વધારે માહિતી
છૂટાછેડા અને પતિ-પત્નીના અલગ થવા વિષે બાઇબલ શું કહે છે
યહોવા ચાહે છે કે પતિ-પત્ની લગ્નમાં એકબીજાને આપેલા વચનને વળગી રહે. યહોવાએ આદમ અને હવાને લગ્નના બંધનમાં જોડ્યા ત્યારે, આમ કહ્યું હતું: ‘માણસ પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે.’ ઈસુ ખ્રિસ્તે પણ એ જ શબ્દો ફરીથી જણાવીને ઉમેર્યું કે “એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (ઉત્પત્તિ ૨:૨૪; માથ્થી ૧૯:૩-૬) યહોવા અને ઈસુની નજરે લગ્ન જીવનભરનું બંધન છે. કોઈ એક સાથી મરણ પામે ત્યારે જ એનો અંત આવે છે. (૧ કરિંથી ૭:૩૯) લગ્ન પવિત્ર બંધન છે. એટલે છૂટાછેડા લેવાને સામાન્ય ગણી લેવું ન જોઈએ. હકીકતમાં, બાઇબલમાં જણાવેલા કારણ વગર લીધેલા છૂટાછેડાને યહોવા ધિક્કારે છે.—માલાખી ૨:૧૫, ૧૬.
બાઇબલ પ્રમાણે ફક્ત એક જ કારણે છૂટાછેડા લઈ શકાય, એ છે વ્યભિચાર. વ્યભિચાર અને કુંવારા લોકોના જાતીય સંબંધોને યહોવા ધિક્કારે છે. (ઉત્પત્તિ ૩૯:૯; ૨ શમુએલ ૧૧:૨૬, ૨૭; ગીતશાસ્ત્ર ૫૧:૪) યહોવાની નજરમાં વ્યભિચાર એટલું ઘોર પાપ છે કે ફક્ત એના આધારે જ તે છૂટાછેડા લેવાની રજા આપે છે. (વ્યભિચાર એટલે શું, એ વિષે પ્રકરણ ૯, ફકરા ૭માં વધારે જણાવ્યું છે.) નિર્દોષ પતિ કે પત્નીને યહોવા એ નિર્ણય લેવાનો હક્ક આપે છે કે તે વ્યભિચાર કરનાર પોતાના સાથી સાથે રહેશે કે તેને છૂટાછેડા આપશે. (માથ્થી ૧૯:૯) જો નિર્દોષ સાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લે, તો યહોવાની નજરે એ માન્ય છે. પરંતુ, મંડળ કોઈને પણ છૂટાછેડા લેવા ઉત્તેજન આપતું નથી. અમુક સંજોગોમાં કદાચ નિર્દોષ સાથી પોતાના બેવફા પતિ કે પત્ની સાથે રહેવાનું પસંદ કરે પણ ખરા. કદાચ તેમણે પોતાના સાથીને દિલથી પસ્તાવો કરતા જોયા હોય. જેઓ બાઇબલને આધારે છૂટાછેડા લઈ શકતા હોય, તેઓએ પોતે એ નિર્ણય લેવો પડશે કે છૂટાછેડા લેવા કે નહિ. એ નિર્ણયથી જે કંઈ પરિણામ આવે એ સ્વીકારવા પણ તેઓએ તૈયાર રહેવું પડશે.—ગલાતી ૬:૫.
સાથીએ વ્યભિચાર કર્યો ન હોય તોપણ, અમુક મુશ્કેલ સંજોગોમાં મંડળમાં કેટલાકે છૂટાછેડા લેવાનો કે અલગ થઈ જવાનો નિર્ણય લીધો છે. a પણ બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે આ કિસ્સામાં છૂટા થયેલા પતિ કે પત્નીએ ‘ફરીથી પરણવું નહિ, અથવા તો પોતાના લગ્નસાથી સાથે મેળાપ કરીને રહેવું.’ (૧ કરિંથી ૭:૧૧) તેઓને કોઈ બીજા સાથે લગ્ન કરવાની છૂટ નથી. (માથ્થી ૫:૩૨) હવે કેટલાક એવા મુશ્કેલ સંજોગોનો વિચાર કરીએ, જેના લીધે અમુકે લગ્નસાથીથી અલગ થઈ જવાનું યોગ્ય ગણ્યું છે.
