પાઠ ૧૩
ધર્મોનું શું થશે?
૧. શું બધા ધર્મો સારા છે?
બધા ધર્મોમાં એવા લોકો છે, જેઓ સાચે જ ઈશ્વરની દિલથી ભક્તિ કરવા માંગે છે. ઈશ્વર એવા લોકોને જુએ છે અને તેઓની સંભાળ રાખે છે, એ સાચે જ ખુશખબર છે. પણ દુઃખની વાત છે કે ધર્મના નામે દુષ્ટ કામો કરવામાં આવે છે. (૨ કોરીંથી ૪:૩, ૪; ૧૧:૧૩-૧૫) સમાચારો જણાવે છે તેમ, અમુક ધર્મો તો આતંકવાદ, કત્લેઆમ અને યુદ્ધોમાં ભાગ લે છે. બાળકો પર અત્યાચાર અને જાતીય શોષણ પણ કરે છે. આ જોઈને નેકદિલ લોકોને કેટલું દુઃખ થાય છે!—માથ્થી ૨૪:૩-૫, ૧૧, ૧૨ વાંચો.
સાચો ધર્મ ઈશ્વરને મહિમા આપે છે, જ્યારે કે જૂઠા ધર્મો તેમને નાખુશ કરે છે. જૂઠો ધર્મ બાઇબલ વિરુદ્ધ શીખવે છે. એ ઈશ્વર અને ગુજરી ગયેલાઓ વિષે ખોટું શિક્ષણ ફેલાવે છે. પણ યહોવા ચાહે છે કે લોકો તેમના વિષે સત્ય જાણે.—હઝકીએલ ૧૮:૪; ૧ તીમોથી ૨:૩-૫ વાંચો.
૨. ધર્મોનું શું થશે?
ઈશ્વર એવા ધર્મોથી જરાય છેતરાતા નથી, જેઓ તેમને ભજવાનો દાવો કરે છે, પણ હકીકતમાં શેતાનની દુનિયાને ચાહે છે. (યાકૂબ ૪:૪) બાઇબલ બધા જ જૂઠા ધર્મોને “મહાન બાબેલોન” નામથી ઓળખાવે છે. નુહના જમાનામાં પાણીનો પ્રલય આવ્યો હતો. એ પછી, બાબેલોન નામના શહેરમાં જૂઠા ધર્મોની શરૂઆત થઈ હતી. આ ધર્મો લોકોને છેતરે છે અને જુલમ ગુજારે છે. થોડા જ સમયમાં ઈશ્વર આ સર્વ જૂઠા ધર્મોનો અચાનક નાશ કરશે.—પ્રકટીકરણ ૧૭:૧, ૨, ૫, ૧૬, ૧૭; ૧૮:૮ વાંચો.
ખરું કે દુનિયાના જૂઠા ધર્મોમાં એવા ઘણા લોકો છે, જેઓ દિલથી ભક્તિ કરવા માગે છે. તેઓને યહોવા ભૂલી ગયા નથી. તે એવા લોકોને સત્ય શીખવીને જૂઠા ધર્મોની બેડીઓમાંથી આઝાદ કરે છે. એ સાચે જ ખુશખબર છે!—મીખાહ ૪:૨, ૫ વાંચો.
૩. ઈશ્વરને ભજવા માંગતા લોકોએ શું કરવું જોઈએ?
યહોવાને એવા લોકોમાં રસ છે, જેઓને સત્ય જાણવું છે અને ભલું કરવું છે. યહોવા તેઓને જૂઠો ધર્મ છોડી દેવા અરજ કરે છે. ઈશ્વરને ચાહતા લોકો તેમને ખુશ કરવા ખોટાં કામો રાજીખુશીથી છોડી દે છે.—પ્રકટીકરણ ૧૮:૪ વાંચો.
પહેલી સદીમાં, નેકદિલ લોકોએ પ્રેરિતો પાસેથી બાઇબલનું શિક્ષણ સાંભળ્યું ત્યારે, તેઓએ રાજીખુશીથી એ સ્વીકાર્યું હતું. તેઓ યહોવા પાસેથી જીવનનો હેતુ અને સુંદર ભાવિની આશા વિષે શીખ્યા હતા. આમ, તેઓને સુખી જીવનનો નવો માર્ગ મળ્યો. તેઓ આજે આપણા માટે એક સારું ઉદાહરણ છે, કેમ કે તેઓએ ખુશખબર સ્વીકારીને યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખી હતી.—૧ થેસ્સાલોનીકી ૧:૮-૧૦; ૨:૧૩ વાંચો.
જૂઠા ધર્મોમાંથી નીકળી આવનારા લોકોને, યહોવા પોતાના ભક્તોથી બનેલા કુટુંબમાં આવકારે છે. જો તમે તેમનું ભાવભીનું આમંત્રણ સ્વીકારશો, તો તેમના મિત્ર બની શકશો. તેમના ભક્તોથી બનેલા પ્રેમાળ કુટુંબનો ભાગ બની શકશો અને હંમેશ માટે જીવવાની આશા પણ મેળવશો!—માર્ક ૧૦:૨૯, ૩૦; ૨ કોરીંથી ૬:૧૭, ૧૮ વાંચો.
૪. ઈશ્વર આખી ધરતી પર કઈ રીતે ખુશી લાવશે?
બહુ જલદી જ ઈશ્વર જૂઠા ધર્મોનો નાશ કરશે. એ પછી દુનિયામાં થતા દરેક જુલમથી છુટકારો મળશે. જૂઠા ધર્મો ફરી ક્યારેય કોઈને છેતરી નહિ શકે કે લોકોમાં ભાગલા પાડી નહિ શકે. ઈશ્વરના સર્વ ભક્તો હળીમળીને તેમની ભક્તિ કરશે.—પ્રકટીકરણ ૧૮:૨૦, ૨૧; ૨૧:૩, ૪ વાંચો.