સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૦૧

બેથનિયામાં સિમોનને ઘરે ભોજન

બેથનિયામાં સિમોનને ઘરે ભોજન

માથ્થી ૨૬:૬-૧૩ માર્ક ૧૪:૩-૯ યોહાન ૧૧:૫૫–૧૨:૧૧

  • યરૂશાલેમ નજીક બેથનિયામાં ઈસુ પાછા આવે છે

  • ઈસુ પર મરિયમ સુગંધી તેલ રેડે છે

ઈસુ યરીખો છોડીને બેથનિયા ગયા. એ મુસાફરી સહેલી ન હતી, કેમ કે એમાં પહાડી વિસ્તાર ચઢીને લગભગ ૨૦ કિલોમીટર લાંબો રસ્તો કાપવાનો હતો. યરીખો દરિયાઈ સપાટીથી આશરે ૨૫૦ મીટર નીચે અને બેથનિયા દરિયાઈ સપાટીથી આશરે ૬૧૦ મીટર ઊંચાઈએ આવેલું હતું. લાજરસ અને તેની બે બહેનો બેથનિયામાં રહેતા હતા. એ નાનકડું ગામ યરૂશાલેમથી ત્રણેક કિલોમીટર દૂર, જૈતૂન પહાડના ઢોળાવ પર વસેલું હતું.

પાસ્ખાનો તહેવાર ઊજવવા ઘણા યહુદીઓ યરૂશાલેમ આવ્યા હતા. કદાચ ભૂલથી શબને અડ્યા હોય અથવા અશુદ્ધ બનાવે એવું કંઈક કર્યું હોય તો, “નિયમ પ્રમાણે પોતાને શુદ્ધ કરવા” માટે તેઓ વહેલા આવ્યા હતા. (યોહાન ૧૧:૫૫; ગણના ૯:૬-૧૦) તેઓમાંથી અમુક લોકો મંદિરમાં ભેગા થયા હતા. ઈસુ પાસ્ખા વખતે મંદિરમાં આવશે કે નહિ, એ વિશે તેઓ અનુમાન લગાવતા હતા.—યોહાન ૧૧:૫૬.

ઈસુ વિશે ઘણો વાદવિવાદ ચાલતો હતો. અમુક ધર્મગુરુઓ તેમને પકડીને મોતને ઘાટ ઉતારવા માંગતા હતા. અરે, તેઓએ હુકમ બહાર પાડ્યો હતો કે ઈસુ ક્યાં છે એ વિશે કોઈને જાણ થાય તો, એની ખબર આપવી “જેથી તેઓ ઈસુને પકડી શકે.” (યોહાન ૧૧:૫૭) ઈસુએ લાજરસને સજીવન કર્યો એ પછી, આ ધર્મગુરુઓએ ઈસુને મારી નાખવાની કોશિશ પણ કરી હતી. (યોહાન ૧૧:૪૯-૫૩) એટલે જ, ઈસુ જાહેરમાં દેખા દેશે કે નહિ, એ વિશે અમુક હજુ શંકા કરતા હતા.

“પાસ્ખાનો તહેવાર શરૂ થાય એના છ દિવસ પહેલાં,” ઈસુ શુક્રવારે બેથનિયામાં આવ્યા. (યોહાન ૧૨:૧) નવો દિવસ (સાબ્બાથ, નીસાન ૮) સૂર્ય આથમે પછી શરૂ થતો હતો. એટલે, ઈસુએ પોતાની મુસાફરી સાબ્બાથ પહેલાં પૂરી કરી. તે સાબ્બાથના દિવસે, એટલે કે શુક્રવાર સૂર્યાસ્તથી શનિવાર સૂર્યાસ્ત સુધી યરીખોથી મુસાફરી કરી શકતા ન હતા. યહુદી નિયમ એવી મુસાફરીની મના કરતો હતો. એટલે, અગાઉની જેમ આ વખતે પણ ઈસુ લાજરસના ઘરે ગયા.

સિમોન પણ બેથનિયામાં રહેતો હતો. તેણે ઈસુને, તેમના સાથીઓને અને લાજરસને શનિવારે સાંજે ભોજન માટે બોલાવ્યા. સિમોનને અગાઉ રક્તપિત્ત હતો અને ઈસુએ તેને સાજો કર્યો હતો. ત્યાં માર્થા હંમેશની જેમ બધા મહેમાનોની પરોણાગત કરી રહી હતી. મરિયમ ખાસ કરીને ઈસુ તરફ ધ્યાન આપી રહી હતી. પછી, તેણે જે કર્યું એને લીધે વાદવિવાદ શરૂ થયો.

મરિયમે સંગેમરમરની શીશી ખોલી, એમાં આશરે ‘૩૦૦ ગ્રામ સુગંધી તેલ, અસલ જટામાંસીનું તેલ’ હતું. (યોહાન ૧૨:૩) એ ખૂબ જ કીમતી તેલ હતું. એનું મૂલ્ય (૩૦૦ દીનાર) આશરે એક વર્ષના વેતન જેટલું થાય! મરિયમે એ તેલ ઈસુના માથા પર અને તેમના પગ પર રેડ્યું. પછી તેણે પોતાના વાળથી તેમના પગ લૂછ્યા. તેલની ખૂશબુથી આખું ઘર મહેકી ઊઠ્યું.

એ જોઈને શિષ્યો ગુસ્સે થયા અને કહ્યું: “આ સુગંધી તેલનો બગાડ શા માટે કર્યો?” (માર્ક ૧૪:૪) યહુદા ઇસ્કારિયોતે વાંધો ઉઠાવતા કહ્યું: “આ સુગંધી તેલ ૩૦૦ દીનારમાં વેચીને એ પૈસા ગરીબોને કેમ ન આપ્યા?” (યોહાન ૧૨:૫) યહુદાને કંઈ ગરીબોની ચિંતા ન હતી. તે તો શિષ્યો માટે જે પૈસાની પેટી સાચવતો હતો, એમાંથી ચોરી કરતો હતો.

ઈસુએ મરિયમનો બચાવ કરતા કહ્યું: “તમે આ સ્ત્રીને કેમ હેરાન કરો છો? તેણે મારા માટે બહુ સારું કામ કર્યું છે. ગરીબો તો કાયમ તમારી સાથે હશે, પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં. જ્યારે તેણે મારા શરીર પર આ સુગંધી તેલ લગાડ્યું, ત્યારે તેણે મારા દફનની તૈયારી માટે એ કર્યું. હું તમને સાચે જ કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”—માથ્થી ૨૬:૧૦-૧૩.

ઈસુ બેથનિયા આવ્યા, એને એક દિવસથી ઉપર થઈ ગયું હતું. ઈસુ ત્યાં હતા એની ખબર બધે ફેલાઈ ગઈ. ઘણા યહુદીઓ સિમોનને ઘરે આવ્યા, ઈસુને લીધે જ નહિ, લાજરસને જોવા પણ આવ્યા, “જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો.” (યોહાન ૧૨:૯) એટલે, મુખ્ય યાજકોએ ઈસુ અને લાજરસને મારી નાખવા મસલત કરી. એ ધર્મગુરુઓને લાગતું હતું કે લાજરસને સજીવન કરવામાં આવ્યો હોવાથી ઘણા લોકો ઈસુમાં શ્રદ્ધા મૂકતા હતા. એ ધર્મગુરુઓ કેટલા દુષ્ટ હતા!