથી વ્યભિચારી જીવન જીવતી હતી. તેણે ઈસુના શિક્ષણ વિશે સાંભળ્યું હશે, જેમાં તેમનું આ આમંત્રણ પણ હતું: ‘બોજથી દબાયેલાઓ, તમે બધા વિસામો પામવા મારી પાસે આવો.’ (માથ્થી ૧૧:૨૮, ૨૯) ઈસુનાં શિક્ષણ અને કામોથી પ્રભાવિત થઈને તેણે તેમને શોધી કાઢ્યા.

એ સ્ત્રી જમવા બેઠેલા ઈસુની પાછળ આવી અને તેમના પગ પાસે ઘૂંટણે પડી. તેની આંખોમાંથી વહેતાં આંસુ ઈસુના પગ પર પડ્યાં; સ્ત્રીએ પોતાના વાળથી તેમના પગ લૂછ્યા. તેમના પગ પર તેણે કોમળતાથી ચુંબન કર્યું; એના પર તે પોતાની સાથે લાવી હતી એ સુગંધી તેલ લગાડ્યું. સિમોન એ જોતો હતો, તેને એ ગમ્યું નહિ. તેણે વિચાર્યું: “જો આ માણસ ખરેખર પ્રબોધક હોત, તો તે જાણતો હોત કે તેમને અડકનાર સ્ત્રી કોણ છે અને કેવી છે, એટલે કે તે પાપી છે.”—લુક ૭:૩૯.

સિમોનના વિચારો જાણીને ઈસુએ કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે જવાબ આપ્યો: “ઉપદેશક, કહો!” ઈસુએ જણાવ્યું: “એક લેણદારને બે દેવાદાર હતા; એકનું ૫૦૦ દીનારનું દેવું હતું અને બીજાનું ૫૦ દીનાર. તેઓ પાસે તેને ચૂકવવા કંઈ ન હતું, તેથી તેણે ઉદારતાથી તેઓ બંનેનું દેવું માફ કર્યું. એટલે, તેઓમાંથી કોણ તેને વધારે પ્રેમ કરશે?” કદાચ બહુ ધ્યાન ન આપતા સિમોને જવાબ આપ્યો: “મને લાગે છે કે, જેનું વધારે દેવું માફ થયું તે.”—લુક ૭:૪૦-૪૩.

ઈસુ સહમત થયા. પછી, પેલી સ્ત્રી તરફ જોઈને તેમણે સિમોનને કહ્યું: “તું આ સ્ત્રીને જુએ છે? હું તારા ઘરે આવ્યો ત્યારે પગ ધોવા તેં મને પાણી ન આપ્યું. પણ, આ સ્ત્રીએ તેનાં આંસુઓથી મારા પગ ધોયા અને પોતાના વાળથી એને લૂછ્યા. તેં મને આવકાર આપવા ચુંબન ન કર્યું, પણ હું આવ્યો ત્યારથી આ સ્ત્રીએ મારા પગને ચૂમવાનું બંધ કર્યું નથી. તેં મારા માથા પર તેલ ન લગાડ્યું, પણ આ સ્ત્રીએ મારા પગ પર સુગંધી તેલ લગાડ્યું છે.” ઈસુ જોઈ શકતા હતા કે એ સ્ત્રી પોતાના પાપી જીવનને કારણે દિલથી કરેલા પસ્તાવાનો પુરાવો આપતી હતી. તેથી, ઈસુએ અંતે સિમોનને કહ્યું: “હું તને કહું છું, ભલે તેનાં પાપ ઘણાં છે છતાં એ માફ કરાયાં છે, કેમ કે તેણે વધારે પ્રેમ બતાવ્યો છે. પણ, જેનાં થોડાં પાપ માફ કરાયાં છે તે થોડો પ્રેમ બતાવે છે.”—લુક ૭:૪૪-૪૭.

એ સ્ત્રીના વ્યભિચારી જીવન વિશે ઈસુ આંખ આડા કાન કરતા ન હતા. પરંતુ, તે એવા લોકોને પ્રેમ અને સમજદારી બતાવતા હતા, જેઓએ મોટાં પાપ તો કર્યા હતા, પણ પછી દિલથી પસ્તાવો બતાવ્યો અને રાહત માટે ખ્રિસ્ત તરફ ફર્યા. ઈસુના આ શબ્દોથી એ સ્ત્રીને કેટલી રાહત થઈ હશે: “તારાં પાપ માફ કરાયાં છે. . . . તારી શ્રદ્ધાએ તને બચાવી છે; શાંતિથી જા.”—લુક ૭:૪૮, ૫૦.