જાણીજોઈને કુટુંબની સંભાળ ન રાખવી. પતિ કુટુંબની સંભાળ રાખી શકતો હોવા છતાં, એમ કરતો નથી. એના લીધે કુટુંબ કદાચ તંગીમાં આવી પડે. જીવન-જરૂરી વસ્તુઓના પણ ફાંફાં પડવા લાગે. બાઇબલ જણાવે છે: ‘જે માણસ પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું. તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.’ (૧ તિમોથી ૫:૮) જો આવો માણસ સુધરવા ચાહતો ન હોય, તો પત્નીએ કદાચ નિર્ણય લેવો પડે કે પોતાના અને બાળકોના ભલા માટે કાનૂની રીતે પતિથી અલગ થવું કે કેમ. કોઈ ભાઈ પર એવો આરોપ હોય કે તે કુટુંબની સંભાળ રાખતો નથી તો, મંડળના વડીલોએ એની પૂરી તપાસ કરવી જોઈએ કે એ આરોપ સાચો છે કે કેમ. પોતાના કુટુંબની જાણીજોઈને સંભાળ ન રાખનારને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવી શકે છે.
મારપીટ કરવી. પતિ કે પત્ની પોતાના લગ્નસાથીને એટલી હદે મારપીટ ગલાતી ૫:૧૯-૨૧.
કરે છે કે શરીરને ઇજા પહોંચે, અરે જીવન પણ જોખમમાં આવી પડે. જો યહોવાને ભજતી કોઈ વ્યક્તિ પર આવો આરોપ મૂકાયો હોય, તો તે ખરેખર મારપીટ કરે છે કે કેમ એ વિષે મંડળના વડીલોએ બરાબર તપાસ કરવી જોઈએ. જો કોઈ ભાઈ કે બહેન વારંવાર ગુસ્સે ભરાય કે નાની નાની વાતમાં હાથ ઉપાડે, તો તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવી શકે.—યહોવાની ભક્તિ કરતા અટકાવવું. પતિ કે પત્ની તેમના સાથી માટે યહોવાની ભક્તિ કરવાનું મુશ્કેલ બનાવી દે છે. અથવા કોઈ પણ રીતે યહોવાનો નિયમ તોડવા તેમના પર બળજબરી કરે છે. આવા કિસ્સામાં, મુશ્કેલીમાં આવી પડેલા લગ્નસાથીએ કાનૂની રીતે પોતાના પતિ કે પત્નીથી અલગ થઈ જવાનો નિર્ણય પણ લેવો પડે. ‘માણસોના કરતાં ઈશ્વરનું વધારે માનવા,’ કદાચ તેમની પાસે આ એક જ રસ્તો બચ્યો હોય.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
આવા કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ બહુ અઘરી બની જઈ શકે. એમાં કોઈએ પણ નિર્દોષ પતિ કે પત્નીને પોતાના લગ્નસાથીથી અલગ થઈ જવા કે તેની સાથે રહેવા દબાણ કરવું જોઈએ નહિ. ખરું કે મંડળના વડીલો કે અનુભવી મિત્રો તેઓને ટેકો આપી શકે છે અને બાઇબલમાંથી સલાહ આપી શકે છે. પરંતુ, પતિ-પત્ની વચ્ચે ખરેખર શું થયું છે એ તેઓ પૂરેપૂરું જાણી શકતા નથી. એ તો ફક્ત યહોવા જ જાણી શકે છે. પતિથી અલગ થવાના ઇરાદાથી જો પત્ની ઘરની તકલીફો વિષે રાઈનો પહાડ બનાવતી હોય, તો તે યહોવાને માન આપતી નથી. લગ્નની ગોઠવણને પણ તે માનયોગ્ય ગણતી નથી. પતિને પણ આ લાગુ પડે છે. જો પતિ કે પત્નીએ પોતાના સાથીથી અલગ થવા માટે આવું કોઈ કાવતરું ઘડ્યું હોય, તો તેઓ એને યહોવાથી છુપાવી નહિ શકે. હકીકતમાં, યહોવા ‘સમક્ષ આપણે તદ્દન ઉઘાડાં છીએ. તેમની આંખોથી કશું જ ગુપ્ત રહી શકતું નથી અને એક દિવસ આપણે આપણાં સર્વ કાર્યોનો હિસાબ તેમની સમક્ષ આપવો પડશે.’ (હિબ્રૂ ૪:૧૩, IBSI) પરંતુ, લાંબા સમયથી આવી અઘરી પરિસ્થિતિમાં રહેનાર પતિ કે પત્ની નાછૂટકે અલગ રહેવાનો નિર્ણય કરે, તો કોઈએ તેમનો વાંક કાઢવો ન જોઈએ. છેવટે તો “આપણને સર્વેને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.”—રોમનો ૧૪:૧૦-૧૨.
a આ સંજોગમાં અલગ થઈ જવાનો (સેપરેશન) અર્થ એ થાય કે પતિ અને પત્ની કાનૂની રીતે પરિણીત હોવા છતાં, એકબીજાથી અલગ રહે છે.